હોમપેજદુનિયામધ્ય-પૂર્વમાં જહાજ પર હુમલાથી જે ભારતીય નાવિકનું મોત, તેના પિતાએ કહ્યું– 'શિપિંગ...

મધ્ય-પૂર્વમાં જહાજ પર હુમલાથી જે ભારતીય નાવિકનું મોત, તેના પિતાએ કહ્યું– ‘શિપિંગ કંપની છોડવા માગતો હતો મારો પુત્ર’: વાંચો યુએસ-ઈરાન યુદ્ધમાં કઈ રીતે ભોગ બની રહ્યા છે ભારતીયો

પ્રશ્ન એ પણ છે કે યુદ્ધ અને પ્રતિબંધોના જોખમો વિશે જાણવા છતાં શિપિંગ કંપનીએ કર્મચારીઓને યુદ્ધક્ષેત્રમાં મોકલીને તેમના જીવને દાવ પર લગાવી દીધો? એવું હોય તો જવાબદારી હથિયારો ચલાવનારાઓની તો ખરી જ પણ કોર્પોરેટ નિર્ણયો લેનારાઓની પણ છે, જેમણે જોખમ વિશે વાકેફ હોવા છતાં નિર્ણયો લીધા હતા.

- Advertisement -

ફેબ્રુઆરી 2026થી યુદ્ધે ચડેલાં અમેરિકા અને ઈરાન વચ્ચે ટૂંકાગાળા માટે યુદ્ધવિરામનો ઘોંઘાટ કરીને  ફરીથી એકબીજા પર બૉમ્બમારો કરવામાં મંડી પડ્યાં છે. ઈરાન અને તેની આસપાસના મધ્યપૂર્વના વિસ્તારો રણમેદાન બન્યા છે. અમેરિકા ઈરાનનાં સૈન્ય ઠેકાણાંને નિશાન બનાવે છે, બંદરો બ્લૉક કરવામાં લાગ્યું છે તો ઈરાન આસપાસના વિસ્તારમાં અમેરિકાનાં સૈન્ય ઠેકાણાં પર મિસાઇલો મારી રહ્યું છે. આ બધામાં સમુદ્રી વ્યાપાર કરતાં જહાજોના માથે સતત જોખમ તોળાતું રહે છે. અનેક જહાજ પર હુમલા થવાની ઘટનાઓ વધી રહી છે.

છેલ્લા ચાર દિવસમાં ત્રણ કમર્શિયલ જહાજો પર હુમલા થયા, જેમાં ભારતીય ક્રૂ મેમ્બરો હતા. 10 જૂને થયેલા એક હુમલામાં ત્રણ ભારતીય નાવિકો મૃત્યુ પામ્યા. એક હુમલો 11 જૂને પણ થયો પણ સદ્ભાગ્યે તમામ ક્રૂ મેમ્બરોને બચાવી લેવામાં આવ્યા છે. તમામ હુમલાઓ પાછળ અમેરિકી સેનાનો હાથ હોવાનું અમેરિકા પોતે સ્વીકારી ચૂક્યું છે.

10 જૂને હુમલો થયો ત્યારે શરૂઆતમાં સમાચાર એવા આવ્યા કે જહાજ પર હાજર 24 ભારતીય ક્રૂ મેમ્બરોમાંથી 21 બચાવી લેવામાં આવ્યા છે પણ ત્રણ લાપતા છે. આ સમયે સોશિયલ મીડિયા પર રાજેશ શર્મા નામની એક વ્યક્તિની ભાવુક અપીલ કરતી પોસ્ટ વાયરલ થઈ. તેઓ વાસ્તવમાં આદિત્ય શર્મા નામના એક નાવિકના પિતા છે. હુમલો થયો ત્યારે આદિત્ય જહાજ પર હાજર હતા.

- Advertisement -

રાજેશ શર્માએ કહ્યું કે જે શિપિંગ કંપની માટે તેમનો પુત્ર કામ કરતો હતો એ કંપનીને જોખમની જાણ હોવા છતાં નાવિકોની સુરક્ષા ગંભીરતાથી લેતી ન હતી. એમ પણ કહ્યું કે આદિત્ય એપ્રિલમાં સિનિયરના એક્સપ્લોઇટેશનની (શોષણ) ફરિયાદ કરીને નોકરી છોડવા માગતો હતો. પછીથી સમાચાર આવ્યો કે ઘટનામાં આદિત્યનું મૃત્યુ થઈ ગયું.

જે જહાજ પર હુમલો થયો હતો તેના રેકર્ડ જણાવે છે કે જહાજ પહેલાં મેરીવેક્સ અને એ પહેલાં અરિહંત નામથી જાણીતું હતું. નામો બદલાયાં પણ તેનો આઈએમઓ નંબર એ જ રહ્યો.

આ જહાજ ભારતીય નહતું. તેની ઉપર પલાઉ દેશનો ઝંડો લાગેલો હતો. જે કંપનીના નામે જહાજ હતું એ પનામામાં રજિસ્ટર્ડ હતી. અર્થાત્, જહાજ પર ન ભારતનો ઝંડો હતો ન એ ભારત સરકારનું કોઈ જહાજ હતું. એક આંતરરાષ્ટ્રીય શિપિંગ કંપનીનું જહાજ હતું, જ્યાં ભારતીય નાવિકો નોકરી કરતા હતા.

ડિસેમ્બર 2025માં અમેરિકી ટ્રેઝરીએ આ પનામા રજિસ્ટર્ડ શિપિંગ કંપની અને તેના જહાજ અરિહંત પર અમુક પ્રતિબંધો પણ લગાવ્યા હતા. અમેરિકાનો આરોપ હતો કે જહાજ ઈરાની પેટ્રોલિયમ ઉત્પાદનોના પરિવહનમાં સ્મેલ હતું અને ઈરાન પર અમેરિકાએ લગાવેલા પ્રતિબંધોનું ઉલ્લંઘન કરી રહ્યું હતું. અર્થાત્ જહાજ પહેલેથી જ અમેરિકી પ્રતિબંધોના દાયરામાં હતું.

પછીથી જહાજનું નામ બદલી નાખવામાં આવ્યું પણ આઈએમઓ નંબર એ જ રહ્યો અને એ જ પશ્ચિમ એશિયન સમુદ્રી ક્ષેત્રમાં કામ કરતું રહ્યું જે દુનિયાનો સૌથી સંવેદનશીલ અને હાઇરિસ્ક વિસ્તાર છે. હાલ અહીં જોખમ અનેકગણું વધારે છે.

અહેવાલોનું માનીએ તો થોડા દિવસ પહેલાં જ આ જહાજના એન્જિન રૂમમાં વિસ્ફોટ અને આગ લાગવાની ઘટના પણ સામે આવી હતી. અહીં પ્રશ્ન એ છે કે જો જહાજ પહેલેથી જોખમમાં હોય અને અમેરિકી પ્રતિબંધોનો સામનો કરી ચૂક્યું હોય અને આખો વિસ્તાર હાલ સૈન્ય તણાવ હેઠળ છે તો કંપનીએ નાવિકોની સુરક્ષા માટે પર્યાપ્ત પગલાં ઉઠાવ્યાં કે કેમ? અને આ જ પ્રશ્ન આદિત્યના પિતા પણ પૂછી રહ્યા છે.

પ્રશ્ન એ પણ છે કે યુદ્ધ અને પ્રતિબંધોના જોખમો વિશે જાણવા છતાં શિપિંગ કંપનીએ કર્મચારીઓને યુદ્ધક્ષેત્રમાં મોકલીને તેમના જીવને દાવ પર લગાવી દીધો? એવું હોય તો જવાબદારી હથિયારો ચલાવનારાઓની તો ખરી જ પણ કોર્પોરેટ નિર્ણયો લેનારાઓની પણ છે, જેમણે જોખમ વિશે વાકેફ હોવા છતાં નિર્ણયો લીધા હતા.

જહાજ કોઈ બીજા દેશનું, ઝંડો કોઈ અન્ય દેશનો, મિસાઈલ કોઈ ત્રીજો દેશ મારે છે પણ મરે છે ભારતીયો

ભારત સરકારે પણ ઘટના પર કડક વલણ અપનાવીને અમેરિકાના અહીં કામ કરતા ડિપ્લોમેટને તેડીને સૂચના આપી છે. બીજી બાજુ ભારતીય નાવિકોની સુરક્ષા માટે ઓમાન સરકાર સાથે પણ વાતચીતો ચાલી રહી છે.

આ ઘટનાક્રમોનું એક પાસું એ પણ છે કે ભૂરાજકીય સંઘર્ષોમાં મરનારાઓ ક્યારેય એવા લોકો નથી હોતા જેઓ બેસીને નિર્ણય લે છે. મરનારાઓ સામાન્ય માણસો હોય છે. આવા નાવિકો હોય છે.

ખાડી દેશો અને આંતરરાષ્ટ્રીય સમુદ્રી વ્યાપારમાં લાખો ભારતીયો કામ કરે છે એ પણ એક હકીકત છે. એટલે જહાજ કોઈ બીજાનું હોય, ઝંડો કોઈ બીજા જ દેશનો હોય, કંપની કોઈ ત્રીજા દેશમાં નોંધાયેલી હોય પણ મિસાઇલો પડે છે ત્યારે મરનારામાં ભારતીયો પણ હોય છે.

ભારત સરકાર પણ જાણે છે કે અનિચ્છાએ પણ ભારતીયો આ યુદ્ધનો હિસ્સો બની રહ્યા છે અને જીવ જઈ રહ્યા છે. એટલે સરકારે પણ ઠોસ પગલાં લેવાની તાતી જરૂરિયાત છે કારણ કે જહાજ ભલે ખાનગી હોય, કંપની ભલે બીજાની હોય પણ જીવ ભારતીય નાગરિકોના જઈ રહ્યા છે.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં