
ઉત્તર પ્રદેશના પાટનગર લખનઉના અલીગંજ વિસ્તારના એક કમર્શિયલ કોમ્પ્લેક્સમાં સોમવારે (22 જૂન) આગ ફાટી નીકળી હતી, જેમાં 15 વ્યક્તિઓનાં મોત થયાં છે. મૃતકોની ઉંમર 20થી 24 વર્ષની વચ્ચે હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. કોમ્પ્લેક્સમાં કોચિંગ સેન્ટર અને ગેમિંગ ઝોન, પેટ શૉપ વગેરે કમર્શિયલ એકમો આવેલાં હતાં. આગ કોચિંગ સેન્ટરમાં લાગી હોવાનું કહેવાય છે.
સોમવારે બપોરના સમયમાં કોમ્પ્લેક્સમાં આગ ફાટી નીકળી હતી, જે ઝડપથી ફેલાઈ ગઈ, જેના કારણે અફરાતફરી મચી ગઈ. બહાર નીકળવાનો માર્ગ બંધ થઈ જતાં અંદર ઘણા લોકો ફસાઈ ગયા, જેમાંથી અમુક જીવ બચાવવા માટે ઉપરથી ઝંપલાવ્યું હતું. એક યુવક જીવ બચાવવા માટે નીચે કૂદી પડ્યો, તેને ઈજા પહોંચી હતી. નીચે ઉભેલા લોકો તેની મદદ કરતા જોવા મળ્યા. ત્યારબાદ તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
#LucknowFire | A massive fire broke out at a coaching centre in Aliganj, Lucknow, with students seen jumping from the building.@MANMOHAN_RAI24 and Shubham decode #PlainSpeak #Aliganj #Lucknow | @ShivaniGupta_5 pic.twitter.com/1G1IgE6YSr
— News18 (@CNNnews18) June 22, 2026
આગ લાગતાં તાત્કાલિક ફાયર વિભાગને અને પોલીસને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ આપાતકાલીન સેવાઓ સ્થળ પર પહોંચી અને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ શરૂ કરવામાં આવ્યો. બીજી તરફ ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે બચાવકાર્ય પણ શરૂ કરાયું.
અમુક લોકોને બચાવી પણ લેવાયા, અમુકને ઈજા પહોંચી. 15ને ન બચાવી શકાયા. લખનૌના ટ્રોમા સેન્ટરના ચીફ મેડિકલ સુપ્રિટેન્ડન્ટે 15 મૃત્યુની પુષ્ટિ કરી છે.
ઘટના બાદ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પોતાના તમામ કાર્યક્રમો રદ કરીને લખનૌ પરત ફર્યા હતા. તેમણે વરિષ્ઠ અધિકારીઓને તાત્કાલિક સ્થળ પર પહોંચવા માટે અને રાહત-બચાવકાર્ય પર દેખરેખ રાખવા માટે સૂચના આપી છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે. પીએમઓ તરફથી મૃતકોના પરિજનો અને ઈજાગ્રસ્તોને સહાય આપવાની ઘોષણા કરવામાં આવી છે. રાજ્ય સરકારે પણ મદદનું આશ્વાસન આપ્યું છે.
ઉત્તર પ્રદેશના ઉપમુખ્યમંત્રી બ્રિજેશ પાઠક પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને રાહત-બચાવ કાર્યોનું નિરીક્ષણ કર્યું હતું.
આ લખાય રહ્યું છે ત્યારે આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. હાલ કુલિંગ ઑપરેશન ચાલી રહ્યું છે જેથી આગ ફરી ભડકવાની સંભાવના ન રહે.
હાલ લખનઉ પ્રશાસન રાહત-બચાવકાર્ય પર ધ્યાન આપી રહ્યું છે. ત્યારબાદ સમગ્ર મામલાની તપાસ કરવામાં આવશે.

