
પટનાના યુટ્યુબ શિક્ષક ફૈઝલ ખાન ઉર્ફે ‘ખાન સર’ મુશ્કેલીમાં મુકાયા છે. તેમની કોચિંગ સંસ્થા ‘ખાન ગ્લોબલ સ્ટડીઝ’ (KGS) બહાર થયેલા ગોળીબારના મામલામાં પટના પોલીસે તેમની સામે FIR નોંધી છે. કદમકુઆં પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી આ ફરિયાદમાં ખાન સર સામે હત્યાનો પ્રયાસ અને આર્મ્સ એક્ટ હેઠળ ગંભીર કલમો લગાવવામાં આવી છે.
આ સમગ્ર વિવાદની શરૂઆત થોડા દિવસો પહેલાં થઈ હતી, જ્યારે 15થી 20 અજાણ્યા બદમાશોએ ખાન સરની આ કોચિંગ સંસ્થા પર હુમલો કર્યો હતો. તોડફોડની આ ઘટના દરમિયાન સંસ્થા પર પથ્થરમારો પણ કરવામાં આવ્યો હતો. આ હુમલા બાદ સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થયો હતો, જેમાં કોચિંગ સંસ્થાના બે સુરક્ષા ગાર્ડ હવામાં ફાયરિંગ કરતા જોવા મળ્યા હતા.
સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થયા બાદ પટના પોલીસ સક્રિય થઈ હતી. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને ખાન સરની સંસ્થા સાથે જોડાયેલા બે સુરક્ષા ગાર્ડની અટકાયત કરી લીધી હતી. તેમની પૂછપરછ અને તપાસના આધારે પોલીસે જે પણ પુરાવા એકઠા કર્યા, તેના આધારે જ હવે મુખ્ય સંચાલક તરીકે ખાન સર વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને તેમની ધરપકડ થવાની સંભાવના પણ સેવાઈ રહી છે. જ્યારે ખાન સરનું કહેવું છે કે ગોળીબાર આત્મરક્ષા (સેલ્ફ ડિફેન્સ) માટે કરવામાં આવ્યો હતો. ઉપરાંત પટનામાં ખાન સરની ધરપકડ માટે રેડ પાડવામાં આવી રહી હોવાનું પણ સામે આવ્યું છે.
પોલીસે ઘટનાસ્થળેથી ફાયરિંગમાં વપરાયેલા હથિયારો જપ્ત કરી લીધા છે અને તેને વધુ તપાસ માટે ફોરેન્સિક લેબોરેટરીમાં મોકલી આપ્યા છે. આ હુમલા અંગે શરૂઆતમાં ખાન સરે દાવો કર્યો હતો કે કોઈ રાઇવલ કોચિંગ સંસ્થાના લોકોએ તેમના પર હુમલો અને ફાયરિંગ કરાવ્યું છે. જોકે, પાછળથી તેમણે જણાવ્યું હતું કે ગોળીબાર ખરેખર કોણે કર્યો તે પોલીસ તપાસ પછી જ સ્પષ્ટ થશે.
બીજી તરફ, કોચિંગ સેન્ટર પર પથ્થરમારો અને તોડફોડ કરવાના મામલામાં પણ પોલીસે મોટી કાર્યવાહી કરી છે. આ હિંસાના આરોપમાં પોલીસે અત્યાર સુધીમાં ત્રણ લોકોની ધરપકડ કરી છે, જેમાં ખાન સરની હરીફાઈમાં ચાલતી એક અન્ય કોચિંગ સંસ્થાના ડાયરેક્ટરનો પણ સમાવેશ થાય છે. હાલ પોલીસ તોડફોડ અને ફાયરિંગ બંને ઘટનાઓની ઉંડાણપૂર્વક તપાસ કરી રહી છે.

