હોમપેજરાજકારણલોકો-નેતાઓમાંથી ખતમ થતો ડર અને અસ્તિત્વ ટકાવવા માટે ઝઝૂમતી તૃણમૂલ કોંગ્રેસ: મહારાષ્ટ્રમાં...

લોકો-નેતાઓમાંથી ખતમ થતો ડર અને અસ્તિત્વ ટકાવવા માટે ઝઝૂમતી તૃણમૂલ કોંગ્રેસ: મહારાષ્ટ્રમાં શિવસેના-એનસીપી સાથે થયું એ હવે બંગાળમાં ટીએમસી સાથે થશે?

સત્તા પલટાયા બાદ હવે ટીએમસી માટે સૌથી મોટો પડકાર અસ્તિત્વ ટકાવી રાખવાનો છે. કારણ કે ડર માત્ર સામાન્ય નાગરિકોમાં ન હતો, થોડેઘણે અંશે પાર્ટીના નેતાઓમાં પણ હતો.

- Advertisement -

સત્તા ટકાવી રાખવાના બે રસ્તા છે. લોકોનાં કામ કરીને, તેમનો વિશ્વાસ જાળવી રાખીને વર્ષો સુધી સત્તા પર કઈ રીતે રહી શકાય એ નરેન્દ્ર મોદીએ છેલ્લાં 25 વર્ષમાં પુરવાર કર્યું. લોકોમાં ડર બેસાડીને, ધાક જમાવી રાખીને સત્તા કઈ રીતે ટકવાય એ મમતા બેનર્જી અને તેમની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસે (ટીએમસી) બતાવ્યું. બીજા વિકલ્પમાં જોકે સમસ્યા એ છે કે એક વખત ડર ખતમ થઈ જાય તો બધું વ્યાજસહિત પરત મળે છે. અભિષેક બેનર્જીને ત્રણ દિવસ પહેલાં એનો પ્રત્યક્ષ અનુભવ થયો. જોકે હિંસાને ક્યારેય સમર્થન હોતું નથી. આપણી અભિષેક સાથે ‘સહાનુભૂતિ’ છે.

ચાર દાયકાના કમ્યુનિસ્ટોના શાસનને ઉખાડી ફેંકીને 2011માં મમતા બેનર્જીની ટીએમસી પહેલી વખત સત્તામાં આવી એ છેક દોઢ દાયકા પછી 2026માં સત્તા ગઈ. 2011માં લોકો લેફ્ટના શાસનથી થાક્યા હતા અને ટીએમસીમાં વિકલ્પ જોયો પણ એ વિકલ્પ આખરે જોખમી સાબિત થયો અને બંગાળે એક ક્રૂર અને ભયજનક શાસન જોયું. 2026ની ચૂંટણીમાં ભાજપે એક મજબૂત વિકલ્પ પૂરો પાડીને લોકોમાંથી આ ડર ખતમ કર્યો. મમતાને હરાવી શકાય છે એવો સંદેશ પહોંચ્યો અને સત્તા પલટાઈ ગઈ.

સત્તા પલટાયા બાદ હવે ટીએમસી માટે સૌથી મોટો પડકાર અસ્તિત્વ ટકાવી રાખવાનો છે. કારણ કે ડર માત્ર સામાન્ય નાગરિકોમાં ન હતો, થોડેઘણે અંશે પાર્ટીના નેતાઓમાં પણ હતો. ડરના માર્યા, બદલાની કાર્યવાહીની સંભાવનાને જોતાં નેતાઓ ટીએમસી સાથે વળગી રહ્યા હતા. મમતા-અભિષેકના હાથમાંથી સત્તા ગઈ, પાવર ગયો એટલે હવે આ ડર પણ ખતમ થયો.

- Advertisement -

ડર માત્ર નાગરિકોમાંથી નહીં, ટીએમસી નેતાઓમાંથી પણ ખતમ થઈ રહ્યો છે

આનું સૌથી મોટું ઉદાહરણ એ છે કે ચૂંટણી પછી મમતા બેનર્જી પોતાની પાર્ટીના ચૂંટાયેલા 80 ધારાસભ્યોને એક છત નીચે એકઠા કરી શક્યાં નથી. સૌથી પહેલી બેઠકમાં અમુક ધારાસભ્યો ગેરહાજર રહ્યા ત્યારે પાર્ટીએ કારણ એવું આપી દીધું કે તેમણે પહેલેથી પાર્ટીને જાણ કરી હતી કે પોતે આવી શકે તેમ નથી. વચ્ચે બીજી એક બેઠક યોજાઈ એમાં પણ પાર્ટીના અમુક ધારાસભ્યો ન આવ્યા. તાજેતરમાં અભિષેક બેનર્જી પર ઈંડાં ફેંકાયાં પછી ફરી એક વખત મમતા બેનર્જીએ કોલકાતા નિવાસસ્થાને એક બેઠક બોલાવી અને તેમાં 80માંથી 60 ધારાસભ્યો ગેરહાજર રહ્યા. આખરે બેઠક રદ કરવી પડી.

