ડેડીયાપાડાથી આમ આદમી પાર્ટીના (AAP) ધારાસભ્ય ચૈતર વસાવા એક વખત ફરી ભ્રામક દાવા સાથે સામે આવ્યા છે. તેમણે સોશિયલ મીડિયા પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ચાના બગીચાઓમાં શ્રમિકો સાથે મુલાકાતને લઈને ખોટો દાવો ઝીંકી દીધો છે. વાસ્તવમાં તેમણે X પર બે તસવીર પોસ્ટ કરી છે, જેમાં વડા પ્રધાનને ચાના બગીચાના શ્રમિકો સાથે દેખાડવામાં આવ્યા છે અને આસપાસ ફોટોશૂટ માટે સેટ તૈયાર થયેલો દેખાઈ રહ્યો છે. બીજા ફોટામાં વડા પ્રધાન મહિલા શ્રમિકો સાથે ફોટો ખેંચાવતા નજરે પડે છે.
આ ફોટાની સાથે ચૈતર વસાવાએ ભ્રામક દાવો પણ કર્યો છે. તેમણે દાવો કરતા લખ્યું કે, “દેશના વડા પ્રધાન ચાના બગીચામાં કામ કરતી આદિવાસી મહિલા મજદૂરોને સજાવીને ચારે બાજુથી કેમેરા લગાવીને ફોટોશૂટ કરી રહ્યા છે.” જોકે, તેમણે બંને તસવીરોની કોઈ તપાસ વગર જ જુઠ્ઠાણું ફેલાવવા માટે આ પોસ્ટ કરી દીધી હતી. તેમના કમેંટ સેકશનમાં પણ યુઝર્સે આ મામલે તેમનું ધ્યાન દોર્યું હતું, પણ તેમ છતાં વસાવા તરફથી કોઈ કાર્યવાહી હજુ સુધી કરવામાં આવી નથી.

આ આખા પ્રકરણની શરૂઆત તૃણમૂલ કોંગ્રેસના (TMC) સાંસદ કીર્તિ આઝાદ દ્વારા શેર કરવામાં આવેલી એક તસવીરથી થઈ, જેમાં વડા પ્રધાન મોદીને ચાના બગીચાની વચ્ચે એક કથિત ‘ફિલ્મી સેટ’માં દેખાડવામાં આવ્યા હતા. આ તસવીરને શેર કરતાં તેમણે વ્યંગાત્મક ટિપ્પણી કરી અને એવો સંકેત આપવાનો પ્રયાસ કર્યો કે વડા પ્રધાનની આ મુલાકાત સંપૂર્ણપણે સ્ક્રિપ્ટેડ અને યોજનાબદ્ધ હતી. તેમના આ દાવાને કોંગ્રેસ સમર્થક પત્રકાર રાજુ પારુલકરે પણ આગળ વધાર્યો અને તે જ તસવીરને શેર કરીને આ જ નેરેટિવને હવા આપી.
શું છે હકીકત?
તપાસમાં સામે આવ્યું કે જે તસવીરના આધારે આ આખું ગતકડું ઊભું કરવામાં આવ્યું છે, તે વાસ્તવિક ઘટનાની તસવીર નથી, પરંતુ એક એવી વિઝ્યુઅલ રચના છે જેમાં અનેક તત્વો અસ્વાભાવિક રીતે પરિપૂર્ણ અને અવ્યવહારુ દેખાય છે. તસવીરમાં કેમેરા, લાઈટિંગ અને સેટઅપનું જે સંયોજન દેખાડવામાં આવ્યું છે તે કોઈ વાસ્તવિક ગ્રાઉન્ડ ઇવેન્ટ કરતાં વધુ કૃત્રિમ, સિમેટ્રિકલ અને ઓવર-ડિઝાઈન્ડ દૃશ્ય જેવું લાગે છે. ભીડની બનાવટ, બેકગ્રાઉન્ડમાં ઊભેલા લોકોની પેટર્ન અને સાધનોની પ્લેસમેન્ટ એવી છે જે કુદરતી નથી.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પણ આ તસવીરને લઈને હકીકત સામે આવી છે. તે જ પોસ્ટની નીચે ‘AI-generated Image’ની કોમ્યુનિટી નોટ પણ દર્શાવવામાં આવી છે, જે દર્શાવે છે કે સ્વયં પ્લેટફોર્મના યુઝર્સ જ આ તસવીરને ખોટી ગણાવી રહ્યા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી છેલ્લા કેટલાક દિવસોમાં દાર્જિલિંગ (પશ્ચિમ બંગાળ) અને ડિબ્રૂગઢના (અસમ) ચા બગીચાઓનો પ્રવાસ કરી ચૂક્યા છે, જ્યાં તેમણે મહિલા શ્રમિકો સાથે મુલાકાત પણ કરી હતી. જોકે, આ મુલાકાતને ફિલ્મી સેટની જેમ તૈયાર કરવામાં આવી હતી એવો કોઈ પુરાવો નથી.

આ આખો મામલો દર્શાવે છે કે કેવી રીતે પહેલાં એક AI-જનરેટેડ તસવીરના માધ્યમથી એક દૃશ્ય તૈયાર કરવામાં આવે છે, પછી તે જ દૃશ્યને આધાર બનાવીને રાજકીય આરોપો ઘડવામાં આવે છે અને અંતે વિવિધ નેતાઓ તથા સમર્થકો દ્વારા તેને ‘સત્ય’ તરીકે રજૂ કરવામાં આવે છે. ચૈતર વસાવાની પોસ્ટ આ જ પ્રક્રિયાની એક કડી છે, જ્યાં એક AI તસવીરના આધારે ગંભીર આરોપ લગાવવામાં આવ્યા.
તસવીરો ઘણી વખત તો સત્યનો આભાસ આપે છે, પરંતુ જ્યારે તે જ તસવીરો કૃત્રિમ રીતે તૈયાર કરવામાં આવે અને તેને વાસ્તવિક ઘટનાઓ સાથે જોડી દેવામાં આવે ત્યારે તે ભ્રમ પેદા કરવાનું સૌથી શક્તિશાળી સાધન બની જાય છે. આ મામલામાં પણ એવું જ થયું છે- એક AI ઈમેજના આધારે વડા પ્રધાનની વાસ્તવિક મુલાકાતને ખોટી રીતે રજૂ કરવામાં આવી અને ધારાસભ્ય જેવા બંધારણીય પદના માણસો આવી વાહિયાત બાબતોને પ્રોત્સાહન આપીને જુઠ્ઠાણું ફેલાવવામાં લાગી ગયા.


