હોમપેજદુનિયાબાંગ્લાદેશમાં તારિક રહેમાનની વાપસી: ભારત માટે પડકાર કે તુલનાત્મક રીતે ‘ઓછો જોખમી’...

બાંગ્લાદેશમાં તારિક રહેમાનની વાપસી: ભારત માટે પડકાર કે તુલનાત્મક રીતે ‘ઓછો જોખમી’ વિકલ્પ?

તારિક રહેમાનના નેતૃત્વમાં BNPની સરકાર ભારત માટે આદર્શ વિકલ્પ નથી, પરંતુ વર્તમાન પરિસ્થિતિઓમાં આ વધુ ‘વર્કેબલ’ પરિસ્થિતિ છે. જમાતના નેતૃત્વવાળા ઇસ્લામી ગઠબંધનની તુલનામાં BNPની જીત ભારત માટે રણનીતિક રાહત લઈને આવી છે.

- Advertisement -

દોઢ વર્ષ સુધી મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસના નેતૃત્વમાં વચગાળાની સરકાર ચાલ્યા બાદ બાંગ્લાદેશે આખરે એક ચૂંટાયેલી સરકાર પસંદ કરી છે. 12 ફેબ્રુઆરી 2026ના રોજ યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટીએ (BNP) સ્પષ્ટ અને નિર્ણાયક બહુમતી મેળવી છે. 17 વર્ષના બ્રિટન પ્રવાસ બાદ ડિસેમ્બર 2025માં સ્વદેશ પરત ફરેલા પાર્ટીના વડા તારિક રહેમાન હવે વડા પ્રધાન પદના શપથ લેવા જઈ રહ્યા છે.

297 બેઠકોનાં જાહેર થયેલા પરિણામો અનુસાર 300 સભ્યોની જાતીય સંસદમાં BNP અને તેના સહયોગીઓએ બે-તૃતીયાંશ બહુમતી સાથે 210થી વધુ બેઠકો જીતી છે. જમાત-એ-ઇસ્લામીના નેતૃત્વ હેઠળના 11-પક્ષીય ગઠબંધને લગભગ 70 બેઠકો પર સીમિત રહેવું પડ્યું છે. ઢાકા-17 અને બોગુરા-6માંથી તારિક રહેમાને પોતે જીત મેળવી છે. રસપ્રદ વાત એ છે કે સત્તામાં પરત ફર્યા બાદ BNPએ વિજય જુલૂસના બદલે ‘કૃતજ્ઞતા પ્રાર્થના’નું આહ્વાન કર્યું છે, એક પ્રતીકાત્મક સંદેશ કે પાર્ટી બે દાયકા બાદ સત્તામાં પરત ફરી રહી છે. 

ભારતની ચિંતા: ઇતિહાસનો બોજ

ભારતમાં આ પરિણામોને લઈને ઉત્સાહ કરતાં વધુ સાવધાની છે. કારણ પણ સ્પષ્ટ છે. 2001થી 2006ના સમયગાળા દરમિયાન ખાલિદા ઝિયાના નેતૃત્વમાં BNP સરકારના સમયે ભારત-બાંગ્લાદેશ સંબંધો પોતાના સૌથી નીચા સ્તરે પહોંચી ગયા હતા. ઉત્તર-પૂર્વ ભારતના અલગાવવાદી સંગઠનો, ખાસ કરીને ULFAને બાંગ્લાદેશની ધરતી પર આશ્રય મળવાના આરોપો લાગ્યા હતા. તે સમયમાં હથિયારોની મોટી ખેપ પકડાઈ હતી, જેને ભારતવિરોધી પ્રવૃત્તિઓ સાથે જોડવામાં આવી હતી. સરહદ પર અથડામણો, તસ્કરી અને પાકિસ્તાન તરફ ઝુકાવ, આ બધું તે કાળની ઓળખ બની ગયું હતું. અલ્પસંખ્યકો પર હુમલા અને ભારતવિરોધી નિવેદનોએ અવિશ્વાસને વધુ ગાઢ બનાવ્યો હતો.

- Advertisement -

તેનાથી વિપરીત અવામી લીગ અને શેખ હસીનાના કાર્યકાળમાં બંને દેશોના સંબંધોમાં નોંધપાત્ર સુધારો થયો હતો. ભારતવિરોધી તત્ત્વો પર કાર્યવાહી થઈ, વેપાર વધ્યો અને વ્યૂહાત્મક સહયોગ મજબૂત થયો. આ જ કારણ છે કે BNPની વાપસીને ભારતમાં સરળતાથી સ્વીકારવામાં આવી રહી નથી. 

વિકલ્પ શું હતો? જમાતના નેતૃત્વવાળું ઇસ્લામી ગઠબંધ

જોકે તસવીરનું બીજું પાસું પણ છે. આ ચૂંટણીમાં અવામી લીગ પર પ્રતિબંધ હોવાને કારણે ટક્કર મુખ્યત્વે BNP અને જમાત-એ-ઇસ્લામીના નેતૃત્વ હેઠળના 11-પક્ષીય ગઠબંધ વચ્ચે હતી. આ ગઠબંધમાં જમાત ઉપરાંત બાંગ્લાદેશ ખિલાફત મજલિસ, બાંગ્લાદેશ ખિલાફત આંદોલન, નિઝામ-એ-ઇસ્લામ પાર્ટી અને વિદ્યાર્થી રાજકારણમાંથી ઉભરેલી નેશનલ સિટીઝન પાર્ટી જેવા સંગઠનો સામેલ હતા. આ પક્ષોનો લક્ષ્ય શરિયા-આધારિત વ્યવસ્થાની સ્થાપના હતો.

