હોમપેજગુજરાત‘અમન’ અને ‘એખલાસ’ની વાતો કરનારા સેક્યુલર ઝંડાધારીઓ ગોધરાના હિંદુઓ માટે એક મીણબત્તી...

‘અમન’ અને ‘એખલાસ’ની વાતો કરનારા સેક્યુલર ઝંડાધારીઓ ગોધરાના હિંદુઓ માટે એક મીણબત્તી પ્રગટાવવાની તસ્દી ક્યારે લેશે?

આ સેક્યુલર ડેમોક્રેસીવાળાઓ સોશિયલ મીડિયાની પોસ્ટમાં ‘ગોધરા નરસંહાર’નો ઉલ્લેખ તો કરે છે પણ આ દેખાવો યોજે છે 28મીએ. તે દિવસે પણ તેઓ એ 59 નિર્દોષ કારસેવકોને યાદ કરવાની, તેમના માટે એક મીણબત્તી પ્રગટાવવાની તસ્દી લેતા નથી.

- Advertisement -

27મી ફેબ્રુઆરી, 2002ના દિવસે અયોધ્યાથી કારસેવકોને લઈને આવતી સાબરમતી એક્સપ્રેસ ગોધરા રેલવે સ્ટેશન પર પહોંચી ત્યારે સ્થાનિક મુસ્લિમોએ આગળથી કાવતરું રચીને ટ્રેનના બે ડબ્બાને બહારથી બંધ કરીને સળગાવી દીધા હતા એ પ્રસ્થાપિત થઈ ચૂક્યું હોવા છતાં અને ઘટનાને 24 વર્ષ વીતી ગયાં હોવા છતાં આજની તારીખે તેમાં કોન્સ્પિરસી થિયરી ઘૂસાડનારાઓ તમને મળી જશે. થોડા સમય પહેલાં ગુજરાતના રાજકારણમાં તેમની પ્રાસંગિકતા શૂન્ય થઈ ચૂકી છે એવા પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ આવો જ કંઈક બફાટ કર્યો હતો. 27મીની આ ઘૃણાસ્પદ ઘટના પછી ગુજરાતભરમાં ફાટી નીકળેલાં રમખાણોમાં સેંકડો મુસ્લિમોની કતલેઆમ થઈ હતી અને આ બધું મોદીના શાસન હેઠળ થયું હતું એવું સતત ચલાવ્યા કરનારાઓ એ કહેતા નથી કે આ રમખાણો થયાં (જેમાં હિંદુ-મુસ્લિમ બંને મર્યા હતા) તે પહેલાં ગોધરામાં શું બન્યું હતું? (જેમાં માત્ર હિંદુઓ માર્યા ગયા હતા, પૂર્વાયોજિત કાવતરાના ભાગરૂપે.)

ઘણાં વર્ષોથી બહુ ચાલાકીપૂર્વક 27મીની ઘટનાને ભૂલાવી દેવાના અને માત્ર રમખાણો પર ધ્યાન કેન્દ્રિત કરવાના અને તેના માટે ગુજરાતના હિંદુઓને, તત્કાલીન મોદી સરકારને જવાબદાર ઠેરવવાના પ્રયાસો ચાલે છે. જેમાં ગુજરાતના, ગુજરાત બહારના કથિત સેક્યુલરો, તેમનાં અમુક NGO, સંગઠનોનો ફાળો મોટો રહ્યો છે.

એક જૂથ છે ‘મૂવમેન્ટ ફૉર સેક્યુલર ડેમોક્રેસી’. ‘સેક્યુલર લોકશાહી આંદોલન’ ચળવળ ચલાવનારાઓ દર વર્ષે 28મી ફેબ્રુઆરીએ અમદાવાદમાં એકઠા થાય છે અને ‘ઇન્સાફ’, ‘અમન’ અને ‘એખલાસ’ અને ‘કોમી એકતા’નાં બેનરો લહેરાવે છે. ગુજરાતમાં ‘સાંપ્રદાયિક એકતા’ સ્થાપિત થાય, ‘કોમી સૌહાર્દ’ જળવાય તેવી વાતો કરતા રહે છે. ફોટા પડાવે છે અને ઘરભેગા થઈ જાય છે. આ વર્ષે પણ આ લોકોનું એક ટોળું 28મી ફેબ્રુઆરીએ એકઠું થયું હતું.

- Advertisement -

અહીં તારીખ અગત્યની છે. 28મી ફેબ્રુઆરી એ દિવસ છે જ્યારે ગુજરાતમાં રમખાણો શરૂ થયાં હતાં. પરંતુ તેના આગલા દિવસે શું બન્યું હતું તેની ચર્ચા થતી નથી. તેના આગલા દિવસે, 27મીએ, ગોધરાના રેલવે સ્ટેશન પર ટ્રેનના બે ડબ્બા સળગાવવામાં આવ્યા હતા અને તેમાં 27 મહિલાઓ અને 10 બાળકો સહિત 59 હિંદુઓ જીવતા ભૂંજાયા હતા. આ ‘અનપ્રોવોક્ડ અટેક’ હતો. ત્યારબાદ જે કંઈ થયું એ આ ઘૃણાસ્પદ ઘટનાની પ્રતિક્રિયા હતી.

આ સેક્યુલર ડેમોક્રેસીવાળાઓ સોશિયલ મીડિયાની પોસ્ટમાં ‘ગોધરા નરસંહાર’નો ઉલ્લેખ તો કરે છે પણ આ દેખાવો યોજે છે 28મીએ. તે દિવસે પણ તેઓ એ 59 નિર્દોષ કારસેવકોને યાદ કરવાની, તેમના માટે એક મીણબત્તી પ્રગટાવવાની તસ્દી લેતા નથી. કારણ કે તેમ કરવાથી 27મીની પણ ચર્ચા કરવી પડે. એ ઘટનાનો પણ ઉલ્લેખ કરવો પડે.

ખરેખર અહીં ‘ઇન્સાફ’ માગવાનો હોય તો એ 59 હિંદુઓ માટે માગવો જોઈએ, જેમનો ગુનો માત્ર એટલો હતો કે તેઓ તેમના આરાધ્યના મંદિરે કારસેવા માટે ગયા હતા. જેમને કોઈ પણ કારણ વગર તેમના હિંદુ હોવાના કારણે, રામભક્ત હોવાના કારણે જીવતા સળગાવવામાં આવ્યા હતા. રામભક્તિની સજા આપવામાં આવી હતી. તેમના માટે ન્યાય માગવાની વાત દૂર રહી, ઉલ્લેખ પણ થઈ શકતો નથી. આને ‘સેક્યુલરતા’ કહેવી જોઈએ?

અહીં જો ‘કોમી એખલાસ’નાં લેક્ચરો આપવાં હોય તો એ ગોધરાના અને તેમના જેવા કટ્ટરપંથી મુસ્લિમોને આપવાં જોઈએ, જેઓ હિંદુ કારસેવકોનું અસ્તિત્વ માત્ર સહન કરી શક્યા ન હતા. એમને આપવાં જોઈએ જેમનામાં ગોધરાના મુસ્લિમો જેવી આ માનસિકતા આજે પણ છે અને આજે પણ તેઓ કોઈ હિંદુ દરજીની દુકાનમાં જઈને એટલા માટે તેનું ‘સર તન સે જુદા’ કરી નાખે છે કારણ કે તેણે એક મહિલાની અભિવ્યક્તિની સ્વતંત્રતાનું સમર્થન કર્યું હતું.

હિંદુઓનાં લોહી માટે તરસ્યાં બનતાં આ ટોળાં જો આ બધું શીખી જશે તો ‘અમન’ આપોઆપ આવશે. ‘અમન’ સાચવવાની, ‘ભાઈચારો’ અને ‘કોમી સૌહાર્દ’ જાળવવાની જવાબદારી એક જ સમુદાયના ખભે નાખી દઈને બીજાને કાયમ વિક્ટિમ ચીતરવાની સેક્યુલર માનસિકતા બહુ જૂની છે અને તેના કારણે જ ગુજરાતમાં અને બહાર પણ આ સેક્યુલર-લિબરલોની જમાત જ્યારે-જ્યારે ‘ગુજરાત રાયટ્સ’ની વાત કરે છે ત્યારે 28મીથી ચર્ચાની શરૂઆત કરે છે. 27મીનો ઉલ્લેખ થતો નથી, જ્યાં પછીથી પ્રતિક્રિયાસ્વરૂપે બનેલી ઘટનાનાં મૂળ હતાં. ઉપરથી અમુક કોન્સ્પિરસી થિયરીઓ ઘડવા માટે એક ગેંગ તૈયાર બેઠી હોય છે, જેથી ચર્ચા બીજે ફંટાવી શકાય અને દોષનો ટોપલો સમુદાય વિશેષ પર ન ઢોળાય.

વાસ્તવમાં ઇકોસિસ્ટમની આ કુટેવ છે કે તેઓ ક્યારેય ક્રિયા પર વાત કરતા નથી અને પ્રતિક્રિયા પકડી રાખીને હિંદુ સમુદાયને દોષી ચીતરી દે છે. નૂપુર શર્માની ટિપ્પણીઓ પર ઉત્પાત મચાવનારાઓ, દેશનાં અનેક શહેરોમાં ‘સર તન સે જુદા’ના નારા લગાવનારાઓ, નૂપુરનું સમર્થન કરનારાઓની હત્યા કરનારાઓ ક્યારેય એ ઉલ્લેખ કરતાં નથી કે એ જ ડિબેટમાં, એ જ ટિપ્પણીઓ પહેલાં ભગવાન શિવજી વિશે શું કહેવાયું હતું. કોઈ પણ ઘટના હોય તેમને દોષ નાખવા માટે કોઈ એક હિંદુ મળી જ રહે છે અને વિક્ટિમ ચીતરવા માટે કોઈ એક મુસ્લિમ પણ મળી જ રહે છે.

આવા દેખાવો, પ્રદર્શનો આમ નાનાં અને મૂલ્યવિહીન લાગી શકે, પણ લાંબાગાળે તેનાં પરિણામો વિપરીત આવી શકે છે. માટે કરીને તેની ચર્ચા થાય એ જરૂરી છે. તેમને વારંવાર 27મી ફેબ્રુઆરીની ઘટના યાદ કરાવવામાં આવે એ પણ જરૂરી છે. ઇતિહાસની અમુક તારીખો ભૂલવી ન જોઈએ, આ એવી જ એક તારીખ છે.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં