‘ટેકનિકલ ખામી નહીં, ઉમેદવારે પોતાના લૉગિનથી જ કર્યું હતું સેન્ટર સિલેક્ટ’: નાગપુરના અબ્દુલ્લાહને NEET પરીક્ષા કેન્દ્ર તરીકે અબુ ધાબી મળવા મામલે NTAની સ્પષ્ટતા

નાગપુરના NEET-UG 2026ની પુનઃપરીક્ષાના ઉમેદવાર અબ્દુલ્લાહ મોહમ્મદ તલિબને પરીક્ષા કેન્દ્ર તરીકે અબુ ધાબી ફાળવવામાં આવ્યું હોવાનો મામલો NTAની ટેકનિકલ ખામીના કારણે નહીં, પરંતુ ઉમેદવારે પોતે જ પોતાના લૉગિન દ્વારા તે પસંદ કર્યું હતું, તેવી સ્પષ્ટતા નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ (NTA) શનિવારે (20 જૂન) કરી છે. NTAએ વિગતવાર નિવેદન જારી કરીને જણાવ્યું કે વેબ-એક્ટિવિટી રેકોર્ડ્સ દર્શાવે છે કે 18 વર્ષીય અબ્દુલ્લાહ મોહમ્મદ તાલિબે સિટી કરેકશન વિન્ડો દરમિયાન પોતાના રજિસ્ટર્ડ લૉગિન ક્રેડેન્શિયલ્સનો ઉપયોગ કરીને વિદેશી પરીક્ષા કેન્દ્ર પસંદ કર્યું હતું. જોકે હવે પરીક્ષાના એક દિવસ પહેલાં NTAએ તેનું પરીક્ષા કેન્દ્ર નાગપુરમાં બદલી આપ્યું છે.

X પર પોસ્ટ કરાયેલા સત્તાવાર નિવેદનમાં NTAએ જણાવ્યું હતું કે, “NTAના વેબ-એક્ટિવિટી રેકોર્ડ્સ દર્શાવે છે કે આ કેસમાં સિટી ચેન્જ ઉમેદવારના પોતાના રજિસ્ટર્ડ લૉગિન દ્વારા ઓપન કરેકશન વિન્ડો દરમિયાન કરવામાં આવ્યું હતું અને સમગ્ર પ્રક્રિયામાં એક જ યુઝર દ્વારા એક્સેસ કરવામાં આવ્યું હોવાનું જણાય છે.” એજન્સીએ વધુમાં જણાવ્યું હતું કે ઉમેદવારના લૉગિન દ્વારા એક વખત અબુ ધાબીને પરીક્ષા શહેર તરીકે પસંદ કરવામાં આવ્યું હતું અને અન્ય બે પ્રસંગે ફોર્મના પ્રિવ્યૂમાં પણ અબુ ધાબી દર્શાવવામાં આવ્યું હતું.

આ વિવાદ ત્યારે શરૂ થયો હતો જ્યારે અબ્દુલ્લાહ મોહમ્મદ તાલિબે 21 જૂને યોજાનારી NEET-UG 2026ની પુનઃપરીક્ષા માટેનું પ્રોવિઝનલ એડમિટ કાર્ડ ડાઉનલોડ કર્યું હતું. તેમાં મહારાષ્ટ્રના કોઈ કેન્દ્રને બદલે UAEના અબુ ધાબીમાં આવેલી ‘અબુ ધાબી ઇન્ડિયન સ્કૂલ’ પરીક્ષા કેન્દ્ર તરીકે દર્શાવવામાં આવી હતી. એડમિટ કાર્ડમાં સ્કૂલનું સરનામું સલામા બિન્ત બુત્તી સ્ટ્રીટ, 23મો મુરુર રોડ, અબુ ધાબી, UAE તરીકે આપવામાં આવ્યું હતું.

વિદ્યાર્થીના પરિવારજનોએ દાવો કર્યો હતો કે અરજી અને કરેકશન પ્રક્રિયા દરમિયાન તેમણે માત્ર નાગપુર, વર્ધા અને ભંડારા શહેરોને જ પ્રાથમિકતા આપી હતી. તેમણે આશ્ચર્ય વ્યક્ત કરતા કહ્યું હતું કે વિદ્યાર્થી પાસે પાસપોર્ટ પણ નથી, જેથી આટલા ટૂંકા સમયમાં UAE જવું અશક્ય હતું. પરિવારજનોએ 19 જૂનની રાત્રે NTA હેલ્પલાઇનનો સંપર્ક કર્યો હતો અને આ મુદ્દો જાહેરમાં પણ ઉઠાવ્યો હતો, જેના કારણે પુનઃપરીક્ષા પહેલાં વિદ્યાર્થીઓમાં ચિંતા અને મીડિયા કવરેજ વધ્યું હતું.

શરૂઆતના અહેવાલોમાં આ ઘટનાને NTAની ‘ટેકનિકલ ખામી’ તરીકે વર્ણવવામાં આવી હતી. NTAએ પણ પરિવારને ખાતરી આપી હતી કે સમસ્યાનો ઉકેલ લાવવામાં આવશે અને નાગપુરના પરીક્ષા કેન્દ્ર સાથે નવું એડમિટ કાર્ડ જારી કરવામાં આવશે. મહારાષ્ટ્રના કેટલાક રાજકીય નેતાઓ અને વિપક્ષી આગેવાનોએ પણ આ મુદ્દો ઉઠાવ્યો હતો, જેના કારણે સોશિયલ મીડિયા પર આ મામલો વધુ ચર્ચામાં આવ્યો હતો.

વિદ્યાર્થીના પિતાએ જણાવ્યું હતું કે જ્યારે તેમને આ બાબતની જાણ થઈ ત્યારે તેમણે હેલ્પલાઇન પર ફોન કર્યો હતો. ત્યારબાદ તેમને ઈમેલ દ્વારા સમસ્યાની વિગતો મોકલવા કહેવામાં આવ્યું હતું. ઈમેલ મોકલ્યા બાદ તેમને NTA તરફથી ફોન આવ્યો હતો અને ખાતરી આપવામાં આવી હતી કે તેમના પુત્રને યોગ્ય પરીક્ષા કેન્દ્ર સાથે નવું એડમિટ કાર્ડ આપવામાં આવશે. તેમણે એમ પણ કહ્યું હતું કે શરૂઆતમાં ત્રણ શહેરોની પસંદગી આપવામાં આવી હતી, પરંતુ ઘટનાથી વિદ્યાર્થી આઘાતમાં હોવાથી અને અન્ય જિલ્લામાં જવા માટે સમય ન હોવાથી તેમણે નાગપુર કેન્દ્રની જ માંગ કરી હતી.

મામલો મીડિયા ચર્ચામાં આવ્યા બાદ NTAએ X પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે ફરિયાદનું નિરાકરણ લાવવામાં આવી રહ્યું છે અને ઉમેદવારને નાગપુરમાં પરીક્ષા કેન્દ્ર ફાળવવામાં આવશે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ આ ઘટનાનો ઉલ્લેખ કરીને NTA અને મોદી સરકારની ટીકા કરી હતી. X પર કરેલી લાંબી પોસ્ટમાં તેમણે લખ્યું હતું કે, “જે વ્યવસ્થા એક વિદ્યાર્થીને તેના પોતાના શહેરમાં પરીક્ષા કેન્દ્ર આપી શકતી નથી અને તેને વિદેશ મોકલી દે છે, તેને આવી પરીક્ષા યોજવાનો કોઈ અધિકાર નથી.”

જોકે NTAએ સ્પષ્ટ કર્યું હતું કે પરીક્ષા કેન્દ્રની પસંદગી ઉમેદવાર દ્વારા જ કરવામાં આવી હતી, તેમ છતાં એજન્સીએ પોતાના ‘સ્ટુડન્ટ-ફર્સ્ટ એપ્રોચ’ પર ભાર મૂક્યો હતો. NTAએ જણાવ્યું હતું કે 19 જૂનની સાંજે, એટલે કે પરીક્ષાના માત્ર 48 કલાક પહેલાં અનૌપચારિક રજૂઆત મળ્યા બાદ અધિકારીઓએ તરત જ ઉમેદવારના પિતાનો સંપર્ક કર્યો હતો અને કેન્દ્ર નાગપુરમાં બદલી આપવાની પ્રક્રિયા પૂર્ણ કરી હતી.

NTAની સ્પષ્ટતા અનુસાર અબ્દુલ્લાહે સંભવતઃ ભૂલથી અબુ ધાબીને પરીક્ષા કેન્દ્ર તરીકે પસંદ કર્યું હતું અને ફોર્મનું પ્રિવ્યૂ જોતી વખતે પણ આ બાબત ધ્યાનમાં આવી નહોતી. એડમિટ કાર્ડ ડાઉનલોડ કર્યા પછી જ વિદ્યાર્થી અને તેના પરિવારને આ બાબતની જાણ થઈ હતી.

એજન્સીએ એ પણ જણાવ્યું હતું કે NEET-UG 2026ની પુનઃપરીક્ષાની તારીખ 21 જૂન નક્કી થયા બાદ પરીક્ષા શહેર બદલવાની વિન્ડો ફરીથી ખોલવામાં આવી હતી. અંદાજે 3.2 લાખ ઉમેદવારોએ આ સુવિધાનો ઉપયોગ કર્યો હતો અને તેમાંના 99.5 ટકાથી વધુ ઉમેદવારોને તેમની પસંદગીનું શહેર ફાળવવામાં આવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે NEET પરીક્ષા ભારત ઉપરાંત અનેક વિદેશી દેશોમાં પણ લેવામાં આવે છે. UAEમાં અબુ ધાબી, દુબઈ અને શારજાહ ઉપરાંત કુવૈત, કતાર, સાઉદી અરેબિયા, બહેરિન, ઓમાન, સિંગાપુર, મલેશિયા, થાઇલેન્ડ, શ્રીલંકા, નેપાળ અને નાઇજિરિયામાં પણ આ પરીક્ષા યોજાય છે.

NTAએ અંતમાં જણાવ્યું હતું કે કોઈપણ ઉમેદવાર માત્ર વહીવટી ગેરસમજના કારણે પરીક્ષા આપવાથી વંચિત ન રહી જાય તેની ખાતરી કરવી તેમની પ્રથમ પ્રાથમિકતા છે. નોંધનીય છે કે મે 2026માં યોજાયેલી મૂળ પરીક્ષામાં પેપર લીકના આરોપો બાદ હવે પુનઃપરીક્ષા કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે યોજવામાં આવી રહી છે.