
સુરતના ચર્ચાસ્પદ નાસિરનગર ડિમોલિશન મામલે આખરે સુરત મહાનગરપાલિકાના (SMC) કમિશનર એમ. નાગરાજનું નિવેદન સામે આવ્યું છે. છેલ્લા 22 દિવસથી ડિમોલિશન કાર્યવાહી અંગે અનેક સવાલો અને વિવાદો વચ્ચે કમિશનરે સ્પષ્ટ કર્યું છે કે નાસિરનગર વિસ્તારમાં થયેલી કાર્યવાહી સુરત મહાનગરપાલિકા દ્વારા જ હાથ ધરવામાં આવી હતી.
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વિડીયોમાં કમિશનર એમ. નાગરાજે જણાવ્યું કે સેન્ટ્રલ ઝોન દ્વારા સત્તાવાર ડિમાર્કેશન અને લાઇનદોરીની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું કે સમગ્ર કાર્યવાહી નિયમો અને નિર્ધારિત પ્રશાસનિક પ્રક્રિયા અનુસાર હાથ ધરવામાં આવી હતી.
કમિશનરના નિવેદન મુજબ ડિમોલિશન દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે મનપા દ્વારા પોલીસ બંદોબસ્તની પણ માંગ કરવામાં આવી હતી. આ નિવેદન બાદ છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે પ્રથમ વખત મનપા તરફથી સત્તાવાર સ્થિતિ સ્પષ્ટ થઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે નાસિરનગર ડિમોલિશન મામલો છેલ્લા કેટલાક અઠવાડિયાથી ભારે ચર્ચામાં રહ્યો છે. કાર્યવાહી કયા વિભાગે કરી હતી, કયા અધિકારીઓની ભૂમિકા હતી અને ડિમોલિશન પહેલાં જરૂરી પ્રક્રિયાનું પાલન કરવામાં આવ્યું હતું કે નહીં તેવા અનેક સવાલો ઉઠાવવામાં આવ્યા હતા.
જોકે, કમિશનરે મામલે વધુ વિગતો આપવાનો ઇનકાર કર્યો હતો. તેમણે જણાવ્યું કે સમગ્ર મુદ્દો હાલમાં ગુજરાત હાઇકોર્ટમાં વિચારાધીન છે અને તેથી આ તબક્કે વધુ ટિપ્પણી કરવી યોગ્ય ગણાતી નથી.
કમિશનરના નિવેદન બાદ એક બાબત સ્પષ્ટ થઈ છે કે નાસિરનગરમાં થયેલી ડિમોલિશન કાર્યવાહી સુરત મહાનગરપાલિકા દ્વારા જ હાથ ધરવામાં આવી હતી. જોકે કાર્યવાહી સંબંધિત અન્ય કાનૂની અને પ્રક્રિયાકીય મુદ્દાઓ પર અંતિમ સ્પષ્ટતા હવે હાઇકોર્ટની કાર્યવાહી બાદ જ સામે આવશે.