ટીએમસી સ્વાભાવિક રીતે સ્વીકારે નહીં. પાર્ટી પ્રવક્તાએ કારણ આપ્યું કે નેતાઓ આગામી સમયમાં યોજાનારાં પ્રદર્શનોના આયોજનમાં વ્યસ્ત છે. આ વાત ગળે ઉતરે એમ નથી. જો પાર્ટીને પહેલેથી ખબર હોય તો આ સમયે બેઠકનું આયોજન કેમ કરે? બીજું, બેઠક જ આ પ્રદર્શનો બાબતે હતી તો તેમાં આવવામાં નેતાઓને શું વાંધો હોય? જો મોટાભાગના ધારાસભ્યો વ્યસ્ત છે એવી પાર્ટીને પહેલેથી ખબર હોય તો બેઠકનું આયોજન જ ન થાય.

સિગ્નેચર સ્કેમ ટીએમસી માટે સમસ્યા સર્જશે

બીજી તરફ બંગાળમાં ‘ફેક સિગ્નેચર સ્કેમ’ પણ ગાજી રહ્યું છે. આ જ કેસમાં અભિષેક બેનર્જીને CIDએ સમન મોકલ્યું હતું પણ તેઓ ‘ઈજા’નું બહાનું ધરીને પૂછપરછ માટે હાજર ન રહ્યા. અભિષેકની ઈજા કેટલીક છે એ વાતની સાબિતી એ હકીકત પરથી પણ મળે છે કે ઈંડાં ફેંકાયાની ઘટના પછી તેઓ હોસ્પિટલ ગયા તો ડૉક્ટરોએ દાખલ કર્યા ન હતા કારણ કે ઈજા જ એટલી ગંભીર ન હતી. ટીએમસી પણ આ એપિસોડના બહાને સહાનુભૂતિ ઉઘરાવવા મથી રહી છે, પણ લોકોનો રોષ એટલો છે કે મેળ આવી રહ્યો નથી. કલ્યાણ બેનર્જીએ પણ નાટકો કરી જોયાં પણ ટ્વિટર પર તરત પોલ ખુલી ગઈ.

સિગ્નેચર સ્કેમમાં એવું થયું છે કે બંગાળ ચૂંટણી પછી ટીએમસી તરફથી વિધાનસભા અધ્યક્ષને એક પત્ર સોંપવામાં આવ્યો હતો જેમાં શોભનદેબ ચટ્ટોપાધ્યાયને પાર્ટી તરફથી નેતા વિપક્ષ ચૂંટવામાં આવ્યા હોવાનું જણાવાયું હતું. પત્રમાં પાર્ટીના ધારાસભ્યોના હસ્તાક્ષર હતા. હવે અમુક ટીએમસી ધારાસભ્યો આરોપ લગાવી રહ્યા છે કે તેમણે સહી કરી જ ન હતી છતાં પત્ર પર આવી ગઈ. અર્થાત્ તેમના નામે અન્ય કોઈએ સહી કરીને પત્ર મોકલી આપ્યો. આમાં શંકાની સોઈ અભિષેક બેનર્જી તરફ છે અને એટલે પોલીસ તેમને તેડી રહી છે.

આ જ માથાકૂટમાં ટીએમસીએ હમણાં પાર્ટીના બે ધારાસભ્યોને બરખાસ્ત કરી દીધા. પરંતુ સમસ્યા અહીં પૂરી થઈ નથી પણ સાચો ખેલ હવે શરૂ થવાની તૈયારીમાં છે એમ કહીએ તો ખોટું નથી.

