‘હવે સમાજવાદી પાર્ટી પણ તૂટશે’: યુપીના મંત્રી ઓમપ્રકાશ રાજભરનો દાવો, કહ્યું– રામગોપાલ યાદવે અમિત શાહને ચિઠ્ઠી સોંપી, આખી સપા ભાજપમાં આવવા તૈયાર

પશ્ચિમ બંગાળ અને મહારાષ્ટ્રના અનુક્રમે તૃણમૂલ કોંગ્રેસ અને શિવસેના (UBT) સાંસદોના બળવા બાદ હવે ઉત્તર પ્રદેશ તરફ નજારો મંડાઈ છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે સમાજવાદી પાર્ટીના પણ અમુક સાંસદો પાર્ટી છોડશે. દાવો ઉત્તર પ્રદેશ સરકારમાં મંત્રી અને સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટીના પ્રમુખ ઓમપ્રકાશ રાજભરે કર્યો છે. તેમણે X પર એક પોસ્ટ કરીને દાવો કર્યો કે સમાજવાદી પાર્ટી તૂટવા જઈ રહી છે અને રામગોપાલ યાદવે જ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને ચિઠ્ઠી સોંપી દીધી છે.

ઓમપ્રકાશ રાજભરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરી ત્યારબાદ ન્યૂઝ એજન્સી ANI સાથેની વાતચીતમાં પણ આ જ વાતો કહી. તેમણે દાવો કર્યો છે કે સમાજવાદી પાર્ટીના ઘણા વરિષ્ઠ નેતાઓ વર્તમાન સમયમાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા માટે સંપૂર્ણ રીતે તૈયાર બેઠા છે. રાજભરના મતે ઉત્તર પ્રદેશમાં થનારી આ રાજકીય હલચલ અન્ય રાજ્યોના વિપક્ષી પક્ષોમાં ચાલી રહેલી કટોકટી કરતાં પણ ઘણી મોટી સાબિત થશે.

રાજભરે સમાજવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા અને રાજ્યસભા સાંસદ રામગોપાલ યાદવનો ઉલ્લેખ કરતાં દાવો કર્યો છે કે યાદવે ગૃહમંત્રી અમિત શાહને એક પત્ર લખ્યો છે. રાજભરના કહેવા પ્રમાણે આ પત્રમાં સમાજવાદી પાર્ટીના કેટલાક નેતાઓનાં નામ આપવામાં આવ્યાં છે અને વિનંતી કરવામાં આવી છે કે તેઓને ભાજપમાં સામેલ કરી લેવામાં આવે, જેથી કરીને બાકીના નેતાઓને સુરક્ષિત રાખી શકાય. જોકે, આ પત્ર અંગે રાજભરે કોઈ સત્તાવાર પુરાવા રજૂ કર્યા નથી.

આ સાથે જ રાજભરે સમાજવાદી પાર્ટી પર જૂના ભ્રષ્ટાચારના કેસોને લઈને પણ નિશાન સાધ્યું છે. તેમણે ઉત્તર પ્રદેશના માઇનિંગ કૌભાંડ અને ગોમતી રિવર ફ્રન્ટ કૌભાંડનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે, આ મામલાઓમાં ચાલી રહેલી તપાસનો ગાળિયો હવે કસાતો જઈ રહ્યો છે. CBIના માઇનિંગ કેસમાં અખિલેશ યાદવનું નામ સામે આવ્યા બાદ તપાસ એજન્સીઓના દબાણ અને ડરને કારણે સમાજવાદી પાર્ટીના નેતાઓમાં ભારે ગભરાટ અને બેચેની જોવા મળી રહ્યાં છે.

હાલમાં મહારાષ્ટ્રમાં શિવસેનાના (UBT) કેટલાક સાંસદો શિંદે જૂથમાં જોડાવાની અટકળો વચ્ચે દેશભરનું ધ્યાન ત્યાં કેન્દ્રિત છે, ત્યારે રાજભરે સ્પષ્ટ કર્યું છે કે હવે મહારાષ્ટ્ર કે બંગાળને ભૂલીને ઉત્તર પ્રદેશ તરફ જોવાની જરૂર છે, કારણ કે આગામી મોટો રાજકીય ભૂકંપ યુપીમાં આવવાનો છે. ઉલ્લેખનીય છે કે ઓમ પ્રકાશ રાજભરની પાર્ટી SBSP ઉત્તર પ્રદેશમાં ભાજપની આગેવાની હેઠળના NDA ગઠબંધનનો હિસ્સો છે. આ દાવાઓ સામે સમાજવાદી પાર્ટી તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા કે વળતો જવાબ આપવામાં આવ્યો નથી.