હોમપેજમંતવ્યકર્ણાટક, હૈદરાબાદ, જબલપુર... ઘટનાઓ ત્રણ, પેટર્ન એક: શિવાજી મહારાજ જયંતીની શોભાયાત્રા પર...

કર્ણાટક, હૈદરાબાદ, જબલપુર… ઘટનાઓ ત્રણ, પેટર્ન એક: શિવાજી મહારાજ જયંતીની શોભાયાત્રા પર મસ્જિદ નજીક ઇસ્લામી કટ્ટરપંથીઓનો હુમલો

ભારતમાં હિંદુઓ દ્વારા ઉજવાતા તહેવારો હવે માત્ર ધાર્મિક પ્રસંગો નથી રહ્યા, પરંતુ તે તેમની સહનશક્તિની કસોટી બની ગયા છે. 19 ફેબ્રુઆરી 2026ની આ ત્રણ ઘટનાઓ કોઈ છૂટીછવાઈ ઘટનાઓ નથી, પરંતુ તે ભારતના સામાજિક તાણાવાણાને તોડવા માટેના વ્યવસ્થિત પ્રયાસો છે.

- Advertisement -

ભારતમાં રમજાન હોય, ઈદ હોય કે ગણેશોત્સવ હોય, હનુમાન જયંતિ હોય, રામનવમી હોય, દુર્ગા પૂજા હોય કે હિંદવી સ્વરાજનું સ્વપ્ન જોનારા છત્રપતિ શિવાજી મહારાજની જયંતિ હોય, હિંદુ તહેવારો કે હિંદુઓની શોભાયાત્રા દરમિયાન મસ્જિદોની બહાર અથવા નજીકથી હિંદુઓ પર હુમલા, પથ્થરમારો અને તણાવની ઘટનાઓ નિયમિતપણે જોવા મળે છે. આ ઘટના હિંદુઓના તહેવારોને વારંવાર ટાર્ગેટ કરવાની એક પેટર્ન દર્શાવે છે. તાજેતરમાં પણ ફેબ્રુઆરી 2026માં ત્રણ જગ્યાએ આવી ઘટનાઓ સામે આવી છે. કર્ણાટકના બાગલકોટમાં શિવાજી જયંતી યાત્રા પર મસ્જિદ નજીકથી પથ્થર ફેંકાયા જેમાં પોલીસ અધિકારીને ઈજા થઈ, હૈદરાબાદના અંબરપેટમાં જામા મસ્જિદ નજીક શિવાજી જયંતી યાત્રા સાથે જોડાયેલા યુટ્યુબર પર હુમલો થયો અને મધ્ય પ્રદેશના જબલપુરમાં દુર્ગા મંદિર પર તોડફોડ અને પથ્થરમારાની ઘટના સામે આવી ચૂકી છે.

મધ્ય પ્રદેશમાં બનેલી ઘટના

મધ્ય પ્રદેશના જબલપુર જિલ્લાના સીહોરા વિસ્તારમાં 19 ફેબ્રુઆરીની સાંજે બે સમુદાયો વચ્ચે ગંભીર સાંપ્રદાયિક તણાવ અને હિંસા ભડકી ઉઠી હતી. આ ઘટના આઝાદ ચોક ખાતે બની, જે વોર્ડ નંબર 5માં આવેલો છે અને પહેલેથી જ સંવેદનશીલ માનવામાં આવે છે. અહીં દુર્ગા મંદિર અને તેની સામે મદીના મસ્જિદ આવેલી છે, જે એકબીજાની સામે છે. આ વિસ્તારમાં અગાઉ પણ તણાવના અહેવાલો આવ્યા છે, પરંતુ આ વાત હિંસા સુધી પહોંચી ગઈ.

રાત્રે લગભગ 9 વાગ્યે મસ્જિદમાં નમાજ અને મંદિરમાં આરતી એકસાથે ચાલુ થયા હતા. આ દરમિયાન શરૂઆતમાં મુસ્લિમોએ મંદિરના લાઉડસ્પીકરના તેજ અવાજને લઈને વિવાદ શરૂ કર્યો હતો. આ વિવાદ ઝડપથી વધ્યો અને મંદિરના એક યુવાન પર હુમલો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ટોળાના કેટલાક વ્યક્તિઓએ મંદિરની બહારની ગ્રિલ તોડી નાખી અને મંદિર પરિસરમાં પ્રવેશીને તોડફોડ કરી હતી. જેના કારણે સ્થાનિક લોકોમાં આક્રોશ ફેલાયો અને બંને પક્ષો વચ્ચે જોરદાર પથ્થરમારો શરૂ થઈ ગયો હતો.

- Advertisement -

કેટલાક અહેવાલો અનુસાર આ હિંસા લગભગ 10 મિનિટ સુધી ચાલી હતી. લોકો લાઠી, ડંડા અને પથ્થરો લઈને રસ્તા પર ઉતરી આવ્યા હતા. આ ઘટનાના વિડીયો અને તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ ગયા છે, જેમાં પથ્થરમારો અને તોડફોડના દૃશ્યો સ્પષ્ટ જોવા મળે છે. કેટલાક સ્ત્રોતોમાં એવું પણ કહેવાયું છે કે તોડફોડ માત્ર મંદિરમાં જ નહીં, પરંતુ આસપાસના કેટલાક ઘરોમાં પણ થઈ હતી.

ઘટનાની માહિતી મળતાં જ સીહોરા, ખીતૌજી (Khitauli) અને ગોસલપુર પોલીસ સ્ટેશનની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. જબલપુરથી વધારાનું પોલીસ બળ પણ મોકલવામાં આવ્યું હતું. પોલીસે લાઠીચાર્જ કર્યો અને ટિયર ગેસ છોડીને પરિસ્થિતિને નિયંત્રણમાં લીધી હતી. વિસ્તારને કેન્ટોનમેન્ટ જેવો બનાવી દેવામાં આવ્યો છે અને ભારે પોલીસ બળ તહેનાત કરવામાં આવ્યું છે.

જિલ્લા કલેક્ટર રાઘવેન્દ્ર સિંઘ અને પોલીસ અધિક્ષક (SP) સંપત ઉપાધ્યાય સ્થળ પર પહોંચ્યા હતા અને પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. પોલીસે રાત્રે 15થી વધુ લોકોને અટકાયતમાં લઈને તપાસ શરૂ કરી દીધી છે. SP સંપત ઉપાધ્યાયે મીડિયાને જણાવ્યું કે, “કોઈ ધાર્મિક સ્થળને ગંભીર નુકસાન થયું નથી, બંને પક્ષોમાંથી કોઈને ગંભીર ઈજા પહોંચી નથી, પરિસ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં છે અને વિસ્તારમાં પૂરતું પોલીસ બળ તૈનાત કરવામાં આવ્યું છે.”

વહીવટે સ્થાનિક લોકોને શાંતિ જાળવવા, અફવાઓથી દૂર રહેવા અને કોઈ પણ પ્રકારની અફવા ફેલાવનારાઓ સામે કડક કાર્યવાહી કરવાની ચેતવણી આપી છે. આઝાદ ચોક વિસ્તારમાં હજુ તણાવ છે. પોલીસ સતત નિરીક્ષણ કરી રહી છે અને વધુ કાર્યવાહી માટે તૈયાર છે. આ ઘટના બાદ વિસ્તારમાં શાંતિ જાળવવા માટે વધારાના પગલાં લેવામાં આવી રહ્યા છે, જેમાં પેટ્રોલિંગ વધારવું અને સમુદાયના આગેવાનો સાથે વાતચીત કરવી સામેલ છે. વહીવટે લોકોને શાંતિ અને સંયમ જાળવવાની અપીલ કરી છે.

કર્ણાટકના બાગલકોટમાં છત્રપતિ શિવાજી મહારાજની યાત્રા પર હુમલો

કર્ણાટકના બાગલકોટ જિલ્લામાં 19 ફેબ્રુઆરી, 2026ના રોજ સાંજે છત્રપતિ શિવાજી મહારાજ જયંતીના પ્રસંગે એક યાત્રા દરમિયાન તણાવ અને પથ્થરમારાની ઘટના બની હતી. આ ઘટના બાગલકોટના જૂના શહેર વિસ્તારમાં પંકા મસ્જિદ (Panka Masjid) નજીક બની હતી. ઘટના બાદ વહીવટે પ્રતિબંધાત્મક આદેશો (prohibitory orders) લાગુ કર્યા છે, જે બાગલકોટ, નવાનગર અને વિદ્યાગિરી વિસ્તારમાં 19 ફેબ્રુઆરીની મધ્યરાત્રિથી 24 ફેબ્રુઆરીની મધ્યરાત્રિ સુધી ચાલુ રહેશે.

ઘટનાનું કારણ અને વિગતવાર ક્રમ

છત્રપતિ શિવાજી મહારાજની જયંતીના અવસરે શહેરમાં એક શોભાયાત્રાનું આયોજન થયું હતું. બપોરે લગભગ 3:30 વાગ્યે શરૂ થયેલ શોભાયાત્રા જ્યારે પંકા મસ્જિદની નજીક પહોંચી ત્યારે તણાવ શરૂ થયો હતો. અહેવાલો અનુસાર મસ્જિદમાંથી અથવા તેની નજીકથી બે પથ્થરો ફેંકવામાં આવ્યા હતા, જેમાંથી એક પથ્થર પોલીસ કોન્સ્ટેબલને વાગ્યો અને બીજો SP સિદ્ધાર્થ ગોયલના ખભા અથવા ગરદનના ભાગે વાગ્યો હતો.

અહેવાલ મુજબ SP સિદ્ધાર્થ ગોયલ અને કોન્સ્ટેબલ સિવાય એક હિંદુ વ્યક્તિને પણ ઈજા થઈ હોવાનું જણાવાયું છે. જોકે સદનસીબે કોઈને ગંભીર ઈજા થઈ નથી અને કોઈ મૃત્યુના અહેવાલ નથી.

પોલીસ અને વહીવટની તાત્કાલિક કાર્યવાહી

ઘટના બનતાં જ પોલીસે તાત્કાલિક હસ્તક્ષેપ કરીને હળવો લાઠીચાર્જ કર્યો અને ભીડને વિખેરી નાખી હતી. SP સિદ્ધાર્થ ગોયલે જણાવ્યું કે, “અમે ઘટનાસ્થળે હાજર હતા. શોભાયાત્રા બપોરે સાડા 3એ વાગ્યે શરૂ થઈ હતી. મસ્જિદ નજીક પહોંચતાં દૂરથી બે પથ્થરો ફેંકાયા… કોઈને ગંભીર ઈજા નથી. અમે વિડીયો તપાસી રહ્યા છીએ અને આરોપીઓને પકડીશું.”

વર્તમાનમાં પંકા મસ્જિદ અને કોટલેશ્વર મંદિર નજીક સુરક્ષા વધારી દેવામાં આવી છે અને CCTV ફૂટેજની તપાસ ચાલુ છે. ભારતીય ન્યાય સંહિતાની કલમ 163 હેઠળ પ્રતિબંધાત્મક આદેશો લાગુ કરવામાં આવ્યા છે, જેમાં જાહેર સ્થળે 4થી વધુ વ્યક્તિઓની ભેગી થવા, હથિયારો રાખવા, જાહેર સુરક્ષાને જોખમમાં મૂકતી પ્રવૃત્તિઓ અને પરવાનગી વગર મીટિંગ કે જુલૂસ કાઢવા પર પ્રતિબંધ છે. પોલીસે અફવાઓથી દૂર રહેવા અને શાંતિ જાળવવાની અપીલ કરી છે.

હૈદરાબાદમાં યુટ્યુબર પર હુમલો

હૈદરાબાદના અંબરપેટ વિસ્તારમાં 19 ફેબ્રુઆરી, 2026ની રાત્રે જામા મસ્જિદ નજીક એક યુટ્યુબર પર હુમલાની ઘટના બની હતી, જેના કારણે વિસ્તારમાં તણાવ ફેલાયો હતો. અહેવાલ અનુસાર અંબરપેટ વિસ્તારમાં જામા મસ્જિદ નજીક એક યુટ્યુબર વિડીયો રેકોર્ડ કરી રહ્યો હતો. તે જ સમયે છત્રપતિ શિવાજી મહારાજની શોભાયાત્રા ત્યાંથી પસાર થઈ રહી હતી. આ દરમિયાન યુટ્યુબરના ફિલ્મિંગને લઈને કેટલાક લોકોએ તેના પર હુમલો કર્યો. હુમલા બાદ બંને પક્ષો વચ્ચે દલીલો થઈ અને સુત્રોચ્ચાર શરૂ થઈ ગયા હતા. આ ઘટના દરમિયાન બંને પક્ષો તરફથી નારા લગાવવામાં આવ્યા હતા, જેનાથી માહોલ તણાવપૂર્ણ બની ગયો હતો.

ઈજા અને નુકસાન

અહેવાલોમાં યુટ્યુબરને ઈજા થઈ હોવાનું જણાવાયું છે. આ ઘટનામાં ધાર્મિક સ્થળ અથવા શોભાયાત્રાને નુકસાન પહોંચ્યું નથી. ઘટના સામે આવતા જ અંબરપેટ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી અને ભીડને વિખેરી નાખી હતી. પોલીસ અધિકારીઓ પહેલેથી જ ઘટનાસ્થળે તહેનાત હતા અને તેમણે તાત્કાલિક હસ્તક્ષેપ કરીને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. પોલીસે જણાવ્યું હતું કે હાલ પરિસ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં છે અને કોઈ પક્ષ તરફથી કોઈ ફરિયાદ મળી નથી.

પોલીસે વિસ્તારમાં નજર રાખી છે અને તેઓ હાઈ એલર્ટ પર છે. હાલ સુધી કોઈ ધરપકડ અથવા FIR થઈ હોવાની માહિતી નથી, કારણ કે કોઈ લેખિત ફરિયાદ મળી નથી. પરિસ્થિતિ હાલ સંપૂર્ણપણે શાંત અને નિયંત્રણમાં છે. વિસ્તારમાં તણાવ હતો, પરંતુ પોલીસના તાત્કાલિક હસ્તક્ષેપથી હાલ શાંતિ છે. પોલીસે લોકોને શાંતિ જાળવવા અને અફવાઓથી દૂર રહેવાની અપીલ કરી છે.

તહેવાર સનાતની હોય કે ઇસ્લામિક- હુમલાની સેમ પેર્ટન

આ ત્રણેય ઘટનાઓ એક ચોક્કસ અને ગંભીર સત્ય તરફ આંગળી ચીંધે છે. રમજાનની શરૂઆત સાથે જ અથવા ઇસ્લામિક પ્રભુત્વ ધરાવતા વિસ્તારોમાં હિંદુઓની હાજરી કે તેમના તહેવારો પ્રત્યે અસહિષ્ણુતા વધતી જોવા મળે છે. બાગલકોટ હોય કે જબલપુર, પથ્થરમારાની શરૂઆત મસ્જિદની આસપાસથી જ થાય છે, જે ચિંતાનો વિષય છે. હનુમાન જયંતી, રામનવમી કે શિવાજી જયંતી—કોઈપણ શોભાયાત્રા મસ્જિદ પાસેથી પસાર થાય ત્યારે પથ્થરમારો થવો એ હવે એક ‘રેગ્યુલર પેટર્ન’ બની ગઈ છે.

ભારતમાં ધાર્મિક સહિષ્ણુતા અને ‘ગંગા-જમુની તહેઝીબ’ના નામે અનેક વાતો કરવામાં આવે છે, પરંતુ જમીની હકીકત કંઈક અલગ જ ચિત્ર રજૂ કરે છે. છેલ્લા કેટલાક વર્ષોના ડેટા અને તાજેતરની ઘટનાઓ પર નજર કરીએ તો એક અત્યંત ચિંતાજનક પેટર્ન ઉભરી રહી છે. ભારતનો નકશો ગમે તે હોય – ઉત્તરમાં મધ્ય પ્રદેશ હોય, દક્ષિણમાં કર્ણાટક કે તેલંગાણા – હિંદુ તહેવારો અને શોભાયાત્રાઓ પર થતા હુમલાઓમાં એક ભયાનક સમાનતા જોવા મળે છે.

તાજેતરમાં સામે આવેલી ઘટનાઓ લઈએ કે આ પહેલાં ઘટેલી ઘટનાઓ નજર કરીએ તો જણાશે કે મુસ્લિમ તહેવાર હોય કે હિંદુ, હિંસાનો ભોગ હંમેશા હિંદુ શ્રદ્ધાળુઓ જ બને છે. ગુજરાતના ખંભાત અને હિંમતનગર હોય, દિલ્હીનું જહાંગીરપુરી હોય કે પશ્ચિમ બંગાળનું હાવડા – રામનવમીની શોભાયાત્રા પર મસ્જિદોના ધાબા પરથી પથ્થરમારો થવાની ઘટનાઓ રાષ્ટ્રીય હેડલાઈન્સ બની હતી. અહીં સવાલ એ થાય છે કે પથ્થરો અગાઉથી ધાબા પર કેવી રીતે પહોંચ્યા? શું આ પૂર્વયોજિત કાવતરું નહોતું?

નૂહમાં શ્રાવણ માસમાં નીકળેલી બ્રજમંડળ જલાભિષેક યાત્રા પર જે રીતે પહાડો પરથી ગોળીબાર અને પથ્થરમારો થયો, તેણે આખા દેશને હચમચાવી દીધો હતો. હજારો શ્રદ્ધાળુઓને મંદિરમાં બંધક બનવું પડ્યું હતું. ગણેશ પૂજા, ગણેશ વિસર્જન, દૂર્ગા વિસર્જન યાત્રા અનેક પ્રસંગોએ સામે આવ્યું છે કે જ્યારે વિસર્જન યાત્રા મુસ્લિમ બહુલ વિસ્તારોમાંથી પસાર થાય છે ત્યારે ‘રસ્તો રોકવા’ અથવા ‘સંગીત બંધ કરવા’ના બહાને હિંસા ભડકાવવામાં આવે છે.

આ ઘટનાઓ પાછળ એક ખાસ માનસિકતા કામ કરી રહી છે. રમજાન મહિનો શરૂ થવાની તૈયારી હોય કે જુમ્માની નમાજ હોય, ઇસ્લામિક કટ્ટરપંથીઓ દ્વારા એવી ધારણા ઉભી કરવામાં આવે છે કે મસ્જિદની સામેથી પસાર થવું એ એક ‘ગુનો’ છે. મોટાભાગના કિસ્સાઓમાં જોવામાં આવ્યું છે કે ભીડ મસ્જિદની અંદરથી અથવા તેની એકદમ નજીકથી પથ્થરમારો શરૂ કરે છે. આ એક રણનીતિ છે જેથી જ્યારે પોલીસ વળતી કાર્યવાહી કરે ત્યારે તેને ‘ધાર્મિક સ્થળ પર હુમલો’ કહીને વિક્ટિમ કાર્ડ રમી શકાય.

કેસરી ધ્વજ, જય શ્રીરામના નારા કે શિવાજી મહારાજની પ્રતિમા – આ પ્રતીકો પ્રત્યેની નફરત હિંસાનું મુખ્ય કારણ બને છે. હૈદરાબાદમાં યુટ્યુબર પર થયેલો હુમલો એ મુક્ત અભિવ્યક્તિ પર પણ હુમલો છે. નવાઈની વાત એ છે કે જ્યારે ઇસ્લામિક તહેવારો હોય છે, ત્યારે પણ હિંદુઓએ ‘શાંતિ’ જાળવવાના નામે પોતાના અધિકારો જતા કરવા પડે છે, જ્યારે હિંદુ તહેવારોમાં તેમને પથ્થરમારો સહન કરવો પડે છે.

જ્યારે જબલપુર કે બાગલકોટ જેવી ઘટનાઓ બને છે, ત્યારે પોલીસ ‘પરિસ્થિતિ કાબૂમાં છે’ તેમ કહીને મામલો થાળે પાડવા માંગે છે. પરંતુ શું માત્ર ધરપકડ પૂરતી છે? જ્યાં સુધી હિંસા ભડકાવનાર ઇકોસિસ્ટમ અને કટ્ટરપંથી વિચારધારા પર કડક પ્રહાર નહીં થાય, ત્યાં સુધી હિંદુ શ્રદ્ધાળુઓ પોતાના જ દેશમાં ભયમુક્ત રીતે તહેવાર ઉજવી શકશે નહીં.

ભારતમાં હિંદુઓ દ્વારા ઉજવાતા તહેવારો હવે માત્ર ધાર્મિક પ્રસંગો નથી રહ્યા, પરંતુ તે તેમની સહનશક્તિની કસોટી બની ગયા છે. 19 ફેબ્રુઆરી 2026ની આ ત્રણ ઘટનાઓ કોઈ છૂટીછવાઈ ઘટનાઓ નથી, પરંતુ તે ભારતના સામાજિક તાણાવાણાને તોડવા માટેના વ્યવસ્થિત પ્રયાસો છે. જો આ ‘મસ્જિદ-પથ્થર-હિંસા’ની પેટર્નને કડકાઈથી નહીં કચડવામાં આવે તો તે દેશની આંતરિક સુરક્ષા માટે ગંભીર જોખમ સાબિત થશે. હિંદુઓએ હવે જાગૃત થવું પડશે કે તેમના તહેવારો દરમિયાન થતા આ હુમલાઓ કોઈ અકસ્માત નથી, પણ એક કટ્ટરપંથી માનસિકતાનું પરિણામ છે જે અન્યના અસ્તિત્વને સ્વીકારવા તૈયાર નથી.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં