
ભારત સરકારે ચિનાબ નદી પર શરૂ કરેલા બે મોટા પ્રોજેક્ટ્સને કારણે પાકિસ્તાનમાં ફફડાટ વ્યાપી ગયો છે. હિમાચલ પ્રદેશમાં ચિનાબ-બિયાસ લિંક પ્રોજેક્ટ અને જમ્મુ-કાશ્મીરમાં સલાલ ડેમ ખાતે સેડિમેન્ટ મેનેજમેન્ટ ટનલના નિર્માણથી પાકિસ્તાન ધ્રૂજી ઉઠ્યું છે. આ બંને પ્રોજેક્ટ્સથી ગભરાયેલા પાકિસ્તાને ગુરુવારે (4 મે) સત્તાવાર નિવેદન બહાર પાડીને દાવો કર્યો છે કે ભારત સરકારના આ પગલાંથી પાકિસ્તાનના અર્થતંત્ર પર ખૂબ જ ખતરનાક અસરો પડી શકે છે.
પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે આક્ષેપ કર્યો છે કે નવી દિલ્હી પાણીનો એક‘હથિયાર’ તરીકે ઉપયોગ કરી રહ્યું છે. પહલગામ આતંકી હુમલા બાદ ભારતે સિંધુ જળ સંધિને સ્થગિત કરવાનો મોટો નિર્ણય લીધો હતો, જેનાં પગલે ભારતે સરહદી જળ માળખાકીય સુવિધાઓને મજબૂત કરવાની કામગીરી તેજ કરી દીધી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અગાઉ કહ્યું હતું કે, “લોહી અને પાણી એકસાથે વહી શકે નહીં.” જે અંતર્ગત પશ્ચિમની નદીઓ પર ભારતે પોતાનો હક જમાવવાનું શરૂ કરી દીધું છે.
પાકિસ્તાનનો સૌથી મોટો ડર આશરે 2,300 કરોડના ખર્ચે સાકાર થઈ રહેલા ‘ચિનાબ-બિયાસ લિંક પ્રોજેક્ટ’ને લઈને છે. હિમાચલ પ્રદેશના લાહૌલ-સ્પીતિ જિલ્લામાં આકાર લઈ રહેલા આ પ્રોજેક્ટ દ્વારા ચિનાબ બેસિનમાંથી વધારાનું 1.9 મિલિયન એકર ફીટ પાણી બિયાસ નદી પ્રણાલીમાં વાળવામાં આવશે. નેશનલ હાઈડ્રોઈલેક્ટ્રિક પાવર કોર્પોરેશનના (NHPC) દસ્તાવેજો અનુસાર, આ માટે ચિનાબ નદી પર 19 મીટર ઊંચો બેરેજ અને 8.7 કિલોમીટર લાંબી પાણી વહન કરતી ટનલ બનાવવામાં આવશે, જેનું કામ આ વર્ષે 1 ઓગસ્ટથી શરૂ થઈને 31 જુલાઈ, 2029 સુધીમાં પૂરું કરવાનું લક્ષ્ય છે.
આ સિવાય જમ્મુ-કાશ્મીરમાં કાર્યરત સલાલ હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટ ખાતે 268 કરોડના ખર્ચે બનનારી નવી ડાયવર્ઝન-કમ-સેડિમેન્ટ બાયપાસ ટનલથી પણ પાકિસ્તાનની ચિંતા વધી ગઈ છે. હિમાલયમાંથી વહીને આવતી ચિનાબ નદી દાયકાઓથી પોતાની સાથે ભારે માત્રામાં સિલ્ટ લાવે છે, જેના કારણે સલાલ ડેમના જળાશયની સંગ્રહ ક્ષમતા અને ટર્બાઇનની કાર્યક્ષમતા ઘટી ગઈ હતી. ભારત આ નવી ટનલ દ્વારા જળાશયમાંથી જમા થયેલો કાંપ સાફ કરશે અને જરૂર પડ્યે પાણીને ડાયવર્ટ પણ કરી શકશે, જે પાકિસ્તાન માટે મોટો ઝટકો છે.
પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે ભારત પર આંતરરાષ્ટ્રીય નિયમોના ઉલ્લંઘનનો આરોપ લગાવતા કહ્યું કે, “ભારતે આ પ્રોજેક્ટ્સ અંગે સત્તાવાર રીતે કોઈ માહિતી કે નોટિસ અમારી સાથે શેર કરી નથી. એક બેસિનમાંથી બીજા બેસિનમાં આ રીતે પાણી ટ્રાન્સફર કરવું એ સિંધુ જળ સંધિનું ઘોર ઉલ્લંઘન છે.” પાકિસ્તાની પ્રવક્તાએ સલાલ ડેમની નવી ટનલને અત્યંત ચિંતાજનક ગણાવીને વૈશ્વિક સ્તરે રોદણાં રડવાનું શરૂ કર્યું છે.
બીજી તરફ ભારત સરકારે પાકિસ્તાનના આ આક્ષેપો અને વિરોધને નકારી કાઢ્યા છે. ભારતે સ્પષ્ટ આર્થિક અને વ્યૂહાત્મક વલણ અપનાવતા જણાવ્યું છે કે તે પોતાના નિયંત્રણ હેઠળની નદીઓ પર ઉપલબ્ધ જળ સંસાધનોનો પૂર્ણ ઉપયોગ કરવા માટે સંપૂર્ણ હકદાર છે. પાકિસ્તાનના ફફડાટ વચ્ચે ભારતે પોતાના જળ વ્યવસ્થાપન અને હાઇડ્રોઇલેક્ટ્રિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મહત્તમ સ્તરે મજબૂત કરવા માટે આ બંને પ્રોજેક્ટ્સ પર ઝડપથી આગળ વધવાનો મક્કમ નિર્ધાર કર્યો છે.

