
મધ્યપૂર્વમાં ચાલતા યુદ્ધ અને વૈશ્વિક વ્યાપારની અનિશ્ચિતતાઓ વચ્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે (10 મે) તેલંગાણામાં એક સભા સંબોધિત કરતી વખતે દેશવાસીઓને અમુક અપીલ કરી હતી. તેમણે વિદેશી મુદ્રા બચાવવા પર ભાર મૂક્યો, જેના માટે પેટ્રોલ-ડીઝલના સંયમપૂર્વક ઉપયોગ તેમજ સ્વદેશી વસ્તુઓની ખરીદી વધારવા માટે અપીલ કરી. તેમણે એક વર્ષ સુધી સોનાની ખરીદી ટાળવા માટે પણ જણાવ્યું અને અન્ય પણ અમુક અપીલો કરી.
વડા પ્રધાને કહ્યું, “હમણાં ભારત અનેક વિરાટ પડકારોનો સામનો કરી રહ્યું છે. આ સંકટોનો સામનો કરવા માટે સરકાર નિરંતર પ્રયાસો કરી રહી છે. હવે છેલ્લા બે મહિનાથી આપણા પાડોશમાં યુદ્ધ ચાલી રહ્યું છે જેની અસર આખી દુનિયા પર પડી છે અને ભારત પર તો ગંભીર અસર થઈ છે. આપણી પાસે મોટા-મોટા તેલના કૂવા નથી. આપણે પેટ્રોલ-ડીઝલ અને ગેસ દુનિયાના બીજા દેશો પાસેથી મેળવીએ છે. યુદ્ધના કારણે દુનિયાભરમાં પેટ્રોલ-ડીઝલ, ગેસ અને ફર્ટિલાઇઝરના ભાવ આસમાનને પાર કરી રહ્યા છે.”
दुनियाभर में आज जो चुनौतियां आई हैं, हमें उन्हें परास्त करना होगा। विदेशी मुद्रा बचाने के लिए जो भी रास्ते अपना सकते हैं, हमें उन्हें अपनाना होगा। pic.twitter.com/vyNUQNzFLF
— Narendra Modi (@narendramodi) May 10, 2026
પીએમએ ઉમેર્યું કે આ સંકટમાંથી દેશવાસીઓને ઉગારવા માટે છેલ્લા બે મહિનાથી સરકાર પ્રયાસો કરી રહી છે. નાગરિકો પર બોજ ન પડે તે માટે સરકાર તમામ ભાર પોતાના ખભે ઉપાડી રહી છે. પરંતુ સપ્લાય ચેઇન પર સંકટ બન્યું રહે તો કેટલાય ઉપાય કરીએ પણ મુશ્કેલીઓ વધતી રહે છે. એટલે આપણે સૌએ એકજૂટ થઈને લડવું પડશે. તેમણે કહ્યું, “વૈશ્વિક સંકટના આ સમયે આપણે કર્તવ્યોને સર્વોપરી રાખતાં અમુક સંકલ્પો લેવા પડશે અને પૂરા સમર્પણભાવથી પૂરા કરવા પડશે.”
પેટ્રોલ અને ડીઝલનો સંયમપૂર્વક ઉપયોગ: પેટ્રોલ અને ડીઝલનો ઉપયોગ ઓછો કરવો. પીએમ મોદીએ અપીલ કરતાં કહ્યું કે, શહેરોમાં મેટ્રોનો ઉપયોગ વધારો. કારમાં જ જવું જરૂરી હોય તો કારપુલ કરવાનો પ્રયાસ કરો. સામાન મોકલો હોય તો રેલવે સર્વિસનો ઉપયોગ કરો. જેમની પાસે ઇલેક્ટ્રિક વાહનો છે તેઓ તેનો મહત્તમ ઉપયોગ કરે.
વર્ક ફ્રોમ હોમ: વડા પ્રધાને કોવિડ જેવી વ્યવસ્થાઓ ફરી શરૂ કરવા સંસ્થાઓને અપીલ કરી છે. તેમણે કહ્યું કે વર્ક ફ્રોમ હોમ, ઓનલાઇન કૉન્ફરન્સ, વર્ચ્યુઅલ મીટિંગને ફરી પ્રાથમિકતા આપવી પડશે.
વિદેશી મુદ્રા બચાવવા પર ભાર, વર્ષ સુધી સોનું ન ખરીદો: પીએમ મોદીએ કહ્યું કે દુનિયામાં પેટ્રોલ-ડીઝલ મોંઘાં થઈ ગયાં છે. પેટ્રોલ-ડીઝલની ખરીદ પર વિદેશી મુદ્રા ખર્ચાય છે તે ખરીદ બચાવીને મુદ્રા બચાવવાની છે. ઉપરાંત હવે લોકોમાં વિદેશ જવાનો ટ્રેન્ડ વધ્યો છે, પરંતુ શક્ય બને તો ઓછામાં ઓછું એક વર્ષ વિદેશ ન જઈએ. ભારતમાં ફરવાની ઘણી જગ્યા છે. ગોલ્ડ ખરીદવામાં પણ વિદેશી મુદ્રા બહુ ખર્ચાય છે. પહેલાં દેશહિતમાં લોકો સોનું દાન કરી દેતા હતા. આજે દાન કરવાની જરૂર નથી, પરંતુ આપણે નક્કી કરવું પડશે કે એક વર્ષ સુધી સોનું નહીં ખરીદીએ.
પીએમએ કહ્યું કે, એક સમયે દેશમાંથી કોપર એક્સપોર્ટ થતું હતું, આજે ઇમ્પોર્ટ કરવું પડી રહ્યું છે. કારણ એ છે કે હડતાળો કરીને અહીંના પ્લાન્ટ બંધ કરાવી દીધા. એટલે શ્રમિકો અને તેમનાં સંગઠનો આવી બાબતોનું પણ ધ્યાન રાખવું પડશે અને ન્યાયતંત્રને પણ પીએમ મોદીએ અપીલ કરીને કહ્યું કે આનો કોઈ ઉપાય શોધવો પડશે.
ફર્ટિલાઇઝરનો સંયમિત ઉપયોગ: પીએમમોદીએ કહ્યું કે મોટા પ્રમાણમાં બહારથી કેમિકલ ફર્ટિલાઇઝર ઇમ્પોર્ટ થાય છે તેના કારણે ખેતર બરબાદ થઈ રહ્યાં છે. કેમિકલ ફર્ટિલાઇઝરનો ઉપયોગ ઘટાડવામાં આવે અને નેચરલ ફાર્મિંગ તરફ આગળ વધવામાં આવે તેવી તેમણે અપીલ કરી અને ઉમેર્યું કે તેનાથી વિદેશી મુદ્રા પણ બચશે અને ખેતરો અને ધરતી માને બચાવી શકશે.
વૉકલ ફોર લોકલ: વડા પ્રધાને ઉમેર્યું કે, મેડ ઇન ઇન્ડિયા ચીજો ખરીદીને વિદેશી મુદ્રા બચાવી શકીશું. દેશમાં સ્થાનિક ઉત્પાદનની કોઈ અછત નથી. સ્વદેશી પર ભાર મૂકવો જોઈએ. જે ખરીદી રાખ્યું છે એ ફેંકવાનું નથી પણ હવે ભવિષ્યમાં ખરીદતી વખતે ધ્યાન રાખીએ તેમ પણ તેમણે કહ્યું.
मेरा हमेशा से यह आग्रह रहा है कि हम स्थानीय चीजें खरीदें। इसके लिए हर नागरिक, हर राजनीतिक दल, हर सरकार, हर समाज और हर संगठन को संकल्पबद्ध होना होगा। pic.twitter.com/yizkIXZEko
— Narendra Modi (@narendramodi) May 10, 2026
આ સંકલ્પો વિશે જણાવતાં વડા પ્રધાને કહ્યું કે, આ વાત માત્ર સરકાર, દળ કે વ્યક્તિની નથી. આ ભાજપનો નહીં દેશનો મુદ્દો છે. તેના માટે દરેક નાગરિક, દરેક સરકાર, દરેક પાર્ટી, દરેક સમાજ અને સંગઠને સંકલ્પબદ્ધ થવું પડશે. આ સંકલ્પ દરેક નાગરિક પૂરેપૂરી ઈમાનદારીથી સિદ્ધ કરશે તો ભારત દરેક સંકટમાં વિજયી બનશે.

