આસામમાં વિધાનસભા ચૂંટણી માટે મતદાન થાય તેના બરાબર ચાર દિવસ પહેલાં રવિવારે (5 એપ્રિલ) કોંગ્રેસ નેતા પવન ખેડાએ એક પ્રેસ કૉન્ફરન્સ કરીને મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા અને તેમનાં પત્ની રિનીકી ભૂયાં શર્મા પર પાસપોર્ટ અને વિદેશી સંપત્તિ સહિતના ગંભીર આરોપો લગાવી દીધા. તેના માટે પ્રેસ કૉન્ફરન્સ દરમ્યાન અમુક પુરાવા રજૂ કરવાના પણ દાવા કર્યા, પરંતુ કોંગ્રેસનો આ દાવ અવળો પડ્યો હોય એમ જણાય રહ્યું છે અને બીજી તરફ પાર્ટીની દોરવણીએ પ્રેસ કૉન્ફરન્સ કરવા દોડી ગયેલા ખેડા વિરુદ્ધ કેસ દાખલ થવાના પણ શરૂ થઈ ગયા છે.
ખેડાએ પ્રેસ કૉન્ફરન્સમાં આરોપ લગાવ્યો કે રિનીકી શર્મા પાસે ત્રણ વિદેશી પાસપોર્ટ છે. એક UAEનો, બીજો ઇજિપ્તનો અને ત્રીજો એન્ટીગુઆ એન્ડ બારબુડાનો. ઉલ્લેખનીય છે કે ભારતમાં બેવડી નાગરિકતા પર રોક છે, એટલે કોઈ વ્યક્તિ બે પાસપોર્ટ રાખી શકે નહીં અને વિદેશી પાસપોર્ટ મેળવે તો ભારતીય પાસપોર્ટ સરેન્ડર કરવો પડે. ખેડાએ આ નિયમના આધારે તપાસની માગ કરી છે.
બીજી તરફ આસામ સીએમ સરમા અને તેમનાં પત્ની આ આરોપો નકારી ચૂક્યાં છે અને ખેડા વિરુદ્ધ ક્રિમિનલ અને સિવિલ ડિફેમેશન કેસ દાખલ કરવાની ચેતવણી આપી છે. આસામ સીએમએ કહ્યું કે આ માત્ર વ્યક્તિગત બાબત નથી પરંતુ આસામની ચૂંટણીને પ્રભાવિત કરવાનો સુનિયોજિત પ્રયાસ છે અને એટલે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.
Busting Congress’ propaganda — serious discrepancies exposed.
— Himanta Biswa Sarma (@himantabiswa) April 5, 2026
The documents being circulated show multiple glaring inconsistencies, suggesting a crude and poorly executed attempt at digital manipulation:
1️⃣ Surname mismatch — “SARMA” used instead of the official “SHARMA”
2️⃣… https://t.co/rZ1Xrp6i4g
જે ત્રણ દસ્તાવેજોની વાત છે એ કથિત દસ્તાવેજો પવન ખેડાએ પ્રેસ કૉન્ફરન્સમાં સ્ક્રીન પર બતાવ્યા પણ હતા અને પુરાવા રજૂ કરવાના દાવા કર્યા હતા.
મુખ્યમંત્રી હિમંતા અને આસામ ભાજપે કહ્યું છે કે ખેડાએ જે ‘પાસપોર્ટ’ રજૂ કર્યા છે એ વાસ્તવમાં ફેક છે અને તેમાં અમુક ખામીઓ પણ સામે આવી છે, જે સામાન્ય રીતે સરકારી દસ્તાવેજોમાં હોતી નથી. પછીથી મુખ્યમંત્રીએ એક X પોસ્ટમાં આ તમામ બાબતો મુદ્દાસર સમજાવી હતી, જેનાથી ખેડાના દાવાની હવા ઉડી ગઈ.
અટકમાં મિસમેચ
ખેડાએ જે કથિત પાસપોર્ટ રજૂ કર્યા છે એમાં હિમંતાનાં પત્નીનું નામ લખવામાં આવ્યું છે– રિનીકી ભૂયાં સરમા. અંગ્રેજીમાં– Riniki Bhuyan Sarma. અહીં હકીકત એ છે કે તેમની અટક વાસ્તવમાં ‘શર્મા’ છે. આસામના મુખ્યમંત્રી પોતાની અટક ‘સરમા’ (અંગ્રેજી- Sarma) લખે છે, પરંતુ તેમનાં પત્ની અટક ‘શર્મા’ (Sharma) વાપરે છે. વધારે મહેનત ન કરવા ટેવાયેલા કોંગ્રેસીઓએ ધારી લીધું હશે કે રિનિકીની અટક પણ પતિ પ્રમાણે જ હશે. પરંતુ વાસ્તવમાં તેઓ ‘Sharma’ અટકનો ઉપયોગ કરે છે.
અહીં એ પણ ઉલ્લેખનીય છે કે આસામમાં આ અટકની જોડણી જુદી-જુદી છે. જેમકે, Sarma, Sharma, Sharmah, Sarmah વગેરે. આસામના સીએમનાં પત્નીનું લગ્ન પહેલાંનું નામ રિનીકી ભૂયાં હતું. લગ્ન બાદ તેમણે પતિની અટક અપનાવી, પરંતુ જોડણી ‘સરમા’ના સ્થાને ‘શર્મા’ રાખી. તેમના સરકારી દસ્તાવેજોમાં આ જ સ્પેલિંગ વપરાય છે.
કોંગ્રેસે જે કથિત દસ્તાવેજો રજૂ કર્યા છે તેમાં સ્પેલિંગ ‘સરમા’ છે. કોઈ પણ સરકારી ટ્રાવેલ ડોક્યુમેન્ટમાં હોલ્ડરના નામમાં આવી ખામી આવી શકે નહીં.

આસામ સીએમનાં પત્ની ‘શર્મા’ અટકનો ઉપયોગ કરે છે એ હકીકત મુખ્યમંત્રીના ચૂંટણી એફિડેવિટ પરથી પણ જાણવા મળે છે, જેમાં પત્નીનું નામ લખવામાં આવ્યું છે– ‘રિનિકી ભૂયાં શર્મા.’
ફોટોગ્રાફમાં પણ ભૂલ
મુખ્યમંત્રીએ જણાવ્યું છે કે કોંગ્રેસે આપેલા દસ્તાવેજોમાં જે ફોટોગ્રાફનો ઉપયોગ કરવામાં આવ્યો છે એ પબ્લિકલી અવેલેબલ ફોટો છે અને જે સ્ટાન્ડર્ડ બાયોમેટ્રિક ફોટો હોવો જોઈએ એ નથી. દસ્તાવેજો જોઈએ ત્યારે જણાય છે કે ફોટો પાસપોર્ટ ફોટો નથી.
UAEનું ડોક્યુમેન્ટ પાસપોર્ટ જ નથી, જન્મતારીખ અને દેશમાં પણ ભૂલ
જે દસ્તાવેજને પવન ખેડાએ UAEનો પાસપોર્ટ કહીને રજૂ કર્યો હતો એ વાસ્તવમાં પાસપોર્ટ જ નથી પરંતુ ગોલ્ડન વિઝા કાર્ડ છે, જે લાંબાગાળા માટે UAEમાં રહેવા માટે પરવાનગી આપે છે. કાર્ડ પર ચિપ છે અને પાસપોર્ટ નથી એ જોતાં જ ખબર પડી જાય એમ છે.
અહીં જન્મતારીખ લખવામાં આવી છે– 31/07/1973. પરંતુ ID નંબર પ્રમાણે જન્મ વર્ષ 1996 હોવું જોઈએ. UAE ID નંબરના ફોર્મેટ પ્રમાણે આ ID કોઈ 1996માં જન્મેલી વ્યક્તિનું હોવું જોઈએ. કારણ કે આ 15 આંકડાના ID નંબરમાં પહેલા ત્રણ આંકડા 784 UAEનો કન્ટ્રી કોડ છે. ત્યારબાદના 4 આંકડા કાર્ડહોલ્ડરનું જન્મવર્ષ દર્શાવે છે અને પછીના 7 આંકડા યુનિક આઇડેન્ટિફાયર હોય છે.
અહીં ID નંબર છે 784-1996-5557498-8. એ હિસાબે જન્મ વર્ષ 1996 હોવું જોઈએ.

કાર્ડમાં ‘રાષ્ટ્રીયતા’ (નેશનાલિટી) લખવામાં આવી છે– ઇજિપ્ત. પરંતુ કાર્ડની પાછળનો MRZ કોડ અલગ કન્ટ્રી કોડ સ્ટ્રક્ચર દર્શાવે છે. આ કોડ છે ILARE1326077316784199655574988 7307317F1710272ATG<<<<<<<<<<03BHUYANSARMA<<RINIKI<<<<<<<<<<<, જ્યાં ATG એ નેશનાલિટી કોડ છે. ATG એટલે એન્ટિગુઆ અને બારબુડા. જ્યારે કાર્ડ પર નેશનાલિટી ઇજિપ્ત લખી છે.

અહીં ડેટા માટેના ચેક ડિજિટ 5 હોવા જોઈએ, પણ અહીં માત્ર 3 છે. અર્થાત્ આ MRZ કોડના આંકડા જાણીજોઈને બદલવામાં આવ્યા છે અને અલ્ગોરિધમ ચેકમાં પણ પાસ થયા નથી. પાસપોર્ટ અને કન્ટ્રી આઇડી માટેના MRZ કોડ સિસ્ટમ જનરેટેડ હોય છે અને તેમાં આવી ખામી ન હોય શકે.
પાકિસ્તાની વ્યક્તિના ખોવાયેલા IDમાં ઘાલમેલ કરીને બનાવી કાઢ્યું ડોક્યુમેન્ટ
વાસ્તવમાં કોંગ્રેસે જે દસ્તાવેજ આસામ સીએમનાં પત્નીનો ‘UAE પાસપોર્ટ’ તરીકે રજૂ કર્યો છે એ એક પાકિસ્તાની વ્યક્તિના ખોવાઈ ગયેલા એમિરેટ્સ આઈડી કાર્ડમાં ચેડાં કરીને બનાવવામાં આવ્યો છે.
28 માર્ચના રોજ પાકિસ્તાનના એક ફેસબુક ગ્રુપમાં ટીપું સુલતાન નામના એક આઈડીએ પોસ્ટ કરીને જણાવ્યું કે તેના બે એમિરેટ્સ આઈડી કાર્ડ, કાર ડોક્યુમેન્ટ અને ATM કાર્ડ ખોવાઈ ગયા છે. તેણે એમિરેટ્સ કાર્ડ અને લાઈસન્સની તસવીરો પણ શેર કરી હતી.

આ એમિરેટ્સ આઈડી કાર્ડનો નંબર છે 784-1996-5557498-8. આ જ નંબર કોંગ્રેસે રિનીકી શર્માનો જે કથિત UAEનો પાસપોર્ટ દર્શાવ્યો છે તેમાં જોવા મળે છે. આ વ્યક્તિ જન્મ તારીખ 10 જુલાઈ, 1996 લખવામાં આવી છે. જે ID નંબરના બીજા ભાગ સાથે (જેમાં જન્મ વર્ષ જ લખવામાં આવ્યું હોય છે, ઉપર સમજાવ્યા પ્રમાણે) મેચ થાય છે.
બંનેની સરખામણી કરવામાં આવે તો જાણવા મળે છે કે કોંગ્રેસે અશરફ અબ્દેલકાદર અબ્દેલસમદ હુસૈનનું નામ બદલીને રિનીકી ભૂયાં સરમા કરી દીધું હતું અને જન્મતારીખ, ઇસ્યુ અને એક્સપાયરી ડેટ વગેરે બદલી નાખવામાં આવ્યું હતું. પરંતુ તેઓ ID બદલવાનું ભૂલી ગયા અને એ પણ ધ્યાન ન રહ્યું કે ID નંબરમાં જન્મ વર્ષ પણ હોય છે.

ફેસબુક પર જે ડોક્યુમેન્ટ પોસ્ટ કરવામાં આવ્યું હતું એ ‘રેસિડેન્ટ આઈડેન્ટિટી કાર્ડ’ છે અને કોંગ્રેસે જે રજૂ કર્યું એ ડોક્યુમેન્ટ ‘ગોલ્ડન કાર્ડ’ તરીકે રજૂ કર્યું છે. એટલે કોંગ્રેસ કાલે ઉઠીને એવો દાવો પણ કરી શકે કે તેમાં કોઈ ચેડાં કરવામાં આવ્યાં નથી પરંતુ એક જ ID સાથેનું જેન્યુઇન કાર્ડ છે. પરંતુ એ શક્ય જ નથી UAEમાં ID નંબર યુનિક હોય છે અને દરેક રહેવાસીને એમિરેટ્સ આઈડી મળે છે. ડોક્યુમેન્ટ ટાઇપ જુદાં હોય તોપણ આ આઈડી સરખું ન હોય શકે.
ઇજિપ્શિયન પાસપોર્ટમાં પણ ખામી

ઇજિપ્તના પાસપોર્ટમાં પણ આવા જ ગડબડ ગોટાળા છે. ડોક્યુમેન્ટ નેશનાલિટી ઇજિપ્ત દર્શાવે છે પરંતુ MRZ કોડમાં જે નેશનાલિટી દર્શાવવામાં આવી છે તેની સાથે મેળ ખાતી નથી. કોડ છે PPEGYBHUYAN<SARMA<<RINIKI<<<<<<<<<<<<<<<<<<<A207998834IND7307317F2902120<<<<<<<<<<<<<<08, અહીં પાસપોર્ટ નંબર પછી IND લખવામાં આવ્યું એ દર્શાવે છે કે નેશનાલિટી ભારતીય (ઈન્ડિયન) છે. એક જ પાસપોર્ટ બે અલગ નેશનાલિટી દર્શાવી શકે નહીં, કારણ કે ઉપર કહ્યું એમ કોડ સિસ્ટમ જનરેટેડ હોય છે.
ઇનવેલિડ QR
કોંગ્રેસે દાવો એવો પણ કર્યો છે કે રિનીકી ભૂયાં શર્માએ વિદેશોમાં તગડું રોકાણ કરી રાખ્યું છે અને તેના માટે અમુક દસ્તાવેજો પુરાવા તરીકે રજૂ કર્યા. જેમાં એક QR કોડ પણ છે. પણ તે સ્કેન કરવાથી કશું દર્શાવતો નથી. એકાદ કોઈ રેન્ડમ લેટર આવે છે, જે કશું સાબિત કરતો નથી. અર્થાત્, આ ડોક્યુમેન્ટમાં પણ ઘાલમેલ કરવામાં આવી છે.
To create fake things, you need to use a bit of “brain”!!
— Ron Bikash Gaurav (@RonBikashGaurav) April 5, 2026
Name: Riniki Bhuyan writes “Sharma” instead of “Sarma.”
QR Code: Scanning the QR code shows nothing — use of a fake QR code.
Passport Number: Different passport numbers are used for the same passport.@Pawankhera 😅 pic.twitter.com/t2kLMyS4uJ
આમ તો આસામ સીએમ અને તેમનાં પત્નીએ કેસ દાખલ કરવાની ચેતવણી આપી છે, પરંતુ 9 એપ્રિલે ચૂંટણી છે એટલે સ્વાભાવિક છે કે આટલો વહેલો કેસ લિસ્ટ થશે નહીં. આ જ ટૂંકાગાળાનો લાભ લઈને કોંગ્રેસે મતદારોમાં ભ્રમણા ઊભી કરવા માટે આ ખેલ કર્યા હોવાનું પ્રતીત થાય છે. તેઓ જાણે છે કે આરોપો ખોટા સાબિત કરવા માટે વર્ષો લાગી જશે અને ત્યાં સુધીમાં તેમનો હેતુ સિદ્ધ થઈ ગયો હશે.


