ગુજરાતના રાજકારણમાં આમ આદમી પાર્ટીએ જે આત્મવિશ્વાસ સાથે પોતાને ‘વિકલ્પ’ તરીકે રજૂ કરી હતી તે જ આત્મવિશ્વાસ આજકાલ સવાલોના ઘેરામાં છે. પાર્ટી છોડી ચૂકેલા પૂર્વ ખેડૂત નેતા રાજુ કરપડાએ 15 ફેબ્રુઆરી 2026ના રોજ નોંધાવેલી FIRએ તે આંતરિક તણાવને જાહેર કરી દીધો છે, જેની ચર્ચા અત્યાર સુધી બંધ બારણા પાછળ જ થતી હતી. આ માત્ર એક ફોજદારી ફરિયાદ નથી, આ તે રાજકીય પ્રયોગની પરીક્ષા છે, જેને ગુજરાતમાં મોટા દાવા સાથે શરૂ કરવામાં આવ્યો હતો.
ઑડિયોથી સાયબર ક્રાઇમ સુધી
રાજુ કરપડાએ સુરેન્દ્રનગર સાયબર ક્રાઇમ પોલીસમાં ફરિયાદ નોંધાવીને આરોપ લગાવ્યો છે કે પાર્ટીના ત્રણ નેતાઓ– કરણ બારોટ, સ્વયં સલવી અને વિપુલ ઠાકોરે એક કથિત ઑડિયો ક્લિપનો દુરુપયોગ કર્યો છે.
કરપડાના જણાવ્યા અનુસાર આ ઑડિયોને એવી રીતે પ્રસારિત કરવામાં આવ્યો છે જાણે તેમાં તેમના અવાજમાં વિવાદાસ્પદ નિવેદનો હોય. તેમણે આક્ષેપ કર્યો છે કે આ ક્લિપ AI દ્વારા તૈયાર કરવામાં આવી છે. તેને પ્રેસ કૉન્ફરન્સ અને સોશિયલ મીડિયા પર પ્રચારિત કરીને તેમની છબીને ખરડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. તેમની ફરિયાદનો મુખ્ય મુદ્દો એ છે કે આ કોઈ સામાન્ય રાજકીય અસહમતિ નહીં, પરંતુ સુનિયોજિત ચરિત્રહનન હતું.
ઑડિયો વિવાદ શું છે?
ઑપઇન્ડિયા સાથેની વાતચીતમાં કરપડડાએ જણાવ્યું હતું કે એક ઑડિયો ક્લિપ વાયરલ કરવામાં આવી હતી, જેમાં તેમના અવાજમાં કથિત વિવાદાસ્પદ વાતો કહેવાઈ હોય એવું લાગે છે. આ ક્લિપ કથિત રીતે AI-જનરેટેડ અથવા એડિટેડ છે અને તેને જાણીજોઈને મીડિયા અને સોશિયલ મીડિયામાં ફેલાવવામાં આવી જેથી તેમની વિશ્વસનીયતા પર પ્રશ્ન ઉભા થાય. તેમનો દાવો છે કે આ એક ‘સુનિયોજિત કાવતરું’ હતું જેથી પાર્ટી છોડ્યા બાદ તેમને જાહેરમાં બદનામ કરીને તેમની રાજકીય વિશ્વસનીયતા હણી શકાય.
રાજીનામાં પછી કરપડા પાર્ટીના નેતૃત્વ પર સતત આરોપ લગાવતા રહ્યા છે. વાતચીતમાં તેમણે કહ્યું કે જેલમાં રહેવા દરમિયાન પાર્ટીએ તેમનો સાથ ન આપ્યો, ખેડૂલ આંદોલન અને જમીની મુદ્દાઓ પર પાર્ટીની પ્રાથમિકતા બદલાઈ ગઈ હતી અને પાર્ટીના કેટલાક નેતાઓએ વ્યક્તિગત પ્રતિશોધની ભાવનાથી તેમની વિરુદ્ધ માહોલ બનાવ્યો હતો. તેમના જણાવ્યા અનુસાર આ FIR કોઈ રાજકીય પ્રતિશોધ માટે નહીં, પરંતુ ‘પોતાની પ્રતિષ્ઠા બચાવવા’ માટે નોંધાવવામાં આવી છે.
તેમણે એવું પણ કહ્યું છે કે આવી કથિત ઑડિયો ક્લિપ વાયરલ કરીને આમ આદમી પાર્ટીના નેતાઓ એવું સાબિત કરવા માંગે છે કે રાજુ કરપડાએ ભાજપ સાથે સમાધાન કરીને આમ આદમી પાર્ટી છોડી છે, પરંતુ એવું નથી. તેમણે સ્પષ્ટ કહ્યું છે કે જો એક પણ યોગ્ય પુરાવો રજૂ કરવામાં આવે તો તેઓ આજીવન આમ આદમી પાર્ટીની સેવા કરશે.
રાજીનામા પછી વાક્યુદ્ધ સતત ચાલુ
કરપડા પહેલેથી જ પાર્ટીના નેતૃત્વ સાથે અસહમતિ વ્યક્ત કરીને રાજીનામું આપી ચૂક્યા હતા. તેમણે જાહેરમાં કહ્યું હતું કે જેલમાં રહેવા દરમિયાન પાર્ટીએ અપેક્ષિત સમર્થન આપ્યું નહીં. ખેડૂત મુદ્દાઓ પર ગંભીરતા ઘટી અને સંગઠનમાં સંવાદની જગ્યાએ ‘નિયંત્રણ’ વધ્યું. ઉપરાંત તેમણે ગોપાલ ઇટાલિયા પર પણ ગંભીર આરોપ લગાવ્યા હતા. તેમણે કહ્યું હતું અમુક નેતાઓ તેમને જેલમાં જ રાખવા માંગતા હતા, જેથી કેજરીવાલની નજીક તેઓ પોતે રહી શકે.
રાજીનામું આપ્યા બાદ ઑડિયો વિવાદ ઉભો થયો અને તેના આધારે વિવાદ શરૂ થયો. બીજી તરફ ગોપાલ ઇટાલિયાએ આરોપોને નકારીને કરપડાના વલણ પર સવાલ ઉઠાવ્યા છે. પાર્ટીએ દાવો એવો કર્યો છે કે કરપડાના આરોપો રાજકીય દબાણથી પ્રેરિત છે, બીજી તરફ કરપડાએ સ્પષ્ટ કહ્યું છે કે ગોપાલ ઇટાલિયા એક પુરાવો રજૂ કરી દે તો તેઓ આજીવન તેના ગુણગાન ગાશે.
કોંગ્રેસના વિકલ્પ તરીકેનો દાવો અને આંતરિક કલહ
ગુજરાતમાં AAPએ જે રીતે પોતાને કોંગ્રેસની જગ્યાએ સ્થાપિત કરવાનો દાવો કર્યો હતો, તે કોઈથી છુપો નથી. 2022ની વિધાનસભા ચૂંટણી પછી AAPએ ગુજરાતમાં પોતાને ‘મુખ્ય વિપક્ષ’ તરીકે સ્થાપિત કરવાનો પ્રયાસ કર્યો હતો અને 2027માં સત્તા મેળવવાના જાહેરમાં બરાડા પાડ્યા હતા, જેમાં પાર્ટીનો દાવો હતો કે તે કોંગ્રેસની જગ્યા લઈને ભાજપને સીધી ચેલેન્જ આપશે.
પરંતુ આજે સ્થિતિ એવી છે કે મુખ્ય નેતાઓ રાજીનામાં આપી રહ્યા છે, આંતરિક કલહ જાહેર થઈ રહ્યો છે, ઑડિયો ક્લિપ અને સાયબર ફરિયાદો ચર્ચામાં છે, સંગઠનાત્મક એકતા પર સવાલ ઉભા થઈ રહ્યા છે અને જે પાર્ટીએ પોતાને ‘નવી રાજનીતિ’નું પ્રતીક ગણાવી હતી તે આજે ગુજરાતમાં પોતાના જ નેતાઓ વચ્ચે કાનૂની લડાઈમાં બાખડતી દેખાઈ રહી છે. કરપડા જેવા પ્રાદેશિક પ્રભાવવાળા નેતાનું પાર્ટી છોડવું અને ત્યારબાદ FIR નોંધાવવી એ સંકેત છે કે અંદર કંઈક ગંભીર મતભેદો છે.
જે પાર્ટીએ પારદર્શિતા અને નૈતિક રાજકારણના મોટા-મોટા પડીકાં ફેંક્યાં હતાં તે જ પાર્ટીના પૂર્વ નેતા સાયબર ગુનાની ફરિયાદ લઈને પોલીસ સ્ટેશન પહોંચ્યા છે. જે સંગઠને લોકતંત્રની બૂમો પાડી હતી, તે જ સંગઠનમાં અસહમતિ હવે જાહેર અથડામણમાં બદલાતી દેખાઈ રહી છે. રાજકીય દળોમાં મતભેદ અસામાન્ય નથી, પરંતુ જ્યારે તે FIR અને ફોજદારી આરોપો સુધી પહોંચી જાય ત્યારે તે સંગઠનની સ્થિરતા પર પ્રશ્નચિહ્ન ઊભાં કરે છે.
2027 પહેલાં ગુજરાત જીતવાના દાવા કરવામાં આવ્યા હતા. પરંતુ વાસ્તવિકતા એ છે કે AAPના સંગઠનની ઊર્જાનો મોટો ભાગ હવે આંતરિક સંઘર્ષોમાં ખર્ચાતો દેખાઈ રહ્યો છે. રાજુ કરપડાનો કિસ્સો માત્ર એક વ્યક્તિનો અસંતોષ નથી, પરંતુ તે ઢાંચાની પરીક્ષા છે જેને ગુજરાતમાં ઊભો કરવાનો દાવો કરવામાં આવ્યો હતો. જો પાર્ટી પોતાના પ્રભાવશાળી પ્રાદેશિક નેતાઓને સાથે રાખવામાં નિષ્ફળ રહે તો 2027ની વાત જ શું કરવાની?
રાજકારણમાં વિશ્વસનીયતા માત્ર જાહેરાતોથી નથી બનતી, તે વર્તન અને સંગઠનાત્મક સ્થિરતાથી બને છે. ગુજરાતની જનતા લાંબા સમયથી સ્થિર શાસન અને સ્પષ્ટ નેતૃત્વની આદી છે. આવા સંજોગોમાં જો કોઈ પક્ષ સત્તા પર રહેલી પાર્ટીને ઉખાડવાનો દાવો કરે અને એ પણ માત્ર બરાડા પાડીને તો જનતા બધુ સમજી શકે છે, તે મૂર્ખ નથી.
2027 હજુ દૂર છે, પરંતુ રાજકારણમાં સમય ઝડપથી બદલાય છે. જો સંગઠનાત્મક તિરાડો વધુ ગાઢ થતી ગઈ તો જે યાત્રા ‘વિકલ્પ’ બનવાથી શરૂ થઈ હતી તે યાત્રા પણ કેજરીવાલની જેમ ઘરે જઈને અટકી જશે. આમ આદમી પાર્ટીએ એ યાદ રાખવું જરૂરી છે કે ગુજરાતના રાજકારણમાં સ્પર્ધા કઠોર છે અને મતદારો સમજુ છે.


