
આસામ વિધાનસભા ચૂંટણી પહેલાં કોંગ્રેસ નેતા પવન ખેડા દ્વારા આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાનાં પત્ની રિનિકી ભુયાન સરમા પર ત્રણ વિદેશી પાસપોર્ટ રાખવાનો આરોપ હવે સંપૂર્ણપણે ફસાતો દેખાઈ રહ્યો છે. ખેડાએ દિલ્હીમાં પ્રેસ કૉન્ફરન્સ કરીને દાવો કર્યો હતો કે રિનિકી પાસે UAE, એન્ટીગુઆ અને બાર્બુડા તથા ઇજિપ્તના ત્રણ અલગ અલગ પાસપોર્ટ છે, જેની માન્યતા 2027, 2031 અને 2029 સુધી છે. તેમણે આ દસ્તાવેજોની કોપીઓ પણ બતાવી હતી અને કેન્દ્ર સરકાર પાસે જવાબ માંગ્યો હતો.
પરંતુ વાસ્તવિકતા ઝડપથી સામે આવી. સરમા પરિવારે તરત જ આ દસ્તાવેજોને બનાવટી ગણાવીને કહ્યું કે તેમાં સ્પેલિંગની ભૂલો, મિસમેચ વિગતો, અમાન્ય QR કોડ અને જાહેર ફોટોગ્રાફ્સનો દુરુપયોગ કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી હિમંતા સરમાએ આરોપ લગાવ્યો કે આ દસ્તાવેજો પાકિસ્તાન સાથે જોડાયેલા સોશિયલ મીડિયા ગ્રુપમાંથી લેવામાં આવ્યા છે અને AI-ફોટોશોપથી બદલાવ કરવામાં આવ્યો છે. હવે ઇજિપ્ત દૂતાવાસે પણ આધિકારિક રીતે આ દાવાઓને ખોટા સાબિત કરી દીધા છે.
ઇજિપ્ત દૂતાવાસનું સ્પષ્ટ નિવેદન
ટાઇમ્સ નાઉ અનુસાર ઇજિપ્ત દૂતાવાસે વાયરલ થઈ રહેલા ઓનલાઇન દસ્તાવેજને સંપૂર્ણપણે બનાવટી ગણાવ્યો છે. દૂતાવાસ તરફથી જારી કરવામાં આવેલા નિવેદનમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે આ દસ્તાવેજ રિનિકી ભુયાન સરમાનો પાસપોર્ટ નથી. તેમાં તેમનું નામ અને ફોટો ચોંટાડી દેવામાં આવ્યો છે અને ખોટો ઉપયોગ થયો છે. દૂતાવાસે પવન ખેડાના દાવાને ખોટો ગણાવ્યો અને સ્પષ્ટ કર્યું કે આ નકલી દસ્તાવેજ કોઈ અન્ય વ્યક્તિના મૂળ પાસપોર્ટમાંથી છેડછાડ કરીને તૈયાર કરવામાં આવ્યો છે.
The Egyptian Embassy has clarified that the document circulating online is not Riniki Bhuyan Sharma’s passport, but a forged one with her name and photo pasted on it.
— TIMES NOW (@TimesNow) April 6, 2026
It has stated that Pawan Khera’s claim about the Egyptian passport of the Assam CM’s wife is false.
Can an… pic.twitter.com/uqGAkoBGht
દૂતાવાસે કહ્યું કે જે પાસપોર્ટ કોપી ખેડાએ બતાવી છે, તે કોઈ અન્ય ઇજિપ્તી નાગરિકના નામે જારી કરવામાં આવેલા મૂળ દસ્તાવેજમાંથી લેવામાં આવી છે. તેમાં અરબી ભાષાની મૂળ વિગતો અપરિવર્તિત રહી છે, જ્યારે અંગ્રેજી ભાગમાં ફેરફાર કરીને રિનિકી સરમાનું નામ અને ફોટો જોડવામાં આવ્યો છે. જેમાં છેતરપિંડી સ્પષ્ટ દેખાય છે. દૂતાવાસે એ પણ પુષ્ટિ કરી છે કે રિનિકી ભુયાન સરમાના નામે કોઈ આવો પાસપોર્ટ તેમના રેકોર્ડમાં નથી.
પહેલેથી જ અનેક પુરાવા સામે આવ્યા હતા
પવન ખેડાના દાવા પર સરમા પરિવારે તરત જ પલટવાર કર્યો હતો. આસામ સીએમનાં પત્નીએ કહ્યું કે તેમને માત્ર એટલા માટે નિશાન બનાવવામાં આવી રહ્યાં છે કારણ કે તેમના પતિ હિમંતા સરમા આસામમાં વિકાસ અને સુશાસનનું શ્રેષ્ઠ કાર્ય કરી રહ્યા છે. તેમણે ખેડા પર કટાક્ષ કરતા કહ્યું કે, “તમારી તપસ્યામાં જ નહીં, ફોટોશોપ અને AIમાં પણ ખામી રહી ગઈ છે. આ હડકાયેલા શ્વાનના કરડવા જેવું વર્તન છે.” રિનિકીએ ચૂંટણી માહોલમાં આ હુમલાને રાજકીય કાવતરું ગણાવી અને કાનૂની કાર્યવાહીની ચેતવણી આપી.
મુખ્યમંત્રી સરમાએ પણ કહ્યું કે આસામ પોલીસે ડિપ્લોમેટિક ચેનલ દ્વારા UAE પાસપોર્ટની તપાસ કરાવી, જે બનાવટી નીકળ્યો. એન્ટીગુઆ અને બાર્બુડાના અધિકારીઓએ પણ પ્રારંભિક તપાસમાં તેને બનાવટી ગણાવ્યો.
આ સાથે જ સોશિયલ મીડિયા પર એ ઓરિજિનલ ડોક્યુમેન્ટ પણ સામે આવ્યું હતું, જેમાં છેડછાડ કરીને આસામ સીએમનાં પત્નીનો પાસપોર્ટ તૈયાર કરી દેવાયો હતો. મૂળ ડોક્યુમેન્ટ પાકિસ્તાની શખ્સનું હતું અને તેમાં છેડછાડ કરવામાં આવી હતી.