ટીએમસીએ બે ધારાસભ્યો સંદીપન સાહા અને રીતબ્રતા બેનર્જીને સસ્પેન્ડ કરી દીધા છે. મીડિયા રિપોર્ટ્સમાં દાવો છે કે આ બંને ધારાસભ્યોએ હમણાં પાર્ટીના બીજા અમુક ધારાસભ્યો સાથે એક ગુપ્ત બેઠક કરી હતી. આ ધારાસભ્યો એવા છે જેઓ કોઈને કોઈ વાતે પાર્ટી નેતૃત્વથી નારાજ છે. બંને ટીએમસી MLAએ છેલ્લા 48 કલાકમાં લગભગ પચાસેક ટીએમસી ધારાસભ્યોનો સંપર્ક કર્યો હોવાનું કહેવાય છે.

બંગાળમાં પણ મહારાષ્ટ્રવાળી થશે?

હવે બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ પર મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેની શિવસેના અને શરદ પવારની એનસીપી સાથે થયું એવું થવાની પણ પૂરેપૂરી શક્યતા છે. જો ટીએમસીમાં જ બળવાખોર ધારાસભ્યોનું એક જૂથ સર્જાયું અને તેમની પાસે ઠીકઠાક સંખ્યા હોય તો તેઓ સ્પીકરને અલગથી પત્ર સોંપીને પોતાનું અલગ જૂથ બનાવવા કવાયત કરી શકે એમ છે. બંગાળના રાજકીય વર્તુળમાં આ જૂથ ‘અસલી તૃણમૂલ’ તરીકે ઓળખાશે એવી ચર્ચા છે.

આ સંજોગોમાં શિવસેના-એનસીપીન જેમ જ બંગાળમાં ટીએમસીના બે ફાંટા પડી શકે. આમાં મમતા બેનર્જી અને અભિષેક બેનર્જી માટે ચિંતાની વાત એ છે કે બળવાખોર જૂથ પાસે વધુ ધારાસભ્યોનું સમર્થન હોય તો આખરે દાવો પાર્ટી પર પણ આવી શકે, જેવું મહારાષ્ટ્રમાં થઈ ચૂક્યું છે. મહારાષ્ટ્રમાં આજે શિવસેના અને એનસીપી બંનેનાં નામ-ચિહ્ન બળવાખોર નેતાઓના જૂથ પાસે છે. બંગાળમાં જોકે આ કામ એટલું સરળ નથી પણ શક્યતાઓ ક્યારેય નકારી શકાતી નથી.

જોકે ટીએમસી ધારાસભ્યોનું ભાજપમાં આવવું અત્યારે કઠિન લાગી રહ્યું છે કારણ કે સરકારમાં રહેતા ટીએમસીએ એટલાં કાંડ કર્યાં છે કે તેના કોઈ નેતાને હાલ ભાજપ સમર્થકો સ્વીકારી શકે એમ નથી. જોકે ભાજપ પણ હાલ ટીએમસીમાંથી કોઈને પાર્ટીમાં આવકારવાના મૂડમાં નથી એમ લાગી રહ્યું છે. પણ ટીએમસી તૂટતી હોય તો તેમાં ભાજપ સમર્થકોને કોઈ વાંધો ન હોવો જોઈએ.

મમતા બેનર્જી ‘સબ સલામત’ના દાવા કરે છે પણ જમીન પર વાસ્તવિકતા જુદી દેખાય રહી છે. તેમની સાથે જનતા નથી એ તો પરિણામોએ બતાવ્યું પણ હવે પોતાની પાર્ટીના ધારાસભ્યો પણ નથી. મમતા હવે કહી રહ્યાં છે કે તેમની પાર્ટીને અસ્થિર કરવાના પ્રયાસો થાય છે પણ તેઓ ફરિયાદ કરવા સિવાય બીજું કશું કરી શકે એમ નથી. પ્રદર્શનો કરીને શક્તિપ્રદર્શન કરવાના પણ પ્રયાસો થઈ રહ્યા છે, પણ તેમાં શક્તિપ્રદર્શન બાજુ પર રહ્યું, લોકો દોડાવીને મારે એની શક્યતા વધારે દેખાય રહી છે.

રાજકારણમાં એક ચૂંટણીમાં પરાજયથી અસ્તિત્વ ખતમ થતું નથી પણ બંગાળમાં ટીએમસીની વાત જુદી છે. પાર્ટીનું આખું અસ્તિત્વ જ લોકો-નેતાઓમાં બેસાડી દીધેલા ડર પર ટક્યું હતું, આ ડર જેમ-જેમ ખતમ થઈ રહ્યો છે એમ પાયા હલી રહ્યા છે.  

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં