હોમપેજદુનિયાઅનેક શહેરોમાં હિંસક પ્રદર્શનો, સુરક્ષાબળોના ગોળીબારમાં અનેકનાં મોત: ફરી કેમ સળગ્યું પાકિસ્તાન...

અનેક શહેરોમાં હિંસક પ્રદર્શનો, સુરક્ષાબળોના ગોળીબારમાં અનેકનાં મોત: ફરી કેમ સળગ્યું પાકિસ્તાન અધિકૃત કાશ્મીર?

ભારત પાસેથી પચાવી પાડ્યા પછી POKનો ઉપયોગ વર્ષો સુધી આતંકવાદને પોષવામાં કરતું રહ્યું પાકિસ્તાન, હવે વિકાસથી વંચિત પ્રજા સરકાર પાસે જવાબ માંગી રહી છે.

- Advertisement -

ભાગલા દરમ્યાન પાકિસ્તાને પચાવી પાડેલું પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK) ફરી એકવાર લોહિયાળ સંઘર્ષ અને હિંસાની આગમાં હોમાયું છે. મુઝફ્ફરાબાદથી લઈને રાવલાકકોટ સુધીનાં શહેરોમાં સન્નાટો છે, ઈન્ટરનેટ બંધ છે, અને પાકિસ્તાની સુરક્ષા દળો દ્વારા સ્થાનિક નાગરિકો પર બેરહેમીથી દમન ગુજારવામાં આવી રહ્યું છે. ન્યૂઝ એજન્સીઓના અહેવાલો અનુસાર તાજેતરની હિંસામાં 20થી વધુ લોકોનાં મોત થયાં છે અને સેંકડો લોકો ઘાયલ થયા છે.

જે પ્રદેશને પાકિસ્તાન દાયકાઓથી દુનિયા સામે ‘આઝાદ કાશ્મીર’ કહીને પ્રોપગન્ડા ચલાવતું હતું આજે તે જ પ્રદેશ પાકિસ્તાની સેના અને સરકારના અત્યાચારો સામે સળગી રહ્યો છે. રાવલકોટ, મુઝફ્ફરાબાદ અને મીરપુર જેવાં અગ્રણી શહેરો લશ્કરી છાવણીમાં ફેરવાઈ ગયાં છે. આ હિંસા અને જનતાના આક્રોશ પાછળ માત્ર મોંઘવારી-વીજદર વગેરે જેવા મુદ્દાઓ જ નથી પરંતુ વર્ષોથી દબાયેલો રાજકીય અને આર્થિક શોષણનો લાવા છે.

તાજેતરના અહેવાલો મુજબ, સમગ્ર PoKનાં અનેક શહેરોમાં સંપૂર્ણ ‘શટડાઉન’ જાહેર કરવામાં આવ્યું છે અને જનજીવન ઠપ થઈ ગયું છે. બજારો, દુકાનો, વાહનવ્યવહાર અને વેપાર સંપૂર્ણપણે બંધ કરવામાં આવ્યાં છે. પાકિસ્તાન સરકારે પ્રદર્શનકારીઓનો અવાજ દુનિયા સુધી પહોંચતો રોકવા માટે સમગ્ર વિસ્તારમાં મોબાઈલ ઈન્ટરનેટ અને કમ્યુનિકેશન બ્લેકઆઉટ કરી દીધું છે.

- Advertisement -

રાવલાકકોટ અને મુઝફ્ફરાબાદમાં સુરક્ષા દળો અને પ્રદર્શનકારીઓ વચ્ચે થયેલી લોહિયાળ અથડામણમાં 20થી 30 લોકોનાં મોત થયાં છે અને 200થી વધુ લોકો ઘાયલ થયા છે. મીડિયા રિપોર્ટ્સ અને ઈન્ટેલિજન્સ ડેટા અનુસાર, પાકિસ્તાની રેન્જર્સના અંધાધૂંધ ગોળીબારમાં નિર્દોષ નાગરિકો, મહિલાઓ અને બાળકોએ પણ જીવ ગુમાવ્યા છે. મૃત્યુઆંક 30 જણાવવામાં આવી રહ્યો છે પણ સાચો આંકડો આનાથી અનેકગણો વધારે હોવાની સંભાવનાઓ અત્યાધિક છે.

વિરોધ પ્રદર્શનનું નેતૃત્વ કરી રહેલા જૂથ ‘જોઈન્ટ અવામી એક્શન કમિટી’ (JAAC) પર પાકિસ્તાન સરકારે 5 જૂન 2026ના રોજ ‘એન્ટી-ટેરરિઝમ એક્ટ’ (આતંકવાદ વિરોધી કાયદો) હેઠળ પ્રતિબંધ મૂકી દીધો હતો. આ આંદોલનના મુખ્ય નેતાઓ—શૌકત નવાઝ મીર, ઓમર નઝીર કાશ્મીરી, સરદાર અમન અને ખ્વાજા મહેરાન પર રાજદ્રોહનો કેસ દાખલ કરીને તેમની ધરપકડ કરાવનાર માટે 1 કરોડ પાકિસ્તાની રૂપિયાનું ઈનામ જાહેર કરવામાં આવ્યું છે.

તાજેતરમાં હિંસા કેમ થઈ?

આ વખતે હિંસા ભડકવાનું મુખ્ય કારણ આગામી 27 જુલાઈએ યોજાનારી PoKની કથિત વિધાનસભા ચૂંટણી અને ‘જોઈન્ટ અવામી એક્શન કમિટી’ (JAAC) દ્વારા આપવામાં આવેલું ‘લોન્ગ માર્ચ’ અને હડતાળનું એલાન છે. PoKની કથિત વિધાનસભામાં 12 બેઠકો એવા ‘શરણાર્થીઓ’ માટે અનામત રાખવામાં આવી છે જેઓ દાયકાઓ પહેલાં કાશ્મીરમાંથી પાકિસ્તાનના અલગ અલગ ભાગોમાં જઈને વસ્યા હતા. આ 12 બેઠકો પર ચૂંટણી લડનારા ઉમેદવારો કે મતદારો PoKમાં રહેતા નથી, પરંતુ પાકિસ્તાનનાં અન્ય શહેરો જેમ કે લાહોર, કરાચી, રાવલપિંડીમાં રહે છે.

ત્યાંની સ્થાનિક જનતા અને ‘જોઈન્ટ અવામી એક્શન કમિટી’ની (JAAC) માંગ છે કે આ 12 બેઠકો નાબૂદ કરવામાં આવે, કારણ કે પાકિસ્તાન સરકાર આ બેઠકોનો દુરુપયોગ કરીને પોતાના કઠપૂતળી નેતાઓને PoKની સત્તા પર બેસાડી દે છે. તાજેતરમાં પાકિસ્તાન હાઈકોર્ટે ચુકાદો આપ્યો કે આ બેઠકો બંધારણીય રીતે સુરક્ષિત છે અને તેને નાબૂદ કરી શકાય નહીં. આ ચુકાદા બાદ જનતાનો ગુસ્સો ફાટી નીકળ્યો.

ગયા અઠવાડિયે પાકિસ્તાન સરકારે પ્રદર્શનોનું નેતૃત્વ કરી રહેલી સંસ્થા JAAC પર પ્રતિબંધ મૂકી દીધો અને તેના કાર્યકરોની સામૂહિક ધરપકડ શરૂ કરી હતી. રાવલકોટમાં રવિવારે રાત્રે પ્રદર્શનકારીઓ અને પાકિસ્તાની દળો વચ્ચે હિંસક અથડામણ થઈ, જેમાં ભારે ગોળીબાર થયો. ત્યારબાદ પાકિસ્તાન સરકારે પ્રદર્શનકારી નેતાઓ પર 1 કરોડ પાકિસ્તાની રૂપિયાનું ઈનામ જાહેર કર્યું છે.

‘જોઈન્ટ અવામી એક્શન કમિટી’ શું છે?

આ આંદોલન પાછળ કોઈ પરંપરાગત રાજકીય પક્ષ નથી, પરંતુ ‘જોઈન્ટ અવામી એક્શન કમિટી’ (JAAC) નામનું સંગઠન છે. આ સંગઠન 2023માં અસ્તિત્વમાં આવ્યું હતું. તે PoKના વેપારીઓ, વકીલો, સિવિલ સોસાયટીના સભ્યો અને સામાન્ય નાગરિકોનું એક મોટું ગઠબંધન છે. શરૂઆતમાં આ સંગઠને લોટના વધતા ભાવો, વીજળીના આસમાને પહોંચેલા બિલ અને ગેરવાજબી ટેક્સેશન વિરુદ્ધ શાંતિપૂર્ણ આંદોલન શરૂ કર્યું હતું.

જોકે સપ્ટેમ્બર 2023માં આ આંદોલન હિંસક બન્યું. લાખો લોકોએ વીજળીના બિલ ભરવાનો સામુદાયિક બહિષ્કાર કર્યો અને સરકારી કચેરીઓ સળગાવી દીધી. તે સમયે પણ પાકિસ્તાની દળો સાથેની અથડામણમાં 9 લોકો માર્યા ગયા હતા. મે 2024માં JAACએ મુઝફ્ફરાબાદ તરફ વિશાળ લોન્ગ માર્ચ કાઢી હતી. પરિસ્થિતિ એટલી બગડી ગઈ હતી કે પાકિસ્તાનના વડા પ્રધાને તાત્કાલિક 23 અબજ રૂપિયાની સબસિડી મંજૂર કરવી પડી હતી.

જોકે, પ્રદર્શનકારીઓનું કહેવું છે કે સરકારે બાદમાં આ વચનો પાળ્યાં નહીં અને સબસિડી પાછી ખેંચી લીધી. હવે આ આંદોલન માત્ર આર્થિક માંગણીઓ પૂરતું સીમિત નથી રહ્યું, પરંતુ તે પાકિસ્તાન સામે સંપૂર્ણ રાજકીય વિદ્રોહ અને ‘આઝાદી’ની લડાઈ બની ગયું છે.

PoKમાં વારંવાર પ્રદર્શનો અને હિંસા થવાનાં મૂળભૂત કારણો

કુદરતી સંસાધનોની ખુલ્લી લૂંટ: PoKના લોકો પાકિસ્તાનથી કંટાળી ચૂક્યા છે. PoK પ્રદેશ પાણી અને નદીઓથી સમૃદ્ધ છે. પાકિસ્તાનની અડધાથી વધુ હાઇડ્રો-ઇલેક્ટ્રિક પાવર (જળ-વીજળી) PoKમાં બનેલા મંગલા ડેમ અને નીલમ-ઝેલમ પ્રોજેક્ટમાંથી પેદા થાય છે. અહીં જે વીજળી માત્ર આશરે 4થી 5 રૂપિયા પ્રતિ યુનિટના ખર્ચે બને છે, તે પાકિસ્તાન સરકાર રાષ્ટ્રીય ગ્રીડમાં લઈ જાય છે અને PoKના જ લોકોને 50થી 60 રૂપિયા પ્રતિ યુનિટના ભાવે વેચે છે.

આ સિવાય આ વિસ્તારમાં 14-14 કલાક પાવર કટ રહે છે, જ્યારે પાકિસ્તાનનો પંજાબ પ્રાંત આ જ વીજળીથી ઝળહળે છે. સ્થાનિક લોકો આને પાકિસ્તાન દ્વારા કરવામાં આવતી કોલોનિયલ લૂંટ ગણે છે.

લોકશાહીનો અભાવ અને ઇસ્લામાબાદની ગુલામી: આ સિવાય PoKમાં કહેવા પૂરતી સરકાર છે, પરંતુ અસલી સત્તા ઇસ્લામાબાદમાં બેઠેલી પાકિસ્તાની આર્મી અને ‘કાશ્મીર કાઉન્સિલ’ના હાથમાં છે. જો કોઈ નાગરિક કે નેતા પાકિસ્તાન વિરુદ્ધ અથવા જમ્મુ-કાશ્મીરના ભારતમાં વિલયના પક્ષમાં બોલે તો તેને ચૂંટણી લડવા દેવામાં આવતી નથી અને તેનું અપહરણ કરીને અત્યાચાર કરવામાં આવે છે.

આર્થિક કંગાળિયત અને સંસાધનોનો અભાવ: પાકિસ્તાન પોતે આંતરરાષ્ટ્રીય મોનિટરિંગ ફંડના (IMF) ભીખના ટુકડા પર જીવી રહ્યું છે. પાકિસ્તાન સરકાર તમામ ફંડ પોતાના પંજાબ પ્રાંત પાછળ વાપરે છે, જ્યારે PoKમાં રસ્તા, હોસ્પિટલો, શિક્ષણ કે રોજગારની કોઈ સુવિધા નથી. પ્રદર્શનકારીઓની માંગ છે કે પાકિસ્તાન પોતાના મંત્રીઓ અને લશ્કરી અફસરોના વૈભવી ખર્ચા બંધ કરે અને જનતાને સસ્તો લોટ અને આરોગ્ય સુવિધાઓ આપે.

આતંકવાદનું ઘર: પાકિસ્તાને દાયકાઓથી આ પ્રદેશનો ઉપયોગ માત્ર ભારત વિરુદ્ધ આતંકવાદીઓ મોકલવા માટે ‘લૉન્ચ પેડ’ તરીકે કર્યો છે. લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદ જેવા સંગઠનો ત્યાં ખુલ્લેઆમ ફરે છે, જેનાથી સ્થાનિક નાગરિકોનું શાંતિપૂર્ણ જીવન નરક બની ગયું છે. હવે ત્યાંની જનતા આ આતંકવાદી માળખાનો પણ વિરોધ કરી રહી છે.

ભારત સરકાર અને વિદેશ મંત્રાલયનો આકરો પ્રહાર

નોંધનીય છે કે 1947માં બ્રિટિશ શાસનથી મુક્તિ બાદ પાકિસ્તાને બળજબરીથી આ વિસ્તાર પર કબજો કર્યો હતો. ત્યારથી લઈને આજ સુધી પાકિસ્તાન સરકારે આ વિસ્તારને માત્ર ભારત વિરોધી ષડ્યંત્ર રચવા અને ભારતમાં આતંકવાદીઓ મોકલવા માટે જ કર્યો છે. PoKની જનતા પાસે પ્રાથમિક સુવિધાઓ પણ ઉપલબ્ધ નથી. જેના કારણે આ હિંસા થઈ રહી છે. આ હિંસા અંગે ભારતે આકરું વલણ અપનાવ્યું છે.

ભારત સરકારે હંમેશાં વૈશ્વિક મંચો પર સ્પષ્ટ કર્યું છે કે સમગ્ર જમ્મુ-કાશ્મીર ભારતનો અભિન્ન હિસ્સો છે અને પાકિસ્તાને ગેરકાયદેસર રીતે તેના પર કબજો જમાવ્યો છે. તાજેતરની હિંસા બાદ ભારતના વિદેશ મંત્રાલયે પાકિસ્તાન પર આકરા પ્રહાર કર્યા છે. ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જાયસ્વાલે મીડિયા બ્રીફિંગમાં પાકિસ્તાન સરકારની ‘ક્રૂરતા’ને સખત શબ્દોમાં વખોડી કાઢી છે.

તેમણે જણાવ્યું કે, “પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં ગંભીર પોલીસ ક્રૂરતાના અહેવાલો છે, જેમાં ઘણા પ્રદર્શનકારીઓ માર્યા ગયા છે અને સેંકડો ઘાયલ થયા છે. અમે આશા રાખીએ છીએ કે આંતરરાષ્ટ્રીય સમુદાય પાકિસ્તાનને તેના આ કુકર્મો અને માનવાધિકાર ઉલ્લંઘન માટે જવાબદાર ઠેરવશે.”

ભારતે પાકિસ્તાનના ‘પ્રોપેગન્ડા મશીન’ને પણ ખુલ્લું પાડ્યું છે. જાયસ્વાલે ઉમેર્યું કે પાકિસ્તાન પોતાની આર્થિક અને રાજકીય નિષ્ફળતાઓને છુપાવવા અને દુનિયાનું ધ્યાન ભટકાવવા માટે ભારત વિરુદ્ધ ફેક ન્યૂઝ અને નકલી વિડીયો ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યું છે, પરંતુ PoKમાં પાકિસ્તાની આર્મી અને પોલીસની બર્બરતા હવે આખી દુનિયા સામે આવી ગઈ છે.

આ ઘટનાઓ પાકિસ્તાનના પતન અને ભારતના પક્ષને મજબૂત કરનારી સાબિત થઈ રહી છે. પાકિસ્તાન દાયકાઓથી વૈશ્વિક મંચો પર કાશ્મીરીઓના માનવાધિકારની ખોટી દુહાઈઓ દેતું આવ્યું છે. પરંતુ આજે તેના પોતાના જ ગેરકાયદેસર કબજા હેઠળના કાશ્મીરમાં નાગરિકો ‘પાકિસ્તાનથી આઝાદી’ના નારા લગાવી રહ્યા છે. પાકિસ્તાનનો અસલી ચહેરો ખુલ્લો પડી ગયો છે કે તે કાશ્મીરીઓનો હિતેચ્છુ નથી પરંતુ એક ક્રૂર અતિક્રમણકારી છે.

ઉલ્લેખનીય છે એક વર્ષ 2019માં ભારતે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવી, ત્યારબાદ ભારતીય કાશ્મીરમાં પ્રગતિ, પ્રવાસન, અમન અને શાંતિનો નવો યુગ શરૂ થયો છે. ત્યાંના મુસ્લિમો અને અન્ય નાગરિકો ભારત સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ લઈ રહ્યા છે. તેની બિલકુલ વિપરીત સ્થિતિ પાકિસ્તાન સરહદે છે, જ્યાં PoKના લોકો લોટના એક-એક કટ્ટા માટે અને લાઈટ માટે તરસતા થઈ ગયા છે. PoKની જનતા હવે ખુલ્લેઆમ પાકિસ્તાનથી અલગ થવા માંગે છે.

તાજેતરમાં જ PoKના હ્યુમન રાઈટ્સ એક્ટિવિસ્ટ તસ્લીમા અખ્તરે ANIને જણાવ્યું હતું કે પાકિસ્તાની દળો લોકોના અવાજને દબાવવા ઈન્ટરનેટ અને મીડિયા પર પ્રતિબંધ લગાવી રહ્યા છે જેથી બહારની દુનિયાને સત્ય ખબર ન પડે. પરંતુ આ પાપ છુપાયું નથી. બ્રિટનના 50થી વધુ સાંસદોએ બ્રિટિશ હોમ સેક્રેટરી યવેત કૂપરને પત્ર લખીને PoKમાં પાકિસ્તાનની બર્બરતા અને ઇન્ટરનેટ બ્લેકઆઉટ સામે ચિંતા વ્યક્ત કરી છે. આ પાકિસ્તાન માટે બહુ મોટો આંતરરાષ્ટ્રીય ઝટકો છે.

જોકે હંમેશાંની જેમ પોતાની નિષ્ફળતા છુપાવવા માટે પાકિસ્તાની પોલીસે એવો દાવો કર્યો છે કે તેમણે મુઝફ્ફરાબાદમાંથી 5 શંકાસ્પદ લોકોની ધરપકડ કરી છે જેઓ ‘પાડોશી દેશની (ભારત) ગુપ્તચર એજન્સી’ના સંપર્કમાં હતા. પાકિસ્તાનની આ જૂની આદત છે કે જ્યારે પોતાની જનતા બળવો કરે ત્યારે દોષનો ટોપલો ભારત પર ઢોળી દેવો, પરંતુ હવે PoKની જનતા પણ પાકિસ્તાનના આ જૂઠાણાને ઓળખી ગઈ છે.

જે આંદોલન લોટ અને વીજળીની સબસિડી માટે શરૂ થયું હતું, તે હવે પાકિસ્તાનની બંધારણીય વ્યવસ્થા અને ગેરકાયદેસર કબ્જા સામેનો સશસ્ત્ર અને સામુદાયિક બળવો બની ચૂક્યું છે. ભારત માટે આ એક અત્યંત અનુકૂળ વૈશ્વિક સ્થિતિ છે, જ્યાં પાકિસ્તાન આર્થિક રીતે ભિખારી સાબિત થયું છે અને નૈતિક રીતે આંતરરાષ્ટ્રીય મંચ પર ખુલ્લું પડી ગયું છે. PoKના નાગરિકો હવે સમજી ગયા છે કે તેમનું ભવિષ્ય ઇસ્લામાબાદની ગુલામીમાં નહીં, પરંતુ નવી દિલ્હીના વિકાસ મોડલમાં જ સુરક્ષિત છે. આજે નહીં ને દસ વર્ષે, તેમનું ભવિષ્ય એ જ છે.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં