ગુજરાત સરકારે ‘વિકસિત ગુજરાતથી વિકસિત ભારત’ના વિઝન સાથે નવી ઔદ્યોગિક નીતિ (ઇન્ડસ્ટ્રીયલ પોલિસી) 2026 જાહેર કરી છે. રાજ્યને આગામી બે દાયકાના ઔદ્યોગિક અને આર્થિક વિકાસના નવા તબક્કામાં લઈ જવા માટે ઘડાયેલી આ નીતિમાં MSMEથી લઈને મેગા ઇન્ડસ્ટ્રીઝ, સ્ટાર્ટઅપ્સથી લઈને મહિલા ઉદ્યોગસાહસિકો, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટથી લઈને ગ્રીન ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ અને ભવિષ્યના ટેક્નોલોજી આધારિત ક્ષેત્રો સુધી અનેક મુદ્દાઓને આવરી લેવામાં આવ્યા છે.
પરંતુ આ નવી નીતિમાં એવું શું છે, જે તેને અગાઉની ઔદ્યોગિક નીતિઓથી અલગ બનાવે છે? અને ગુજરાતને 2047 સુધી 3.5 ટ્રિલિયન ડૉલરનું અર્થતંત્ર બનાવવાના લક્ષ્ય સાથે તેનો શું સંબંધ છે?આ તમામ પ્રશ્નનોના સરળ જવાબ જાણવા માટે સમગ્ર નીતિને વિગતવાર સમજીએ.
વાયબ્રન્ટ ગુજરાતથી ઇન્ડસ્ટ્રીયલ પોલિસી 2026 સુધીની યાત્રા
ગુજરાતની નવી ઇન્ડસ્ટ્રીયલ પોલિસીને માત્ર એક જાહેરાત તરીકે જોવી કદાચ યોગ્ય નહીં ગણાય. તેના બદલે તેને છેલ્લા બે દાયકાથી ગુજરાતમાં ચાલી રહેલા ઔદ્યોગિક પરિવર્તનના આગામી તબક્કા તરીકે જોવી વધુ યોગ્ય રહેશે. 2003માં શરૂ થયેલી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટથી લઈને સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન, GIDC એસ્ટેટ્સ, ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન, GIFT City, સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં થયેલા મોટા રોકાણો અને વૈશ્વિક કંપનીઓને ગુજરાત તરફ આકર્ષવાના પ્રયાસો સુધી રાજ્યએ સતત પોતાને ભારતના ઔદ્યોગિક વિકાસના કેન્દ્ર તરીકે સ્થાપિત કરવાનો પ્રયાસ કર્યો છે.
રાજ્ય સરકારના આંકડાઓ અનુસાર છેલ્લા બે દાયકામાં ગુજરાતની GDP લગભગ 20 ગણી વધી છે. આજે ગુજરાત દેશની કુલ GDPમાં આશરે 8.2 ટકા યોગદાન આપે છે. દેશના કુલ મેન્યુફેક્ચરિંગ આઉટપુટમાં 18 ટકા હિસ્સો, નિકાસમાં લગભગ 25 ટકા હિસ્સો અને કાર્ગો હેન્ડલિંગમાં 40 ટકા જેટલો ફાળો ધરાવતું ગુજરાત પહેલેથી જ ભારતના સૌથી અગત્યના ઔદ્યોગિક રાજ્યોમાં સ્થાન ધરાવે છે. નવી ઇન્ડસ્ટ્રીયલ પોલિસી એ જ યાત્રાને વધુ ઝડપ આપવા માટે તૈયાર કરવામાં આવી છે.
2047નું લક્ષ્ય: 3.5 ટ્રિલિયન ડૉલરની ઈકોનોમી
નવી ઇન્ડસ્ટ્રીયલ પોલિસીનો મુખ્ય હેતુ માત્ર નવા ઉદ્યોગોને આકર્ષવાનો નથી, પરંતુ ગુજરાતને વૈશ્વિક સપ્લાય ચેઇન અને મેન્યુફેક્ચરિંગ નેટવર્કના કેન્દ્ર તરીકે સ્થાપિત કરવાનો છે. આ નીતિનો સૌથી મોટો આધારસ્તંભ ‘વિકસિત ગુજરાતથી વિકસિત ભારત’નો વિચાર છે. રાજ્ય સરકારે સ્પષ્ટ કર્યું છે કે ગુજરાતને વર્ષ 2047 સુધી 3.5 ટ્રિલિયન ડૉલરની ઈકોનોમી બનાવવા માટે આ નીતિ એક મહત્વપૂર્ણ પગલું છે. માત્ર ઉદ્યોગો ઊભા કરવા કે રોકાણો આકર્ષવા સુધી જ આ નીતિ મર્યાદિત નથી, પરંતુ રોજગારી સર્જન, મૂલ્યવર્ધન, ટેક્નોલોજીકલ નવીનતા અને વૈશ્વિક સપ્લાય ચેઇનમાં ગુજરાતની વધુ મોટી ભાગીદારી સુનિશ્ચિત કરવાનો પણ તેનો હેતુ છે.
હાલમાં ગુજરાતનું અર્થતંત્ર અંદાજે 330 અબજ ડૉલર જેટલું છે. આવી સ્થિતિમાં 2047 સુધી 3.5 ટ્રિલિયન ડૉલર સુધી પહોંચવાનું લક્ષ્ય અત્યંત મહત્ત્વાકાંક્ષી માનવામાં આવે છે. આ લક્ષ્ય હાંસલ કરવા માટે માત્ર પરંપરાગત ઉદ્યોગો પર આધાર રાખવો પૂરતો નથી. તેથી જ નવી પોલિસીમાં મેન્યુફેક્ચરિંગ, ઇનોવેશન, સંશોધન, ગ્રીન ટેક્નોલોજી, સ્ટાર્ટઅપ્સ અને કુશળ માનવબળ જેવા ક્ષેત્રોને એકસાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ નીતિને ‘વિકસિત ગુજરાતથી વિકસિત ભારત 2047’ના સંકલ્પને સાકાર કરતો સર્વગ્રાહી વિકાસનો દસ્તાવેજ ગણાવ્યો છે. સરકારનું માનવું છે કે આગામી દાયકાઓમાં ગ્રીન એનર્જી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, રોબોટિક્સ, સેમિકન્ડક્ટર, ઇલેક્ટ્રિક મોબિલિટી અને અદ્યતન ઉત્પાદન ક્ષેત્રોમાં વૈશ્વિક સ્પર્ધા વધવાની છે. આવી સ્થિતિમાં ગુજરાતને માત્ર ઉત્પાદન કેન્દ્ર નહીં પરંતુ ઇનોવેશન અને વેલ્યુ એડિશન હબ બનાવવાની જરૂર છે.
ચાર આધારસ્તંભો પર ઉભી છે આખી નીતિ
નવી ઇન્ડસ્ટ્રીયલ પોલિસી ચાર મુખ્ય આધારસ્તંભો પર ઉભી છે. તેમાં ઇન્વેસ્ટમેન્ટ અને મેન્યુફેક્ચરિંગ, ઇનોવેશન અને રિસર્ચ, સ્કિલ અને એમ્પ્લોયમેન્ટ તેમજ સસ્ટેનેબિલિટી અને ઇન્ક્લુસિવ ડેવલપમેન્ટનો સમાવેશ થાય છે.
સરકારનું કહેવું છે કે માત્ર નવા કારખાનાઓ ઉભા કરવાથી વિકાસ શક્ય નથી. તેની સાથે નવી ટેક્નોલોજી, કુશળ માનવબળ, પર્યાવરણલક્ષી અભિગમ અને સમાજના વિવિધ વર્ગોની ભાગીદારી પણ જરૂરી છે. આ જ કારણ છે કે આ નીતિમાં MSME, સ્ટાર્ટઅપ્સ, મહિલા ઉદ્યોગસાહસિકો, પ્રથમ પેઢીના ઉદ્યોગકારો અને યુવાશક્તિને વિકાસના કેન્દ્રમાં રાખવામાં આવ્યા છે.
‘ચૂઝ યોર ઇન્સેન્ટિવ’: ઉદ્યોગો માટે નવી પહેલ
નવી ઇન્ડસ્ટ્રીયલ પોલિસીની સૌથી મહત્વની જોગવાઈ ‘ચૂઝ યોર ઇન્સેન્ટિવ’ છે. અત્યાર સુધી સામાન્ય રીતે સરકાર દ્વારા નક્કી કરવામાં આવતા પ્રોત્સાહનોના બદલે હવે ઉદ્યોગો પોતાની જરૂરિયાત મુજબ કેપિટલ સબસિડી, વ્યાજ સબસિડી અને પાવર ટેરિફ રિઇમ્બર્સમેન્ટના સંયોજનમાંથી પસંદગી કરી શકશે.
સરકારનું માનવું છે કે દરેક ઉદ્યોગની જરૂરિયાત અલગ હોય છે. કેટલાક ઉદ્યોગો માટે પ્રારંભિક મૂડી ખર્ચ વધુ મહત્વનો હોય છે, જ્યારે કેટલાક માટે વીજળી ખર્ચ અથવા વ્યાજનો બોજ મહત્વનો હોય છે. આથી એક જ પ્રકારના પ્રોત્સાહનો આપવાના બદલે સરળ અને રોકાણકારમૈત્રી માળખું ઉભું કરવામાં આવ્યું છે.
MSMEને કેમ આપવામાં આવ્યું છે વિશેષ સ્થાન?
ગુજરાતમાં 42 લાખથી વધુ MSME એકમો કાર્યરત છે. રોજગારી સર્જન, સ્થાનિક ઉત્પાદન અને નિકાસમાં તેમનો મહત્વનો ફાળો છે. આ જ કારણ છે કે નવી પોલિસીમાં MSMEને વિશેષ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે.
નીતિ હેઠળ MSME એકમોને તાલુકાની કેટેગરી અનુસાર 35થી 45 ટકા સુધીના પ્રોત્સાહનો મળી શકે છે. માઇક્રો, સ્મોલ અને મિડિયમ એન્ટરપ્રાઇઝિસને કેપિટલ સબસિડી ઉપરાંત વ્યાજ સબસિડી અને વીજદર રાહતનો લાભ પણ મળી શકશે.
તે સિવાય ગુણવત્તા પ્રમાણપત્ર, ZED સર્ટિફિકેશન, ERP અને ICT અમલીકરણ, પેટન્ટ નોંધણી, ટેક્નોલોજી અપગ્રેડેશન, ઊર્જા બચત, પાણી બચત, SME એક્સચેન્જ મારફતે મૂડી એકત્ર કરવાની પ્રક્રિયા અને બજાર વિસ્તરણ જેવા ક્ષેત્રોમાં પણ સહાય આપવામાં આવશે.
સરકારનું માનવું છે કે આગામી ઔદ્યોગિક પરિવર્તનમાં MSME માત્ર સહાયક ભૂમિકા નહીં ભજવે, પરંતુ મૂલ્ય સાંકળમાં વધુ ઊંચા સ્તરે પહોંચીને વૈશ્વિક સ્પર્ધામાં ભાગ લેશે.
સ્ટાર્ટઅપ્સ અને યુવા ઉદ્યોગસાહસિકો માટે શું છે ખાસ?
છેલ્લા કેટલાક વર્ષોમાં ગુજરાત સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમમાં પણ અગ્રેસર રાજ્ય તરીકે ઉભરી આવ્યું છે. નવી પોલિસીમાં સ્ટાર્ટઅપ્સ માટે વ્યાપક સહાય માળખું રજૂ કરવામાં આવ્યું છે.
પાત્ર સ્ટાર્ટઅપ્સને દર મહિને ₹25,000 સુધીનું નિર્વાહ ભથ્થું મળશે. મહિલા સહ-સ્થાપક ધરાવતા સ્ટાર્ટઅપ્સ માટે આ સહાય ₹30,000 સુધી વધારી દેવામાં આવી છે. ઉપરાંત ₹30 લાખ સુધીની સીડ સપોર્ટ સહાય આપવામાં આવશે. હાઇ-ટેક, ફિનટેક, બાયોટેક અને ગ્રીન ટેક્નોલોજી ક્ષેત્રના સ્ટાર્ટઅપ્સને વધારાના લાભો પણ મળશે.
આ ઉપરાંત વ્યાજ સબસિડી, એક્સિલરેશન પ્રોગ્રામ્સ, કૌશલ્ય વિકાસ અને અન્ય સહાય યોજનાઓ યથાવત રાખવામાં આવી છે. જો સ્ટાર્ટઅપ્સ MSME તરીકે પાત્રતા ધરાવતા હોય તો તેઓ MSME પ્રોત્સાહનોનો લાભ પણ મેળવી શકશે.
નવી નીતિ હેઠળ સ્ટાર્ટઅપ્સને માત્ર પ્રારંભિક માર્ગદર્શન પૂરતું નહીં, પરંતુ નાણાકીય ટેકો પણ આપવામાં આવશે. પાત્ર સ્ટાર્ટઅપ્સને દર મહિને ₹25,000 સુધીનું નિર્વાહ ભથ્થું મળશે, જ્યારે મહિલા સહ-સ્થાપક ધરાવતા સ્ટાર્ટઅપ્સને ₹30,000 સુધીનું ભથ્થું આપવામાં આવશે. ઉપરાંત, ₹30 લાખ સુધીની ‘સીડ સપોર્ટ’ની જોગવાઈ પણ કરવામાં આવી છે. સામાજિક અસર ધરાવતા તથા હાઈ-ટેક, ફિનટેક, બાયોટેક અને ગ્રીન ટેક્નોલોજી આધારિત સ્ટાર્ટઅપ્સને વધારાની સહાય પણ મળી શકશે.
મહિલા ઉદ્યોગસાહસિકોને વિકાસના કેન્દ્રમાં રાખવાનો પ્રયાસ
નવી નીતિમાં મહિલા ઉદ્યોગસાહસિકો માટે પણ અનેક વિશેષ જોગવાઈઓ કરવામાં આવી છે. મહિલાઓની માલિકીના માઇક્રો એન્ટરપ્રાઇઝિસને વધારાની વ્યાજ સબસિડી આપવામાં આવશે. ઉપરાંત ભાડા સહાય, કૌશલ્ય વિકાસ અને કારકિર્દીમાં વિરામ બાદ ફરી ઉદ્યોગ ક્ષેત્રે પ્રવેશવા ઇચ્છતી મહિલાઓ માટે ‘રિટર્ન ટુ ઇન્ડસ્ટ્રી એક્સિલરેટર’ જેવી પહેલો પણ કરવામાં આવી છે.
મહિલાઓની આગેવાની ધરાવતા સ્ટાર્ટઅપ્સ માટે વધારાનું નિર્વાહ ભથ્થું આપવામાં આવશે. મહિલા સ્ટાર્ટઅપ્સને એક વર્ષ સુધી દર મહિને ₹30 હજારનું ભથ્થું આપવામાં આવશે. સરકારનું માનવું છે કે ઔદ્યોગિક વિકાસમાં મહિલાઓની ભાગીદારી વધાર્યા વિના સમાવેશક વિકાસ શક્ય નથી.
ગુજરાતને R&D અને ઇનોવેશન હબ બનાવવાનો પ્રયાસ
નવી પોલિસીનો સૌથી મહત્વાકાંક્ષી ભાગ ગુજરાતને રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટનું વૈશ્વિક કેન્દ્ર બનાવવાનો છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ઉત્પાદન ક્ષેત્રે આગેવાની મેળવી ચૂકેલા ગુજરાત માટે હવે આગામી પડકાર ઇનોવેશન આધારિત અર્થતંત્ર તરફ આગળ વધવાનો છે.
આ હેતુસર ઓછામાં ઓછા ₹300 કરોડનું રોકાણ કરનારા પ્રથમ પાંચ R&D સેન્ટર્સને વિશેષ ‘અર્લી બર્ડ’ પ્રોત્સાહનો આપવામાં આવશે. તેમાં મકાન, મશીનરી અને સાધનો માટે 50 ટકા સુધીની કેપિટલ સબસિડી, જમીન સંબંધિત સહાય, પાવર ટેરિફ સપોર્ટ અને IPR તથા પેટન્ટ સહાયનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત ગુજરાત રિસર્ચ એન્ડ ઇનોવેશન પાર્ક વિકસાવવામાં આવશે, જ્યાં અદ્યતન પ્રયોગશાળાઓ, ટેસ્ટિંગ સુવિધાઓ, પ્રોટોટાઇપિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ટેક્નોલોજી આધારિત કંપનીઓ માટે પ્લગ-એન્ડ-પ્લે સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે તેમજ વાર્ષિક ₹50 કરોડ સુધીની સહાય મળી શકશે. ઉપરાંત, જમીન, પાવર ટેરિફ, પેરોલ અને પેટન્ટ સંબંધિત સહાય પણ આપવામાં આવશે.
ભવિષ્યના 21 ક્ષેત્રો પર સરકારની નજર
નવી પોલિસી હેઠળ 21 હાઈ-ગ્રોથ થ્રસ્ટ સેક્ટર્સની ઓળખ કરવામાં આવી છે. તેમાં ગ્રીન એનર્જી, મોબિલિટી, કેપિટલ ઇક્વિપમેન્ટ, ટેક્સટાઇલ્સ, કેમિકલ્સ, એગ્રો પ્રોસેસિંગ, હેલ્થકેર, સેમિકન્ડક્ટર સંબંધિત એકમો, ન્યુક્લિયર પાવર ઇક્વિપમેન્ટ, વેસ્ટ રિસાયક્લિંગ, શિપિંગ કન્ટેનર મેન્યુફેક્ચરિંગ, હેવી અર્થ મૂવિંગ ઇક્વિપમેન્ટ, સ્પોર્ટ્સ ગુડ્સ, ટોય્સ, ફૂટવેર, રોબોટિક્સ અને ડ્રોન મેન્યુફેક્ચરિંગ જેવા ક્ષેત્રોનો સમાવેશ થાય છે.
ખાસ કરીને ડ્રોન, રોબોટિક્સ, ટોય્સ, ફૂટવેર અને સ્પોર્ટ્સ ગુડ્સ જેવા ક્ષેત્રો માટે વધુ આકર્ષક પ્રોત્સાહનો જાહેર કરવામાં આવ્યા છે. સરકારનું માનવું છે કે આ ક્ષેત્રો રોજગાર સર્જન, આયાતના વિકલ્પો ઉભા કરવા અને નિકાસ વધારવા માટે મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. આવા ક્ષેત્રોમાં MSMEથી લઈને અલ્ટ્રા મેગા એકમો સુધી 45થી 50 ટકા સુધીના પ્રોત્સાહનો મેળવી શકશે.
મેગા અને અલ્ટ્રા મેગા ઇન્ડસ્ટ્રીઝ માટે વિશેષ જોગવાઈ
નવી પોલિસીમાં મેગા અને અલ્ટ્રા મેગા ઇન્ડસ્ટ્રીઝ માટે પણ સ્પષ્ટ માપદંડ નક્કી કરવામાં આવ્યા છે. ઓછામાં ઓછા ₹1,000 કરોડનું રોકાણ અને 250 લોકોની રોજગારી સર્જન કરનારા પ્રોજેક્ટ્સને મેગા ઇન્ડસ્ટ્રી તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવ્યા છે. જ્યારે ₹10,000 કરોડથી વધુનું રોકાણ અને ઓછામાં ઓછા 3,000 લોકોની રોજગારી સર્જન કરનારા પ્રોજેક્ટ્સને અલ્ટ્રા મેગા ઇન્ડસ્ટ્રી તરીકે ગણવામાં આવશે.
આવા પ્રોજેક્ટ્સને તાલુકાની કેટેગરી અને ક્ષેત્ર અનુસાર 30થી 40 ટકા સુધીના વિવિધ પ્રોત્સાહનો મળી શકશે.
THRIVE પ્રોજેક્ટ: શહેરોની બહાર ઔદ્યોગિક વિકાસનો પ્રયાસ
નવી પોલિસીની સૌથી રસપ્રદ પહેલોમાં Project T.H.R.I.V.E.નો સમાવેશ થાય છે. આ યોજનાનો હેતુ શહેરોની અંદર આવેલા ઔદ્યોગિક એકમોને વધુ સુવ્યવસ્થિત ઔદ્યોગિક વિસ્તારોમાં સ્થળાંતર કરવા માટે પ્રોત્સાહન આપવાનો છે.
સરકારનું માનવું છે કે શહેરોમાં વધતી ભીડ ઘટાડવા, પર્યાવરણ સુધારવા અને ઉદ્યોગોને વધુ સારી સુવિધાઓ પૂરી પાડવા માટે આ પગલું મહત્વનું બની શકે છે. સ્થળાંતરિત એકમોને નવા એકમો સમાન લાભો આપવામાં આવશે. ઉપરાંત વેતન સહાય, વર્કર હાઉસિંગ સપોર્ટ અને વિવિધ નિયમનકારી રાહતો પણ આપવામાં આવશે.
ગ્રીન અને સસ્ટેનેબલ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ પર વિશેષ ભાર
નવી નીતિમાં પર્યાવરણલક્ષી વિકાસને પણ મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. ગ્રીન ઇન્ડસ્ટ્રીયલ પાર્ક, સર્ક્યુલર ઇકોનોમી, ક્લીનર પ્રોડક્શન ટેક્નોલોજી, વેસ્ટ વોટર રિસાયક્લિંગ અને ઝીરો લિક્વિડ ડિસ્ચાર્જ સિસ્ટમ જેવા ક્ષેત્રોમાં ઉદ્યોગોને પ્રોત્સાહનો આપવામાં આવશે.
વેસ્ટવોટર રિસાયક્લિંગ પ્રોજેક્ટ્સ માટે કરોડો રૂપિયાની સહાય, કોમન બોઇલર પ્રોજેક્ટ્સ માટે સહાય અને ક્લીનર ટેક્નોલોજી અપનાવવા માટે વિશેષ સબસિડીની જોગવાઈ કરવામાં આવી છે. સરકારનું માનવું છે કે ભવિષ્યનો ઔદ્યોગિક વિકાસ પર્યાવરણની કિંમત પર નહીં પરંતુ ટકાઉ વિકાસના સિદ્ધાંતો સાથે થવો જોઈએ.
વેસ્ટવોટર રિસાયક્લિંગ અને કોમન એન્વાયરમેન્ટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પણ વિશેષ પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. 70 ટકા સુધી વેસ્ટવોટર રિસાયક્લિંગ હાંસલ કરતા પ્રોજેક્ટ્સને ₹75 કરોડ સુધીની સહાય આપવામાં આવશે. ઉપરાંત કોમન બોઇલર પ્રોજેક્ટ્સ, ક્લીનર પ્રોડક્શન ટેક્નોલોજી અને ઝીરો લિક્વિડ ડિસ્ચાર્જ (ઝેડએલડી) સિસ્ટમ માટે પણ અલગથી નાણાકીય સહાયની જોગવાઈ કરવામાં આવી છે.
કુશળ માનવબળ અને શ્રમિક કલ્યાણ પર પણ ભાર
ઔદ્યોગિક વિકાસ માટે માત્ર મૂડી અને જમીન પૂરતી નથી. કુશળ માનવબળ પણ એટલું જ મહત્વનું છે. આ જ કારણ છે કે નવી પોલિસીમાં એન્કર ઇન્સ્ટિટ્યૂટ્સ, સ્પેશિયલાઇઝ્ડ સ્કિલ સેન્ટર્સ, કેપ્ટિવ સ્કિલ સેન્ટર્સ અને સ્કિલ અપગ્રેડેશન સેન્ટર્સ માટે વિશેષ સહાયની જોગવાઈ કરવામાં આવી છે.
સાથે સાથે ઔદ્યોગિક વિસ્તારોમાં શ્રમિકો માટે હોસ્ટેલ, ડોર્મિટરી અને વર્કિંગ વુમન હોસ્ટેલના નિર્માણ માટે 80 ટકા સુધીની સહાય આપવાની જોગવાઈ પણ કરવામાં આવી છે. તેનો હેતુ ઔદ્યોગિક વિકાસને વધુ સમાવેશક અને માનવકેન્દ્રિત બનાવવાનો છે.
આખરે સામાન્ય ગુજરાતી માટે તેનો અર્થ શું?
નવી ઇન્ડસ્ટ્રીયલ પોલિસી 2026ને માત્ર ઉદ્યોગોને આપવામાં આવતા પ્રોત્સાહનોના પેકેજ તરીકે જોવી યોગ્ય નહીં ગણાય. આ નીતિ રાજ્યને આગામી બે દાયકાના ઔદ્યોગિક વિકાસ માટે તૈયાર કરવાનો પ્રયાસ છે. MSMEથી લઈને મેગા ઇન્ડસ્ટ્રીઝ, સ્ટાર્ટઅપ્સથી લઈને R&D, ગ્રીન ઇન્ડસ્ટ્રીથી લઈને સેમિકન્ડક્ટર અને ડ્રોન જેવા ભવિષ્યના ક્ષેત્રો સુધી વ્યાપક દૃષ્ટિકોણ આ નીતિમાં જોવા મળે છે.
જો સરકારના લક્ષ્યાંકો સફળતાપૂર્વક અમલમાં આવે તો રાજ્યમાં નવા રોકાણો, વધુ રોજગારી, નવી ટેક્નોલોજી આધારિત ઉદ્યોગો અને વૈશ્વિક સપ્લાય ચેઇનમાં વધુ મજબૂત હાજરી જોવા મળી શકે છે. વાયબ્રન્ટ ગુજરાતથી શરૂ થયેલી યાત્રાને આગળ ધપાવતી આ નીતિ ગુજરાતને માત્ર ભારતના ઔદ્યોગિક કેન્દ્ર તરીકે નહીં, પરંતુ વૈશ્વિક મેન્યુફેક્ચરિંગ અને ઇનોવેશન હબ તરીકે સ્થાપિત કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું બની શકે છે.


