તાજેતરમાં મધ્ય-પૂર્વમાં યુદ્ધ ચાલી રહ્યું છે, જેના કારણે સમગ્ર પશ્ચિમ એશિયામાં તણાવ ફેલાયેલો છે અને વિશ્વભરમાં ક્રૂડ ઓઈલના ઝડપથી વધી રહેલા ભાવોએ ચિંતા જન્માવી છે. આ સિવાય પેટ્રોલિયમ પેદાશોને લઈને પણ ઘણા પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. આ બધા વચ્ચે એક શબ્દ– સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ રિઝર્વ (Strategic Petroleum Reserves – SPR) વારંવાર સાંભળવા મળી રહ્યો છે. તાજતેરમાં જ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યસભા અને લોકસભામાં સંબોધન દરમિયાન કહ્યું હતું કે, “છેલ્લા 11 વર્ષમાં ભારતે ક્રૂડ ઓઇલના સંગ્રહને પ્રાથમિકતા આપી છે. આજે ભારત પાસે 53 લાખ મેટ્રિક ટનથી વધુ સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ રિઝર્વ છે અને આગામી વર્ષોમાં તેને 65 લાખ મેટ્રિક ટનથી વધુ વધારવાનું કામ ચાલી રહ્યું છે.” આવા સમયમાં પ્રશ્ન થાય કે સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ રિઝર્વ આખરે છે શું?
તો સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ રિઝર્વ એ દેશની ઊર્જા સુરક્ષા માટેનું એક અત્યંત મહત્વપૂર્ણ વ્યૂહાત્મક સાધન છે. આ રિઝર્વમાં ક્રૂડ ઓઇલને વિશેષ રીતે સુરક્ષિત અંડરગ્રાઉન્ડ કેવર્ન્સમાં સંગ્રહિત કરવામાં આવે છે. જેથી કોઈ આપત્તિ, યુદ્ધ, પુરવઠા વિક્ષેપ અથવા આંતરરાષ્ટ્રીય તણાવની સ્થિતિમાં દેશના તેલ પુરવઠામાં અચાનક અડચણ ન આવે અને અર્થવ્યવસ્થા સ્થિર રહે. આજે આપણે આ અંગે વધુ જાણવાનો પ્રયાસ કરીશું.
સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ રિઝર્વ (SPR) એટલે શું?
નોંધનીય છે કે ભારત દુનિયાની ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા છે અને આ વિકાસનું એન્જિન ‘ખનિજ તેલ’ છે. ભારત વિશ્વનો ત્રીજો સૌથી મોટો તેલ વપરાશકાર અને આયાતકાર દેશ છે. ભારત પોતાની જરૂરિયાતનું લગભગ 85% થી 88% તેલ આયાત કરે છે. આટલી મોટી નિર્ભરતા ધરાવતા દેશ માટે આંતરરાષ્ટ્રીય બજારમાં તેલના ભાવમાં વધારો કે યુદ્ધ જેવી સ્થિતિ અત્યંત જોખમી સાબિત થઈ શકે. આ જોખમને પહોંચી વળવા માટે ભારત સરકારે ‘સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ રિઝર્વ’ (SPR) એટલે કે વ્યૂહાત્મક તેલ ભંડાર ઊભા કર્યા છે.
SPR એ કાચા તેલનો એવો જથ્થો છે જે દેશની સામાન્ય જરૂરિયાતો માટે નહીં, પરંતુ માત્ર કટોકટીના (Emergency) સમય માટે સુરક્ષિત રાખવામાં આવે છે. આ તેલ જમીનથી સેંકડો ફૂટ નીચે કુદરતી રીતે બનેલી અથવા માનવસર્જિત વિશાળ ગુફાઓમાં રાખવામાં આવે છે, જેને ‘અંડરગ્રાઉન્ડ કેવર્ન્સ’ કહેવામાં આવે છે. આ કેવર્ન્સ હાર્ડ રોક અથવા સોલ્ટ કેવર્ન્સ હોય શકે છે. આવા સ્ટોરેજનો ઉપયોગ પર્યાવરણને ઓછી અસર કરે છે, સસ્તું છે અને અત્યંત સુરક્ષિત છે.

નોંધનીય છે કે જમીનની ઉપર મોટી ટાંકીઓ બનાવવા કરતાં ભૂગર્ભ ગુફાઓમાં તેલ સંગ્રહવું ઘણું સસ્તું પડે છે. તે પર્યાવરણ માટે સુરક્ષિત છે, તેમાં બાષ્પીભવન (Evaporation) ઓછું થાય છે અને તે દુશ્મન દેશોના હવાઈ હુમલા કે આતંકવાદી હુમલાઓથી સંપૂર્ણ સુરક્ષિત રહે છે. વિશ્વના મોટાભાગના દેશો આવી વ્યવસ્થા રાખતા હોય છે. વિશ્વમાં સૌથી મોટો SPR અમેરિકાનો છે, જેની ક્ષમતા 727 મિલિયન બેરલ છે અને હાલમાં તેમાં લગભગ 415 મિલિયન બેરલ ક્રૂડ ઓઇલ સંગ્રહિત છે. અન્ય દેશો જેમ કે જાપાન, ચીન અને યુરોપીયન દેશો પણ આવા રિઝર્વ જાળવે છે.
ભારત જેવા દેશ માટે આ વધુ મહત્વપૂર્ણ છે કારણ કે ભારત તેના કુલ ક્રૂડ ઓઇલના લગભગ 85-88% વિદેશથી આયાત કરે છે અને તેમાં મોટો ભાગ પશ્ચિમ એશિયામાંથી (મધ્ય-પૂર્વ) આવે છે. સ્ટ્રેટ ઑફ હોર્મુઝમાંથી વિશ્વના 20% તેલ અને ભારતના 50% તેલ-ગેસ પુરવઠો પસાર થાય છે. તેથી કોઈ તણાવમાં પુરવઠો વિક્ષેપિત થઈ શકે છે અને કિંમતો વધી શકે છે. SPR આવી સ્થિતિમાં દેશને સમય આપે છે કે તે વૈકલ્પિક વ્યવસ્થા કરી શકે.
ભારતના સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ રિઝર્વની તૈયારી
PM મોદીએ સંસદમાં જણાવ્યા અનુસાર ભારત લગભગ 11 વર્ષથી ઊર્જા સુરક્ષાને ધ્યાનમાં રાખીને SPRની તૈયારી કરી રહ્યું છે. ભારતે તેના પ્રથમ તબક્કા હેઠળ ત્રણ મુખ્ય સ્થળોએ ભંડાર કાર્યરત કર્યા છે, જેનું સંચાલન ઇન્ડિયન સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ રિઝર્વ્સ લિમિટેડ (ISPRL) કરે છે.વર્તમાનમાં ભારત પાસે આંધ્ર પ્રદેશના વિશાખપટ્ટનમમાં 1.33 મિલિયન મેટ્રિક ટન, કર્ણાટકના મેંગલુરુમાં 1.50 મિલિયન મેટ્રિક ટન અને કર્ણાટકના પાદુરમાં 2.50 મિલિયન મેટ્રિક ટન એમ કુલ 5.33 મિલિયન મેટ્રિક ટન સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ રિઝર્વની ક્ષમતા છે.
| શહેર | રાજ્ય | ક્ષમતા (MMT) | સ્ટોરેજ પ્રકાર |
| વિશાખપટ્ટનમ | આંધ્રપ્રદેશ | 1.33 | હાર્ડ રોક કેવર્ન |
| મેંગલુરુ | કર્ણાટક | 1.50 | હાર્ડ રોક કેવર્ન |
| પાદુર | કર્ણાટક | 2.50 | હાર્ડ રોક કેવર્ન |
| કુલ | 5.33 MMT | (આશરે 39.1 મિલિયન બેરલ) |
આ ત્રણેય સ્થળો હાર્ડ રોક કેવર્ન્સ છે અને તે પહેલેથી જ ઑપરેશનલ છે. હાલમાં આ ક્ષમતાના 64% ભરેલા છે, એટલે કે આશરે 3.372 MMT (લગભગ 24.7 મિલિયન બેરલ) ક્રૂડ ઓઇલ સંગ્રહિત છે. આ સ્ટોક વર્તમાન વપરાશના આધારે લગભગ 5 દિવસ માટે પૂરતો છે. જોકે, તેલ કંપનીઓના પોતાના સ્ટોક્સ સાથે મળીને આ 74 દિવસ સુધીની જરૂરિયાત પૂરી કરી શકે છે. પૂર્ણ ક્ષમતાએ આ SPR 9.5 દિવસનું કવરેજ આપે છે. જ્યારે 2020માં કોરોનાકાળ દરમિયાન આંતરરાષ્ટ્રીય બજારમાં તેલના ભાવ તળિયે હતા, ત્યારે ભારત સરકારે તકનો લાભ લઈને આ રિઝર્વ ફૂલ કરી દીધા હતા. આનાથી દેશને હજારો કરોડ રૂપિયાની બચત થઈ હતી.
ત્યારબાદ સરકારે ભવિષ્યના જોખમોને પહોંચી વળવા માટે જુલાઈ 2021માં બીજો તબક્કો મંજૂર કર્યો હતો. આ તબક્કો પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશિપ (PPP) મોડેલ પર આધારિત છે અને કુલ 6.5 મિલિયન મેટ્રિક ટન સ્ટ્રેટેજિક વધારાની ક્ષમતા ઉમેરશે. આ તબક્કામાં ઓડિશાના ચંદીખોલમાં 4 MMTના કેવર્ન્સ બનાવવામાં આવશે અને કર્ણાટકના પાદુરમાં સ્થિત કેવર્ન્સની ક્ષમતામાં 2.5 MMTનો વધારો કરવામાં આવશે. આ તબક્કાનું કામ હાલમાં પ્રગતિમાં છે. આ ઉપરાંત સરકાર ભવિષ્યમાં રાજસ્થાનના બીકાનેર જેવા સ્થળોએ સોલ્ટ કેવર્ન્સની સંભાવના પણ જોઈ રહી છે.
ઉલ્લેખનીય છે કે પીએમ નરેન્દ્ર મોદીએ 23 માર્ચ 2026ના રોજ લોકસભામાં અને 24 માર્ચના રોજ રાજ્યસભામાં કહ્યું હતું કે ભારત પાસે 5.3 મિલિયન મેટ્રિક ટનથી વધુ સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ રિઝર્વ છે અને વધુ 6.5 MMT ક્ષમતા વધારવાનું કામ ચાલી રહ્યું છે. પશ્ચિમ એશિયાના વર્તમાન સંઘર્ષ અને સ્ટ્રેટ ઑફ હોર્મુઝની સ્થિતિને ધ્યાનમાં રાખીને સરકારે કહ્યું છે કે ભારત 6-8 અઠવાડિયા (42-56 દિવસ) સુધી સારી સ્થિતિમાં છે. આમાં તેલ કંપનીઓના 25 દિવસના ક્રૂડ અને 25 દિવસના પેટ્રોલ-ડીઝલ-LPG સ્ટોક્સનો સમાવેશ થાય છે. હાલમાં SPRમાંથી તેલ રિલીઝ કરવાની જરૂર નથી.
સરકારની અગાઉથી તૈયારી અને વિવિધતા
મોદી સરકારે છેલ્લા દાયકામાં ભારતની ઊર્જા સુરક્ષાને મજબૂત કરવા માટે સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ રિઝર્વના વિકાસ સાથે સાથે ક્રૂડ ઓઇલ અને અન્ય ઊર્જા સ્ત્રોતોમાં વ્યાપક વિવિધતા લાવવાની વ્યૂહાત્મક તૈયારી કરી છે. અગાઉ ભારત મુખ્યત્વે 27 દેશોમાંથી ઊર્જા આયાત કરતું હતું, જેમાં પશ્ચિમ એશિયા (મધ્ય-પૂર્વ) પર અત્યંત આધાર હતો. આજે ભારત 41 દેશોમાંથી ક્રૂડ ઓઇલ અને અન્ય ઊર્જા આયાત કરે છે. આ વિવિધતા દેશને જિયોપોલિટિકલ તણાવ, યુદ્ધ અથવા પુરવઠા વિક્ષેપ સામે વધુ સુરક્ષિત બનાવે છે.
નોંધનીય છે કે ભારત દરરોજ આશરે 5.5 મિલિયન બેરલ ક્રૂડ ઓઇલ વાપરે છે અને લગભગ 85-88% આયાત પર આધારિત છે. અગાઉ આ આયાતમાં પશ્ચિમ એશિયાનો હિસ્સો 70%થી વધુ હતો, જેમાં સ્ટ્રેટ ઑફ હોર્મુઝમાંથી મોટો ભાગ પસાર થતો હતો. આ સ્ટ્રેટ વિશ્વના 20% તેલ અને ભારતના આશરે 50% તેલ-ગેસ પુરવઠા માટે જવાબદાર છે. વર્તમાન તણાવમાં હોર્મુઝમાંથી આવતા ક્રૂડનો હિસ્સો ઘટાડીને વૈકલ્પિક માર્ગો અપનાવવામાં આવી રહ્યા છે.
હવે ભારત ક્રૂડ ઓઈલ માટે માત્ર મધ્ય-પૂર્વ પર નિર્ભર ન રહેતા સાઉદી અરેબિયા, ઇરાક, UAE અને અમેરિકા સહિતના દેશો પાસેથી ક્રૂડ ઓઈલ મંગાવી રહ્યું છે. આ સિવાય રશિયા હાલમાં પણ ભારતના ક્રૂડ ઓઈલનો સૌથી મોટો સપ્લાયર છે. આ વિવિધતાને કારણે મધ્ય-પૂર્વનો કુલ હિસ્સો ઘટ્યો છે, પરંતુ હજુ પણ 53-59% આસપાસ છે. સરકારે કહ્યું છે કે હોર્મુઝ પરની આધારિટતા ઘટાડવા માટે ‘કેપ ઑફ ગુડ હોપ’ જેવા લાંબા રૂટ્સ અને વૈકલ્પિક સપ્લાયર્સ તૈયાર રાખવામાં આવ્યા છે.
આ સિવાય તેલ કંપનીઓને લાંબા રૂટ્સ (જેમ કે રશિયા અને અમેરિકાથી) માટે વધુ ફ્રેઇટ ખર્ચની તૈયારી કરવા કહેવામાં આવ્યું છે. રિફાઇનરીઓમાં પાઇપલાઇન અને સ્ટોરેજ ક્ષમતા વધારવામાં આવી છે. વધુમાં LPGના 60% આયાત પર આધાર છે અને તેમાંથી મોટો ભાગ હોર્મુઝમાંથી આવે છે. સરકારે LPG, PNG અને LNG માટે પણ વૈકલ્પિક કાર્ગો શોધી રહી છે. પીએમ મોદીના જણાવ્યા અનુસાર પેટ્રોલિયમ મંત્રાલયે તેલ કંપનીઓ સાથે વારંવાર બેઠકો કરીને બેકઅપ પ્લાન તૈયાર કર્યા છે. રિફાઇનરીઓને વૈકલ્પિક ક્રૂડ ગ્રેડ્સ પર પ્રોસેસિંગ માટે તૈયાર રાખવામાં આવી છે.
વડા પ્રધાન મોદીના જણાવ્યા મુજબ ઊર્જા સુરક્ષા એ જ રાષ્ટ્રીય સુરક્ષા છે. SPR દ્વારા ભારત દુનિયાને બતાવી રહ્યું છે કે તે માત્ર તેલ ખરીદનાર દેશ નથી, પણ આવનારી કોઈપણ વૈશ્વિક આપત્તિ સામે લડવા માટે તૈયાર છે. જેમ-જેમ ભારત સોલ્ટ કેવર્ન્સ અને ફેઝ-IIના પ્રોજેક્ટ્સ પૂર્ણ કરશે, તેમ-તેમ ભારતની ઉર્જા સુરક્ષા અમેરિકા અને ચીન જેવા વિકસિત દેશોની હરોળમાં આવી જશે.


