હોમપેજદેશછ દિવસ, પાંચ દેશ, ₹3.5 લાખ કરોડનું રોકાણ, 50+ કરાર: વડા પ્રધાન...

છ દિવસ, પાંચ દેશ, ₹3.5 લાખ કરોડનું રોકાણ, 50+ કરાર: વડા પ્રધાન મોદીની વિદેશયાત્રા આર્થિક મોરચે ભારતને કેટલો ફાયદો કરાવશે?

નોર્વેની મુલાકાત દરમિયાન વડા પ્રધાને પર્યાવરણની જાળવણી અને બ્લુ ઇકોનોમી એટલે કે દરિયાઈ સંસાધનોના ટકાઉ ઉપયોગ અંગેના મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. નોર્વે સરકારે ટકાઉ વિકાસ અને આંતરરાષ્ટ્રીય સ્તરે શાંતિપૂર્ણ સહકાર માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના યોગદાનની પ્રશંસા કરી હતી.

- Advertisement -

વડા પ્રધાન નરેન્દ્ર મોદી સંયુક્ત આરબ અમીરાત (UAE), નેધરલેન્ડ, સ્વીડન, નોર્વે અને ઇટાલી સહિત પાંચ દેશોનો પોતાનો સત્તાવાર પ્રવાસ સફળતાપૂર્વક પૂર્ણ કરીને નવી દિલ્હી પરત ફર્યા છે. વૈશ્વિક સ્તરે વધતી ભૌગોલિક-રાજકીય અસ્થિરતા, આર્થિક પુનર્ગઠન અને ઊર્જા સંકટ વચ્ચે યોજાયેલો આ રાજદ્વારી પ્રવાસ ભારતની વૈશ્વિક શાખ વધારવામાં અત્યંત સીમાચિહ્નરૂપ સાબિત થયો છે.

પીએમ મોદીના આ પ્રવાસનું સૌથી મોટું અને પ્રત્યક્ષ પરિણામ આર્થિક ક્ષેત્રે જોવા મળ્યું છે. સત્તાવાર આંકડાઓ અનુસાર, આ પ્રવાસ દરમિયાન ભારતમાં અંદાજે ₹3.5 લાખ કરોડ (લગભગ 40 અબજ યુએસ ડોલર) જેટલા જંગી વિદેશી રોકાણની નવી પ્રતિબદ્ધતાઓ, વ્યાપારી કરારો અને બિઝનેસ વિસ્તરણ યોજનાઓ ફાઇનલ કરવામાં આવી છે. આ આંકડો દર્શાવે છે કે વૈશ્વિક મંદીની આશંકાઓ વચ્ચે પણ વિદેશી રોકાણકારો માટે ભારત સૌથી આકર્ષક અને સુરક્ષિત આશ્રયસ્થાન બની રહ્યું છે.

પ્રવાસ દરમિયાન વડા પ્રધાને 50થી વધુ અગ્રણી આંતરરાષ્ટ્રીય કંપનીઓના CEOs અને વરિષ્ઠ અધિકારીઓ સાથે મહત્વની બેઠકો યોજી હતી. આ કંપનીઓની સંયુક્ત બજાર કિંમત લગભગ 3 ટ્રિલિયન ડોલર જેટલી થવા જાય છે, જેમાંથી ઘણી વૈશ્વિક કંપનીઓ પહેલેથી જ ભારતના વિકાસમાં ભાગીદાર છે અને દેશમાં આશરે 180 અબજ ડોલરનું રોકાણ તથા વ્યાપારી એક્સપોઝર ધરાવે છે.

- Advertisement -

નોંધનીય છે કે વૈશ્વિક સ્તરે ચીન સિવાયના અન્ય દેશોમાં પોતાના ઉત્પાદન એકમો સ્થાપવા માટે જ્યારે મલ્ટીનેશનલ કંપનીઓ ‘ચીન-પ્લસ-વન’ની (China-Plus-One) વ્યૂહરચના અપનાવી રહી છે, ત્યારે ભારતે પોતાની આર્થિક નીતિઓ અને વિશાળ સ્થાનિક બજારનો મજબૂત પક્ષ રજૂ કર્યો છે. આ બેઠકોના પરિણામે ભારતમાં સેમિકન્ડક્ટર્સ, એડવાન્સ ટેકનોલોજી, લોજિસ્ટિક્સ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવા વ્યૂહાત્મક ક્ષેત્રોમાં અનેક નવા પ્રોજેક્ટ્સ પાઇપલાઇનમાં આવ્યા છે.

આ પ્રવાસ દરમિયાન UAE સાથેની વાટાઘાટોમાં ઉર્જા સુરક્ષાનો મુદ્દો કેન્દ્રસ્થાને રહ્યો હતો. ભારત પોતાની ક્રૂડ ઓઈલની જરૂરિયાતોનો મોટો હિસ્સો આયાત કરતો હોવાથી ખાડી દેશો તેની ઉર્જા સ્થિરતા માટે અનિવાર્ય છે, જેને ધ્યાનમાં રાખીને લાંબા ગાળાના સહકાર પર ચર્ચા કરવામાં આવી હતી. બંને દેશો વચ્ચે કાચા તેલના સતત પુરવઠા, LNG ભાગીદારી અને વ્યૂહાત્મક પેટ્રોલિયમ અનામતના વિકાસ સંબંધિત ભવિષ્યનાં રોકાણો પર વ્યાપક સહમતી સધાઈ હતી જે ભારતના આર્થિક હિતોના રક્ષણ માટે અત્યંત મહત્વપૂર્ણ છે.

UAE સાથે ઊર્જા અને નૌકાદળ સુરક્ષા ભાગીદારી

પીએમ મોદીની મુલાકાત દરમિયાન સંયુક્ત આરબ અમીરાતે (UAE) ભારતમાં 5 અબજ ડોલરના (આશરે 45,000 કરોડ) નવા રોકાણની સત્તાવાર જાહેરાત કરી છે. પશ્ચિમ એશિયામાં પ્રવર્તતા ભૌગોલિક તણાવ વચ્ચે ભારતની લાંબા ગાળાની ઊર્જા સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ખાડી દેશોનો આ સહયોગ ભારત માટે વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વનો છે.

ભારત અને UAE વચ્ચે ક્રૂડ ઓઇલ સપ્લાય, એલએનજી (LNG) ભાગીદારી અને વ્યૂહાત્મક પેટ્રોલિયમ અનામત અંગે વિસ્તૃત ચર્ચા થઈ હતી. આ બેઠકોમાં એક મહત્વપૂર્ણ સમજૂતી કરાર (MoU) કરવામાં આવ્યા છે, જેના હેઠળ ગેસ બજારની અસ્થિરતા વચ્ચે પણ દેશની જરૂરિયાતોને સુરક્ષિત કરવા માટે UAE ભારતમાં એક ખાસ ગેસ રિઝર્વ જાળવી રાખવા માટે સહમત થયું છે.

આ સિવાય ઊર્જા ક્ષેત્ર ઉપરાંત બંને દેશોએ સંરક્ષણ, સાયબર સંકલન અને દરિયાઈ સુરક્ષાના મોરચે દ્વિપક્ષીય સંબંધોને એક નવા તબક્કામાં પ્રવેશ કરાવ્યો છે. ભારત અને UAE વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ એવા હિંદ મહાસાગર ક્ષેત્રમાં નૌકાદળ સહયોગ મજબૂત કરવા તેમજ આધુનિક સંરક્ષણ ઉત્પાદન અને ઉભરતી ટેકનોલોજીના સંયુક્ત વિકાસ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરશે.

સેમિકન્ડક્ટર મિશન અને નોર્ડિક દેશો સાથે ગ્રીન પાર્ટનરશિપ

આ પ્રવાસનો એક પ્રભાવશાળી હિસ્સો ભારતના સ્થાનિક સેમિકન્ડક્ટર મિશનને વેગ આપવાનો હતો. યુરોપના પ્રવાસ દરમિયાન ચિપ ઉત્પાદનની સપ્લાય ચેઈન અને એડવાન્સ ટેકનોલોજી પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. જેના ભાગરૂપે ભારતમાં સ્થાનિક ચિપ ઉત્પાદનની મજબૂત ઇકોસિસ્ટમ વિકસાવવા માટે વડાપ્રધાને યુરોપના અગ્રણી ચિપ ઉત્પાદકો અને તકનીકી સંસ્થાઓ સાથે વિશેષ બેઠકો યોજી હતી.

આ સેમિકન્ડક્ટર મિશનના ભાગરૂપે નેધરલેન્ડ્સની મુલાકાત દરમિયાન વૈશ્વિક સ્તરે ચિપ ઉત્પાદન મશીનરી ક્ષેત્રે એકચક્રી શાસન ધરાવતી કંપની ASML અને ભારતના પ્રતિષ્ઠિત ટાટા (Tata) જૂથ વચ્ચે MoU થયા છે. આ હાઇ-ટેક સહયોગથી ભારતમાં સેમિકન્ડક્ટરના ઉત્પાદન, સંશોધન અને સપ્લાય ચેઇનના વિકાસને અભૂતપૂર્વ પ્રોત્સાહન મળશે. નેધરલેન્ડ્સ સાથે થયેલો આ કરાર માત્ર વ્યાપારી સોદો નથી પરંતુ તે ભારતના તકનીકી સશક્તિકરણની દિશામાં એક મજબુત પગલું છે જે આવનારી પેઢીઓ માટે ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત કરશે.

યુરોપના પ્રવાસ દરમિયાન યોજાયેલી ભારત-નોર્ડિક સમિટમાં સ્વીડન અને નોર્વે જેવા દેશો સાથે ગ્રીન એનર્જી, સસ્ટેનેબલ મોબિલિટી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), ઇનોવેશન ઇકોસિસ્ટમ, ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને આર્કટિક ક્ષેત્રના સહકાર અંગે સઘન ચર્ચાઓ થઈ હતી. નોર્ડિક દેશો પર્યાવરણીય ટેક્નોલોજી અને ટકાઉ વિકાસમાં વિશ્વમાં મોખરે છે, જે હવે ભારતને એક વિશાળ લાંબાગાળાના બજાર તેમજ મજબૂત ટેકનોલોજી ભાગીદાર તરીકે જોઈ રહ્યા છે.

આ પ્રવાસ દરમિયાન ભારત અને સ્વીડન વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો હવે ‘વ્યૂહાત્મક ભાગીદારી’ના સ્તર પર આગળ વધ્ય છે. આ નવી વ્યવસ્થા હેઠળ સંશોધન, નવીનતા અને ડિજિટલ ટ્રાન્સફોર્મેશનના ક્ષેત્રોમાં સંયુક્ત રોકાણો અને સહયોગ વધારવા પર ભાર મૂકવામાં આવ્યો છે. સ્વીડનની અદ્યતન એન્જિનિયરિંગ ક્ષમતાઓ અને ભારતની સ્કેલ તેમજ આઈટી પ્રતિભાના સમન્વયથી બંને દેશો પરસ્પર વિકાસના નવા માર્ગો કંડારશે જે આગામી સમયમાં દ્વિપક્ષીય વ્યાપારને નવી ઊંચાઈએ પહોંચાડશે.

નોર્વેની મુલાકાત દરમિયાન વડા પ્રધાને પર્યાવરણની જાળવણી અને બ્લુ ઇકોનોમી એટલે કે દરિયાઈ સંસાધનોના ટકાઉ ઉપયોગ અંગેના મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. નોર્વે સરકારે ટકાઉ વિકાસ અને આંતરરાષ્ટ્રીય સ્તરે શાંતિપૂર્ણ સહકાર માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના યોગદાનની પ્રશંસા કરી હતી.

ઇટાલી સાથે ‘સ્પેશિયલ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ’ અને મહત્વના આઉટકમ્સ

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના આ સમગ્ર પ્રવાસનો અંતિમ અને સૌથી મહત્વપૂર્ણ પડાવ ઇટાલીની મુલાકાત હતો, જે તેમની ઇટાલીની પ્રથમ દ્વિપક્ષીય (અને એકંદર ત્રીજી) સત્તાવાર મુલાકાત હતી. ઇટાલીનાં વડાં પ્રધાન જ્યોર્જિયા મેલોની સાથે રોમમાં યોજાયેલી પ્રતિનિધિ મંડળ સ્તરની વાટાઘાટો બાદ બંને દેશોના પરસ્પર સંબંધોને સત્તાવાર રીતે સ્પેશિયલ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ’નો સર્વોચ્ચ દરજ્જો આપવામાં આવ્યો છે.

આ ઐતિહાસિક મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચે સંરક્ષણ ક્ષેત્ર માટે ‘ઇન્ડિયા-ઇટાલી ડિફેન્સ ઇન્ડસ્ટ્રિયલ રોડમેપ’ તૈયાર કરવામાં આવ્યો છે. આ સમજૂતીથી બંને દેશો સંરક્ષણ ક્ષેત્રે સ્વનિર્ભરતા લાવવા માટે અદ્યતન સંરક્ષણ પ્રણાલીઓના સંયુક્ત વિકાસ, સંયુક્ત ઉત્પાદન અને સ્વદેશી ક્ષમતા નિર્માણને પ્રોત્સાહન આપશે.

સંયુક્ત અખબારી નિવેદનમાં પીએમ મોદીએ જણાવ્યું કે ઇટાલી તેની સચોટતા અને ડિઝાઇન માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે, જ્યારે ભારત વૈશ્વિક સ્કેલ, ટેલેન્ટ અને એફોર્ડેબલ ઇનોવેશનનું પાવરહાઉસ છે. આ સાથે હવે બંને દેશો ‘ડિઝાઇન એન્ડ ડેવલપ ઇન ઇન્ડિયા એન્ડ ઇટાલી, એન્ડ ડિલિવર ફોર ધ વર્લ્ડ’ના આધુનિક સિદ્ધાંત પર સાથે મળીને આગળ વધશે.

આ ઉપરાંત આર્થિક અને નાણાકીય ક્ષેત્રે પારદર્શિતા લાવવા માટે બંને દેશોની તપાસ એજન્સીઓ વચ્ચે સીધો સમજૂતી કરાર કરવામાં આવ્યો છે. ઇટાલીના વિશેષ કોર્પ્સ ‘ગાર્ડિયા ડી ફાઇનાન્ઝા’ (Guardia di Finanza) અને ભારતના ‘એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ’ (ED) વચ્ચે થયેલા આ કરારનો મુખ્ય ઉદ્દેશ વૈશ્વિક ટેક્સ ચોરી, મની લોન્ડરિંગ અને ટેરર ફન્ડિંગ (Terror Financing) જેવા આર્થિક ગુનાઓને નાબૂદ કરવાનો છે.

ઇટાલીના પ્રવાસ દરમિયાન વડાપ્રધાન મોદીએ રોમ સ્થિત સંયુક્ત રાષ્ટ્રની સંસ્થા ‘ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશન’ની (FAO) મુલાકાત લીધી હતી, જ્યાં વૈશ્વિક ખાદ્ય સુરક્ષા અને ટકાઉ કૃષિના વિકાસમાં ભારતના અસાધારણ યોગદાન બદલ તેમને પ્રતિષ્ઠિત યુએન ‘એગ્રીકોલા મેડલ’થી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ આંતરરાષ્ટ્રીય પુરસ્કારને ભારતમાં અને વૈશ્વિક મંચ પર ગ્લોબલ સાઉથના કલ્યાણ અને કૃષિ ક્ષેત્રે ભારતે મેળવેલી સ્વનિર્ભરતાની ભવ્ય સ્વીકૃતિ તરીકે જોવામાં આવે છે.

આ ઉપરાંત શિક્ષણ અને માનવબળના ક્ષેત્રમાં પણ એક મોટો આઉટકમ સામે આવ્યો છે, જેમાં ભારતીય નર્સોની ઇટાલીમાં અવરજવર અને રોજગારી સરળ બનાવવા માટે વિશેષ કરાર કરાયા છે. આનાથી ભારતીય નર્સ માટે યુરોપમાં રોજગારીની નવી તકો ખુલશે.

આ ઉપરાંત ભારત અને ઇટાલીની સદીઓ જૂની સંસ્કૃતિઓને વધુ નજીક લાવવા માટે વર્ષ 2027ને સત્તાવાર રીતે ‘ભારત અને ઇટાલીના સંસ્કૃતિ અને પ્રવાસન વર્ષ’ તરીકે ઉજવવાની જાહેરાત કરવામાં આવી છે. આ આયોજન બંને દેશો વચ્ચે પરસ્પર સાંસ્કૃતિક આદાન-પ્રદાન, ટુ-વે ટૂરિઝમ અને પ્રવાસન ક્ષેત્રે મોટા પાયે રોજગારીની નવી તકોનું સર્જન કરશે.

વધુમાં ભારતના વારસાને આધુનિક વૈજ્ઞાનિક અભિગમ આપવા માટે ગુજરાતના ઐતિહાસિક લોથલ ખાતે ‘નેશનલ મેરિટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ’ના (NMHC) વિકાસ માટે ઇટાલીની એક્સપર્ટાઇઝ મેળવવા સમજૂતી કરાઈ છે. આ ઉપરાંત ઉચ્ચ શિક્ષણ અને સંશોધનનો નવો રોડમેપ પણ તૈયાર કરાયો છે જે ભારતીય યુવાનોની વૈશ્વિક રોજગાર ક્ષમતામાં વધારો કરશે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના આ પાંચ દેશોના સફળ પ્રવાસે બદલાતા વૈશ્વિક વ્યવસ્થાતંત્રમાં ભારતની એક સંતુલિત અને પ્રભાવશાળી મહાસત્તા તરીકેની છબીને વધુ મજબૂત કરી છે. ભારતો કોઈપણ એક વૈશ્વિક જૂથ અથવા બ્લોકમાં જોડાયા વિના યુરોપ, ખાડી દેશો અને પશ્ચિમી સત્તા કેન્દ્રો સાથે સમાન અને મજબૂત સંબંધો જાળવી રાખીને પોતાની વ્યુહાત્મક સ્વાયત્તતાની નીતિને સફળતાપૂર્વક સાબિત કરી બતાવી છે.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં