ખેડામાં ‘લવ જેહાદ’: પંચર બનાવતા નાઝિમે ‘રાજુ’ બનીને હિંદુ પરિણીતાને ફસાવી, ભગાડીને લઈ ગયો UP; ધરપકડ

ગુજરાતમાં વધુ એક લવ જેહાદનો મામલો સામે આવ્યો છે. ખેડાના કઠલાલમાં એક મુસ્લિમ શખ્સ હિંદુ નામ ધારણ કરીને હિંદુ પરિણીતાને ફસાવીને ભગાડી લઈ ગયો હોવાની ફરિયાદ નોંધાયા બાદ પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી હતી.

પોલીસ તપાસમાં સામે આવેલી વિગતો અનુસાર, આરોપીનું સાચું નામ નાઝિમ અન્સારી છે, જે મૂળ બિહારના વૈશાલી જિલ્લાનો વતની છે. નાઝિમ કઠલાલ તાલુકામાં અમદાવાદ-ઇન્દોર હાઈવે પર લગભગ બે વર્ષથી પંચર બનાવવાની દુકાન ચલાવતો હતો. તેણે સ્થાનિક સ્તરે પોતાની સાચી મજહબી ઓળખ છુપાવી રાખી હતી અને પોતાનું નામ ‘રાજુ ઠાકોર’ જણાવી રાખ્યું હતું.

થોડા સમય પહેલાં તેણે એક સ્થાનિક હિંદુ યુવાન સાથે પરિચય કેળવ્યો હતો અને ત્યારબાદ તેની પત્ની સાથે નિકટતા વધારી હતી. નંબરની આપ-લે ચાલુ થયા બાદ મહિલા સાથે વાતચીત શરૂ કરી હતી. ત્યારબાદ મહિલાને મળવા માટે બોલાવીને શારીરિક સંબંધો પણ બાંધ્યા હોવાનો આરોપ છે.

ગત 26 મેના રોજ નાઝિમ વતન બિહાર જઈ રહ્યો હોવાનું કહીને ઘરેથી નીકળી ગયો હતો. બીજા દિવસે 27મી મેના રોજ મહિલા પણ પિયર જવાનું કહીને નીકળી ગઈ હતી. ત્યારબાદ બંને બસમાં પહેલાં જયપુર અને ત્યાંથી ગાઝિયાબાદ પહોંચ્યાં હતાં. ગાઝિયાબાદમાં ભાડાના મકાનમાં બંને રોકાયાં હતાં.

ખેડામાં મહિલાના પરિવારે શોધખોળ કર્યા બાદ પત્તો ન લાગતાં સ્થાનિક પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. શંકાના આધારે પોલીસે નાઝિમની શોધખોળ હાથ ધરી હતી. શરૂઆતમાં તેણે મહિલા પોતાની સાથે ન હોવાનું જૂઠાણું ચલાવ્યું પરંતુ પછીથી મહિલાને ગાઝિયાબાદ મૂકીને પોતે ખેડા આવી ગયો હતો. પોલીસે અહીં તેની કડકાઈથી પૂછપરછ કરતાં મહિલા ગાઝિયાબાદ હોવાનું જણાવી દીધું હતું. ત્યારબાદ પોલીસ મહિલાને પણ લઈ આવી હતી.

પોલીસે ત્યારબાદ નાઝિમ વિરુદ્ધ ગુનો દાખલ કરીને તેની ધરપકડ કરીને આગળની તપાસ હાથ ધરી છે.

ખેડા DYSP વિક્રમસિંહ સોલંકીના જણાવ્યા મુજબ પોલીસ હવે એ દિશામાં ઊંડાણપૂર્વક તપાસ ચલાવી રહી છે કે આ ઘટના પાછળ કોઈ મોટું ષડયંત્ર કે નેટવર્ક કામ કરી રહ્યું છે કે કેમ, તેમજ આ ગુનામાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ.

શંકા ન જાય તે માટે દુકાનમાં દેવી-દેવતાના ફોટા રાખતો નાઝિમ

ભાસ્કરના રિપોર્ટ અનુસાર, નાઝિમ મહિલાને કહેતો કે તે મહિલાને પતિ સાથે છૂટાછેડા અપાવીને મંદિરમાં ભગવાનની સાક્ષીએ લગ્ન કરી લેશે. બિહાર જતાં પહેલાં પણ તેણે મહિલાને કહ્યું હતું કે તે તેને પોતાની સાથે લઈ જવા માગે છે અને પછી બંને ત્યાં જ રહેશે.

તપાસમાં સામે આવ્યું છે કે નાઝિમે સ્થાનિક સ્તરે પોતાની ઓળખ છુપાવી રાખી હતી અને હિંદુ હોવાનું લાગે તે માટે દુકાનમાં દેવી-દેવતાના ફોટા પણ રાખતો અને તુલસી-સુખદની માળા પણ પહેરતો. મહિલાનું કહેવું છે કે ગાઝિયાબાદમાં તેને આસપાસની મહિલાઓ પાસેથી જાણવા મળ્યું હતું કે રાજુ ખરેખર નાઝિમ છે.

પોલીસ હાલ તમામ એન્ગલથી તપાસ કરી રહી છે.