મહેસાણા કોર્ટનું સમન પાઠવવા ઘરે પહોંચી હતી પોલીસ… ગોપાલે આખો દિવસ સોશિયલ મીડિયા પર રોદણાં રડ્યાં, પણ સાચું કારણ ન જણાવ્યું!

આમ આદમી પાર્ટી નેતા ગોપાલ ઇટાલિયાએ સામે ચૂંટણીએ વિક્ટિમ કાર્ડ રમવા માટે સોશિયલ મીડિયા પર પોસ્ટો અને વિડીયોનો મારો ચલાવ્યો અને દાવો કર્યો કે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ તેમના ઘરે પોલીસ મોકલીને પરિજનોને હેરાન કર્યા હતા. હકીકત એ છે કે પોલીસે કોઈ હેરાનગતિ કરી ન હતી અને મહેસાણા કોર્ટનું એક સમન પાઠવવા માટે મહસાના પોલીસની એક ટીમ ગોપાલના ઘરે ગઈ હતી.

ગોપાલ ઈટાલિયાએ X પર એક પોસ્ટમાં કહ્યું કે આજે સવારે હર્ષ સંઘવીએ પોલીસ મોકલીને તેમનાં માતાને ડરાવવા-ધમકાવવાના પ્રયાસો કર્યા અને તેમની સાથે દુર્વ્યવહાર કર્યો. સોસાયટીના સિક્યુરિટી ગાર્ડની પણ પૂછપરછ કરીને ડરાવવાના પ્રયાસ કર્યા.

આગળ ગોપાલે ધરાર ઇમોશનલ થઈને લખ્યું, ‘મારી માનો ગુનો શું છે? તેણે મને જન્મ આપ્યો અને ગુજરાતની જનતા માટે લડતાં શીખવ્યું, એ વાતની સજા હર્ષ સંઘવી આપશે? સિનિયર સિટિઝનને ધમકાવવા માટે પોલીસ મોકલવી કેટલી યોગ્ય છે?’

આગળ ‘મારી ધરપકડ કરવી હોય તો એક કૉલ કરીને જણાવી દે પણ આગળથી માતાજી કે પરિવારને ન ડરાવે’ એવી ફાંકા ફોજદારી પણ કરી.

ગોપાલની આ પોસ્ટ બાદ આમ આદમી પાર્ટીના નેતાઓ અને મીડિયાના એક વર્ગે પણ બહુ હોબાળો મચાવ્યો. પરંતુ હકીકત કોઈએ ન કહી.

વાસ્તવમાં ગોપાલ વિરુદ્ધ મહેસાણાની કોર્ટે એક વૉરન્ટ ઇસ્યુ કર્યું છે, જે બિનજામીનપાત્ર છે. આ કેસ પણ વર્ષ 2020નો છે. ગોપાલ કેસમાં હાજર થતો ન હતો એટલે કોર્ટે વૉરન્ટ કાઢવું પડ્યું હતું અને કોર્ટ વૉરન્ટ ઇસ્યુ કરે એટલે તે સર્વ કરવાની જવાબદારી પોલીસની છે.

આ વૉરન્ટ લઈને જ મહેસાણા પોલીસની એક ટીમ સુરત આવી હતી. સૂત્રોનું કહેવું છે કે ગોપાલ ઘરે ન હોવાની જાણ થતાં પોલીસ પરત ફરી ગઈ હતી અને કોઈની સાથે કોઈ દુર્વ્યવહાર કર્યો ન હતો.