તાજેતરમાં ખેડા જિલ્લાના માતર તાલુકાના ઘણા ગામોના સ્થાનિક હિંદુઓ વિરોધ પ્રદર્શન સાથે કલેકટર ઑફિસ પહોંચ્યા હતા અને તેમણે પોતપોતાના વિસ્તારમાં અશાંતધારો લાગુ કરવાની વાત કરી હતી. તેમણે કલેકટરને આવેદન આપતાં કહ્યું હતું કે માતરના ત્રાજ સહિતનાં ઘણાં ગામોમાં મુસ્લિમ સમુદાય માટેનો એક મોટો રહેણાંક પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે અને તેના કારણે સ્થાનિક હિંદુઓમાં ભય અને ચિંતાની સ્થિતિ ઊભી થઈ છે. તેમને આશંકા છે કે આ પ્રોજેક્ટના બહાના હેઠળ બાંગ્લાદેશી ઘૂસણખોરોને વિસ્તારમાં સ્થાયી કરવામાં આવશે અને ડેમોગ્રાફીમાં બદલાવ કરવામાં આવશે. સ્થાનિક હિંદુ સંગઠનો આ ઘટનાને ‘લેન્ડ જેહાદ’ ગણાવી રહ્યા છે.
જોકે આ ઘટનાના પગલે પ્રશાસન તરફથી સકારાત્મક જવાબ મળ્યો હોવાનું સંગઠનોએ ઑપઇન્ડિયાને જણાવ્યું છે. કલેકટર તરફથી એવું આશ્વાસન આપવામાં આવ્યું છે કે જિલ્લા પ્રશાસનની ટીમ આ મામલે જરૂરી તમામ તપાસ પૂર્ણ કરીને વિસ્તારમાં અશાંતધારો લાગુ કરશે. હિંદુ સંગઠનોએ ઑપઇન્ડિયાને જણાવ્યું છે કે આ પ્રશ્ન માત્ર ગામડાઓ સુધી સીમિત નથી, મુસ્લિમ બિલ્ડર આખા જિલ્લામાં આવા પ્રોજેક્ટ ઊભા કરી રહ્યો છે અને આખા જિલ્લાની હિંદુ વસ્તી ચિંતા અને ભયમાં મુકાઈ ગઈ છે.
ગ્રામીણોએ ઑપઇન્ડિયા સાથે વાત કરતાં જણાવ્યું કે ગામની સીમમાં ખેતીની જમીનનું બિનખેતીમાં (NA) રૂપાંતર કરીને અંદાજે 200થી 300 મકાનની વિશાળ સોસાયટી બનાવવાની કામગીરી ઝડપથી ચાલી રહી છે. અમજદખાન દ્વારા ‘અંબર કોર્ટયાર્ડ’ અને ‘એક સપનાં, અપની જમીન, અપના આશિયાના’ નામ સાથેની યોજના હેઠળ મુસ્લિમ સમુદાય માટે આ આયોજન કરવામાં આવ્યું છે. સ્થાનિકોએ કહ્યું કે આ પ્રોજેક્ટમાં મુસ્લિમ સિવાય કોઈપણ અન્ય ધર્મ કે જાતિના લોકોને મકાન અપાવાનાં નથી. સાથે પ્રશ્ન કર્યો છે કે એકસાથે આટલી મોટી જમીનો બિનખેતીમાં રૂપાંતરિત કઈ રીતે થઈ તે દિશામાં પણ તપાસ કરવામાં આવવી જોઈએ.
આખા જિલ્લામાં ચાલી રહ્યું છે કાવતરું- હિંદુ સંગઠન
ઑપઇન્ડિયા સાથેની વાતચીતમાં ખેડા-આણંદ વિભાગના બજરંગદળ સંયોજક ધવલસિંહ ઝાલાએ જણાવ્યું છે કે માત્ર એકલદોકલ ગામડા પૂરતું આ કાવતરું નથી. પણ ખેડાનાં લગભગ તમામ તાલુકા અને ગામોમાં આ રીતે કામ કરવામાં આવી રહ્યું છે. તેમણે એવું પણ કહ્યું છે કે ખેડા શહેર, માતર તાલુકાનાં ગામડાઓ અને શહેર તથા મહેમદાબાદમાં પણ આવી જ યોજના હેઠળ મોટાપાયે મકાન બનાવવાની કામગીરી ચાલી રહી છે. હિંદુ સંગઠનને આશંકા છે કે અમદાવાદનાં ચંડોળા તળાવમાંથી કાઢવામાં આવેલા બાંગ્લાદેશી ઘૂસણખોરોને ખેડા જિલ્લામાં સ્થાયી રહેઠાણ આપવા માટે આ યોજના લાગુ કરવામાં આવી છે.
આવેદનમાં હિંદુ સંગઠનોએ ત્રણ મુખ્ય મુદ્દા પ્રશાસન સામે મૂક્યા છે, જેમાં તેમણે વસ્તીવિષયક ફેરફારની ચિંતા વ્યક્ત કરી છે. પહેલો મુદ્દો છે વસ્તી માળખામાં ફેરફાર. સ્થાનિકોનું કહેવું છે કે બહારથી, ખાસ કરીને અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાંથી આવતા લોકોના વસવાટને કારણે ગામની વસ્તીનું માળખું ખોરવાઈ શકે છે અને હિંદુઓ લઘુમતી થઈ શકે છે. ત્રાજ ગામના જયરાજભાઈએ ઑપઇન્ડિયાને જણાવ્યું છે કે તાજેતરમાં તેમના ગામમાં માત્ર 100-150 મકાનો મુસ્લિમ સમુદાયના છે, તેમ છતાં હિંદુ સમાજ ભયના ઓથાયા હેઠળ જીવી રહ્યો છે.
તેમણે એક ઘટનાની વાત પણ કરી હતી, જેમાં એક હિંદુ યુવાન પર મુસ્લિમોના ટોળાએ હુમલો કર્યો હતો. કારણ માત્ર એટલું હતું કે તે હિંદુ યુવાને મુસ્લિમોને જાહેરમાં ગાળો બોલવાની ના પાડી હતી. તે સિવાય કોઈપણ હિંદુ તહેવારની ઉજવણી માટે પોલીસ રક્ષણ મેળવવું પડી રહ્યું છે. હિંદુ સંગઠનોનું કહેવું છે કે માત્ર 100 મકાનો મુસ્લિમ સમુદાયના છે, તેઓ લઘુમતીમાં છે, છતાં આટલી સમસ્યા આવી રહી છે તો અન્ય મુસ્લિમોને અહીં ભેગા કરવાથી હિંદુ સમાજનું અસ્તિત્વ જોખમમાં મુકાઈ શકે છે.
આવેદનમાં બીજો મુદ્દો છે બાંગ્લાદેશી વસાહતની શંકા. ગ્રામીણોએ આશંકા વ્યક્ત કરી છે કે અમદાવાદના ચંડોળા તળાવ જેવા વિસ્તારોમાં, જ્યાં ડિમોલિશન થયું છે, ત્યાંથી બાંગ્લાદેશી મુસ્લિમો અને અન્ય શંકાસ્પદ તત્વો અહીં આવીને વસી શકે છે અને ગુનાહિત કામો પણ કરી શકે છે. ત્રીજો મુદ્દો છે ઐતિહાસિક ઘટનાઓનો સંદર્ભ. ગ્રામીણો અનુસાર છેલ્લા 25 વર્ષથી જન્માષ્ટમી અને રથયાત્રા જેવા હિંદુ તહેવારોમાં ગામમાં પોલીસ બંદોબસ્ત રાખવો પડે છે. નવા મુસ્લિમ સમુદાયના વસવાટથી સુલેહ-શાંતિ ભંગ થવાની પ્રબળ શક્યતાઓ છે.
હિંસક હુમલા અને મંદિરને આગ લગાડવાની ઘટનાઓનો પણ ઉલ્લેખ
આ વિવાદ માત્ર ત્રાજ ગામ પૂરતો મર્યાદિત નથી. માતરના ગરમાળા ગામે પણ ‘આશિયાના રેસિડેન્સી’ નામના પ્રોજેક્ટ સામે વિરોધ ચાલી રહ્યો છે. તાજેતરમાં જ ગરમાળામાં અમદાવાદના કેટલાક મુસ્લિમ શખ્સોએ સ્થાનિક હિંદુ પર હુમલો કર્યો હતો, જે મામલે કલમ 307 મુજબ ફરિયાદ પણ નોંધવામાં આવી હતી. ગ્રામીણોએ સુનિયોજિત કાવતરાં હેઠળ જમીનો પડાવી લેવાતી હોવાનો દાવો કર્યો છે અને આ ઘટનાને ‘લેન્ડ જેહાદ’ ગણાવી છે.
અન્ય એક ગામમાં મંદિરને આગ લગાડવાની ઘટના ઘટી હોવાનું સામે આવ્યું છે. વિશ્વ હિંદુ પરિષદના જિલ્લા મહામંત્રી હરેશ પટેલે આરોપ લગાવ્યો છે કે ભલાડા પાસે પૌરાણિક મંદિર નજીક આવેલી દરગાહ પાસે કેટલાક અસામાજિક તત્વોનો જમાવડો રહે છે અને તાજેતરમાં જ એક રાત્રે આ પૌરાણિક મંદિરમાં આગ લાગવાની ઘટના બની છે, જ્યારે બાજુમાં રહેલી દરગાહ સુરક્ષિત છે. આ ઘટનાને પગલે હિંદુ સંગઠનો કોઈપણ અન્ય મુસ્લિમ વસાહતોનો વિરોધ કરી રહ્યાં છે. મંદિરમાં આગ લાગ્યાની ઘટનાના વિડીયો ઑપઇન્ડિયા પાસે ઉપલબ્ધ છે.
ત્રાજ, કોશિયલ, પીપરીયા, માછીયેલ અને ખડીયાપુરા ગામના લોકોએ આ મામલે કલેકટર ઉપરાંત વડા પ્રધાન કાર્યાલય, મુખ્યમંત્રી, ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ, જિલ્લા પોલીસ અધિક્ષક, વિશ્વ હિંદુ પરિષદ અને અન્ય સામાજિક-ધાર્મિક સંગઠનોને આવેદનની નકલો રવાના કરી છે. ગ્રામીણોએ આ પ્રોજેક્ટ તાત્કાલિક અટકાવવા માટેની માંગણી કરી છે અને વિસ્તારમાં સંપૂર્ણપણે અશાંતધારો લાગુ કરવાની માંગ કરી છે.
અમદાવાદના મુસ્લિમોને લવાઈ રહ્યા છે માતર- સ્થાનિક
ત્રાજ ગામના જયરાજભાઈએ ઑપઇન્ડિયાને જણાવ્યું છે કે અમદાવાદના જુહાપુરા અને ચંડોળામાંથી ઘણા મુસ્લિમોને અહીં માતરમાં પ્લાનિંગ સાથે સ્થાયી કરવામાં આવી રહ્યા છે, જેના કારણે સ્થાનિક હિંદુઓમાં ભયનો માહોલ બન્યો છે. તેમને આશંકા છે કે મુસ્લિમ વસ્તી વધવાથી તેમના અસ્તિત્વ પર સંકટ આવીને ઊભું રહેશે અને તેવા સમયે તેમને પોલીસ પ્રશાસન તરફથી પણ રક્ષણ નહીં મળી શકે. તેમણે સરકારને વિનંતી કરી છે કે આ વિસ્તારમાં અશાંતધારો લાગુ કરવામાં આવે અને આ મામલે તપાસ કરીને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે.
બજરંગદળ જિલ્લા સહ-સંયોજક રોનકસિંહ પરમારે ઑપઇન્ડિયા સાથે વાત કરતા કહ્યું છે કે આ વિસ્તારમાં સુનિયોજિત કાવતરાંના ભાગરૂપે ડેમોગ્રાફી ચેન્જ કરવાનું ષડ્યંત્ર ચાલી રહ્યું છે અને તે મામલે ગ્રામીણોએ પ્રશાસનને આવેદન આપીને ઘટનાની જાણ કરી છે. આ સાથે જ તેમણે હિંદુ યુવાન પર હુમલાની અને મંદિરમાં આગ લગાવવાની ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે માંગ કરી છે કે આવી ઘટનાઓ અટકાવવા માટે અને મુસ્લિમ વસાહતોને સ્થાયી કરતી અટકાવવા માટે આ સમગ્ર પંથકમાં અશાંતધારો લાગુ કરવામાં આવવો જોઈએ.
હિંદુ સંગઠનોનું કહેવું છે કે ગામના જ સ્થાનિક મુસ્લિમો ગામમાં કોઈ બાંધકામ કરે તો સમજાય છે, પરંતુ બહારના મુસ્લિમ સમુદાયના શખ્સોને ગામ સાથે કોઈ સંબંધ નથી, તેને કોઈ લેવાદેવા નથી તેમ છતાં તેઓ અહીં કેમ સ્થાયી થવા માંગે છે તે મોટો પ્રશ્ન છે અને આ મામલે યોગ્ય તપાસ થવી પણ જરૂરી છે. હાલ તો સંગઠનના કહેવા મુજબ પ્રશાસને અશાંતધારો લાગુ કરવા માટેનું આશ્વાસન આપ્યું છે અને તે દિશામાં તપાસ કરવામાં આવી રહી છે.


