ઉદ્ધવ સેનાના સાંસદો પહોંચ્યા દિલ્હી, એકનાથ શિંદે સાથે કરશે મુલાકાત: લોકસભા સ્પીકરને પણ મળી શકે

શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે–UBT) ફરી એક વખત તૂટશે તેવા સમાચારો વચ્ચે પક્ષના અમુક સાંસદો દિલ્હી પહોંચ્યા હોવાના સમાચાર મળી રહ્યા છે. કુલ 9માંથી 6 લોકસભા સાંસદો હાલ સંપર્કવિહોણા બન્યા હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. આ સાંસદો દિલ્હીમાં લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા સાથે મુલાકાત કરશે, દરમ્યાન તેઓ એકનાથ શિંદે જૂથની શિવસેનામાં સામેલ થવા માટે આવેદન આપી શકે છે. તેઓ એકનાથ શિંદે સાથે પણ મુલાકાત કરશે તેમ જણાવવામાં આવી રહ્યું છે.

મીડિયા રિપોર્ટ અનુસાર શિવસેનાના (UBT) 9માંથી 6થી 7 સાંસદો શિંદે જૂથમાં સામેલ થવાની તૈયારીમાં છે. આ ઉપરાંત, પક્ષના 14થી 16 ધારાસભ્યો પણ ઉદ્ધવ ઠાકરેનો સાથ છોડે તેવી અટકળો ચાલી રહી છે. દિલ્હી પહોંચેલા સાંસદો શિવસેના સાંસદ અને એકનાથ શિંદેના પુત્ર શ્રીકાંત શિંદેના નિવાસસ્થાને બેઠક કરી શકે છે.

આ બધી ચર્ચાઓ વચ્ચે બુધવારે (17 જૂન) શિવસેનાના (UBT) સાંસદ અરવિંદ સાવંતે લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાને પત્ર લખીને પાર્ટીમાંથી અલગ પડતા કોઈ પણ જૂથને માન્યતા ન આપવા વિનંતી કરી છે. તેમણે દલીલ કરી છે કે બંધારણની દસમી અનુસૂચિમાં થયેલા સુધારા બાદ ‘સ્પ્લિટ’ એટલે કે પક્ષ વિભાજનની જોગવાઈ હવે અમલમાં નથી અને સાંસદોની માન્યતા મૂળ રાજકીય પક્ષ સાથે જ જોડાયેલી રહે છે. ઉપરાંત એમ પણ જણાવ્યું કે શિવસેનાના વિભાજનનો મુદ્દો હાલ સુપ્રીમ કોર્ટમાં છે એ પણ ધ્યાને લેવું જોઈએ.

બીજી તરફ, કેટલાક સાંસદોએ ભંગાણની અટકળોને નકારી કાઢી છે. મુંબઈ ઉત્તર-પૂર્વના સાંસદ સંજય દીના પાટીલ અને નાશિકના સાંસદ રાજાભાઉ વાજેએ જાહેર કર્યું છે કે તેઓ હજુ પણ ઉદ્ધવ ઠાકરેની સાથે છે. જોકે કેટલાક અન્ય સાંસદો સંપર્કમાં ન હોવાને કારણે રાજકીય અટકળો વધુ વેગ પકડી રહી છે.

ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલાં ઉદ્ધવ ઠાકરેએ પોતાના નિવાસસ્થાન ‘માતોશ્રી’ ખાતે તમામ 9 લોકસભા સાંસદોની બેઠક બોલાવી હતી, પરંતુ માત્ર 4 સાંસદો જ રૂબરૂ હાજર રહ્યા હતા. ત્યારથી પક્ષમાં સંભવિત બળવો અને નવાં રાજકીય સમીકરણોની ચર્ચાઓ તેજ બની છે. જો ખરેખર મોટી સંખ્યામાં સાંસદો અને ધારાસભ્યો શિંદે જૂથમાં જોડાય છે, તો મહારાષ્ટ્રની રાજનીતિમાં ફરી એક મોટો ફેરફાર જોવા મળી શકે છે.

આ પહેલાં જૂન 2022માં શિવસેના પાર્ટી તૂટી હતી અને એકનાથ શિંદે બળવો કરીને એકસાથે 54માંથી 40 ધારાસભ્યોને લઈને છૂટા પડી ગયા હતા. ત્યારબાદ તેમણે પાર્ટીનાં નામ-ચિહ્ન પર દાવો માંડ્યો હતો. ચૂંટણી પંચે પછીથી બે પાર્ટીઓને માન્યતા આપી હતી અને મૂળ પાર્ટીનાં નામ-ચિહ્ન શિંદેને આપ્યાં હતાં. હવે ચાર વર્ષ બાદ ફરી પાર્ટી તૂટી રહી છે.