હોમપેજદેશવન્સ-ઓન્લી ડેટા, સિંગલ વિન્ડો સર્વિસ અને પેપરલેસ ગવર્નન્સ: શું છે 'ગુજરાત યુનિફાઇડ...

વન્સ-ઓન્લી ડેટા, સિંગલ વિન્ડો સર્વિસ અને પેપરલેસ ગવર્નન્સ: શું છે ‘ગુજરાત યુનિફાઇડ ડિજિટલ સ્ટેક’, જેના માટે બજેટમાં ફાળવાયા ₹100 કરોડ

GUDS દ્વારા ગુજરાત 'વિકસિત ગુજરાત 2047'ના વિઝનને સાકાર કરવા માટે એક મજબૂત ડિજિટલ પાયો નાખી રહ્યું છે. આ વ્યવસ્થાથી ગુજરાત માત્ર દેશનું જ નહીં, પણ સમગ્ર વિશ્વનું એક મોડેલ ડિજિટલ સ્ટેટ બનીને ઉભરશે, જ્યાં ટેકનોલોજીનો ઉપયોગ લોકોના જીવનને વધુ સરળ, સુરક્ષિત અને સમૃદ્ધ બનાવવા માટે કરવામાં આવશે.

- Advertisement -

21મી સદી એ ડેટા અને ટેકનોલોજીની સદી છે. ભારત જ્યારે ‘ડિજિટલ ઇન્ડિયા’ના માધ્યમથી વિશ્વમાં પોતાની ઓળખ બનાવી રહ્યું છે, ત્યારે ગુજરાત પણ દેશમાં વિકાસના મોડેલ તરીકે અગ્રેસર કામ કરી રહ્યું છે. આ જ પરંપરાને આગળ ધપાવતા રાજ્ય સરકારે ‘ગુજરાત યુનિફાઇડ ડિજિટલ સ્ટેક’ (GUDS) દ્વારા ડિજિટલ ગવર્નન્સના ક્ષેત્રમાં એક સીમાચિહ્નરૂપ પહેલ કરી છે. 11 ડિસેમ્બર, 2025ના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટની ઔપચારિક જાહેરાત કરવામાં આવી હતી. આ જાહેરાતને વાસ્તવિકતામાં બદલવા માટે રાજ્યના 2026ના બજેટમાં ₹100 કરોડની વિશેષ નાણાકીય ફાળવણી કરવામાં આવી છે. આ પગલું ગુજરાતને માત્ર ‘ડિજિટલ સ્ટેટ’ જ નહીં, પણ ‘ડેટા-ડ્રિવન ગવર્નન્સ’માં વિશ્વસ્તરીય માળખું પૂરું પાડનારું રાજ્ય બનાવશે.

‘ગુજરાત યુનિફાઇડ ડિજિટલ સ્ટેક’ (GUDS) કોઈ સામાન્ય એપ કે વેબસાઈટ નથી, પરંતુ એક અત્યંત શક્તિશાળી ટેકનોલોજીકલ ઇકોસિસ્ટમ છે. ગુજરાત યુનિફાઇડ ડિજિટલ સ્ટેક એટલે રાજ્ય સરકારના તમામ વિભાગો, સ્વાયત્ત સંસ્થાઓ અને નાગરિક સેવાઓના ડેટા તથા પ્રક્રિયાઓને એક જ સુરક્ષિત ડિજિટલ માળખામાં જોડતી વ્યવસ્થા. તેને એક ‘ડિજિટલ ફાઉન્ડેશન’ તરીકે ગણી શકાય, જેની ઉપર સરકાર પોતાની તમામ સેવાઓ (જેમ કે રેશનકાર્ડ, જમીન રેકોર્ડ, શિષ્યવૃત્તિ, આરોગ્ય કાર્ડ વગેરે) એવી રીતે ગોઠવશે કે જેથી તે એકબીજા સાથે જોડાઈ શકે.

‘સ્ટેક’ (Stack) શબ્દનો અર્થ અને તેના સ્તરો

ટેકનોલોજીમાં ‘સ્ટેક’ એટલે એક ઉપર એક ગોઠવાયેલા સ્તરો. GUDS મુખ્યત્વે ત્રણ સ્તરોમાં વહેંચાયેલું છે.

- Advertisement -
  • આઇડેન્ટિટી લેયર(Identity Layer): આ પ્રથમ સ્તર છે જ્યાં નાગરિકની ઓળખ પ્રસ્થાપિત થાય છે. (દા.ત. આધાર અથવા રાજ્યનું પોતાનું સિંગલ સાઇન-ઓન આઈડી).
  • પેમેન્ટ અને ટ્રાન્ઝેક્શન લેયર(Transaction Layer): આ સ્તર સરકારી ફીની ચૂકવણી અથવા સબસિડીના ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરને (DBT) સંભાળે છે.
  • ડેટા એક્સચેન્જ લેયર(Data Exchange Layer): આ સૌથી મહત્વનું સ્તર છે. તે વિવિધ વિભાગો વચ્ચે ડેટાને ‘પાઈપલાઈન’ની જેમ કનેક્ટ છે.

‘યુનિફાઇડ’ (Unified) હોવાનો અર્થ શું?

અત્યાર સુધીની સ્થિતિ ‘સાઇલોસ’ (Silos) જેવી હતી. એટલે કે જો તમે મહેસૂલ વિભાગમાં કોઈ માહિતી આપી હોય તો શિક્ષણ વિભાગ પાસે તેની જાણકારી હોતી નથી. હવે ‘યુનિફાઇડ’ થવાથી નીચે મુજબના ફેરફાર આવશે:

  • ડેટાનું એકીકરણ: રાજ્યના તમામ નાગરિકોનો એક ‘સિંગલ સોર્સ ઑફ ટ્રુથ’ (Single Source of Truth) ડેટાબેઝ બનશે.
  • વન્સ-ઓન્લી પ્રિન્સિપલ(Once-Only Principle): નાગરિકે સરકારને પોતાની કોઈ માહિતી (જેમ કે જન્મતિથી કે સરનામું) માત્ર એક જ વાર આપવાની રહેશે. ત્યારબાદ દરેક વિભાગ તે જ ડેટાનો ઉપયોગ કરશે.
  • સીમલેસ એક્સપિરિયન્સ: નાગરિક જ્યારે કોઈ પોર્ટલ પર લોગિન કરશે, ત્યારે તેને ખબર પણ નહીં પડે કે પાછળથી પાંચ અલગ-અલગ વિભાગોનો ડેટા ફેચ (Fetch) થઈ રહ્યો છે.

આ ટેકનોલોજી કઈ રીતે અલગ છે?

આ સ્ટેક માત્ર ડેટા સ્ટોર નથી કરતું, પરંતુ તે ‘ઓપન સ્ટાન્ડર્ડ્સ’ પર આધારિત છે. જેમ UPI દ્વારા તમે કોઈપણ બેન્કમાંથી કોઈને પણ પૈસા મોકલી શકો છો, તેમ આ સ્ટેક હેઠળ API (Application Programming Interface) દ્વારા એક વિભાગ બીજા વિભાગ પાસેથી સુરક્ષિત રીતે ડેટા માંગી શકશે. આજે 100 સેવાઓ છે તો કાલે 1000 સેવાઓ ઉમેરવી હોય તો આ માળખું તેને સહન કરી શકશે. આ સિવાય નવા સરકારી નિયમો કે યોજનાઓ આવે ત્યારે મહિનાઓ સુધી સોફ્ટવેર કોડિંગ કરવાને બદલે ઝડપથી સિસ્ટમ અપડેટ કરી શકાશે.

પહેલ પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય

આ સ્ટેકનો મુખ્ય ઉદ્દેશ્ય ‘ઈનવિઝીબલ ગવર્નમેન્ટ’ બનાવવાનો છે. એટલે કે નાગરિકે સરકાર પાસે જવું ન પડે, પરંતુ જ્યારે નાગરિકને જરૂર હોય ત્યારે સિસ્ટમ આપમેળે તેને સેવા પૂરી પાડે. દાખલા તરીકે જો કોઈ બાળકનાં 18 વર્ષ પૂરા થાય તો સિસ્ટમ આપમેળે તેને મતદાર યાદીમાં નામ નોંધાવવા માટે નોટિફિકેશન મોકલે અથવા પ્રોસેસ શરૂ કરી દે. બજેટમાં ફાળવાયેલા ₹100 કરોડ મુખ્યત્વે આ જટિલ ‘ડેટા એક્સચેન્જ લેયર’ અને ‘હાઈ-સિક્યોરિટી ક્લાઉડ’ ઊભું કરવા માટે વપરાશે.

આ પહેલની કાર્યપ્રણાલી

GUDSએ એક શેર્ડ ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, જે રાજ્યના તમામ સરકારી વિભાગો, સ્થાનિક સંસ્થાઓ અને એજન્સીઓના અલગ-અલગ ડેટાબેઝને એકીકૃત કરે છે. આ સ્ટેકનું તકનીકી માળખું મોડ્યુલર, ઓપન આર્કિટેક્ચર અને API-આધારિત છે, જેથી તે ભવિષ્યમાં વિસ્તાર અને અપગ્રેડ કરવું સરળ બને. ગુજરાત ઇન્ફોર્મેટીક્સ લિમિટેડ (GIL) દ્વારા આ પ્રોજેક્ટનું અમલીકરણ થઈ રહ્યું છે અને તેના વિગતવાર ડિઝાઇન તથા અમલ માટે પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટની (PMC) પસંદગી માટે RFP (Request for Proposal) જારી કરવામાં આવી છે.

GUDSનું તકનીકી માળખું મુખ્યત્વે ચાર મુખ્ય લેયર અથવા ઘટકો પર આધારિત છે, જે એકબીજા સાથે જોડાઈને કાર્ય કરે છે:

ડેટા ઇન્ટિગ્રેશન લેયર

આ લેયર GUDSનું કેન્દ્ર છે. અત્યારે રાજ્યના વિવિધ વિભાગો જેમ કે રેવન્યુ, આરોગ્ય, શિક્ષણ, કૃષિ, સામાજિક ન્યાય વગેરે પાસે અલગ-અલગ ડેટાબેઝ અને એપ્લિકેશન્સ છે, જેમાં ડેટા આઈસોલેટેડ રહે છે. GUDS આ સરહદને તોડીને ઓપન APIs (Application Programming Interfaces) દ્વારા જોડે છે. આ APIs માઇક્રોસર્વિસ આર્કિટેક્ચર પર આધારિત છે, જેમાં દરેક સેવા અથવા ડેટા એક્સેસને અલગ-અલગ મોડ્યુલ તરીકે ડિઝાઇન કરવામાં આવે છે.

આ લેયરમાં રીઅલ-ટાઇમ ડેટા એક્સચેન્જ થાય છે, એટલે કે જ્યારે કોઈ નાગરિક અરજી કરે છે તો તેના વેરિફાઇડ ડેટા (જેમ કે આઇડેન્ટિટી, એડ્રેસ, આવક, જમીન રેકોર્ડ) અન્ય વિભાગમાંથી આપોઆપ ફેચ થઈ શકે છે. આ પ્રક્રિયા ઇવેન્ટ-ડ્રિવન અને એસિંક્રોનસ હોય છે, જેથી સિસ્ટમ ઝડપી અને વિશ્વસનીય રહે.

આઇડેન્ટિટી અને વેરિફિકેશન લેયર

આ લેયર આધાર, ડિજિલોકર અને રાજ્યના અન્ય ID સિસ્ટમ્સ સાથે ઇન્ટિગ્રેટ છે. નાગરિકની ઓળખ એક વખત વેરિફાઇ થયા પછી તેની ડિજિટલ પ્રોફાઇલ સુરક્ષિત રીતે સ્ટોર થાય છે. આ પ્રોફાઇલમાં જન્મતારીખ, રહેઠાણ, કાસ્ટ, આવક, લેન્ડ રેકોર્ડ્સ, શિક્ષણ પ્રમાણપત્ર વગેરે જેવા ડેટા રહે છે.

આ લેયર કન્સેન્ટ-બેસ કાર્ય કરે છે, એટલે કે નાગરિકની સ્પષ્ટ સંમતિ વિના કોઈ ડેટા શેર થતો નથી. આ માટે કન્સેન્ટ મેનેજર ટૂલ વપરાય છે, જે નાગરિકને ડેટા શેરિંગનો કંટ્રોલ આપે છે. આ લેયર ઓથેન્ટિકેશન માટે OAuth 2.0 અને ઓપનઆઈડી કનેક્ટ જેવા સ્ટાન્ડર્ડ પ્રોટોકોલ્સનો ઉપયોગ કરે છે.

સિક્યોરિટી અને પ્રાઇવસી લેયર

GUDSમાં ડેટા સિક્યુરીટી સૌથી મહત્વની છે. આ લેયર એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શન (TLS 1.3), ડેટા એન્ક્રિપ્શન એટ સ્ટેટ (AES-256) અને ટોકનાઇઝેશન જેવી તકનીકો વાપરે છે. દરેક ડેટા એક્સેસનું લોગિંગ થાય છે, જેથી ઓડિટ ટ્રેલ ઉપલબ્ધ રહે.

આ લેયર ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન એક્ટ (DPDP Act) અને IT એક્ટનું સંપૂર્ણ પાલન કરે છે. ઝીરો ટ્રસ્ટ આર્કિટેક્ચર અપનાવવામાં આવે છે, એટલે કે કોઈ પણ યુઝર અથવા સિસ્ટમ પર સીધો વિશ્વાસ નથી કરવામાં આવતો – દરેક રિક્વેસ્ટ વેરિફાઇ થાય છે. જો જરૂરી હોય તો બ્લોકચેન-આધારિત લોગિંગ અથવા ડેટા ફ્યુઝન સેન્ટરનો ઉપયોગ પણ થઈ શકે છે.

ફ્રન્ટ-એન્ડ ડિલિવરી અને યુઝર ઇન્ટરફેસ લેયર

આ લેયર નાગરિકો માટેનું સિંગલ ઇન્ટરફેસ છે, જેમ કે ડિજિટલ ગુજરાત પોર્ટલનું અપગ્રેડેડ વર્ઝન અથવા નવી મોબાઇલ એપ. આ ઇન્ટરફેસ મોબાઇલ-ફર્સ્ટ અને મલ્ટી-લેંગ્વેજ (ગુજરાતી, હિન્દી, અંગ્રેજી) હશે. આ લેયર માઇક્રોફ્રન્ટ એન્ડ્સ અને પ્રોગ્રેસિવ વેબ એપ (PWA) ટેક્નોલોજી વાપરી શકે છે, જેથી ઓછા ઇન્ટરનેટ પર પણ કામ થઈ શકે. ગ્રીવન્સ રિડ્રેસલ, સ્કીમ એલિજિબિલિટી ચેક અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન જેવી સુવિધાઓ ગુજરાત AI સ્ટેકના ટૂલ્સ જેમ કે સ્કીમ એલિજિબિલિટી વેરિફિકેશન, ગ્રીવન્સ ક્લાસિફાયર, ડોક્યુમેન્ટ એક્સટ્રેક્ટર સાથે ઇન્ટિગ્રેટ થશે.

સ્કીમ એલિજિબિલિટી વેરિફિકેશનથી સુનિશ્ચિત થશે કે કયા નાગરિકને કઈ સરકારી યોજનાનો લાભ મળવો જોઈએ. અત્યાર સુધી આ પ્રક્રિયા મેન્યુઅલી અધિકારીઓ દ્વારા થતી હતી, જેમાં સમય લાગતો હતો. સરકારને દરરોજ હજારો ફરિયાદો મળતી હોય છે. તે દરેક ફરિયાદને વાંચીને સંબંધિત વિભાગને સોંપવી એ મોટું કામ છે. આ કામ ‘AI-આધારિત ગ્રીવન્સ ક્લાસિફાયર’ કરશે. ઘણીવાર નાગરિકો જૂના દસ્તાવેજો કે હાથથી લખાયેલી અરજીઓ અપલોડ કરે છે. તેમાંથી ડેટા કાઢવો મુશ્કેલ હોય છે. એક્સટ્રેક્ટર સાથે ઇન્ટિગ્રેટ મોડ્યુલ આ સમસ્યા હલ કરે છે.

ગુજરાત યુનિફાઇડ ડિજિટલ સ્ટેકની કાર્યપ્રણાલી (Step-by-Step Flow)

નાગરિકે હવે ડઝનબંધ વેબસાઈટ યાદ રાખવાની જરૂર નથી. તે માત્ર એક સિંગલ પોર્ટલ પર જશે. આ પ્રક્રિયાને આપણે એક ઉદાહરણ તરીકે લઈએ, એક વિદ્યાર્થી શિષ્યવૃત્તિ (Scholarship) માટે અરજી કરી રહ્યો છે.

  • વિદ્યાર્થી આધાર OTP અથવા DigiLocker દ્વારા લોગિન થશે. આનાથી એ સાબિત થાય છે કે અરજી કરનાર વ્યક્તિ સાચી છે.
  • અહીં સૌથી મહત્વનો મુદ્દો છે. નાગરિક એક ચેકબોક્સ પર ક્લિક કરીને મંજૂરી આપશે.
  • પરંપરાગત રીતે વિદ્યાર્થીએ આવકનો દાખલો અને પરિણામની નકલ અપલોડ કરવી પડતી હતી. GUDS પાછળથી (Backend) રેવન્યુ વિભાગના ડેટાબેઝમાંથી આવકનું પ્રમાણપત્ર અને શિક્ષણ બોર્ડના ડેટાબેઝમાંથી માર્કશીટ આપોઆપ ખેંચી લેશે.
  • જો કોઈ એવું દસ્તાવેજ હોય જે ડેટાબેઝમાં નથી (દા.ત. કોઈ ખાનગી સંસ્થાનું સર્ટિફિકેટ) તો AI ટૂલ તેને સ્કેન કરીને તેમાંથી જરૂરી વિગતો વાંચી લેશે.
  • સિસ્ટમ સેકન્ડોમાં નક્કી કરશે કે નાગરિકની આવક મર્યાદા મુજબ છે કે નહીં. જો બધું બરાબર હોય તો ‘Approve’ માટે આગળ મોકલશે.
  • સિસ્ટમ રેકોર્ડ રાખશે કે કયા અધિકારીએ ક્યારે ડેટા જોયો. આનાથી ડેટાના દુરુપયોગની શક્યતા ખતમ થઈ જાય છે.
  • 2025ની ‘ગુજરાત ક્લાઉડ એડોપ્શન ગાઈડલાઇન્સ’ મુજબ આ ડેટા અત્યંત સુરક્ષિત સ્ટેટ ડેટા સેન્ટર પર રહેશે, જે ગમે તેટલા ટ્રાફિકને હેન્ડલ કરી શકશે.

આ તમામ પ્રક્રિયા ક્લાઉડ-આધારિત છે (Gujarat Cloud Adoption Guidelines 2025 અનુસાર), જેથી સ્કેલેબલ અને સુરક્ષિત રહે. પાયલટ તબક્કામાં કેટલાક વિભાગોમાં ટેસ્ટિંગ થશે અને પછી તમામ વિભાગોમાં વિસ્તાર થશે. આ તકનીકી માળખું ઇન્ડિયા સ્ટેકના મોડેલને અનુસરે છે – જેમાં ઓપન APIs, ઇન્ટરઓપરેબિલિટી અને નાગરિક-કેન્દ્રિત ડિઝાઇન પર ભાર છે. પરંતુ ગુજરાતની સ્થાનિક જરૂરિયાતો અને AI ઇન્ટિગ્રેશન સાથે વધુ અનુરૂપ બનાવવામાં આવ્યું છે. આનાથી ગુજરાતની ગવર્નન્સ વધુ ઝડપી, પારદર્શક અને સમાવેશી બનશે. વધુ તકનીકી વિગતો માટે GILની RFP અને સત્તાવાર અપડેટ્સ જોઈ શકાય છે.

GUDSની જાહેરાત અને બજેટ ફાળવણી

નોંધનીય છે કે 18 ફેબ્રુઆરી 2026ના રોજ નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાત વિધાનસભામાં 2026-27નું બજેટ રજૂ કર્યું. આ બજેટમાં GUDS માટે₹100 કરોડની ફાળવણી જાહેર કરવામાં આવી છે. આ રકમ ડિઝાઇન, અમલીકરણ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને પાયલટ પ્રોજેક્ટ્સ માટે વપરાશે. આ સિવાય AI અને ડિજિટલ ગવર્નન્સ માટે ₹850 કરોડથી વધુની જોગવાઈ છે, જેમાં ડેટા ફ્યુઝન સેન્ટર અને AI ઇન પોલિસિંગ માટે સેન્ટર ઑફ એક્સિલેન્સ પણ સામેલ છે.

ગત વર્ષે 11 ડિસેમ્બર 2025ના રોજ મહાત્મા મંદિરમાં યોજાયેલી રીજનલ AI ઇમ્પેક્ટ કૉન્ફરન્સમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે GUDSને ઑપરેશનલ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. આ કોન્ફરન્સ ઇન્ડિયા AI મિશન અને ગુજરાત સરકારના સહયોગથી યોજાઈ હતી, જ્યાં ગુજરાત AI સ્ટેક પણ લૉન્ચ થયો હતો.

નાગરિકોને વ્યક્તિગત લાભ અને સશક્તિકરણ

કોઈપણ ટેકનોલોજીની સફળતાનો ખરો માપદંડ એ છે કે તે સામાન્ય માણસના જીવનને કેટલી સરળ બનાવે છે. ‘ગુજરાત યુનિફાઇડ ડિજિટલ સ્ટેક’ એ માત્ર એન્જિનિયરો કે આઈટી નિષ્ણાતો માટેનું મોડેલ નથી, પરંતુ તે ગુજરાતના કરોડો નાગરિકોના રોજિંદા વહીવટી પ્રશ્નોનો કાયમી ઉકેલ છે.

અત્યાર સુધી નાગરિકો માટે ‘સરકાર’ એટલે અલગ-અલગ વિભાગો, અલગ-અલગ બારીઓ અને દસ્તાવેજોની લાંબી પ્રક્રિયા હતી. પરંતુ આ યુનિફાઇડ સ્ટેક દ્વારા સરકાર હવે નાગરિકો માટે એક ‘સિંગલ વિન્ડો’ બની જશે. આ વ્યવસ્થાથી સામાન્ય માણસને થનારા લાભો માત્ર પ્રક્રિયાગત નથી, પરંતુ તે તેના સમય, શક્તિ અને નાણાંની બચત કરનારા છે.

‘વન્સ-ઓન્લી’ ડેટાસબમિશન: અત્યારે કોઈ પણ સરકારી કામ માટે નાગરિકે દરેક વખતે આધાર કાર્ડ, આવકનો દાખલો કે રહેઠાણનો પુરાવો આપવો પડે છે. GUDS હેઠળ નાગરિકે પોતાની વિગતો સરકારને માત્ર એક જ વાર આપવી પડશે. ત્યારબાદ જ્યારે પણ તે નવી યોજના (જેમ કે રેશનકાર્ડ કે સ્કોલરશીપ) માટે અરજી કરશે, ત્યારે સિસ્ટમ જૂના ડેટામાંથી આપમેળે વિગતો લઈ લેશે. તેનાથી ઝેરોક્ષ નકલો અને ફાઈલોના થપ્પામાંથી મુક્તિ મળશે.

‘ઝીરો’ વેઇટિંગ પીરિયડ: પરંપરાગત રીતે સરકારી ફાઈલો એક ટેબલ પરથી બીજા ટેબલ પર જાય છે, જેમાં દિવસો નીકળી જાય છે. આ સિસ્ટમ ‘મશીન-ટુ-મશીન’ ડેટા ટ્રાન્સફર પર કામ કરે છે. એટલે કે પાત્રતાની ચકાસણી (Eligibility Check) સેકન્ડોમાં થઈ જાય છે. ઘણી સેવાઓ તો એવી હશે જેમાં અરજી કરતાની સાથે જ અથવા થોડા કલાકોમાં જ મંજૂરી મળી જશે.

પ્રો-એક્ટિવ’ ગવર્નન્સ: GUDSનું સૌથી મોટું પાસું એ છે કે સરકાર નાગરિકની જરૂરિયાતને પહેલેથી સમજી શકશે. દાખલા તરીકે જો કોઈ બાળકના 18 વર્ષ પૂરા થાય તો સિસ્ટમ પાસે તેનો ડેટા પહેલેથી હશે. સરકાર સામેથી તેને મેસેજ મોકલીને ‘મતદાર કાર્ડ’ માટે પૂછશે અથવા વૃદ્ધાવસ્થાની ઉંમર થતાં પેન્શન યોજના માટે નોટિફાય કરશે. નાગરિકે યોજના શોધવા જવું નહીં પડે, યોજના નાગરિકને શોધતી આવશે.

ભ્રષ્ટાચાર મુક્ત અને પારદર્શક વ્યવસ્થા: જ્યારે પણ નાગરિક અને સરકારી અધિકારી વચ્ચેનો સીધો સંપર્ક ઘટે છે, ત્યારે ભ્રષ્ટાચારની તકો નહિવત થઈ જાય છે. સિસ્ટમમાં માનવીય હસ્તક્ષેપ ઓછો હોવાથી કોઈ અધિકારી કોઇપણ ફાઈલ અટકાવી શકશે નહીં. દરેક અરજીનો ‘ડિજિટલ ફૂટપ્રિન્ટ’ હશે, જેનાથી તમે જાણી શકશો કે તમારી અરજી અત્યારે કયા સ્ટેજ પર છે.

સિંગલ વિન્ડો એક્સપિરિયન્સ: અત્યારે અલગ-અલગ કામ માટે અલગ-અલગ કચેરીઓ (મામલતદાર કચેરી, પંચાયત, મહાનગરપાલિકા) જવું પડે છે. ‘સિંગલ સાઇન-ઓન’ને (SSO) કારણે નાગરિક માત્ર એક જ આઈડીથી રાજ્યની તમામ સેવાઓનો લાભ ઘરે બેઠા મેળવી શકશે. તેનાથી ભાડા અને મુસાફરીના ખર્ચમાં પણ બચત થશે.

છેવાડાના માનવી સુધી પહોંચ: ગ્રામીણ વિસ્તારોમાં ઓફિસો દૂર હોય છે અને ફરી-ફરી જવું મુશ્કેલ બને છે. GUDS સાથે ઓનલાઇન અરજી અને ડિજિટલ વેરિફિકેશનથી ફિઝિકલ વિઝિટ ઘટશે. ગુજરાત સરકારે તાજેતરમાં સ્ટારલિંક સાથે LoI સાઇન કરીને રિમોટ, બોર્ડર અને આદિવાસી વિસ્તારોમાં હાઇ-સ્પીડ સેટેલાઇટ ઇન્ટરનેટ લાવવાનું શરૂ કર્યું છે, જેથી આ વિસ્તારોમાં પણ ડિજિટલ સેવાઓ સરળતાથી પહોંચી શકે.

વેલ્ફેર સ્કીમ્સ ઝડપથી અને સીધી પહોંચશે: લાભાર્થીઓની એલિજિબિલિટી આપોઆપ ચેક થશે (Gujarat AI Stackના Scheme Eligibility Verification ટૂલ દ્વારા), જેથી સ્કીમ્સ જેમ કે PM Kisan, રાજ્યની વિવિધ વેલ્ફેર યોજનાઓ, આરોગ્ય સહાય અથવા શિક્ષણ સહાય ઝડપથી લાભાર્થીઓ સુધી પહોંચશે. આનાથી લીકેજ અને વિલંબ ઘટશે અને વધુ લોકોને સમયસર લાભ મળશે.

સરકાર માટે લાભો

સરકારી કામોમાં અલગ-અલગ વિભાગોમાં એ જ ડેટાની વારંવાર તપાસ થતી હોય છે, જેમાં સમય અને માનવ સંસાધન વેડફાય છે. GUDSમાં એક વખત વેરિફાઇ થયેલ ડેટા રિ-યુઝ થશે, જેથી પ્રોસેસિંગ ઝડપી અને કાર્યક્ષમ બનશે. આ સિવાય પેપરવર્ક, ફિઝિકલ વેરિફિકેશન, મેન્યુઅલ પ્રોસેસિંગ અને રિપીટેડ ઑપરેશન્સ ઘટવાથી સરકારના ખર્ચમાં બચત થશે. ઇન્ડિયા સ્ટેક જેવી રાષ્ટ્રીય પહેલમાં જોવા મળ્યું છે કે આવી સિસ્ટમ્સથી અબજો રૂપિયાની બચત થઈ છે.

વધુમાં એકીકૃત ડેટાથી સરકારને રીઅલ-ટાઇમ ડેટા મળશે, જેથી સ્કીમ્સની અસરકારકતા માપી શકાશે, જરૂરિયાતમંદ વિસ્તારો ઓળખી શકાશે અને પોલિસીમાં તાત્કાલિક સુધારા કરી શકાશે. તેનાથી યોજનાઓ વધુ ટાર્ગેટેડ અને અસરકારક બનશે. ડિજિટલ વેરિફિકેશન અને ટ્રાન્સપેરન્ટ ડેટા શેરિંગથી બનાવટી બેનિફિશિયરી, ડુપ્લિકેટ એન્ટ્રી અને મધ્યસ્થીઓ ઘટશે. આનાથી વેલ્ફેર ફંડનો સીધો અને સુરક્ષિત ઉપયોગ થશે.

નોંધનીય છે કે ‘ગુજરાત યુનિફાઇડ ડિજિટલ સ્ટેક’ (GUDS) માત્ર એક તકનીકી પ્રોજેક્ટ નથી, પરંતુ તે ગુજરાતના વહીવટી માળખામાં આવનારું એક મોટું પરિવર્તન છે. બજેટમાં ફાળવવામાં આવેલી ₹100 કરોડની રકમ એ સાબિતી છે કે રાજ્ય સરકાર ‘ડિજિટલ ટ્રાન્સફોર્મેશન’ને પ્રાધાન્ય આપી રહી છે.

આ સ્ટેક દ્વારા સરકારની કાર્યશૈલીમાં જે ઝડપ, પારદર્શિતા અને ચોકસાઈ આવશે તેનો સીધો લાભ સમાજના છેવાડાના માનવી સુધી પહોંચશે. જ્યારે વહીવટમાં ડેટા સાયન્સ અને AIનો (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) સમન્વય થશે, ત્યારે માનવીય ભૂલો અને વિલંબ ભૂતકાળ બની જશે. નાગરિકો માટે હવે સરકાર કોઈ કચેરી કે બારી નથી, પરંતુ તેમના સ્માર્ટફોનમાં રહેલી એક એવી સેવા છે જે તેમની જરૂરિયાતો પ્રત્યે સજાગ છે.

ટૂંકમાં કહીએ તો GUDS દ્વારા ગુજરાત ‘વિકસિત ગુજરાત 2047’ના વિઝનને સાકાર કરવા માટે એક મજબૂત ડિજિટલ પાયો નાખી રહ્યું છે. આ વ્યવસ્થાથી ગુજરાત માત્ર દેશનું જ નહીં, પણ સમગ્ર વિશ્વનું એક મોડેલ ડિજિટલ સ્ટેટ બનીને ઉભરશે, જ્યાં ટેકનોલોજીનો ઉપયોગ લોકોના જીવનને વધુ સરળ, સુરક્ષિત અને સમૃદ્ધ બનાવવા માટે કરવામાં આવશે.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં