RBIએ ફોરેક્સ રિઝર્વ જાળવવા સોનું વેચ્યું? વિદેશી મીડિયાએ છાપ્યા સમાચાર, કેજરીવાલે ઉઠાવ્યા સવાલ… ફેક્ટચેકમાં ખુલી ગઈ પોલ

તાજેતરમાં વિદેશી સમાચાર સંસ્થા બ્લૂમબર્ગે એક રિપોર્ટમાં દાવો કર્યો કે ભારતની રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાએ ફોરેક્સ રિઝર્વ (વિદેશી હૂંડિયામણ) જાળવવા માટે લગભગ 12 બિલિયન યુએસ ડૉલર સોનું વેચી નાખ્યું છે. આ રિપોર્ટને આધાર બનાવીને અરવિંદ કેજરીવાલ જેવા નેતાઓ પ્રશ્નો ઉઠાવવા પણ માંડ્યા હતા. પરંતુ હવે સરકારના પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરોએ ફેક્ટચેક કરીને જણાવ્યું છે કે સમાચાર સદંતર ખોટા છે.

બ્લૂમબર્ગે 2 જૂનના રોજ પ્રકાશિત કરેલા રિપોર્ટમાં પોતાના કથિત એનાલિસિસને ટાંકીને લખ્યું કે RBIએ ફોરેક્સ રિઝર્વ બચાવવા સોનું વેચ્યું હોય શકે. અહીં ધ્યાન આપવા જેવી બાબત એ છે કે સમાચાર સંસ્થાએ પણ એક છટકબારી હેડલાઇનમાં જ રાખી હતી અને અંગ્રેજીમાં ‘મે હેવ’ (May have) શબ્દપ્રયોગ કર્યો હતો. અર્થાત્ આવું થયું હોય શકે.

આ રિપોર્ટ ટાંકીને અરવિંદ કેજરીવાલે લખ્યું, ‘શું આ સમાચાર સાચા છે? શું દેશનું સોનું વેચવામાં આવી રહ્યું છે? શું સરકાર એટલી કંગાળ થઈ ગઈ છે? 76 વર્ષમાં અનેક પ્રસંગો આવ્યા જ્યારે દેશ કઠિન સ્થિતિમાં હતો પણ દેશનું સોનું ક્યારેય વેચવામાં ન આવ્યું. તેનો અર્થ પરિસ્થિતિ બહુ ખરાબ છે.’ આગળ કેજરીવાલે લખ્યું, ‘સરકાર કેમ કશું જણાવતી નથી? દેશની શું સ્થિતિ છે? મોદીજી કહે છે કે તેઓ તો ઝોલો ઉઠાવીને ચાલતા થશે પણ આપણે અહીં જ, આ જ દેશમાં રહેવાનું છે.’

હકીકત શું છે?

સરકારના પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરોએ જણાવ્યું છે કે બ્લૂમબર્ગના અહેવાલમાં કોઈ તથ્ય નથી. સાથે તથ્ય પણ જણાવ્યું.

RBIના ડેટા અનુસાર ભારતના ફોરેન એક્સચેન્જ રિઝર્વમાં ગોલ્ડનો શેર સપ્ટેમ્બર 2025ના અંતમાં 13.92% હતો જે માર્ચ 2026 સુધીમાં 16.70% જેટલો થયો છે, અર્થાત્ તેમાં વધારો થયો છે. ઉપરાંત એવું પણ નથી કે માર્ચ પછી સોનું વેચવામાં આવ્યું હોય. કારણ કે મે 2026માં આ ટકાવારી 16.70%થી વધુને 16.85% જેટલી થઈ છે.

RBI દર મહિને એક બુલેટિન બહાર પાડે છે તેમાં સોનાનો ફિઝિકલ સ્ટોક સાર્વજનિક કરવામાં આવે છે અને આ માહિતી RBIની વેબસાઈટ પર ઉપલબ્ધ છે. આ ડેટા પરથી પણ જાણવા મળે છે કે સ્ટૉક યથાવત્ છે અને કોઈ પણ પ્રકારે સોનું વેચવામાં આવ્યું નથી.

PIBએ જણાવ્યું છે કે RBIને લગતી માહિતી માટે RBIની વેબસાઈટ અને સરકાર દ્વારા આપવામાં આવતી સત્તાવાર માહિતી પર જ આધાર રાખવામાં આવે.