ભારત સરકાર દ્વારા આયોજિત વસ્તી ગણતરી 2027ના પ્રથમ તબક્કાની શરૂઆત થઈ ચૂકી છે. આ વખતે વસ્તી ગણતરીના ઇતિહાસમાં એક મોટો અને ઐતિહાસિક બદલાવ કરવામાં આવ્યો છે. પરંપરાગત કાગળ-પેનના બદલે આખી પ્રક્રિયાને ડિજિટલ મોડ પર શિફ્ટ કરવામાં આવી છે. આ રાષ્ટ્રીય અભિયાનના ભાગરૂપે ‘હાઉસલિસ્ટિંગ એન્ડ હાઉસિંગ સેન્સસ’ની (HLO– મકાનોની યાદી અને આવાસ ગણતરી) ફિલ્ડ કામગીરી દેશના વિવિધ રાજ્યોમાં શરૂ કરી દેવામાં આવી છે. આ આખી પ્રક્રિયામાં સૌથી મહત્વનું આકર્ષણ સેલ્ફ-એન્યુમરેશનની સુવિધા છે.
સેલ્ફ-એન્યુમરેશનની પ્રક્રિયા ભારતમાં પ્રથમ વખત થઈ રહી છે. ગુજરાતમાં આ ડિજિટલ સુવિધાનો સત્તાવાર પ્રારંભ થઈ ચૂક્યો છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતે ઓનલાઈન પ્લેટફોર્મ પર પોતાના પરિવારની વિગતો સબમિટ કરીને આ પ્રક્રિયાની શરૂઆત કરાવી હતી અને ગુજરાત આ સુવિધાનો ઉપયોગ કરનારાં રાજ્યોમાં સામેલ થયું છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાનું રજીસ્ટ્રેશન પૂર્ણ કર્યા બાદ રાજ્યના તમામ નાગરિકોને આ રાષ્ટ્રીય કાર્યમાં ઉત્સાહભેર જોડાવા આહવાન કર્યું છે. તેમણે જણાવ્યું કે વસ્તી ગણતરી એ માત્ર આંકડા એકઠા કરવાનું સાધન નથી પરંતુ ભવિષ્યના સશક્ત અને વિકસિત ગુજરાતના નિર્માણ માટેનો પાયો છે. નાગરિકો ઓનલાઈન માધ્યમથી સચોટ માહિતી આપીને દેશના વિકાસમાં ભાગીદાર બને તે જરૂરી છે.
ગુજરાતના નાગરિકો માટે આ ઓનલાઈન સેલ્ફ-એન્યુમરેશનની સુવિધા 15 દિવસ માટે ખુલ્લી મૂકવામાં આવી છે. 17 મે 2026થી શરૂ થયેલી આ પ્રક્રિયા આગામી 31 મે 2026ના રોજ પૂર્ણ થશે. રાજ્ય સરકાર અને સેન્સસ વિભાગ દ્વારા લોકોને વિનંતી કરવામાં આવી છે કે તેઓ આ નિયત સમયગાળાની અંદર જ પોતાના ઘરની વિગતો ઓનલાઈન પોર્ટલ પર અપડેટ કરી લે જેથી છેલ્લી ઘડીએ ટેકનિકલ સમસ્યાઓથી બચી શકાય.
સેલ્ફ-એન્યુમરેશનની પ્રક્રિયાની તમામ વિગતો
નાગરિકો પોતાની વિગતો જાતે નોંધવા માટે સત્તાવાર વેબ પોર્ટલ https://se.census.gov.in/નો ઉપયોગ કરી શકે છે. આ પોર્ટલને અત્યંત યુઝર-ફ્રેન્ડલી અને સુરક્ષિત બનાવવામાં આવ્યું છે. પ્રક્રિયા શરૂ કરવા માટે સૌથી પહેલા પોર્ટલ ઓપન કરી પોતાના રાજ્ય અથવા કેન્દ્રશાસિત પ્રદેશનું નામ સિલેક્ટ કરવાનું રહેશે અને સ્ક્રીન પર દેખાતો કેપ્ચા કોડ (Captcha) દાખલ કરીને આગળ વધવાનું રહેશે.

વેરિફિકેશન થયા બાદ સૂચના આવશે. જેમાં સ્પષ્ટ છે કે આ પ્રક્રિયા 15-20 મિનીટની છે. જેમાં વિવિધ પ્રશ્નો પૂછવામાં આવશે, જેનો જવાબ આપ્યા બાદ એ ID જનરેટ થશે જે વસ્તી ગણતરીના કર્મચારીઓ તેમના વિસ્તારની મુલાકાત લેશે ત્યારે આપવાનું થશે.

રજીસ્ટ્રેશન અને વેરિફિકેશન (Registration and Verification)
આ સૂચના વાંચ્યા બાદ તેમાં ઓકે કરશો એટલે આગળનું સ્ટેપ ખૂલશે. આ સ્ટેપમાં પરિવારના વડાનું નામ, તેમનો મોબાઈલ નંબર અને ઇ-મેઇલ આઈડી નાખવાનું રહેશે. ઇ-મેઇલ આઈડી આપવું ફરજિયાત નથી. જો પરિવારના વડા પાસે મોબાઈલ નંબર અને ઇ-મેઇલ આઈડી ન હોય તો તેમના વતી પરિવારના કોઈ સભ્યએ પોતાનો મોબાઈલ નંબર દાખલ કરવાનો રહેશે.

ખાસ નોંધ: અહીં રજીસ્ટર કરવામાં આવેલા પરિવારના વડાનું નામ પાછળથી બદલી શકાશે નહીં. આ ઉપરાંત, એક મોબાઈલ નંબરનો ઉપયોગ માત્ર એક જ પરિવારના રજિસ્ટ્રેશન માટે કરી શકાશે.
વિગતો ભર્યા બાદ મોબાઈલ પર આવેલા OTP દ્વારા વેરિફિકેશન પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે. OTP નાખતાં પહેલાં અનુકૂળતા મુજબની ભાષા પસંદ કરવાની રહેશે. એકવાર ભાષા પસંદ થઈ ગયા પછી આગળના કોઈ પણ સ્ટેપમાં તેને બદલી શકાશે નહીં.

ત્યારબાદ તમારા રજીસ્ટર્ડ મોબાઈલ નંબર પર એક વન-ટાઇમ પાસવર્ડ (OTP) આવશે તેને પોર્ટલ પર સબમિટ કરીને વેરિફિકેશન પ્રક્રિયા પૂર્ણ કરો. (આ માટે મોબાઈલમાં પૂરતું નેટવર્ક હોવું જરૂરી છે, ઑપઇન્ડિયાએ કરેલ રજિસ્ટ્રેશન દરમિયાન આ પોર્ટલ વાઈ-ફાઈ નેટવર્ક પર નથી ચાલતું માત્ર મોબાઈલના ડેટા કનેક્શન પર જ પ્રક્રિયા આગળ વધે છે.).
ઘરનું લૉકેશન (Location Identification)
OTP દ્વારા વેરિફિકેશન પૂર્ણ થયા બાદ યુઝરનું લોગિન થશે. ત્યારપછી યુઝરે પોતાના જિલ્લાનું નામ અને ઘરની નજીક આવેલી કોઈ પ્રખ્યાત જગ્યા કે લેન્ડમાર્કની વિગત પસંદ કરવાની રહેશે. સર્ચ બટન પર જગ્યાનું નામ લખીને લેન્ડમાર્કની વિગત શોધી શકાશે.

ત્યારબાદ સ્ક્રીન પર એક નકશો (Map) દેખાશે, જેમાં એક માર્કર હશે. યુઝરે મેન્યુઅલી (જાતે) એ માર્કરને ખસેડીને નકશામાં બરાબર પોતાના ઘરના લોકેશન પર સેટ કરવાનું રહેશે અને ત્યારપછી જ લોકેશન સેવ કરવાનું રહેશે.

ત્યારબાદ ‘સેવ કરો અને આગળ વધો’ પર ક્લિક કરશો એટલે લોકેશન કન્ફર્મ થયાનો એક મેસેજ સ્ક્રીન પર દેખાશે.
પ્રશ્નાવલી પૂર્ણ કરવી
આ સ્ટેપમાં મકાનોની યાદીને લગતા પ્રશ્નો પૂછવામાં આવશે, જેમાંથી મોટાભાગના પ્રશ્નો મલ્ટિપલ ચોઈસ (વિકલ્પોવાળા) હશે. પરિવારના સભ્યોના નામ ટાઈપ કરવા માટે પોર્ટલ પર ફોનેટિક (Phonetic) અને વર્ચ્યુઅલ કીબોર્ડની સુવિધા પણ આપવામાં આવી છે. જો ફોર્મ ભરતી વખતે કોઈ માહિતી અધૂરી રહી જશે તો સિસ્ટમ ઓટોમેટિક નોટિફિકેશન દ્વારા તેની જાણ કરશે. નાગરિકોની મદદ માટે પોર્ટલ પર ‘ટૂલટિપ્સ’ (Tooltips) અને વારંવાર પૂછાતા પ્રશ્નોની (FAQs) વિગતો પણ ઉપલબ્ધ છે.

ફોર્મ પૂરું થયા બાદ ‘પ્રિવ્યુ’ ઓપ્શન દ્વારા તમારા દ્વારા ભરાયેલી તમામ માહિતી એકવાર સેક્શન વાઇઝ સ્ક્રીન પર દેખાશે. જો કોઈ ભૂલ રહી ગઈ હોય તો આ સ્ટેજ પર તમે તેમાં સુધારો (Edit) કરી શકો છો. જો તમારી પાસે અત્યારે પૂરી વિગતો ન હોય તો તમે આ માહિતીને ‘ડ્રાફ્ટ’ તરીકે સેવ રાખી શકો છો અને અંતિમ તારીખ પહેલાં ગમે ત્યારે તેને ફાઈનલ કરી શકો છો.
ફાઈનલ સબમિશન અને SE ID જનરેશન
માહિતી સાચી હોવાની ખાતરી થયા બાદ ફાઈનલ સબમિશનનો ઑપ્શન આવશે. બધી જ માહિતી ચકાસી લીધા બાદ તેના પર ક્લિક કરો. આ ક્લિક સાથે જ તમારો ડેટા લોક થઈ જશે અને ત્યારબાદ તમે ઓનલાઈન કોઈ સુધારો કરી શકશો નહીં (માત્ર મુલાકાતે આવનાર કર્મચારી જ તેમાં જરૂર પડ્યે સુધારો કરી શકશે).

સેલ્ફ-એન્યુમરેશન ID
ફાઈનલ સબમિટ થતાં જ સ્ક્રીન પર ‘H’ અક્ષરથી શરૂ થતો 11 આંકડાનો એક વિશિષ્ટ સેલ્ફ-એન્યુમરેશન આઈડી (SE ID) જનરેટ થશે. આ આઈડી (ID) નાગરિકના રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર પણ મોકલવામાં આવશે. નાગરિકોએ આ SE ID સાચવી રાખવાનો રહેશે, કારણ કે જ્યારે વસ્તી ગણતરીના કર્મચારીઓ તેમના વિસ્તારની મુલાકાત લેશે ત્યારે આ આઈડી આપવો ફરજિયાત રહેશે.

જો તમારો SE ID કર્મચારીના મોબાઈલ ડિવાઈસમાં રહેલા ડેટા સાથે મેચ (લિંક) થઈ જશે તો તમારો સેલ્ફ-એન્યુમરેશન ડેટા ઓટોમેટિક વેરિફાય અને એક્સેપ્ટ થઈ જશે અને પ્રક્રિયા ત્યાં જ પૂરી થશે. પરંતુ જો કોઈ ટેકનિકલ કારણોસર આઈડી મેચ નહીં થાય તો ગણતરી કર્મચારી તમારા પરિવારની તમામ વિગતો ફરીથી સ્થળ પર જ નવેસરથી એકત્રિત કરશે.
ગુજરાતમાં ઓનલાઈન સ્વ-ગણતરીની પ્રક્રિયા 31 મેના રોજ પૂરી થયા બાદ પ્રત્યક્ષ ફિલ્ડ ઑપરેશન્સનો પ્રારંભ થશે. 1 જૂનથી 30 જૂન 2026 દરમિયાન રાજ્યભરમાં 1 લાખથી વધુ ટ્રેઈન્ડ વસ્તી ગણતરી કર્મચારીઓ (Enumerators) મેદાનમાં ઉતરશે. આ કર્મચારીઓ ગુજરાતના ખૂણે-ખૂણે, તમામ ગામડાં અને શહેરોના ઘરોની રૂબરૂ મુલાકાત લઈને ડેટા વેરિફિકેશન અને કલેક્શનની કામગીરી કરશે.
જેઓ ઓનલાઈન ફોર્મ નહીં ભરી શકે તેમના માટે શું વ્યવસ્થા?
રાજ્ય સરકારના સેન્સસ ઑપરેશન્સના ડાયરેક્ટર સુજલ માયત્રાએ સ્પષ્ટ કર્યું છે કે જે પરિવારો કોઈ કારણસર અથવા ઇન્ટરનેટના અભાવે 31 મે સુધીમાં ઓનલાઈન સેલ્ફ-એન્યુમરેશન નહીં કરી શકે તેમણે ચિંતા કરવાની જરૂર નથી. જૂન મહિના દરમિયાન જ્યારે વસ્તી ગણતરીના કર્મચારીઓ પ્રત્યક્ષ ઘરની મુલાકાતે આવશે ત્યારે તેઓ પરંપરાગત પદ્ધતિ મુજબ તે પરિવારોની વિગતો સ્થળ પર જ ઓનલાઈન એપ્લિકેશનમાં નોંધી લેશે.
આ હાઉસલિસ્ટિંગ તબક્કા (HLO) દરમિયાન, કર્મચારીઓ અથવા ઓનલાઈન પોર્ટલ દ્વારા કુલ 33 નોટિફાઇડ પ્રશ્નો પૂછવામાં આવી રહ્યા છે. આ પ્રશ્નોમાં મુખ્યત્વે મકાનનો પ્રકાર (કાચું કે પાકું), પીવાના પાણીની સુવિધા, વીજળી, શૌચાલયની વ્યવસ્થા, રસોઈ માટે વપરાતું બળતણ, પરિવાર પાસે ઉપલબ્ધ વાહનો, ટીવી, ઈન્ટરનેટ અને અન્ય અસ્કયામતો (Assets) જેવી મહત્વની વિગતોનો સમાવેશ થાય છે.
આ વખતે ફિલ્ડ પર કામ કરતા કર્મચારીઓ કોઈ કાગળના ફોર્મ સાથે નહીં રાખે. તમામ કર્મચારીઓને એક ખાસ તૈયાર કરાયેલી સેન્સસ મોબાઈલ એપ્લિકેશન આપવામાં આવી છે. જ્યારે નાગરિકો પોતાનો SE ID આપશે ત્યારે કર્મચારીઓ એપ્લિકેશનમાં તેને મેચ કરશે અથવા જો ઓનલાઈન એન્ટ્રી નહિ થઈ હોય તો આ એપની અંદર જ તમામ 33 પ્રશ્નોના જવાબો ડિજિટલ રીતે લોગ કરવામાં આવશે.
ડેટાની ગુપ્તતા અને કાયદાકીય સુરક્ષા
ઘણા નાગરિકોના મનમાં પોતાની અંગત વિગતો ઓનલાઈન શેર કરવા અંગે સુરક્ષાના સવાલો હોય છે. ભારત સરકાર અને ગુજરાત સરકારે ખાતરી આપી છે કે વસ્તી ગણતરી અધિનિયમ, 1948 (Census Act, 1948) હેઠળ એકત્રિત કરવામાં આવેલો તમામ ડેટા અત્યંત ગુપ્ત રાખવામાં આવે છે. આ ડેટા કાયદાકીય રીતે સુરક્ષિત છે અને તેનો ઉપયોગ ટેક્સ, કાયદો અને વ્યવસ્થા કે અન્ય કોઈ તપાસ એજન્સીઓ કરી શકતી નથી. આ માહિતી માત્ર આંકડાકીય વિશ્લેષણ માટે જ વપરાય છે.
ગુજરાતની સાથે જમ્મુ-કાશ્મીર, લદ્દાખ અને પુડુચેરીમાં પણ આ જ સમયગાળા દરમિયાન સેલ્ફ-એન્યુમરેશન ચાલી રહ્યું છે. જ્યારે દેશના અન્ય મોટાં રાજ્યો જેમકે ઉત્તર પ્રદેશમાં આ સુવિધા 21 મે 2026 સુધી ઉપલબ્ધ છે. બીજી તરફ આંધ્રપ્રદેશ, બિહાર, પંજાબ, હરિયાણા અને મધ્યપ્રદેશ જેવાં રાજ્યોમાં અત્યારે બીજા તબક્કા હેઠળ પ્રત્યક્ષ ઘર-ઘર ગણતરીની કામગીરી જોરશોરથી ચાલી રહી છે.
આ રાષ્ટ્રીય કવાયત કેટલી ઝડપથી ચાલી રહી છે તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય કે 16 એપ્રિલથી 15 મે 2026ના ગાળામાં અંદામાન અને નિકોબાર, લક્ષદ્વીપ, મિઝોરમ, ઓડિશા અને સિક્કિમ જેવાં રાજ્યોમાં હાઉસલિસ્ટિંગની કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ પણ થઈ ચૂકી છે. આ રાજ્યોના અનુભવો અને ડેટા મેનેજમેન્ટનો ઉપયોગ હવે ગુજરાત અને અન્ય મોટા રાજ્યોમાં પ્રક્રિયાને સુવ્યવસ્થિત કરવા માટે કરવામાં આવી રહ્યો છે.
અત્યાર સુધીમાં દેશના 25 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી 1.44 કરોડથી વધુ પરિવારો ડિજિટલ માધ્યમથી આ અભિયાનનો હિસ્સો બની ચૂક્યા છે. ગુજરાતના તમામ નાગરિકોને પણ આ ડિજિટલ ક્રાંતિનો લાભ લઈ 31 મે પહેલા પોતાની વિગતો ઓનલાઈન ભરી દેવા વિનંતી કરવામાં આવી છે. આ એક મહત્વપૂર્ણ રાષ્ટ્રીય ફરજ છે, જેમાં દરેક ગુજરાતીની સક્રિય ભાગીદારી અનિવાર્ય છે.


