રાજ્યમાં 8 નવી સ્માર્ટ GIDC બનશે, 3,611 એકરમાં વિકસશે ઔદ્યોગિક એસ્ટેટ્સ: વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કૉન્ફરન્સમાં સીએમ ભૂપેન્દ્ર પટેલની જાહેરાત

ગુજરાતને રોકાણ, ઔદ્યોગિક વિકાસ અને રોજગાર ક્ષેત્રે વધુ મજબૂત બનાવવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડોદરામાં યોજાયેલી વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કૉન્ફરન્સની ચોથી આવૃત્તિ દરમિયાન રાજ્યમાં 8 નવી GIDC (ગુજરાત ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન) સ્થાપવાની જાહેરાત કરી છે. આ નવી સ્માર્ટ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ્સનો મુખ્ય હેતુ રોકાણ, ટકાઉ વિકાસ અને રોજગાર ક્ષેત્રે ગુજરાતની વિશ્વસનીયતાને વૈશ્વિક સ્તરે વધુ મજબૂત કરવાનો છે.

સરકારના આયોજન મુજબ રાજ્યના જુદા-જુદા 5 જિલ્લાઓમાં કુલ 3,611 એકર જેટલી જમીન પર આ આધુનિક અને સ્માર્ટ ઔદ્યોગિક વસાહતોનું નિર્માણ કરવામાં આવશે. આ પ્રોજેક્ટ અંતર્ગત ખેડા, અમદાવાદ, પંચમહાલ, છોટાઉદેપુર અને ભાવનગર જિલ્લાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ તમામ વિસ્તારોમાં ઉદ્યોગો માટે સક્ષમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રોકાણ માટે એક શ્રેષ્ઠ તેમજ સાનુકૂળ વાતાવરણ પૂરું પાડવામાં આવશે, જેથી મધ્ય ગુજરાત સહિત સમગ્ર રાજ્યના ઔદ્યોગિક નકશાને નવો આયામ મળશે.

નવી જાહેર કરાયેલી GIDCની વિગતો જોઈએ તો ખેડા જિલ્લામાં સૌથી વધુ 4 નવી ઔદ્યોગિક વસાહતો આકાર લેશે. જેમાં મહીજ GIDCને 130.3 એકરમાં કઠલાલ તાલુકાના સરખેજ GIDCને 332.7 એકરમાં, મહુધા તાલુકાના મહિસા GIDCને 18.5 એકરમાં અને ગળતેશ્વર તાલુકાના અંઘાડી GIDCને 310.9 એકર વિસ્તારમાં વિકસાવવામાં આવશે. ખેડા જિલ્લાના આ વિવિધ તાલુકાઓમાં ઉદ્યોગો આવવાથી સ્થાનિક સ્તરે આર્થિક પ્રવૃત્તિઓ ઝડપી બનશે.

આ ઉપરાંત અન્ય ચાર જિલ્લાઓમાં પણ સ્માર્ટ એસ્ટેટ્સની સ્થાપના કરવામાં આવશે. જેમાં અમદાવાદ જિલ્લાના માંડલ ખાતે 515.2 એકરમાં GIDC બનશે. પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના નદીસર ખાતે 105.5 એકર, છોટાઉદેપુર જિલ્લાના જેતપુર પાવી તાલુકાના ઊંડવા ખાતે 247.1 એકર તેમજ ભાવનગર જિલ્લાના વલભીપુર તાલુકાના મોણપુર ખાતે સૌથી મોટી 1,950.7 એકર વિસ્તારમાં સ્માર્ટ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટનું નિર્માણ કરવાની જાહેરાત કરવામાં આવી છે.

રાજ્ય સરકારના જણાવ્યા મુજબ તમામ નવા સ્માર્ટ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ્સમાં ઉદ્યોગો માટે પ્લગ-એન્ડ-પ્લે સુવિધાઓ, સક્ષમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આધુનિક રસ્તાઓ, વીજળી, પાણી સહિતની જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. જેના પગલે રોકાણકારોને ઝડપથી ઉદ્યોગ શરૂ કરવામાં સરળતા રહેશે અને ઔદ્યોગિક પ્રોજેક્ટ્સના અમલીકરણમાં સમય અને ખર્ચ બંનેમાં ઘટાડો થશે.