અમદાવાદ શહેર AAP ઉપપ્રમુખની ધરપકડ: ચણતરના રૂપિયા ન આપી મારી નાખવાની ધમકી આપ્યાનો આરોપ

તાજેતરમાં આમ આદમી પાર્ટીના અમદાવાદ શહેર અપ પ્રમુખ અને સાબરમતી વિધાનસભાના પ્રભારી અમિત નટવરભાઈ પંચાલની ઘાટલોડિયા પોલીસે ધરપકડ કરી છે. તેની સામે ઘરના કામ માટે રાખેલા કડિયાની મજૂરીના લાખો રૂપિયા ન ચૂકવીને છેતરપિંડી અને ધાકધમકી આપવાનો આરોપ લાગ્યો છે.

અહેવાલ મુજબ આ મામલે મેમનગરમાં રહેતા અને ચણતરકામનો વ્યવસાય કરતા ધનપાલ યાદવે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદમાં જણાવ્યું છે કે આશરે છ મહિના પહેલાં અમિત પંચાલ અને તેમના પિતા નટવર પંચાલે ઘાટલોડિયાની દેવમંદિર સોસાયટીમાં આવેલા પોતાના મકાનનું પ્લાસ્ટરનું કામ ધનપાલ યાદવને આપ્યું હતું.

ધનપાલ યાદવે અમિત પંચાલના ઘરના પ્લાસ્ટર અને ચણતરનું કામ અંદાજે ₹12.85 લાખમાં રાખ્યું હતું, જેનો લેખિત કરાર પણ થયો હતો. પરંતુ જ્યારે કામ એકાદ મહિના પહેલાં પૂર્ણ થયું ત્યારે ધનપાલે પૈસાની માંગણી કરી તો પિતા-પુત્રે ₹8.55 લાખ આપ્યા હતા. બાકીના ₹4.30 લાખ આપવાના બદલે તેમણે આશરે ₹5 લાખનો સેન્ટિંગનો સામાન પણ જમા કરી લીધો હતો.

ધનપાલે અનેક વખત બાકીના પૈસા અને સામાન માગ્યા તો પિતા-પુત્રે વારંવાર વાયદા કર્યા પરંતુ કોઈ પગલું લીધું નહીં. 25 ફેબ્રુઆરીએ ધનપાલ યાદવ અમિત પંચાલના ઘરે ગયા અને બાકીના નાણાં તેમજ સામાનની ઉઘરાણી કરી. ફરિયાદ અનુસાર, AAP નેતાએ ધમકાવતા કહ્યું હતું કે, “તું મને બીજા ચાર લાખ આપીશ તો જ તને સેન્ટિંગનો સામાન આપીશ અને ફરી આવ્યો તો મારી નાખીને કેનાલમાં નાખી દઇશું.”

આ ધમકીથી ભયભીત થઈને ધનપાલે ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. FIR નોંધ્યા બાદ ઘાટલોડિયા પોલીસ ઇન્સ્પેક્ટર સી. જી. જોશીએ જણાવ્યું હતું કે, અમિત પંચાલ આમ આદમી પાર્ટીમાં સાબરમતી વિધાનસભાના પ્રભારી તેમજ શહેર ઉપપ્રમુખ છે. 2017માં તેમણે અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી હતી, જ્યારે 2021 અને 2025માં AAP તરફથી કોર્પોરેશન ચૂંટણી લડ્યા હતા.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે AAP નેતા સામે અગાઉ 2022માં સોલા વિસ્તારમાં પણ ધમકી આપવાનો ગુનો નોંધાયો હતો. પોલીસે ફરિયાદના આધારે અમિત પંચાલની ધરપકડ કરી છે અને આગળની તપાસ હાથ ધરી છે. આ ઘટના આમ આદમી પાર્ટીના સ્થાનિક નેતૃત્વ માટે નવી વિવાદની શરૂઆત બની છે. વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.