હોમપેજદેશઅયોધ્યાના રામ મંદિરના દાનની રકમમાં કરોડોની ગેરરીતિના આરોપ, કર્મચારીઓ રડાર પર: ટ્રસ્ટની...

અયોધ્યાના રામ મંદિરના દાનની રકમમાં કરોડોની ગેરરીતિના આરોપ, કર્મચારીઓ રડાર પર: ટ્રસ્ટની ભલામણ પર સરકારે રચી SIT– વાંચો શું છે સમગ્ર મામલો

આરોપો બાદ ટ્રસ્ટની ભલામણ પર સરકારે રચી SIT, 15 દિવસમાં રિપોર્ટ સોંપશે. હાલ તપાસ ચાલી રહી છે. વાંચો આ સમગ્ર મામલો શું છે.

- Advertisement -

કરોડો હિંદુઓની આસ્થાનું કેન્દ્ર સમું અયોધ્યાનું રામ મંદિર હાલ વિવાદોમાં છે. કારણ છે અહીં લાગેલા દાનની રકમમાં ગોટાળાના આરોપ. છેલ્લા કેટલાક દિવસોથી દાનને લઈને લગાવવામાં આવેલા ગંભીર આરોપોએ ચર્ચા જગાવી છે અને વિપક્ષને રાજકારણ કરવાનો એક મુદ્દો પણ મળી ગયો છે. દાનપેટીઓમાંથી મળતી રકમમાં મોટાપાયે ગેરરીતિ થઈ હોવાના આરોપોની વિગતવાર તપાસ કરવા માટે ટ્રસ્ટની જ ભલામણ પર ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકારે એક વિશેષ તપાસ ટીમની (SIT) રચના કરી છે. હાલ SIT સમગ્ર મામલાની તપાસ કરી રહી છે.

આ સમગ્ર મામલો શું છે, કોણ શું કહી રહ્યું છે અને શું તપાસ ચાલી રહી છે, એ સમજીએ.

લગભગ દસેક દિવસ પહેલાં અયોધ્યામાં સ્થાનિક સ્તરે એવી ચર્ચાઓ શરૂ થઈ હતી કે રામ મંદિરને મળતા દાનની ગણતરીમાં ગેરરીતિઓ થઈ છે અને તેના માટે અમુક કર્મચારીઓને કડક સૂચના આપવામાં આવી છે. સ્થાનિક સ્તરે મુદ્દો ચર્ચામાં રહ્યા બાદ વિપક્ષ નેતા અને સમાજવાદી પાર્ટી પ્રમુખ અખિલેશ યાદવ પાસે પહોંચ્યો. અખિલેશે આ મુદ્દે X પર એક પોસ્ટ કરી દીધી અને સવાલો ઉઠાવ્યા, જેના કારણે મુદ્દો રાષ્ટ્રીય બની ગયો અને નેશનલ મીડિયામાં પણ તેની ચર્ચા થવા માંડી.

- Advertisement -

અખિલેશ યાદવે શું કહ્યું?

અખિલેશ યાદવે જાહેરમાં દાવો કર્યો કે રામ મંદિરમાં ભક્તો દ્વારા અપાયેલા કરોડો રૂપિયાના દાન અંગે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. તેમણે આરોપ લગાવ્યો કે દાનની રકમના હિસાબમાં ગેરરીતિ થઈ હોવાની ચર્ચાઓ ચાલી રહી છે અને આ મામલે નિષ્પક્ષ તપાસ થવી જોઈએ.

અખિલેશે કહ્યું, “સમસ્ત વિશ્વમાં ભગવાન રામના ઉપાસકો માટે એક અત્યંત સંવેદનશીલ સમાચાર છે કે ‘રામ મંદિર’ના ચઢાવાની કરોડોની રકમ ગાયબ હોવાનું જાણવા મળ્યું છે. આ મંદિર ટ્રસ્ટ માટે અત્યંત શરમજનક સ્થિતિ છે. કોઈ પણ સ્પષ્ટીકરણ આપવા માટે આગળ આવવા માગતું નથી. ન્યાયાલય સ્વતઃ સંજ્ઞાન લે તેવી માંગ છે કારણ કે આનો સીધો સંબંધ સમસ્ત સનાતની સમાજની પ્રભુ શ્રીરામમાં ઊંડી આસ્થા સાથે છે. સરકારનું મૌન સંદિગ્ધ છે.”

હવે એ સમજીએ કે રામ મંદિરમાં દાન સ્વીકારવાની શું પદ્ધતિ છે અને સમગ્ર મામલો કઈ રીતે બહાર આવ્યો.

રામ મંદિર પરિસરમાં દાન સ્વીકારવા અને તેની ગણતરી માટે ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવેલી છે. ગર્ભગૃહ અને દર્શન પથ પાસે આશરે 40 જેટલી દાનપેટીઓ રાખવામાં આવી છે. જેમાં ભક્તો તેમાં રોકડ રકમ ઉપરાંત અન્ય દાન પણ કરે છે. દરરોજ મોટી સંખ્યામાં લોકો આવતા હોવાથી દાનની રકમ પણ નોંધપાત્ર પ્રમાણમાં એકત્રિત થાય છે.

આ દાનપેટીઓમાંથી કાઢવામાં આવેલી રોકડ રકમને મંદિર પરિસરની અંદર જ આવેલા એક અત્યંત ‘ગોપનીય કક્ષ’માં લઈ જવામાં આવે છે, જ્યાં સામાન્ય લોકોનો પ્રવેશ સંપૂર્ણપણે વર્જિત હોય છે. ત્યાં દાનપેટીઓ ખોલીને તેમાં રહેલી રોકડ રકમ અલગ કરવામાં આવે છે. સમગ્ર પ્રક્રિયા સુરક્ષા વ્યવસ્થાઓ અને CCTV કેમેરાની દેખરેખ હેઠળ કરવામાં આવે છે.

દાનની ગણતરી કેવી રીતે થાય છે?

દાનની ગણતરી માટે સ્ટેટ બેન્ક ઑફ ઈન્ડિયાને (SBI) સત્તાવાર રીતે જવાબદારી સોંપવામાં આવી છે. SBIએ આ કામગીરી માટે એક ખાનગી એજન્સીની મદદ લીધી છે. દાનપેટીઓમાંથી નીકળેલી રકમની ગણતરી કર્યા બાદ નોટોનાં બંડલ તૈયાર કરવામાં આવે છે અને પછી બેન્કમાં જમા કરાવવામાં આવે છે.

દાનની ગણતરીની પ્રક્રિયામાં કુલ લગભગ 50 કર્મચારીઓ જોડાયેલા હોય છે. તેમાં 24 કર્મચારીઓ ખાનગી એજન્સીએ નિયુક્ત કર્યા છે, જેઓ દાનપેટીઓમાંથી નીકળેલી નોટોની ગણતરી કરીને તેના બંડલ તૈયાર કરે છે. આ ઉપરાંત ટ્રસ્ટના 12 કર્મચારીઓ તેમની કામગીરી પર સતત નજર રાખે છે અને સમગ્ર પ્રક્રિયાનું નિરીક્ષણ કરે છે.

ત્યારબાદ SBIના કર્મચારીઓ અને TCSની ઓડિટ તથા ટેકનિકલ ટીમના કુલ 14 સભ્યો તૈયાર આ બંડલોની ચકાસણી કરે છે અને બેન્કમાં જમા થનારી રકમની નોંધણી કરે છે. આ સમગ્ર પ્રક્રિયા CCTV કેમેરાની દેખરેખ હેઠળ કરવામાં આવે છે જેથી પારદર્શિતા અને સુરક્ષા જળવાઈ રહે.

કેટલાક કર્મચારીઓ પર કેવી રીતે ગઈ શંકા?

આ કડક વ્યવસ્થા હોવા છતાં દાનની ગણતરી સાથે જોડાયેલા અમુક કર્મચારીઓ આંતરિક મિલીભગત અને ચોરીની આશંકાના કારણે હાલ તપાસ એજન્સીઓના રડાર પર આવ્યા છે. પ્રાથમિક અંદાજો અનુસાર આ ગેરરીતિ ₹200 કરોડની હોઈ શકે છે. છેલ્લાં 5 વર્ષમાં કેટલાક સામાન્ય વેતન મેળવતા કર્મચારીઓની જીવનશૈલીમાં આવેલો અચાનક બદલાવ શંકાનું મુખ્ય કારણ બન્યો છે.

આ કર્મચારીઓએ મોંઘી ગાડીઓ, આલીશાન મકાનો, ફાર્મ હાઉસ અને કરોડોની જમીનો ખરીદી હોવાનું સામે આવતાં તેઓ અન્ય સ્ટાફ અને મેનેજમેન્ટની નજરમાં આવ્યા હતા. આ શંકાસ્પદ કર્મચારીઓમાં મુખ્યત્વે ‘લવકુશ મિશ્રા’ નામનો કર્મચારી સામેલ છે, જે નોટોની ગણતરીની પ્રક્રિયા સાથે જોડાયેલો હતો અને પોલીસ સર્ચ દરમિયાન તેના ઘરેથી આશરે ₹10 લાખની રોકડ રકમ પણ મળી આવી હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.

આ ઉપરાંત, ટ્રસ્ટના સત્તાવાર પદાધિકારી ચંપત રાયના સહયોગી તરીકે ઓળખાતા રામશંકર ઉર્ફે ટિન્નુ યાદવ અને તેના ભત્રીજા મનીષ યાદવ પણ તપાસના દાયરામાં છે, જેમની પાસેથી લાખોની રોકડ અને કરોડોની ચલ-અચલ સંપત્તિ મળી હોવાની ચર્ચા છે. સોના-ચાંદીના દાગીના સંભાળતા કે.ડી તિવારી અને નોટ ગણતરી સ્ટાફના સભ્યો રાજેશ પાઠક તેમજ અનુકલ્પ મિશ્રાની બદલાયેલી લાઈફસ્ટાઈલ અને તાજેતરની જમીન ખરીદીઓને લઈને પણ પૂછપરછ ચાલી રહી છે.

શરૂઆતમાં ટ્રસ્ટે આરોપો નકાર્યા, પછીથી ટ્રસ્ટની ભલામણ પર સરકારે બનાવી SIT; કેન્દ્ર પણ રાખી રહ્યું છે નજર

જ્યારે આ આરોપો સોશિયલ મીડિયા અને મીડિયાના માધ્યમથી સપાટી પર આવ્યા ત્યારે શરૂઆતમાં શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે તમામ અહેવાલો નકારી કાઢ્યા હતા. તેમણે સ્પષ્ટતા કરી હતી કે ટ્રસ્ટ સમયાંતરે નિયમિત ઇન્ટર્નલ ઑડિટ કરાવે છે અને હાલ પણ ઑડિટ પ્રક્રિયા ચાલુ જ છે. ચંપત રાયે દાવો કર્યો હતો કે અત્યાર સુધીની તપાસમાં કોઈ મોટી ગેરરીતિ સામે આવી નથી અને આ માત્ર મંદિરની છબી ખરડાવવાનું એક ષડયંત્ર છે.

પરંતુ ત્યારબાદ સતત વધી રહેલા વિવાદ અને મામલાની ગંભીરતાને જોતાં ટ્રસ્ટના જ અન્ય સભ્યોએ એવી ભલામણ કરી કે ટ્રસ્ટની પોતાની તપાસ સામે ભવિષ્યમાં સવાલો ઊઠી શકે છે, તેથી કોઈ સરકારી એજન્સી દ્વારા નિષ્પક્ષ તપાસ થવી જરૂરી છે. પરિણામે વિવાદને શાંત કરવા અને દાનની પવિત્રતા જાળવી રાખવા માટે ટ્રસ્ટની સત્તાવાર વિનંતી અને ભલામણ બાદ ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકારે હાઈલેવલ SITની રચના કરવાનો નિર્ણય લીધો હતો.

આ સિવાય કેન્દ્ર સરકાર પણ સમગ્ર ઘટનાક્રમ પર સીધી નજર રાખી રહી છે. મીડિયા રિપોર્ટ અનુસાર SITના ગઠન પહેલાં જ કેન્દ્ર સરકારના નિર્દેશ પર એક વરિષ્ઠ IPS અધિકારી વિશેષ વિમાનથી અયોધ્યા પહોંચ્યા હતા અને તેમણે સમગ્ર મામલાનો પ્રારંભિક રિપોર્ટ તૈયાર કરીને સીધો જ કેન્દ્ર સરકારને મોકલ્યો હતો. આ ઉપરાંત રામ મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રા પણ આ વિવાદ અંગે કેન્દ્રને તમામ માહિતી પહોંચાડી રહ્યા હોવાનું કહેવાય છે.

હાલની સ્થિતિની વાત કરીએ તો, લખનૌના ડિવિઝનલ કમિશનર વિજય વિશ્વાસ પંતના (IAS) નેતૃત્વમાં બનેલી 3 સભ્યોની આ SIT મામલાની તપાસ કરી રહી છે. તેમની સાથે CBIનો પૂર્વ અનુભવ ધરાવતા આઈજી કિરણ એસ. (IPS) અને નાણા વિભાગના વિશેષ સચિવ નીલરતન કુમાર પણ સામેલ છે, જેથી આ મામલાની કાયદાકીય, ગુનાહિત અને નાણાકીય (ઑડિટ) એમ ત્રણેય પાસાંથી ઝીણવટભરી તપાસ થઈ શકે.

SIT હાલ શું તપાસી રહી છે?

SITએ પોતાની તપાસ દરમિયાન દાનપેટીઓ ખોલવાની પ્રક્રિયા, નોટોની ગણતરી, બેન્કમાં જમા થતી રકમ, કર્મચારીઓની હાજરી અને સુરક્ષા વ્યવસ્થા વગેરે બાબતોની ચકાસણી શરૂ કરી છે. ટીમ મંદિર પરિસરની મુલાકાત લઈને વિવિધ વિભાગોના કર્મચારીઓની પૂછપરછ પણ કરી રહી છે.

આ ઉપરાંત CCTV ફૂટેજ, કર્મચારીઓના એન્ટ્રી-એક્ઝિટ રેકોર્ડ, દાન સંબંધિત દસ્તાવેજો અને નાણાકીય નોંધપોથીની પણ તપાસ થઈ રહી છે. તપાસ અધિકારીઓ જાણવા માંગે છે કે દાનની રકમની ગણતરીથી લઈને બેન્કમાં જમા થવા સુધીની સમગ્ર પ્રક્રિયામાં ક્યાંય કોઈ ખામી રહી હતી કે નહીં.

વર્તમાન સમયમાં રામ મંદિર ટ્રસ્ટના કર્મચારીઓ અને બેન્ક સ્ટાફની સતત પૂછપરછ ચાલી રહી છે. આ તપાસ દરમિયાન પોલીસ અને અન્ય સુરક્ષા એજન્સીઓએ શંકાસ્પદ કર્મચારીઓ પાસેથી અત્યાર સુધીમાં આશરે ₹2 કરોડ જેટલી રોકડ રકમ, મોંઘી ગાડીઓ અને આઈફોન વગેરે જપ્ત કર્યા હોવાના અહેવાલો છે.

મંદિરને કેટલું દાન મળે છે?

રામ મંદિર દેશના સૌથી વધુ દાન મેળવનારા ધાર્મિક સ્થળોમાંનું એક બની રહ્યું છે. ટ્રસ્ટના અગાઉના નાણાકીય અહેવાલો મુજબ, મંદિરને એક જ નાણાકીય વર્ષમાં સેંકડો કરોડ રૂપિયાની આવક થઈ હતી. તેમાં દાનનો હિસ્સો પણ ખૂબ મોટો હતો. મોટા પ્રમાણમાં આવતું દાન અને લાખો શ્રદ્ધાળુઓની આસ્થને કારણે દાન વ્યવસ્થામાં પારદર્શિતા જળવાઈ રહે તે અત્યંત મહત્વપૂર્ણ બની જાય છે.

હાલ સમગ્ર મામલો SITની તપાસ હેઠળ છે. તપાસ ટીમ વિવિધ દસ્તાવેજો, કર્મચારીઓ અને નાણાકીય વ્યવહારોની ચકાસણી કરી રહી છે. હજુ સુધી કોઈ અંતિમ નિષ્કર્ષ જાહેર થયો નથી. ટ્રસ્ટ ગેરરીતિના આરોપોને નકારી રહ્યું છે, સરકાર તપાસના પરિણામની રાહ જોઈ રહી છે. સરકારે આ હાઈલેવલ સમિતિને સમગ્ર મામલાની ઊંડી તપાસ કરીને આગામી 15 દિવસની અંદર પોતાનો વિગતવાર રિપોર્ટ સોંપવા માટેનો કડક આદેશ આપ્યો છે. સાત દિવસમાં એક વચગાળાનો રિપોર્ટ પણ સોંપવામાં આવશે.

બીજી તરફ, રામ મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાએ જણાવ્યું છે કે આ તપાસનો મુખ્ય હેતુ એ પણ છે કે દાન પ્રક્રિયાને હજુ વધુ સુરક્ષિત અને ડિજિટલ બનાવી શકાય, જેથી દેશ-વિદેશના કરોડો ભક્તોની આસ્થા અને ભરોસો અકબંધ રહે.

આગામી દિવસોમાં SIT પોતાની તપાસ પૂર્ણ કરીને રાજ્ય સરકારને વિગતવાર રિપોર્ટ સોંપશે. આ રિપોર્ટના આધારે જ નક્કી થશે કે ખરેખર કોઈ ગેરરીતિ થઈ હતી કે નહીં અને જો થઈ હોય તો તેમાં કોણ જવાબદાર છે. દેશભરના કરોડો શ્રદ્ધાળુઓની નજર પણ હવે SITની અંતિમ તપાસ અને તેનાં તારણો પર ટકેલી છે.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં