ખેડાના એક ગામમાં ખાનગી ‘મુસ્લિમ હાઉસિંગ પ્રોજેક્ટ’ સામે સ્થાનિક હિંદુઓનો વિરોધ, ડેમોગ્રાફી બદલાવની ભીતિ વચ્ચે અશાંતધારો લાગુ કરવાની માંગ

ગુજરાતના ખેડા જિલ્લાના માતર તાલુકામાં આવેલા ત્રાજ ગામમાં મુસ્લિમ સમુદાય માટેના એક વિશાળ રહેણાંક પ્રોજેક્ટને લઈને ગ્રામજનોમાં ભારે અસંતોષ અને ચિંતા વ્યાપી છે. આ પ્રોજેક્ટને કારણે ગામની ડેમોગ્રાફી ચેન્જ થવાની અને સામાજિક સંતુલન ખોરવાઈ જવાની ભીતિ વ્યક્ત કરીને ગ્રામજનોએ આખા પંથકમાં અશાંતધારો લાગુ કરવાની માંગ સાથે જિલ્લા કલેક્ટરને આવેદન આપ્યું છે.

પ્રોજેક્ટની વિગતો અને વિરોધનું મુખ્ય કારણ

ગ્રામજનોના આવેદનપત્ર મુજબ ત્રાજ ગામની સીમમાં ખેતીની જમીનને બિન-ખેતી લાયક ઠરાવીને અંદાજે 200થી 300 મકાનોની વિશાળ હાઉસિંગ સોસાયટી બનાવવાની યોજના છે. આ પ્રોજેક્ટના નામ ‘એમ્બર કોર્ટયાર્ડ’ અને ‘એક સપના અપની જમીન અપના આશિયાના’ છે, જે અમજદખાન જુનેદખાન પઠાણ દ્વારા ચલાવવામાં આવી રહ્યા છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે આ યોજનાઓ ખાસ કરીને મુસ્લિમ સમુદાય માટે છે.

ગ્રામજનોમાં એવો ભય છે કે આ પ્રોજેક્ટને કારણે ગામની ડેમોગ્રાફી બદલાઈ જશે અને હિંદુ બહુમતીનું સંતુલન ખોરવાશે. વધુમાં અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં તાજેતરમાં થયેલા ધ્વસ્તીકરણ પછી ત્યાંથી આવનારા બાંગ્લાદેશી મુસ્લિમો જેવા શંકાસ્પદ તત્વો પણ અહીં સ્થાયી થઈ શકે તેવી આશંકા પણ વ્યક્ત કરવામાં આવી છે.

સામાજિક શાંતિ અને તહેવારો પર અસરની ચિંતા

ગામના રહેવાસીઓએ જણાવ્યું છે કે છેલ્લા 25 વર્ષથી જન્માષ્ટમી અને રથયાત્રા જેવા તહેવારો દરમિયાન પોલીસ બંદોબસ્ત રાખવો પડે છે. આવા પ્રોજેક્ટથી નવા વસવાટને કારણે સુલેહ-શાંતિને વધુ જોખમ થશે અને ગામમાં તણાવ વધશે. આ વિવાદ માત્ર ત્રાજ ગામ સુધી મર્યાદિત નથી. માતર તાલુકાના ગરમાળા ગામમાં પણ ‘આશિયાના રેસિડન્સી’ નામના સમાન પ્રોજેક્ટ વિરુદ્ધ તીવ્ર વિરોધ થયો છે.

વધુમાં વિશ્વ હિંદુ પરિષદના જિલ્લા મહામંત્રી હરેશ પટેલે ગંભીર આક્ષેપ કરતાં જણાવ્યું છે કે ભલાડા નજીકના એક પૌરાણિક મંદિર નજીક આવેલી મજાર પાસે અસામાજિક તત્વોનો જમાવડો રહે છે. તાજેતરમાં આ પૌરાણિક મંદિરમાં આગ લાગી હતી, જ્યારે બાજુમાં આવેલી મજાર સુરક્ષિત રહી. આ ઘટનાએ હિંદુ સંગઠનો અને ગ્રામજનોમાં ભારે આક્રોશ ફેલાવ્યો છે અને તપાસની માંગ ઉઠી છે.

રજૂઆત અને માંગણીઓ

13 માર્ચ, 2026ના રોજ ત્રાજ ગામ તેમજ આસપાસના કોશિયાલ, પીપરિયા, માછીયેલ અને ખડિયારપુરા ગામના રહેવાસીઓએ સંયુક્ત રીતે ખેડા જિલ્લા કલેક્ટરને આ આવેદન સુપરત કર્યું હતું. આ રજૂઆતની નકલ વડા પ્રધાન કાર્યાલય, ગુજરાતના મુખ્યમંત્રી, ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ, જિલ્લા પોલીસ અધિક્ષક અને વિશ્વ હિંદુ પરિષદને પણ મોકલવામાં આવી છે.

આવેદનમાં પ્રોજેક્ટ માટેની નવી પરવાનગીઓ તાત્કાલિક રોકવી, મામલતદાર પાસેથી આ અંગે રિપોર્ટ મેળવવો અને જમીન વ્યવહારોની તપાસ કરાવવી, ડેમોગ્રાફી ચેન્જ અટકાવવા માટે કાયદાકીય રક્ષણ આપવું, સામાજિક સંતુલન અને શાંતિ જાળવવા તાત્કાલિક પગલાં લેવાં અને આખા પંથકમાં અશાંતધારાનો અમલ કરવા જેવી માંગણીઓ સામેલ છે.

આ મુદ્દો હવે જિલ્લા વહીવટ અને ઉચ્ચ અધિકારીઓ સમક્ષ છે. આસપાસના ગામોમાં પણ તેની અસર ફેલાઈ રહી છે અને ગુજરાતમાં અશાંતધારા તથા વસ્તી માળખા સંબંધિત વિવાદો ફરી ચર્ચામાં આવ્યા છે. વહીવટ પાસે ત્વરિત તપાસ અને યોગ્ય પગલાં લેવાની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.