બંગાળમાં મમતા બેનર્જીએ યોજેલી TMCના વિજેતા ઉમેદવારોની બેઠકમાં 10 નેતાઓ ગેરહાજર, પરાજય બાદ પાર્ટીમાં આંતરિક વિખવાદની અટકળો તેજ

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં તૃણમૂલ કોંગ્રેસની કારમી હાર બાદ હવે આ પ્રાદેશિક પક્ષના ભવિષ્ય પર પણ પ્રશ્ન ઉઠ્યા છે. બીજી તરફ અમુક નેતાઓ પાર્ટી છોડી શકે તેવી અટકળો વચ્ચે બુધવારે (6 મે) યોજાયેલી પાર્ટીની એક બેઠકમાં 9થી 10 TMC ધારાસભ્યો અનુપસ્થિત હોવાનું મીડિયા અહેવાલો જણાવી રહ્યા છે.

વિધાનસભા ચૂંટણી બાદ મમતા બેનર્જીએ TMCના ચૂંટાયેલા ઉમેદવારોની એક બેઠક યોજી હતી, જેમાં TMCના 9-10 ચૂંટાયેલા ઉમેદવારો ગેરહાજર રહ્યા હતા. આ બેઠક પાર્ટીની આગામી રણનીતિ અને વિપક્ષ નેતાની પસંદગી માટે યોજવામાં આવી હતી, પણ તેમાં 80માંથી માત્ર 70 ધારાસભ્યો જ આવ્યા હતા.

નેતાઓની ગેરહાજરીથી હવે અટકળો વહેતી થઈ છે કે આવનાર સમયમાં તૃણમૂલ કોંગ્રેસ તૂટી શકે છે અને આવી પરિસ્થિતિમાં નેતાઓ પાર્ટીનો સાથ છોડી શકે છે. જોકે તૃણમૂલ કોંગ્રેસે આ બધી વાતો નકારી દીધી છે.

TMCનું કહેવું છે કે જે નેતાઓ ગેરહાજર હતા તેમણે અગાઉથી પાર્ટી નેતૃત્વને જાણ કરી દીધી હતી. ઉપરાંત એવું પણ કહેવામાં આવ્યું કે અમુક નેતાઓને પાર્ટીએ જ આવવાની ના પાડી હતી. અમુકને પારિવારિક સ્થિતિના કારણે અડચણ આવી હોવાનું પાર્ટીનું કહેવું છે. જોકે આનો અર્થ એ પણ થયો કે અમુક ધારાસભ્યો ગેરહાજર હતા એ પાર્ટી પણ સ્વીકારી ચૂકી છે.

આ બેઠકમાં મમતા બેનર્જીએ ફરી એક વખત કહ્યું હતું કે તેઓ મુખ્યમંત્રી પદેથી રાજીનામું નહીં આપે, ભલે તેમને બરતરફ કરી દેવામાં આવે. સાથે તેમણે ભાજપ પર, ચૂંટણી પંચ પર અને કેન્દ્ર સરકાર પર ચૂંટણીમાં સીધી રીતે હસ્તક્ષેપ કરીને ટીએમસીને હરાવવાનો આરોપ લગાવ્યો અને કહ્યું કે નૈતિક રીતે તો ટીએમસી જ જીતી છે એટલે પોતે રાજીનામું નહીં આપે.

પશ્ચિમ બંગાળ ચૂંટણીમાં 294માંથી ભાજપને 207 બેઠકો મળી છે. પાર્ટી હવે સરકાર બનાવશે, જે માત્ર 8 મેના રોજ ધારાસભ્યોની બેઠક યોજાશે અને તેમાં નેતા ચૂંટીને 9 મેના રોજ શપથગ્રહણ થશે. જેમાં વડા પ્રધાન મોદી પણ હાજરી આપશે.