હોમપેજગુજરાતસુરતના માંગરોળમાં ગૌહત્યા રોકવા ગયેલી ગૌરક્ષક-પોલીસની ટીમ પર મુસ્લિમ કટ્ટરપંથીઓનો હુમલો: રમઝાનમાં...

સુરતના માંગરોળમાં ગૌહત્યા રોકવા ગયેલી ગૌરક્ષક-પોલીસની ટીમ પર મુસ્લિમ કટ્ટરપંથીઓનો હુમલો: રમઝાનમાં તલવાર-પથ્થરો સાથે તૂટી પડ્યા કસાઈઓ, 40 સામે FIR, 22ની ધરપકડ

આ મામલે સુરત જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢીયાએ ઑપઇન્ડિયા સાથેની વાતચીતમાં પુષ્ટિ કરી છે કે 22 આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે અને બાકીના આરોપીને શોધવા માટેની તપાસ ચાલી રહી છે.

- Advertisement -

સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના હથોડા ગામે ગૌહત્યા અટકાવવા માટે પહોંચેલા ગૌરક્ષક અને પોલીસની ટીમ પર સ્થાનિક મુસ્લિમ શખ્સોએ (કસાઈઓ) હુમલો કરી દીધો હતો. આ હિંસક હુમલામાં એક પોલીસકર્મી અને એક ગૌરક્ષક ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘટના બાદ 26 ફેબ્રુઆરીએ સુરત જિલ્લા પોલીસનો મોટો ધાડો હથોડા ગામે ઉતરી આવ્યો હતો અને ઘરમાંથી કાઢી-કાઢીને 22 મુસ્લિમ શખ્સોની ધરપકડ કરી હતી. હાલ આ મામલે કાર્યવાહી ચાલી રહી છે અને પોલીસે પોતે ફરિયાદી બનીને FIR પણ નોંધી છે.

કોસંબા પોલીસ સ્ટેશમમાં ફરિયાદી કોન્સ્ટેબલ ગોવિંદસિંહ શિવાભાઈ જાળિયાએ ફરિયાદ નોંધાવી હતી અને તેના આધારે તાત્કાલિક FIR નોંધવામાં આવી છે. ઑપઇન્ડિયા પાસે FIRની નકલ ઉપલબ્ધ છે.  ફરિયાદ અનુસાર આ ઘટના 25 ફેબ્રુઆરીના રોજ બનવા પામી હતી. ગૌરક્ષક સત્યપ્રકાશ યાદવે પોલીસને બાતમી આપી હતી કે કોસંબા ગામમાં ગૌહત્યા થઈ રહી છે, જેના આધારે પોલીસની ટીમ, જેમાં 5 સભ્યો સામેલ હતા તે, અને ગૌરક્ષક સત્યપ્રકાશ યાદવ ગામમાં ગયા હતા. 

ગામમાં સર્ચ ઑપરેશન કરવામાં આવી રહ્યું હતું. તેવામાં અચાનક બે બાઇકો લઈને કેટલાક મુસ્લિમ શખ્સો ત્યાં આવી પહોંચ્યા અને ‘કોસંબામાં પોલીસે નહીં આવવાનું’ કહીને તેમની સાથે ગાળાગાળી કરવા લાગ્યા. વિવાદ વધતાં તેમણે પોલીસ પર હુમલો કરી દીધો હતો અને સિવિલ ડ્રેસમાં રહેલા ગૌરક્ષક પર પણ હત્યાના ઇરાદે હુમલો કરી દીધો. 

- Advertisement -

દરમિયાન મુસ્લિમ શખ્સોએ કૉલ કરીને ગામના અન્ય સ્થાનિક મુસ્લિમોને બોલાવી લીધા હતા અને ઘટનાને પગલે 50 જેટલું સ્થાનિક મુસ્લિમ-કસાઈઓનું ટોળું એકઠું થઈ ગયું હતું. FIR મુજબ તમામ હુમલાખોરો હાથમાં તલવારો, પાઈપો જેવાં હથિયારો લઈને આવ્યા હતા અને પોલીસ પર સીધો હુમલો કરી દીધો હતો. 

આ દરમિયાન ત્યાં હાજર રહેલા મુસ્લિમ શખ્સોએ ‘આ કોઈને જીવતા જવા નથી દેવાના, પતાવી દો’ કહીને તીક્ષ્ણ હથિયારો વડે સત્યપ્રકાશ યાદવ પર પણ જીવલેણ હુમલો કરી દીધો હતો. આરોપીઓએ સત્યપ્રકાશનું માથું ફાડી નાખ્યું હતું અને એક અન્ય પોલીસકર્મી ફરિયાદી પણ ગંભીર રીતે ઘાયલ થયા હતા. બાદમાં જેમતેમ કરીને તેઓ ત્યાંથી PCR વાહનમાં નીકળી આવ્યા હતા અને હાલ બંનેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

SPના આદેશ બાદ સર્ચ ઑપરેશન, ઘરમાંથી કાઢી-કાઢીને પકડ્યા ઇસ્લામી કટ્ટરપંથીઓને

સુરત જિલ્લા  બજરંગ દળના સંયોજક અને ગૌરક્ષ જય પટેલે ઑપઇન્ડિયા સાથેની વાતચીતમાં સમગ્ર ઘટનાનો ચિતાર રજૂ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે રમઝાન મહિનો આવતાની સાથે જ મુસ્લિમ કટ્ટરપંથીઓ રઘવાયા થઈ જાય છે અને ગૌહત્યાઓ જેવા ગુનાહિત કામો કરવા લાગે છે. આ ઘટનામાં તો પોલીસ અને ગૌરક્ષક બંને પર હુમલો કરવામાં આવ્યો છે. તેમણે આગળ જણાવ્યું કે હુમલો થયા બાદ બીજા દિવસે એટલે કે 26 ફેબ્રુઆરીના રોજ સુરત SP રાજેશ ગઢીયાના આદેશ બાદ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. 

સુરત ગ્રામ્ય DySP બીકે વનારાની આગેવાની હેઠળ 7 PI, 15 PSI સહિત 15 પોલીસની ટીમે ગામમાં કોમ્બિંગ ઑપરેશન હાથ ધર્યું હતું. આ કોમ્બિંગ દરમિયાન કેટલીક શંકાસ્પદ વ્યક્તિઓને ગામમાંથી ઝડપી તેમને વધુ પૂછપરછ માટે કોસંબા પોલીસ મથકે લઈ જવામાં આવી હતી. પોલીસે આધિકારિક રીતે 22ની ધરપકડ કરી છે. 

જય પટેલે એવું પણ કહ્યું છે કે ઘટના બાદ પ્રશાસને કોમ્બિંગ કરીને 25ને પકડ્યા હતા, પણ સ્થળ પર પોલીસે ખાખી પહેરેલી હતી એ છતાં આ લોકોને (મુસ્લિમ ટોળાને) ખાખીનો ડર પણ નહોતો અને ત્યાંના સ્થાનિક પોલીસકર્મીઓની કમર પર બંદૂક હોવા છતાં કશું થયું નહોતું. તેમણે આક્રોશ વ્યક્ત કરતા કહ્યું હતું કે રમઝાનના મહિનાને એ લોકો પાક મહિનો કહે છે અને આવા બધા કામો કરે છે, તાજેતરમાં જ કોસંબામાં આવી જ એક બીજી પણ ઘટના બની હતી, તે સિવાય સુરતના ઘણા વિસ્તારોમાં રમઝાનના સમયે આવી બધી ઘટનાઓ બનતી રહે છે. તેમણે આ મામલે કડક કાર્યવાહીની માંગણી કરી છે.

ઑપઇન્ડિયા સાથેની વાતચીતમાં કોસંબા પોલીસ સ્ટેશનના PI ખાચરે જણાવ્યું છે કે ઘટનાની ગંભીરતા જોતાં તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાં 22 લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે અને હાલ આ મામલે કાર્યવાહી ચાલી રહી છે. FIRમાં 40 મુસ્લિમ શખ્સોને આરોપી બનાવવામાં આવ્યા છે. 

જેમાં ઉસ્માન મિર્ઝા ઉર્ફે ઉસ્સુ રસુલ, સઇદ સરદાર, આસિફ ફફડો, અતિક અસ્લમ માસ્ટર, ફૈઝલ ડાભલો ઉર્ફે ફૈઝલ પઠાણ, અનસ ઝીણા, ઈરફાન અલાઉદ્દીન મિર્ઝા, સગીર અહેમદ, નાશિર મલેક, રિયાઝ મકબૂલ મિર્ઝા, મોહમ્મદ જાન, સાબીર, સુફિયાન, શાહબુદ્દીન, મહંમદ અબ્દુલ વડીવાલા, શહલ સિરાજ, ઝુબેદ, અકરમ, અનશ, ઇમ્તિયાઝ, બિલાલ, મુનીર, રિયાઝ, મોહસીન, મુનીરનો ભાઈ, ઝુનેદ, યાકીબ, તારીખ, નાશીર ઝાફર, સાઝીદ, અકરમ ઐયુબ, ઈમરાન, સોહિલ, ઈરફાન, મહંમદ ઝકરીયા, ઈસ્માઈલ મલેક અને બાકી અજાણ્યા શખ્સોનો સમાવેશ થાય છે. 

તમામ આરોપીઓ વિરુદ્ધ પોલીસે ભારતીય ન્યાય સંહિતાની (BNS) 109(1), 121(1), 126(2), 132, 189(4), 190, 191(2), 191(3), 195(1), 221, 296(B) અને 351(3) હેઠળ ગુનો દાખલ કર્યો છે. 

ઉદાહરણરૂપ કાર્યવાહી કરવામાં આવશે- SP ગઢીયા

આ મામલે સુરત જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢીયાએ ઑપઇન્ડિયા સાથેની વાતચીતમાં પુષ્ટિ કરી છે કે 22 આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે અને બાકીના આરોપીને શોધવા માટેની તપાસ ચાલી રહી છે. તેમણે એવું પણ જણાવ્યું છે કે FIRમાં જે નામો ‘અજાણ્યા શખ્સો’ તરીકે લખવામાં આવ્યા હતા, તે તમામના નામ હવે સામે આવી ચૂક્યા છે અને પોલીસ તે દિશામાં કાર્યવાહી કરી છે. વાતચીતમાં તેમણે ઉદાહરણરૂપ કાર્યવાહી કરવાની વાત કરી હતી. 

ઘટના વિશે વાત કરતા તેમણે કહ્યું છે કે રાત્રે દોઢથી બે વાગ્યાના ગાળામાં હથોડા ગામમાં ગૌહત્યાની બાતમી મળતા બાતમીદાર સાથે પોલીસના 6 જવાનો ગામમાં ગયા હતા. રાત્રે બેટરીના અજવાળે સ્ટાફ સર્ચ કરી રહ્યો હતો, તેવામાં અચાનક 6 જેટલા શખ્સો બે બાઇક લઈને આવ્યા અને પોલીસ સાથે બોલાચાલી કરી હતી, એ બાદ તેમણે ફોન કરીને અન્ય 50 જેટલા શખ્સોને બોલાવ્યા હતા. આ ટોળાએ બોલાચાલી બાદ પોલીસ અને બાતમીદાર પર જીવલેણ હુમલો કરી દીધો હતો. 

તેમણે એવું પણ કહ્યું છે કે પોલીસકર્મીની ફરિયાદ મુજબ હત્યાનો પ્રયાસ, રાયોટિંગ અને ફરજમાં રૂકાવટનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. હાલ DySP બીકે વનારાની આગેવાની હેઠળ ટીમ તપાસ કરી રહી છે. તેમણે આશ્વાસન આપતા કહ્યું છે કે કાયદો હાથમાં લેનારા કોઈપણ શખ્સને છોડવામાં નહીં આવે, FSLની મદદથી વૈજ્ઞાનિક પુરાવાઓ એકત્રિત કરવામાં આવશે અને કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં