
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સંબંધિત એક વાયરલ વિડીયો મામલે હવે નવો ઘટસ્ફોટ થયો છે. હરિયાણાની ગુરુગ્રામ પોલીસે બે શખ્સોની ધરપકડ કરીને દાવો કર્યો છે કે વિડીયો અંગે ખોટા ફોરેન્સિક અને સાયબર એનાલિસિસ રિપોર્ટ તૈયાર કરવાનું કાવતરું રચવામાં આવ્યું હતું. પોલીસે જણાવ્યું કે ડિજિટલ પુરાવાઓમાં ચેડાં કરીને સત્યને બદલવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
આ મામલો ત્યારે સામે આવ્યો જ્યારે હરિયાણાના ડિજિટલ ફોરેન્સિક અને સાયબર તપાસ સાથે સંકળાયેલા એક એક્સપર્ટ જસપ્રીત સિંઘે ફરિયાદ નોંધાવી. તેમના જણાવ્યા મુજબ પંજાબ સરકારના ઉચ્ચ અધિકારીઓ તરીકે ઓળખ આપનારા કેટલાક લોકોએ તેમની પાસે એવો રિપોર્ટ તૈયાર કરાવવા દબાણ કર્યું હતું, જેમાં વાયરલ વિડીયોમાં દેખાતી વ્યક્તિ ભગવંત માન નથી તેવું અને વિડીયો ખોટો હોવાનું જણાવવામાં આવે. જસપ્રીતે દાવો કર્યો કે તેમને આ માટે ₹10 લાખની લાંચ પણ આપવામાં આવી હતી.
બે આરોપીઓની ધરપકડ
ફરિયાદના આધારે ગુરુગ્રામ પોલીસે ટેક્નિકલ તપાસ શરૂ કરી. દરમ્યાન ડિજિટલ પુરાવાઓની પણ ચકાસણી કરવામાં આવી અને નાણાકીય વ્યવહારોની તપાસ પણ શરૂ કરવામાં આવી. પ્રાથમિક તપાસ બાદ પોલીસે ગુરુગ્રામથી સિરસાના અરુણ મહેન્દ્ર અને અંકિત નામક બે યુવકોની ધરપકડ કરી લીધી. પોલીસ હવે આ સમગ્ર કાવતરામાં સામેલ અન્ય લોકોની ઓળખ, નાણાંના વ્યવહાર અને ડિજિટલ પુરાવાઓમાં થયેલા સંભવિત ચેડાંની તપાસ કરી રહી છે.
જસપ્રીત સિંઘે આરોપ લગાવ્યો છે કે કેટલાક ડ્રાફ્ટ રિપોર્ટ વોટ્સએપથી મોકલવામાં આવતા હતા અને તેમની સૂચના મુજબ તેમાં ફેરફારો કરવામાં આવતા હતા. તેમણે એવો પણ દાવો કર્યો કે બે અલગ-અલગ ખાનગી લેબોરેટરી પાસેથી વિડીયો AI દ્વારા બનાવવામાં આવ્યો હોવાનું દર્શાવતા રિપોર્ટ તૈયાર કરાવવામાં આવ્યા હતા.
એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે પંજાબ પોલીસના ડીઆઈજી અને એસપી કક્ષાના અધિકારીઓએ હોટેલમાં બેઠક કરીને ફોરેન્સિક એક્સપર્ટ જસપ્રીત સિંઘને મુખ્યમંત્રીના બચાવમાં વિડીયો ફેક હોવાનો ખોટો રિપોર્ટ તૈયાર કરવા દબાણ કર્યું હતું. જેના માટે જસપ્રીતને બળજબરીથી ₹10 લાખ રોકડા આપવામાં આવ્યા હતા, જેમાંથી તેણે સાયબર એક્સપર્ટ અંકિતને ઓનલાઈન પેમેન્ટ કર્યું, ₹2.5 લાખ પોતાના ખાતામાં જમા કરાવ્યા અને બાકીની રકમ હપ્તા તરીકે ચૂકવી દીધી હતી.
શું હતો સમગ્ર મામલો
આ સમગ્ર વિવાદની શરૂઆત એક વાયરલ વિડીયોથી થઈ હતી, જેમાં ભગવંત માન જેવો દેખાતો શખ્સ શીખ ગુરુઓની તસવીરો પર આલ્કોહોલ છાંટતો અને વાંધાજનક હરકતો કરતો જોવા મળે છે. વિડીયો બહાર આવ્યા બાદ અકાલ તખ્તે જાન્યુઆરી 2026માં ભગવંત માનને હાજર થવા માટે જણાવ્યું હતું. ત્યારે માને કહ્યું હતું કે વિડીયોમાં પોતે નથી. પરંતુ અકાલ તખ્તે ત્યારબાદ બે લેબોરેટરી પાસે તપાસ કરાવીને રિપોર્ટ માગ્યા હતા. તાજેતરમાં અકાલ તખ્તે કહ્યું કે બંને રિપોર્ટમાં વિડીયો સાચો હોવાનું પુરવાર થયું છે. ત્યારબાદ ભગવંત માનને ‘ગુરુ દોખી’ અને ‘ખાલસા પંથવિરોધી’ ઘોષિત કરવામાં આવ્યા હતા.
આ ઘટનાક્રમ બાદ આમ આદમી પાર્ટી અને ભગવંત માને આરોપો નકારીને વિડીયોમાં પોતે નથી તેવું રટણ ચાલુ રાખ્યું હતું. દરમ્યાન પંજાબ સરકારે બે ફોરેન્સિક રિપોર્ટ બહાર પાડીને વિડીયો ખોટો છે અને તેમાં ભગવંત માન નથી એવું જાહેર કર્યું. પરંતુ હવે આ રિપોર્ટ ફર્જી હોવાના આરોપ સાથે હરિયાણા પોલીસે કાર્યવાહી શરૂ કરી છે.

