‘તમે શું મેળવ્યું? આ બધી બાબતો સાથે તમને શું લાગેવળગે?’: જે લૉયર્સ એસોશિએશનની અરજી પર આવ્યો હતો 2018નો સબરીમાલા ચુકાદો, તેને સુપ્રીમ કોર્ટે લગાવી ફટકાર

સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલા સબરીમાલા રેફરન્સ કેસની સુનાવણીના 11મા દિવસે નવ જજોની બેન્ચે ‘ઓલ ઇન્ડિયા યંગ લૉયર્સ એસોશિએશન’ને ફટકાર લગાવી, જેની અરજી પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે 2018માં મંદિરમાં મહિલાઓના પ્રવેશને મંજૂરી આપતો ચુકાદો આપ્યો હતો. કોર્ટે પૂછ્યું કે માત્ર ન્યૂઝ આઇટમોના આધારે આવી ધાર્મિક બાબતોમાં અરજી ન કરી શકાય અને એ પણ પ્રશ્ન કર્યો કે આખરે આ ગ્રુપે કયા આધારે આ અરજી દાખલ કરી હતી અને તેમાંથી શું સકારાત્મક પરિણામો મળ્યાં?

કોર્ટમાં ‘ઓલ ઈન્ડિયા યંગ લોયર્સ એસોસિએશન’ તરફથી હાજર રહેલા વકીલ રવિપ્રકાશ ગુપ્તાને જસ્ટિસ બી. વી. નાગરત્નાએ પ્રશ્ન કર્યો કે, આ જનહિત અરજી દાખલ કરવા પાછળ તમારો વાસ્તવિક હેતુ શું હતો અને આનાથી તમે શું હાંસલ કરી લીધું? બેન્ચે ટકોર કરી કે માત્ર અખબારો કે ન્યૂઝ આઇટમના આધારે આવી ગંભીર બાબતોમાં PIL દાખલ કરી શકાય નહીં અને આવી અરજીઓ સીધી કચરાપેટીમાં નાખવા યોગ્ય છે.

કોર્ટે જૂથને એક અગત્યનો પ્રશ્ન કર્યો કે જ્યારે 2006માં સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશ મુદ્દે અરજી દાખલ કરવામાં આવી હતી ત્યારે સંસ્થાની કમાન કોના હાથમાં હતી અને શું તેઓ હિંદુ આસ્થાળુઓ હતા? કોર્ટે પૂછ્યું કે જેમણે અરજી દાખલ કરી હતી તેઓ પોતે શું હિંદુ ધર્મ સાથે સંબંધ ધરાવે છે કે કેમ. જવાબમાં વકીલે જણાવ્યું હતું કે જે-તે સમયે એસોશિએશનના પ્રમુખ નૌશાદ અલી હતા. જોકે સાથે એવો પણ બચાવ કર્યો કે તેમને જે-તે સમયે આ અરજી વિશે જાણ ન હતી.

ત્યારબાદ વકીલે જણાવ્યું કે અખબારોના અમુક અહેવાલો વાંચીને અસોશિએશને એક અરજી દાખલ કરી હતી અને સબરીમાલા મંદિરમાં 10થી 50 વર્ષની મહિલાઓના પ્રવેશ પર પાબંદીના નિયમને પડકાર્યો હતો. પરંતુ કોર્ટે અહીં પણ પ્રશ્ન કર્યો કે આ બાબતમાં એક લૉયર્સ અસોશિએશનને શું લાગેવળગે?

CJI સૂર્યકાંતે ટિપ્પણી કરતાં કહ્યું કે અખબારોના આધારે દાખલ કરવામાં આવેલી PIL પહેલાં જ રદ થવી જોઈતી હતી અને આવી અરજીઓ કચરાપેટીમાં નાખવા યોગ્ય જ હોય છે.

જસ્ટિસ અરવિંદ કુમારે પ્રશ્ન કર્યો કે આવી અરજી દાખલ કરવા માટે સંસ્થામાં સૌની સંમતિ લેવામાં આવી હતી કે કેમ, ત્યારે વકીલે નકારમાં જવાબ આપ્યો. જસ્ટિસ સુંદ્રેશે ટિપ્પણી કરતાં કહ્યું કે આ કાયદાનો સ્પષ્ટ દુરુપયોગ છે.

આસ્થા ન હોવા છતાં મંદિરનાં પ્રથા-પરંપરા પર પ્રશ્નો કરનારાઓને આડેહાથ લેતાં જસ્ટિસ નાગરત્નાએ કહ્યું, “આ બહુ ગંભીર બાબત છે. જેમને દેવતામાં આસ્થા-શ્રદ્ધા હોય તેઓ કાયમ પરંપરાનું સન્માન કરે છે. પણ કોઈ આવીને કહે કે હું તમામ નિયમો તોડીને જ મંદિરમાં પ્રવેશ કરીશ તો કોર્ટ એવી વ્યક્તિને પ્રોત્સાહન ન આપી શકે. જેમને ઈશ્વરમાં આસ્થા જ ન હોય તેમણે પરંપરા તોડીને મંદિરમાં પ્રવેશ માટેની વકાલત કેમ કરવી જોઈએ? તેઓ તો આસ્થાળુ પણ નથી.”

જસ્ટિસ નાગરત્નાએ પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશનના બદલાતા અને બગડતા સ્વરૂપ પર આકરો પ્રહાર કર્યો હતો. તેમણે ટિપ્પણી કરતાં કહ્યું કે, આજકાલ જનહિત અરજીઓ વાસ્તવમાં ‘પ્રાઈવેટ ઇન્ટરેસ્ટ’ (અંગત હિત), ‘પબ્લિસિટી ઇન્ટરેસ્ટ’ (પ્રસિદ્ધિ મેળવવાની ભૂખ), ‘મની ઇન્ટરેસ્ટ’ (આર્થિક લાભ) અને ‘પોલિટિકલ ઇન્ટરેસ્ટ’ (રાજકીય હિત) લિટિગેશનમાં ફેરવાઈ ગઈ છે. અદાલતો માત્ર એવાં સાચાં અને યોગ્ય કારણો માટે જ PIL સ્વીકારે જેનાથી સમાજના ખરેખર જરૂરિયાતમંદ અને વંચિત લોકોને વાસ્તવિક રાહત કે ન્યાય મળી શકે.

સર્વોચ્ચ અદાલતે યંગ લોયર્સ એસોસિએશનને વકીલોના કલ્યાણ માટે કામ કરવાની સલાહ પણ આપી. જસ્ટિસ નાગરત્નાએ પ્રશ્ન કરતાં કહ્યું, “એસોસિએશન પાસે બીજું કોઈ કામ નથી? સુપ્રીમ કોર્ટમાં આવી અરજીઓ પાછળ સમય બગાડવાને બદલે દેશના ગ્રામીણ અને અંતરિયાળ વિસ્તારોમાંથી આવતા યુવા વકીલોના હિત માટે કામ કરવું જોઈએ. આ ગ્રામીણ યુવા વકીલો ખૂબ જ તેજસ્વી મગજ ધરાવે છે પરંતુ મોટાં શહેરોમાં આવીને વકીલાત કરવા માટે તેમની પાસે પૂરતાં સંસાધનો કે આર્થિક સગવડ હોતાં નથી, જેથી સંસ્થાએ કામ જ કરવું હોય તો આવા યુવાનોના વિકાસ માટે ભંડોળ અને મદદ પૂરાં પાડવાં જોઈએ.”

વિવાદ, કેસ અને યંગ લૉયર્સ એસોશિએશનની ભૂમિકા

સમગ્ર વિવાદ જોઈએ તો શરૂઆત કેરળના પવિત્ર સબરીમાલા મંદિરમાં 10થી 50 વર્ષની વયજૂથની (રજસ્વલા) મહિલાઓના પ્રવેશ પર સદીઓથી ચાલી આવતી રોકને કારણે થઈ હતી. વર્ષ 1991માં કેરળ હાઇકોર્ટે આ પરંપરાને માન્ય રાખી હતી, જેને પાછળથી 2006માં ‘ઇન્ડિયન યંગ લૉયર્સ એસોસિએશન’ દ્વારા સુપ્રીમ કોર્ટમાં જાહેરહિતની અરજી (PIL) કરીને પડકારવામાં આવી હતી. લાંબી કાનૂની લડત બાદ, 28 સપ્ટેમ્બર 2018ના રોજ સુપ્રીમ કોર્ટની 5 જજોની બેન્ચે 4:1ના બહુમતી ચુકાદાથી મહિલાઓ પરના પ્રતિબંધને ગેરબંધારણીય ઠેરવી તમામ વયની સ્ત્રીઓને પ્રવેશ આપવાનો આદેશ કર્યો હતો, જોકે આ નિર્ણય સામે દેશભરમાં ભારે સામાજિક વિરોધ અને નારાજગી જોવા મળી હતી.

વર્ષ 2018ના આ ચુકાદા બાદ કાનૂની માળખામાં અસંખ્ય પુનર્વિચાર અરજીઓ દાખલ થઈ, જેના આધારે સુપ્રીમ કોર્ટે સ્વીકાર્યું કે આ વિવાદ માત્ર સબરીમાલા પૂરતો મર્યાદિત નથી, પરંતુ તેની વ્યાપક અસરો અન્ય ધાર્મિક પ્રથાઓ પર પણ પડે છે. આથી અદાલતે મુસ્લિમ મહિલાઓનો મસ્જિદોમાં પ્રવેશ અને પારસી સમુદાય બહાર લગ્ન કરનારી મહિલાઓનો અગિયારીમાં પ્રવેશ જેવા સમાન કાનૂની પ્રશ્નો ધરાવતા કેસોને પણ આ મુખ્ય કેસ સાથે ક્લબ (એકત્રિત) કરી દીધા હતા. આ જટિલ વિષયના સ્થાયી ઉકેલ માટે જ તત્કાલીન ન્યાયિક પ્રયાસો બાદ હવે અંતે આ 9 સભ્યોની બંધારણીય બેન્ચ રચવામાં આવી, જે 11 દિવસથી આ બાબતો પર સુનાવણી કરી રહી છે. સમક્ષ સુનાવણીની આખરી સમયરેખા નક્કી કરવામાં આવી, જ્યાં પક્ષ અને વિપક્ષ બંનેને પોતાની આખરી દલીલો રજૂ કરવાની ચોક્કસ તારીખો ફાળવવામાં આવી હતી.