મમતા બાદ હવે ઉદ્ધવ: અહેવાલોમાં દાવો– ફરી તૂટશે શિવસેના UBT, 16 ધારાસભ્યો અને 6 સાંસદો શિંદે જૂથમાં સામેલ થઈ શકે

બંગાળની તૃણમૂલ કોંગ્રેસમાં મોટાપાયે ભંગાણ સર્જાયા બાદ હવે આવી સ્થિતિ ફરી એક વખત મહારાષ્ટ્રની શિવસેનામાં (ઉદ્ધવ ઠાકરે જૂથ) નિર્માણ પામશે એવી રાજકીય આગાહીઓ થઈ રહી છે. શિવસેના (UBT) જોકે ‘સબ સલામત’ના દાવા કરી રહી છે પરંતુ ચર્ચા એવી છે કે એક અઠવાડિયામાં ગમે ત્યારે ઉદ્ધવ જૂથના અમુક ધારાસભ્યો અને સાંસદો પક્ષ બદલીને એકનાથ શિંદેની શિવસેના સાથે જોડાઈ જશે. પક્ષપલટાનો નિયમ ન લાગુ પડે એ માટે 2/3 કરતાં વધુ સાંસદ-ધારાસભ્યો પાર્ટી છોડશે એવી ચર્ચાઓ ચાલી રહી છે.

શિવસેનાના (UBT) 14થી 16 ધારાસભ્યો અને 6 જેટલા સાંસદો પક્ષ છોડવાની તૈયારીમાં હોવાનું કહેવાય છે. આગામી એક સપ્તાહની અંદર આ ગતિવિધિઓ થાય એમ છે, જેને મીડિયામાં ‘ઑપરેશન ટાઇગર’ નામ આપવામાં આવ્યું છે.

આ અટકળો ચાલી રહી હતી ત્યાં ઉદ્ધવ ઠાકરેએ તેમના નિવાસસ્થાન ‘માતોશ્રી’ ખાતે પાર્ટીના તમામ લોકસભા સાંસદોની બેઠક બોલાવતાં અટકળોને વેગ મળ્યો હતો. મીડિયા અહેવાલોનું માનીએ તો આ બેઠકમાં ઉદ્ધવે સાંસદોને એવું કહ્યું હતું કે જેઓ પક્ષ છોડવા માગતા હોય તેઓ જઈ શકે છે અને પાર્ટી કોઈને રોકશે નહીં. ઠાકરેએ 2022માં એકનાથ શિંદેએ કરેલા બળવાનો પણ ઉલ્લેખ કર્યો હતો, ત્યારબાદ પાર્ટી પણ તૂટી હતી. ઉદ્ધવે કહ્યું કે તે સમયે 40થી વધુ ધારાસભ્યો પક્ષ છોડી ગયા હતા છતાં કોઈએ દબાણ કર્યું ન હતું. તેમણે સાથે એમ પણ કહ્યું કે તેમને વિશ્વાસ છે કે શિવસેનાની મૂળ વિચારધારા સાથે રહેનારાઓ અંતે સફળ થશે અને આજે ભલે સમય તેમનો ન હોય પણ આવતીકાલ તેમની જ હશે.

જોકે, શિવસેનાના (UBT) પ્રવક્તા અને રાજ્યસભા સાંસદ સંજય રાઉતે પક્ષમાં કોઈ તૂટફૂટની શક્યતા નકારી કાઢી છે. રાઉતે કહ્યું કે ઉદ્ધવ ઠાકરેએ કોઈને પક્ષ છોડવા માટે ખુલ્લી છૂટ આપી નથી અને પક્ષના તમામ 9 સાંસદો એકજૂટ છે. રાઉતના જણાવ્યા અનુસાર, પક્ષમાં આંતરિક મતભેદોના દાવાઓ માત્ર રાજકીય અફવાઓ છે.

રિપોર્ટ્સ અનુસાર ઉદ્ધવ જૂથના અનેક ધારાસભ્યો અને સાંસદો એકનાથ શિંદે જૂથના સંપર્કમાં છે અને અમુક સાંસદોની બેઠક પણ થઈ ચૂકી છે. મંત્રી પ્રતાપ સરનાઈકે જણાવ્યું કે જે કાર્યકરો અથવા નેતાઓને અન્ય પક્ષોમાં ન્યાય મળતો નથી તેઓ સ્વેચ્છાએ શિવસેનામાં જોડાઈ રહ્યા છે. શિવસેનાના MLC કૃપાલ તુમાણેએ કહ્યું કે UBTના સાત સાંસદો શિવસેનાના સંપર્કમાં છે અને નજીકના સમયમાં સંસદના ચોમાસું સત્ર પહેલાં તમામ શિવસેનામાં સામેલ થઈ જશે. સાથે કહ્યું કે હાલ તેઓ વધુ વિગતો આપી શકે તેમ નથી પરંતુ આ જલ્દીથી થશે અને ચર્ચાઓ લગભગ એક મહિનાથી ચાલી રહી હતી, જે હાલ અંતિમ તબક્કામાં છે.

જોકે, સત્તાવાર રીતે શિંદે જૂથે આ બધા આક્ષેપો નકારી કાઢ્યા છે. શિવસેના નેતા શાઇના એન.સી.એ કહ્યું કે પાર્ટીને કોઈનો પક્ષ તોડવામાં કોઈ રસ નથી. તેમણે ઑપરેશન ટાઈગરના દાવા પણ ફગાવી દીધા છે.

તેમણે કહ્યું, “અમને કોઈ પણ પાર્ટી તોડવામાં રસ નથી. અમારા નેતા એકનાથ શિંદેની લોકપ્રિયતા વિશે સૌ જાણે છે. તેઓ સામાન્ય લોકોનું કામ કરે છે, જમીન પર રહીને કામ કરે છે, વર્ક ફ્રોમ હોમ કરતા નથી. એટલે લોકો આવીને તેમની સાથે કામ કરવા માંગે છે. જે રીતે લોકો આવી રહ્યા છે અને શિવસેનામાં સામેલ થઈ રહ્યા છે તેનાથી એક બાબત સ્પષ્ટ છે કે મહારાષ્ટ્રમાં પ્રગતિનું વાતાવરણ છે.” ઑપરેશનનો દાવો ફગાવીને તેમણે ઉમેર્યું કે, “મહારાષ્ટ્રમાં કોઈ ઑપરેશન ટાઈગર નથી પણ ઑપરેશન પ્રોગ્રેસ ચાલી રહ્યું છે.”