
મધ્ય પૂર્વમાં ચાલતા યુદ્ધ વચ્ચે દેશમાં LPG અને અન્ય ઈંધણોની ઉપલબ્ધતા મામલે સોમવારે (16 માર્ચ) કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રાલયે ફરી એક પ્રેસ કૉન્ફરન્સ સંબોધી હતી. જેમાં મંત્રાલયનાં સંયુક્ત સચિવ સુજાતા શર્માએ જણાવ્યું કે દેશમાં પર્યાપ્ત પ્રમાણમાં ક્રૂડ ઉપલબ્ધ છે અને CNG કે PNGના પુરવઠામાં પણ ક્યાંય કોઈ અવ્યવસ્થાની સ્થિતિ નથી.
સુજાતા શર્માએ જણાવ્યું કે દેશમાં પૂરતા પ્રમાણમાં ક્રૂડ ઉપલબ્ધ છે અને તમામ રિફાઈનરી મહત્તમ ક્ષમતાએ કામ કરી રહી છે. દેશભરમાં પેટ્રોલ પંપ રાબેતા મુજબ ચાલી રહ્યા છે અને ક્યાંય કોઈ ‘ડ્રાય આઉટ’નું રિપોર્ટિંગ થયું નથી. નેચરલ ગેસ વિશે જાણકારી આપતાં તેમણે કહ્યું કે CNG અને PNG ગ્રાહકોને 100% પુરવઠો પહોંચાડવામાં આવી રહ્યો છે.
Crude oil supplies remain adequate and refineries are operating at high capacity, with petrol pumps functioning normally and no dry-outs reported. Natural gas supply remains uninterrupted with 100% availability for #CNG and PNG consumers. Commercial #LPG users are being… pic.twitter.com/op0EIjhZnZ
— PIB India (@PIB_India) March 16, 2026
તેમણે ઉમેર્યું કે ડોમેસ્ટિક કન્ઝ્યુમરોને પૂરેપૂરો પુરવઠો પહોંચાડવામાં આવી રહ્યો છે અને ડિસ્ટ્રીબ્યુટર સ્તરે ક્યાંય કોઈ ડ્રાય આઉટ હોવાનું જાણવા મળ્યું નથી. હાલ ઓનલાઇન બુકિંગમાં પણ વધારો થયો છે અને હવે 90% બુકિંગ ઓનલાઇન ચાલે છે. ઉપરાંત ડિલિવરી ઓથેન્ટિકેશન કોડના વપરાશમાં પણ વધારો જોવા મળ્યો છે.
સચિવે જણાવ્યું કે LPGની સ્થિતિ વધુ ચિંતાજનક છે જેથી તેની કાળાબજારી અને અવ્યવસ્થા રોકવા માટે રાજ્ય સરકારોનો પણ સહયોગ આવશ્યક છે અને તે માટે તમામ રાજ્યો સાથે સતત વાતચીત-ચર્ચાઓ થઈ રહી છે અને લગભગ બધે જ કન્ટ્રોલ રૂમ પણ સ્થાપી દેવામાં આવ્યા છે. ઉપરાંત અનેક રાજ્યોમાં દરોડા પણ પાડવામાં આવી રહ્યા છે.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે 14 માર્ચે સરકારે એક આદેશમાં લોકોને અપીલ કરી હતી કે જેમની પાસે LPG અને PNG બંને કનેક્શન છે તેઓ LPG કનેક્શન સરેન્ડર કરી દે. ઉપરાંત જેઓ PNG પર શિફ્ટ થવા માગે છે તેઓ ઓનલાઇન પ્રક્રિયા કઈ રીતે કરી શકે તે પણ પ્રેસ કૉન્ફરન્સમાં સમજાવવામાં આવ્યું હતું. જ્યાં પહેલેથી PNG નેટવર્ક છે ત્યાં પ્રાથમિકતા આપીને આવાં કનેક્શન ચાલુ કરવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું છે.
મંત્રાલયે ફરી એક વખત સ્પષ્ટતા કરી છે કે દેશમાં ગેસનો પુરવઠો પૂરતી માત્રામાં છે અને લોકો અફવાઓ પર ધ્યાન ન આપે. બીજી તરફ મધ્ય પૂર્વથી વધુ માત્રામાં LPG પહોંચી પણ રહ્યો છે. સોમવારે (16 માર્ચ) સાંજે પાંચ વાગ્યે LPG ટેન્કર શિવાલિક મુન્દ્રા બંદરે પહોંચી ગયું હતું. વધુ એક ટેન્કર આવતીકાલે કંડલા બંદર આવશે.

