હોમપેજરાજકારણગુજરાતીઓ કોંગ્રેસને નથી ચૂંટતા એટલે 'અભણ' અને 'મૂરખ', બાકી ખડગેના મતે તો...

ગુજરાતીઓ કોંગ્રેસને નથી ચૂંટતા એટલે ‘અભણ’ અને ‘મૂરખ’, બાકી ખડગેના મતે તો તેમની પાર્ટી દૂધે ધોયેલી!

આ માનસિકતા કહે છે કે, 'જો જનતા અમને નથી ચૂંટતી તો જનતા જ ખોટી છે. અમે નહીં.' અને આ જ તે માનસિકતા છે જે કોઈપણ રાજકીય પાર્ટીને ધીમેધીમે અપ્રસ્તુત બનાવી દે છે. કોંગ્રેસ આજે તે જ રસ્તે ઊભી છે, જ્યાં અહંકાર આત્મમંથન પર ભારી પડી ચૂક્યો છે અને કદાચ આ જ કારણે ગુજરાતને ગાળ દેવી સરળ છે, પરંતુ પોતાનામાં બદલાવ લાવવો મુશ્કેલ.

- Advertisement -

પ્રાથમિક શાળામાં ભણતા ત્યારે અમારા એક સ્થાનિક શિક્ષક પશુઓ વિશે કારણ વગરનું જ્ઞાન આપતા રહેતા. તેમનો વિષય તો જાણે સામાજિક વિજ્ઞાન હતો પણ ઘણી વખત તેઓ શ્વાન અને અન્ય પશુઓ વિશે માહિતી આપતા રહેતા. તેમાં એક દિવસ તેમણે એવું કહ્યું હતું કે શ્વાન જ્યારે હડકાયેલો હોય અને જો પાણી ભાળી જાય તો તેને ઘૂરી ચડવા લાગે છે અને તે લથડિયા ખાઈને ગમે તે કરવા લાગે છે. આ વાત હાલની કોંગ્રેસને લાગુ પડે છે. એક દાયકાથી હડકાયેલી થયેલી કોંગ્રેસ જો હાર ભાળી જાય તો એને ઘૂરી ચડવા લાગે છે અને તે આખરે ગમે તે બફાટ કરીને પોતાના પગ કુહાડીને અર્પણ કરી દે છે. તાજેતરમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ગુજરાત અને ગુજરાતીઓ વિશે જે કહ્યું છે એ આ જ હડકવા અને ઘૂરીનું પરિણામ છે.

કેરળમાં એક ચૂંટણી પ્રચારની રેલીને સંબોધતા આધેડ ઉંમરના નેતા ખડગેએ એવું કહી દીધું કે મોદી ગુજરાત અને અન્ય વિસ્તારના લોકોને મૂરખ બનાવી શકે, કારણ કે તેઓ અભણ છે, પરંતુ કેરળના લોકો શિક્ષિત અને હોંશિયાર છે, તેઓ મૂર્ખ બનશે નહીં. ખડગેનું આ નિવેદન તેમની આખી પાર્ટીની માનસિકતાને નગ્ન કરી નાખે છે. આ માત્ર એક ચૂંટણી મંચ પર કહેવાયેલી લાઈનો નહોતી, પરંતુ તે અહંકાર અને હતાશાનું પ્રદર્શન હતું જે આજની કોંગ્રેસના ડીએનએમાં વસી ચૂક્યું છે.

આ તે જ કોંગ્રેસ છે જે એક દાયકાથી સતત ચૂંટણીઓ હારી રહી છે, પોતાનો જનાધાર ગુમાવી ચૂકી છે, નેતૃત્વ સંકટથી ઝઝૂમી રહી છે, પરંતુ આત્મમંથન કરવાને બદલે તેને સૌથી સરળ રસ્તો લાગે છે ગુજરાતને દોષ આપવો, ગુજરાતીઓને નીચા દેખાડવા.

નિષ્ફળતા સ્વીકારવાનું સાહસ નથી, એટલે ‘ગુજરાત દોષી’

કોઈપણ રાજકીય પાર્ટી માટે હાર આત્મનિરીક્ષણનો અવસર હોય છે. પરંતુ કોંગ્રેસ માટે હાર માત્ર બહાના ઘડવાનો અવસર બની ગઈ છે. 2014 પછીથી આજ સુધી કોંગ્રેસ સતત સંકોચાતી ગઈ છે. એક સમયે રાષ્ટ્રીય પાર્ટી રહેલી આ સંસ્થા આજે અનેક રાજ્યોમાં હાશિયે પહોંચી ગઈ છે. પરંતુ શું ક્યારેય આ પાર્ટીએ ખુલ્લેઆમ સ્વીકાર્યું છે કે તેની નીતિઓ, તેનું નેતૃત્વ અને તેનો દૃષ્ટિકોણ જનતાને સ્વીકાર્ય નથી રહ્યો? ના.

- Advertisement -

તેનાથી ઊલટું કોંગ્રેસે એક ભયાનક શોર્ટકટ પસંદ કર્યો છે, જ્યાં હારનું કારણ પોતાની ખામીઓ નહીં, પરંતુ જનતાની ‘સમજ’ પર સવાલ ઉઠાવવાનું બની ગયું છે. અને આ જ માનસિકતાનું સૌથી તાજું ઉદાહરણ છે ખડગેનું નિવેદન. જ્યારે તમે કહો છો કે ‘ગુજરાતના લોકો અભણ છે, એટલે મૂર્ખ બની જાય છે’ તો વાસ્તવમાં તમે એ જ કહી રહ્યા હો છો કે, “જો અમે હારીએ છીએ તો ભૂલ જનતાની છે, અમારી નહીં.”

કોંગ્રેસ આજે જે સ્થિતિમાં છે, તે અચાનક નથી થઈ. આ સતત લીધેલા ખોટા નિર્ણયો, જમીની સત્યતાની અવગણના, નિમ્ન માનસિકતા અને નેતૃત્વના સંકટનું પરિણામ છે. પરંતુ આ બધા છતાં પાર્ટીની અંદર ક્યાંય પણ આ સ્વીકારવાની ઇચ્છાશક્તિ દેખાતી નથી કે સમસ્યા અંદર છે. તેના બદલે દરેક હાર પછી એક નવું બહાનું તૈયાર કરવામાં આવે છે. ક્યારેક EVM, ક્યારેક ‘નફરતની રાજનીતિ’ અને હવે સીધેસીધા જનતાની બુદ્ધિમત્તા પર સવાલ. ખડગેનું નિવેદન આ જ માનસિકતાનું ચરમ સ્વરૂપ છે, જ્યાં હારની જવાબદારી લેવાને બદલે આખા સમાજને જ કઠેડામાં ઊભો કરી દેવામાં આવે છે. 

કાયમ ગુજરાત હોય છે ટાર્ગેટ પર

ગુજરાત પર આ હુમલો અચાનક નથી. આ એક લાંબી, સતત ચાલતી આવેલી રાજકીય વ્યૂહરચનાનો ભાગ છે. જ્યારથી નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા, ત્યારથી જ આ ઇકોસિસ્ટમ ગુજરાત પાછળ પડી ગઈ છે.  તે સમયે ‘મોડલ’ પર સવાલ ઉઠાવવામાં આવ્યા, પછી ‘ગુજરાત વિરુદ્ધ ભારત’નો નેરેટિવ બનાવવામાં આવ્યો અને હવે સીધેસીધા ગુજરાતીઓની બુદ્ધિમત્તા પર સવાલ ઊભા કરવામાં આવી રહ્યા છે.

વાસ્તવમાં આ ગુજરાતની સાથેસાથે મોદી વિરુદ્ધનો ગુસ્સો છે, જેને હવે ગુજરાતીઓ પર ઉતારવામાં આવી રહ્યો છે. કારણ કે ગુજરાત માત્ર એક રાજ્ય નથી, પરંતુ તે રાજકીય પરિવર્તનનું પ્રતીક બની ચૂક્યું છે જેણે કોંગ્રેસની દાયકાઓ જૂની પકડને તોડી નાખી છે. એ ગુજરાત જ છે, જેણે દાયકાઓ પહેલાં કોંગ્રેસની માનસિકતાને નગ્ન કરી દીધી હતી અને ત્યારથી જ આ ઇકોસિસ્ટમને રાજ્ય પ્રત્યે ભારોભાર દ્વેષ છે.

કોંગ્રેસની રાજનીતિમાં એક સ્થાયી તત્વ રહ્યું છે અહંકાર. આ એ જ માનસિકતા છે જે માને છે કે ‘અમે educated છીએ, એટલે અમે સાચા છીએ, જે અમને વોટ નથી આપતા એ અભણ છે અને મૂરખ છે, બાકી અમારી પાર્ટી તો દૂધે ધોયેલી છે!’ ખડગેનું નિવેદન આ જ માનસિકતાનું બિનફિલ્ટરવાળું સ્વરૂપ છે. આ માત્ર ગુજરાતીઓનું અપમાન નથી, આ દરેક તે મતદાતાનું અપમાન છે જેણે કોંગ્રેસને નકારી છે.

ઇતિહાસ સાક્ષી છે: જ્યારે પણ હાર, ત્યારે ગુજરાત પર વાર

આ પહેલી વખત નથી જ્યારે કોંગ્રેસ અથવા તેનાથી જોડાયેલા નેતાઓએ ગુજરાતને નિશાન બનાવ્યું હોય. ગત વર્ષોમાં વારંવાર જોવામાં આવ્યું છે કે જેમ-જેમ રાજકીય જમીન ખસતી જાય છે તેમ-તેમ ગુજરાતને એક ‘વિલન’ તરીકે રજૂ કરવામાં આવે છે. ક્યારેક વિકાસ મોડલ પર સવાલ, ક્યારેક સમાજ પર ટિપ્પણી અને હવે સીધેસીધા લોકોને ‘અભણ અને મૂરખ’ કહી દેવા. આ પેટર્ન તો એક જ છે પણ ખડગેનું નિવેદન તે પેટર્નનું નવીનતમ સંસ્કરણ છે.

કોંગ્રેસ માટે સૌથી મોટી સમસ્યા એ નથી કે તે સતત ચૂંટણીઓ હારી રહી છે. સૌથી મોટી સમસ્યા એ છે કે તે આ સ્વીકારવા માટે તૈયાર જ નથી કે તે કેમ હારી રહી છે. નીતિઓમાં સ્પષ્ટતા નથી, નેતૃત્વમાં વિશ્વાસ નથી, જમીની સંગઠન નબળું છે, પરંતુ દોષ કોનો? ‘ગુજરાતનો અને ગુજરાતીઓનો.’ આ તે જ માનસિકતા છે જેમાં ડૉક્ટર સારવારમાં નિષ્ફળ થાય અને દર્દીને જ દોષી ઠેરવી દે.

AAPનું મૌન: વિરોધ પણ સુવિધાનુસાર

આ આખા વિવાદમાં એક અન્ય રસપ્રદ પાત્ર છે- આમ આદમી પાર્ટી અને ગોપાલ ઇટાલિયા સહિતના નેતાઓ. AAPના નેતાઓ વારંવાર દાવો કરે છે કે કોંગ્રેસ અને ભાજપ એક જ સિક્કાનાં બે પાસાં છે. તેઓ પોતાને ગુજરાતમાં ‘વિકલ્પ’ ગણાવે છે, ‘ગુજરાતના હિત માટે નવી રાજનીતિ’ની વાત કરે છે. પરંતુ જ્યારે ખડગે જેવા નેતા ખુલ્લેઆમ ગુજરાતીઓનું અપમાન કરે છે, ત્યારે તે જ AAPના નેતાઓ અચાનક ચુપ થઈ જાય છે. ન તો કોઈ પ્રતિક્રિયા, ન તો કોઈ સ્પષ્ટ વિરોધ. અને જ્યારે ભાજપ આ મુદ્દો ઉઠાવે છે ત્યારે તેની મજાક ઉડાવવામાં પણ આ જ આપિયા આગળ આવે છે. જેમ કે ભાજપના પ્રદેશ પ્રમુખ ખડગેના નિવેદન પર પ્રતિક્રિયા આપી રહ્યા હતા ત્યારે ઇટાલિયાએ પોસ્ટ કરીને એવું લખ્યું કે, “આ વડીલ કંઈક બોલી રહ્યા છે કે ગીત ગાઈ રહ્યા છે? સરખો વિડીયો અપલોડ કરવા વિનંતી.”

આ બધુ શું દર્શાવે છે? આ ‘નવી રાજનીતિ’ છે? કે પછી આ પણ તે જ જૂની સુવિધાઆધારિત રાજનીતિ છે, જ્યાં વિરોધ પણ માત્ર પસંદગીપૂર્વકનો હોય છે? કાયમ ગુજરાતની ચિંતા કરનારા નેતાઓ ગુજરાતના અપમાન પર મૌન કેમ છે? પેલી કહેવત છે ને કે ‘જનતા સબ જાનતી હૈ’, તો ખરેખર જનતા હવે બધુ જાણી ગઈ છે અને એટલે જ ક્યારેય ખાતા ખોલવા નથી દેતી ગુજરાતમાં.

કદાચ AAP, કોંગ્રેસ અને તેની ઇકોસિસ્ટમ એ વાતથી પરિચિત નથી, અથવા જાણીજોઈને અવગણી રહી છે કે ગુજરાતનો સમાજ કેવી રીતે કામ કરે છે. આ તે સમાજ છે જે વિવાદોમાં નહીં, કામમાં વિશ્વાસ કરે છે. જ્યાં વિવાદ ઓછો અને પરિણામ વધુ દેખાય છે. અને કદાચ આ જ કારણ છે કે આવા નિવેદનો વારંવાર આપવામાં આવે છે, કારણ કે પ્રતિક્રિયા ઓછી આવે છે, પરંતુ રાજકીય શોર મચાવી શકાય છે. પરંતુ આ વખતે ગુજરાતીઓની સહનશક્તિ ખતમ થતી દેખાઈ રહી છે.

સત્ય અસુવિધાજનક હોય શકે છે, પરંતુ સ્પષ્ટ છે કે કોંગ્રેસની સમસ્યા માત્ર ગુજરાત નથી. સમસ્યા છે તેનો દૃષ્ટિકોણ, તેની વિચારધારા અને પોતાની ભૂલોને ન સ્વીકારવાની તેની આદત. જ્યાં સુધી આ પાર્ટી એવું માનતી રહેશે કે ‘અમે સાચા છીએ અને જનતા ખોટી છે’, ત્યાં સુધી તેના માટે હાર માત્ર એક સિલસિલો બની રહેશે. ખડગેનું નિવેદન કોઈ અપવાદ નથી, આ તે જ માનસિકતાનું સ્વાભાવિક પરિણામ છે અને કદાચ આ જ કારણે આજે કોંગ્રેસ માત્ર ચૂંટણીઓ જ નથી હારતી, પણ ધીમેધીમે જનતાનો વિશ્વાસ પણ ગુમાવી રહી છે.

એ માની લેવું ભોળપણ હશે કે ખડગે કે પછી અન્ય કોંગ્રેસીના આવા નિવેદનો અચાનક આવી જાય છે. વાસ્તવમાં આ એક સુનિયોજિત વ્યૂહરચનાનો ભાગ છે. ગુજરાતને એટલે ટાર્ગેટ કરવામાં આવે છે કારણ કે તે નરેન્દ્ર મોદી, અમિત શાહનો રાજકીય આધાર રહ્યું છે, તે વિકાસ અને વહીવટી મોડલ તરીકે રજૂ કરવામાં આવે છે અને સૌથી મહત્વનું તે કોંગ્રેસની સૌથી મોટી રાજકીય હારનું પ્રતીક છે. તેથી ગુજરાત પર હુમલો માત્ર એક રાજ્ય પર હુમલો નથી, આ તે આખી રાજકીય વિચારધારા પર હુમલો છે જેણે કોંગ્રેસને સત્તાથી બહાર ફેંકી દીધી. 

ગુજરાતને ‘અભણ’ કહેવું એક વાક્ય હોય શકે છે, પરંતુ તેની પાછળ છુપાયેલી માનસિકતા ક્યાંય વધુ મોટી છે. આ માનસિકતા કહે છે કે, ‘જો જનતા અમને નથી ચૂંટતી તો જનતા જ ખોટી છે. અમે નહીં.’ અને આ જ તે માનસિકતા છે જે કોઈપણ રાજકીય પાર્ટીને ધીમેધીમે અપ્રસ્તુત બનાવી દે છે. કોંગ્રેસ આજે તે જ રસ્તે ઊભી છે, જ્યાં અહંકાર આત્મમંથન પર ભારી પડી ચૂક્યો છે અને કદાચ આ જ કારણે ગુજરાતને ગાળ દેવી સરળ છે, પરંતુ પોતાનામાં બદલાવ લાવવો મુશ્કેલ.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં