ભારત સરકારે 22 જૂનના રોજ ગેઝેટ નોટિફિકેશન બહાર પાડીને ફોરેન કોન્ટ્રીબ્યુશન (રેગ્યુલેશન) એક્ટ એટલે કે FCRAના નિયમોને વધુ કડક બનાવ્યા છે. આ નવા સુધારાઓનો મુખ્ય ઉદ્દેશ્ય વિદેશથી આવતા નાણાંથી કરવામા આવતા ધર્માંતરણને રોકવાનો અને પારદર્શિતા લાવવાનો છે.
આ સુધારાની સૌથી મહત્વની બાબત એ છે કે સરકારે વિદેશી ફંડિંગ મેળવી શકતી ધાર્મિક પ્રવૃત્તિઓમાંથી ‘ધર્માંતરણ‘ને સંપૂર્ણપણે બહાર રાખી દીધું છે. એટલે કે, હવે ધર્માંતરણના હેતુ માટે વિદેશથી એક પણ રૂપિયો મેળવી શકાશે નહીં.
પૂર્વ-નિર્ધારિત યાદીમાંથી જ પસંદગી
નવા નિયમો મુજબ હવે વિદેશી ફંડ મેળવવા ઈચ્છતી સંસ્થાઓએ પોતાની પ્રવૃત્તિઓની પસંદગી સરકારે નક્કી કરેલી એક ચોક્કસ યાદીમાંથી જ કરવાની રહેશે. તેઓ પોતાની મરજીથી ગમે તે પ્રવૃત્તિ દર્શાવી શકશે નહીં. આ સિવાય હવે જે તે સંસ્થાએ અરજી કરતી વખતે જ સ્પષ્ટ જણાવવું પડશે કે તેઓ વિદેશી ફંડનો ઉપયોગ કયા રાજ્યો અથવા કેન્દ્રશાસિત પ્રદેશોમાં કરવાના છે. વિદેશી નાણાં ક્યાં ખર્ચાશે તેની ભૌગોલિક માહિતી આપવી હવે કાયદેસર રીતે ફરજિયાત બની ગઈ છે.
નવી કાયદાકીય જોગવાઈ મુજબ, ધાર્મિક શિક્ષણ, પ્રવચન, સત્સંગ, ધ્યાન શિબિરો (મેડિટેશન રીટ્રીટ) અને આદિવાસી કે સ્થાનિક પરંપરાગત આસ્થાઓના સંરક્ષણ માટે વિદેશી ફંડ મેળવવાની મંજૂરી આપવામાં આવી છે. પરંતુ શરત એ રહેશે કે આ પ્રવૃત્તિઓનો આડકતરો ઉપયોગ પણ ધર્માંતરણ માટે થવો જોઈએ નહીં.
રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ પર જ બધી વિગતો અંકિત થશે
નોંધનીય છે કે અગાઉ સંસ્થાઓ માત્ર ‘ધાર્મિક પ્રવૃત્તિ’ જેવી વ્યાપક શ્રેણી બતાવીને રજીસ્ટ્રેશન મેળવી લેતી હતી. હવે સંસ્થાના રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ પર જ તેની માન્ય પ્રવૃત્તિઓ અને કયા વિસ્તારમાં કામ કરવાનું છે તેની વિગતો સ્પષ્ટપણે છાપવામાં આવશે.
સરકારે બહાર પાડેલી સૂચિમાં 16 ચોક્કસ હેતુઓ દર્શાવ્યા છે. આ અંતર્ગત મંદિર, મસ્જિદ, ચર્ચ, ગુરુદ્વારા, મઠ વગેરે જેવા સ્થળોના નિર્માણ, નવીનીકરણ (રીનોવેશન) અને જાળવણી માટે વિદેશી ફંડ મેળવી શકાશે. આ ઉપરાંત પવિત્ર ધાર્મિક ગ્રંથોનું છાપકામ કે અનુવાદ કરવા, યાત્રાળુઓ માટે સુવિધાઓ ઊભી કરવા, ધર્મશાળાઓ ચલાવવા, સામૂહિક રસોડા (લંગર/ભંડારા) ચલાવવા અને ભક્તિ સંગીતના પ્રમોશન માટે વિદેશી નાણાંનો ઉપયોગ કરવાની છૂટ ચાલુ રહેશે.
આદિવાસી પરંપરાઓના નામે છેતરપિંડી અટકશે
ઘણીવાર એવું પણ સામે આવી ચૂક્યુ છે કે સ્થાનિક અને આદિવાસી સંસ્કૃતિના રક્ષણના બહાને વિદેશી નાણાં લાવીને ગરીબ આદિવાસીઓનું ધર્માંતરણ કરવામાં આવતું હોય. હવે સરકારે સ્પષ્ટ કર્યું છે કે આદિવાસી પરંપરાઓ અને વિધિઓના સંરક્ષણ માટે ફંડ લઈ શકાશે, પરંતુ તેની આડમાં ધર્માંતરણ કરાવી શકાશે નહીં.
ધાર્મિક ફિલસૂફીના અભ્યાસ, દસ્તાવેજીકરણ, પરસ્પર ઇન્ટરફેઇથ ડાયલોગ, વ્યસનમુક્તિ કેન્દ્રો અને કાઉન્સેલિંગ પ્રોગ્રામ માટે વિદેશી મદદ લઈ શકાશે, પરંતુ આવી સંસ્થાઓ પણ ધર્મ પરિવર્તનના કામમાં સામેલ ન હોવી જોઈએ. અહીં એ સમજવું જરૂરી છે કે આ નિયમ દેશમાં સામાન્ય રીતે થતા ધર્મ પરિવર્તનને રોકવા માટે નથી, પરંતુ તે માત્ર વિદેશી ભંડોળના નિયમન માટે છે. ગરીબ અને વંચિત પરિવારોને પૈસાની લાલચ આપીને કરાતા ધર્માંતરણ પાછળ વિદેશી એનજીઓના (NGOs) ફંડિંગ પર રોક લગાવવા આ પગલું લેવાયું છે.
પ્રવૃત્તિઓ અને ભૌગોલિક વિસ્તારો અગાઉથી જ સર્ટિફિકેટમાં નક્કી હોવાને લીધે સરકાર માટે તપાસ કરવી સરળ બનશે. જો કોઈ સંસ્થા નક્કી કરેલા રાજ્ય કે નક્કી કરેલા કામ સિવાય અન્ય જગ્યાએ પૈસા વાપરશે તો તેને તુરંત પકડી શકાશે અને કાયદેસરની કાર્યવાહી થશે. જે સંસ્થાઓ 2026ના આ નવા નિયમો આવ્યા પહેલાંથી જ FCRA હેઠળ રજીસ્ટર્ડ છે, તેમને સરકારે એક વર્ષનો સમય આપ્યો છે. આ એક વર્ષમાં તેમણે સરકારને જણાવવું પડશે કે તેઓ કયા ચોક્કસ હેતુઓ અને કયા રાજ્યો માટે પોતાનું રજીસ્ટ્રેશન ચાલુ રાખવા માંગે છે.
પ્રવૃત્તિ કે રાજ્ય ઉમેરવા માટે વધારાની ફી
જો કોઈ સંસ્થા પોતાના કાર્યક્ષેત્રમાં કોઈ નવો હેતુ કે નયું રાજ્ય ઉમેરવા માંગે છે તો તેણે ગવર્નિંગ બોડીના પ્રસ્તાવ સાથે સરકારને અરજી કરવી પડશે. હાલની ફીમાં માત્ર એક હેતુ અને એક રાજ્યની મંજૂરી મળશે, જ્યારે દરેક વધારાના હેતુ કે રાજ્ય માટે 300 રૂપિયાની વધારાની ફી ચૂકવવી પડશે.
સરકારે સંસ્થા ચલાવતા મુખ્ય હોદ્દેદારોની વ્યાખ્યા ઘણી વ્યાપક કરી દીધી છે. હવે કંપનીના ડાયરેક્ટર્સ, પેઢીના ભાગીદારો, ટ્રસ્ટીઓ, હિંદુ અવિભક્ત પરિવારના (HUF) કર્તા અને સંસ્થાનું સંચાલન કરતા તમામ મહત્વના વ્યક્તિઓ આ વ્યાખ્યા હેઠળ આવી જશે.
વિદેશી નાગરિકો પર પ્રતિબંધ
નવા નિયમ પ્રમાણે જો કોઈ સંસ્થામાં ભારતીય મૂળના ન હોય તેવા વિદેશી નાગરિકો મુખ્ય હોદ્દા પર હશે તો તેવી સંસ્થાને સામાન્ય સંજોગોમાં વિદેશી ફંડ મેળવવાનું રજીસ્ટ્રેશન કે મંજૂરી આપવામાં આવશે નહીં. જોકે, ખાસ કિસ્સાઓમાં સરકાર અલગથી શરતો સાથે મંજૂરી આપી શકે છે.
નિષ્ક્રિય (ઇન-એક્ટિવ) રહેતા એનજીઓ લાયસન્સ પકડી રાખી ન શકે તે માટે સરકારે નવો નિયમ બનાવ્યો છે. રજીસ્ટ્રેશન રીન્યુ કરાવવા કે કેન્સલેશનથી બચવા માટે સંસ્થાએ છેલ્લા બે નાણાકીય વર્ષમાં પોતાના નક્કી કરેલા સામાજિક કાર્યો પાછળ ઓછામાં ઓછા 10 લાખ રૂપિયા વિદેશી ફંડમાંથી ખર્ચ્યા હોવા જરૂરી છે.
હપ્તા વાઈઝ ફંડિંગનુ વેરિફિકેશન
જે સંસ્થાઓને ચોક્કસ પરવાનગી હેઠળ હપ્તાવાર વિદેશી નાણાં મળે છે, તેમને બીજો કે તે પછીનો હપ્તો ત્યારે જ મળશે જ્યારે તેમણે અગાઉના હપ્તાના ઓછામાં ઓછા 75 ટકા નાણાં વાપરી લીધા હોય. આ ઉપરાંત સરકાર આગળનો હપ્તો આપતા પહેલા જમીની સ્તરે (Field Inquiry) તપાસ પણ કરશે.
હવે એનજીઓએ પોતાની સત્તાવાર વેબસાઈટ અને સોશિયલ મીડિયા એકાઉન્ટ્સની વિગતો સરકારને આપવી પડશે. જો નાણાં કોઈ મધ્યસ્થી (Intermediary Remittance/Donor Advised Funds) દ્વારા આવ્યા હોય તો મૂળ પૈસા આપનાર અસલી દાતાનું (Ultimate Donor) નામ અને સરનામું પણ જાહેર કરવું પડશે.
નવા નિયમો હેઠળ એનજીઓ કે તેના હોદ્દેદારો કોઈ સમાચારનું પ્રકાશન કે પ્રસારણ કરી શકશે નહીં. આ કડક નિયમો આવવાના થોડા દિવસો પહેલાં જ અમેરિકી સાંસદોએ આ અંગે ચિંતા વ્યક્ત કરી હતી કે આનાથી ખ્રિસ્તી અને અન્ય સંગઠનોના કામ પર અસર પડી શકે છે, પરંતુ ભારત સરકારે દેશના હિત અને પારદર્શિતાને સર્વોપરી રાખીને આ નિયમો લાગુ કરી દીધા છે.


