
ભારતના ગૌરવ અને હિંદવી સ્વરાજ્યના સ્થાપક છત્રપતિ શિવાજી મહારાજને હવે ઇઝરાયેલમાં પણ વિશેષ સન્માન મળવા જઈ રહ્યું છે. મુંબઈ સ્થિત ઇઝરાયેલના કૉન્સુલ જનરલ યાનિવ રેવાચે ઇઝરાયેલમાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા સ્થાપિત કરવાની યોજના જાહેર કરી છે. આ માટે તેમણે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને પત્ર લખીને રાજ્ય સરકારનો સહયોગ પણ માગ્યો છે.
6 જૂન, 2026ના રોજ લખાયેલા પત્રમાં યાનિવ રેવાચે જણાવ્યું છે કે ઇઝરાયેલ અને ભારત વચ્ચેના સાંસ્કૃતિક અને ઐતિહાસિક સંબંધોને વધુ મજબૂત બનાવવા માટે ઇઝરાયેલમાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા સ્થાપિત કરવાની યોજના પર કામ ચાલી રહ્યું છે. તેમણે આ પહેલને બંને દેશોના લોકો વચ્ચેના સંબંધોને વધુ ગાઢ બનાવવાના પ્રયાસ તરીકે વર્ણવી છે.
દેવેન્દ્ર ફડણવીસે પણ આ પહેલનું સ્વાગત કર્યું છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને જણાવ્યું કે શિવરાજ્યાભિષેક દિવસના અવસરે ઇઝરાયેલ તરફથી કરવામાં આવેલી આ જાહેરાત ઐતિહાસિક છે અને મહારાષ્ટ્ર સરકાર આ પહેલને સંપૂર્ણ સહયોગ આપશે.
This is huge news!
— Devendra Fadnavis (@Dev_Fadnavis) June 6, 2026
On the auspicious occasion of #ShivRajyabhishek din, heartfelt thanks to Isreal CG @yanivrev for this historic announcement of installing a grand statue of Chhatrapati Shivaji Maharaj in Israel.
Maharashtra Govt will extend complete support for this historic… https://t.co/TLAvgw6ntQ
યાનિવ રેવાચે પોતાના પત્રમાં જણાવ્યું છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ઐતિહાસિક ઇઝરાયેલ મુલાકાત બાદ બંને દેશોના લોકોને વધુ નજીક લાવવા માટે ઇઝરાયેલ સરકાર વિવિધ પ્રયાસો કરી રહી છે. તેમણે લખ્યું છે કે મુંબઈમાં પોતાની નિમણૂક બાદ તેમણે મરાઠા સામ્રાજ્ય અને છત્રપતિ શિવાજી મહારાજના ઇતિહાસનો અભ્યાસ કર્યો હતો. આ દરમિયાન તેઓ શિવાજી મહારાજના વ્યક્તિત્વ અને કાર્યોથી ખૂબ પ્રભાવિત થયા હોવાનું પણ તેમણે જણાવ્યું.
પત્રમાં રેવાચે શિવાજી મહારાજને માત્ર મરાઠા સામ્રાજ્યના સ્થાપક તરીકે જ નહીં, પરંતુ સારા શાસન, અસાધારણ સાહસ, ધાર્મિક સહિષ્ણુતા, મજબૂત નૌકાદળ અને પ્રજાના રક્ષણ માટે પ્રતિબદ્ધ નેતા તરીકે વર્ણવ્યા છે. તેમણે લખ્યું છે કે શિવાજી મહારાજની વીરતા અને નેતૃત્વ આજે પણ કરોડો લોકોને પ્રેરણા આપે છે.
માત્ર પ્રતિમા સ્થાપવા સુધી જ આ પહેલ મર્યાદિત નથી. મીડિયા સાથેની વાતચીત દરમિયાન યાનિવ રેવાચે જણાવ્યું હતું કે ઇઝરાયેલમાં લોકો છત્રપતિ શિવાજી મહારાજ વિશે વધુ જાણી શકે તે માટે તેમના જીવન અને કાર્ય સાથે જોડાયેલા સાહિત્યનો હિબ્રૂ ભાષામાં અનુવાદ કરવાની સંભાવનાઓ પણ તપાસવામાં આવી રહી છે. તેમનું માનવું છે કે ઇઝરાયેલના નાગરિકોએ શિવાજી મહારાજના ઇતિહાસ અને યોગદાન વિશે જાણવું જોઈએ.
તેમણે વધુમાં જણાવ્યું કે પ્રતિમા ક્યાં સ્થાપિત કરવી તે અંગે ઇઝરાયેલની વિવિધ મ્યુનિસિપાલિટીઓ સાથે ચર્ચા ચાલી રહી છે. સાથે જ ઐતિહાસિક મહત્ત્વને અનુરૂપ પ્રતિમા તૈયાર થાય તે માટે પ્રતિષ્ઠિત શિલ્પકારની પસંદગી અંગે પણ વિચારણા થઈ રહી છે.
યાનિવ રેવાચે મહારાષ્ટ્ર સરકાર પાસે ઐતિહાસિક સંદર્ભો, ડિઝાઇન માર્ગદર્શન, કલાત્મક સલાહ અને અન્ય જરૂરી સહયોગ આપવા વિનંતી કરી છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે મહારાષ્ટ્ર સરકાર અને ઇઝરાયેલી સંસ્થાઓ વચ્ચેનો સહયોગ આ પ્રોજેક્ટને ઐતિહાસિક અને પ્રામાણિક સ્વરૂપ આપવામાં મદદરૂપ થશે.
પત્રમાં મહારાષ્ટ્ર અને યહૂદી સમુદાય વચ્ચેના ઐતિહાસિક સંબંધોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. રેવાચે જણાવ્યું કે ભારતના યહૂદી સમુદાયના અનેક લોકો અને તેમના વંશજો આજે ઇઝરાયેલી સમાજમાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યા છે. આવા ઐતિહાસિક સંબંધોને ધ્યાનમાં લેતા શિવાજી મહારાજની પ્રતિમા બંને સમાજો વચ્ચેના સાંસ્કૃતિક સેતુ તરીકે પણ કાર્ય કરી શકે છે.
તેમણે એવું પણ સૂચન કર્યું કે ભવિષ્યમાં આ પહેલ માત્ર એક સ્મારક પૂરતી મર્યાદિત ન રહે, પરંતુ બંને દેશોના નાગરિકોને જોડતો વ્યાપક સાંસ્કૃતિક પ્રોજેક્ટ બની શકે. તેમના મતે આ પ્રકારના પ્રયાસો ભારત અને ઇઝરાયેલ વચ્ચે પરસ્પર સમજણ વધારવાની સાથે દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવશે.
ઉલ્લેખનીય છે કે તાજેતરના વર્ષોમાં ભારત અને ઇઝરાયેલ વચ્ચે ટેક્નોલોજી, કૃષિ, સુરક્ષા, સંરક્ષણ અને સાંસ્કૃતિક ક્ષેત્રોમાં સહયોગ સતત વધ્યો છે. જો આ પ્રસ્તાવિત યોજના સાકાર થશે તો ઇઝરાયેલમાં સ્થાપિત થનારી છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા બંને દેશોની મિત્રતા અને સાંસ્કૃતિક સંબંધોનું એક કાયમી પ્રતીક બની રહેશે.

