યુપીના શામલીમાં જિમ ટ્રેનર ચાંદની કુરેશીની જાળમાં ફસાઈને ઇસ્લામ કબૂલનાર આયુષ મલિકે કરી ઘરવાપસી: મંદિરમાં પૂજા-આરતી કરીને સ્વીકાર્યો હિંદુ ધર્મ

ઉત્તર પ્રદેશના શામલી જિલ્લામાંથી ઇસ્લામમાં ધર્માંતરિત થયેલ યુવકે પાછો હિંદુ ધર્મ અંગીકાર કરી લીધો છે. નોંધનીય છે કે મુસ્લિમ મહિલા જિમ ટ્રેનર ચાંદની કુરેશીએ આયુષ માલિકનું બ્રેઈનવોશ કરીને ઇસ્લામ સ્વીકારવા મજબૂર કર્યો હતો. સોમવારે 29 જૂનના રોજ પોતાના ઘરે પરત ફર્યા બાદ આયુષે એક વિડીયો મેસેજ જાહેર કરીને આ અંગેની જાહેરાત કરી છે.

વિડીયોમાં તેણે પોતાનાં માતા-પિતા અને પરિવારજનોની માફી માંગતા કહ્યું કે હવે તે પોતાના પરિવાર સાથે જ જીવન પસાર કરવા માંગે છે. ઘરે પહોંચ્યા બાદ આયુષે પોતાના ઘરના મંદિરમાં પૂજા-અર્ચના કરી હતી. તેણે ભગવાન હનુમાનને તિલક લગાવ્યું, દીવો પ્રગટાવ્યો અને આરતી કરી હતી. ત્યારબાદ માતાના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લીધા હતા. પરિવારનું કહેવું છે કે આયુષે કોઈ દબાણ વિના, પોતાની ઇચ્છાથી અને સંપૂર્ણ શ્રદ્ધા સાથે ફરીથી હિંદુ ધર્મ સ્વીકાર્યો છે.

જિમ ટ્રેનરે કર્યું હતું બ્રેઇનવોશ

આયુષ શામલીના દવાના વેપારી દેવરાજ મલિકનો એકમાત્ર પુત્ર છે. પરિવારના જણાવ્યા મુજબ લગભગ પાંચ વર્ષ પહેલા તેણે જિમ ટ્રેનર ચાંદની કુરેશી સાથે નિકાહ કર્યા હતા. ત્યારબાદ તેણે ઇસ્લામ સ્વીકારી પોતાનું નામ મોહમ્મદ અલી રાખ્યું હતું. પરિવારનો આરોપ છે કે ધર્માંતરણ બાદ આયુષ પરિવારથી દૂર થઈ ગયો હતો, નમાજ અદા કરતો હતો, દાઢી રાખતો હતો અને ટોપી પહેરતો હતો.

પરિવારે આરોપ લગાવ્યો છે કે ચાંદની કુરેશી અને તેના સંપર્કમાં રહેલા કેટલાક લોકોએ આયુષનું બ્રેઇનવોશ કરીને ધર્માંતરણ કરાવ્યું હતું. દેવરાજ મલિકનો દાવો છે કે આ સમગ્ર મામલો માત્ર ધર્માંતરણનો નહીં પરંતુ તેમની સંપત્તિ પર કબજો જમાવવાના ષડયંત્ર સાથે પણ જોડાયેલો હતો. તેમના કહેવા મુજબ આયુષને ‘લવ ટ્રેપ’માં ફસાવી ધીમે-ધીમે પરિવારથી અલગ કરવામાં આવ્યો હતો.

દેવરાજ મલિકની ફરિયાદ પર 11 લોકો વિરુદ્ધ FIR  

દેવરાજ મલિકની ફરિયાદના આધારે પોલીસે શહેર પોલીસ સ્ટેશનમાં ચાંદની કુરેશી, તેના અબ્બા ઇસ્લામ કુરેશી તેમજ ત્રણ મૌલાનાઓ સહિત કુલ 11 લોકો સામે FIR નોંધી છે. તપાસ દરમિયાન પોલીસે ચાંદની કુરેશી અને તેના અબ્બાની ધરપકડ પણ કરી છે. હાલમાં સમગ્ર કેસની તપાસ ચાલુ છે અને પોલીસ અન્ય આરોપીઓની ભૂમિકા પણ તપાસી રહી છે.