જમાતનો ઇતિહાસ 1971ના મુક્તિ સંગ્રામમાં પાકિસ્તાનની સાથે ઊભા રહેવાનો છે. તેના પર લાંબા સમય સુધી પ્રતિબંધ રહ્યો હતો, જેને હસીના સરકારના પતન બાદ હટાવવામાં આવ્યો હતો. જો આ ગઠબંધ સત્તામાં આવત તો ભારત માટે પરિસ્થિતિ ઘણી વધુ જટિલ બની શકતી હતી. ઢાકાનો ખુલ્લો ઝુકાવ પાકિસ્તાન-ચીન તરફ હોત, ‘ઇન્ડિયા આઉટ’ જેવી રાજનીતિ, સરહદ પાર આતંકી નેટવર્કની સક્રિયતા, અલ્પસંખ્યકો પર વધતું દબાણ અને જળ-વિવાદોમાં અથડામણ, આ બધી આશંકાઓ વાસ્તવિક હતી. બંગાળની ખાડીમાં ચીનની ‘સ્ટ્રિંગ ઑફ પર્લ્સ’ રણનીતિને પણ નવી મજબૂતી મળી શકતી હતી. 

કેમ કહેવામાં આવી રહ્યું છે ‘લેસર ઇવિલ’?

BNPનો અતીત ભારત માટે સુખદ નથી રહ્યો, પરંતુ તે મૂળભૂત રીતે એક રાષ્ટ્રવાદી પાર્ટી છે, ધર્મતાંત્રિક (મજહબી) નથી. શાસનનો અનુભવ ધરાવતી આ પાર્ટી સમજે છે કે બાંગ્લાદેશની અર્થવ્યવસ્થા ભારતથી અલગ રહીને ચાલી શકે નહીં.

તારિક રહેમાનની ‘બાંગ્લાદેશ ફર્સ્ટ’ નીતિ મોટા દેશો સાથે સંતુલિત અંતરની વાત કરે છે, નહીં કે સીધી શત્રુતાની. તાજેતરના નિવેદનોમાં તેણે ‘પારસ્પરિક સન્માન’ અને આર્થિક ભાગીદારી પર ભાર મૂક્યો છે. આ સંકેત છે કે નવી સરકાર અથડામણને બદલે વ્યવહારિકતાને પ્રાધાન્ય આપી શકે છે.

નેશનલ સિટીઝન પાર્ટી, જે ખુલ્લેઆમ ભારતવિરોધી માનવામાં આવતી હતી, તેણે 30 બેઠકો પર લડીને માત્ર 6 પર જ સીમિત રહેવું પડ્યું. આ પણ ભારત માટે રાહતની વાત છે. સૌથી મહત્વની વાત એ છે કે BNPને પૂર્ણ બહુમતી મળી છે. તે કોઈ કટ્ટર સહયોગી પર નિર્ભર નથી. તેનાથી સરકારને સંતુલિત અને સ્વતંત્ર નિર્ણયો લેવાની તક મળશે. 

નવી દિલ્હીની કૂટનીતિ અને સંકેતો

ભારતે પણ આ ઘટનાક્રમ દરમિયાન સક્રિય કૂટનીતિ દાખવી છે. તારિક રહેમાનની વાપસીના તરત બાદ વિદેશમંત્રી એસ. જયશંકર ઢાકા પહોંચ્યા અને ખાલિદા ઝિયાના અવસાન પર શોક વ્યક્ત કર્યો તથા તારિક સાથે મુલાકાત કરીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો પત્ર સોંપ્યો.

ચૂંટણીના વલણ સ્પષ્ટ થતાં જ વડા પ્રધાન મોદીએ અધિકૃત જાહેરાતની રાહ જોયા વિના જ શુભેચ્છા સંદેશ મોકલી દીધો. સંદેશ સ્પષ્ટ હતો- ભારત નવી હકીકતને સ્વીકારીને તેની સાથે કામ કરવા તૈયાર છે, ભલે શેખ હસીનાને ભારતમાં આશ્રય આપવામાં આવ્યો હોય. 

આગળનો માર્ગ

આવનારા સમયમાં બંને દેશો વચ્ચે તીસ્તા જળ સમજૂતી, ભારત-બાંગ્લાદેશ-મ્યાનમાર-થાઈલેન્ડ હાઈવે પરિયોજના અને વેપાર જેવા મુદ્દાઓ પર વાતચીત ફરી શરૂ થઈ શકે છે. આ સાથે જ BNP સરકાર ચીનના પ્રભાવને સંતુલિત રાખવાનો પ્રયાસ કરી શકે છે.

જોકે શેખ હસીનાનો મુદ્દો સંબંધો પર થોડો ઉણો ઉતરી શકે છે. બાંગ્લાદેશના આંતરરાષ્ટ્રીય અપરાધ ન્યાયાધિકરણ દ્વારા તેમને ‘માનવતા વિરુદ્ધ અપરાધ’માં મૃત્યુદંડ આપવામાં આવ્યો છે. જો BNP સરકાર તેમના પ્રત્યાર્પણની માંગ તીવ્ર કરે તો આ ભારત માટે કૂટનીતિક પરીક્ષા બની જશે.

આ ઉપરાંત જુલાઈ ચાર્ટરના જનમત સમર્થન બાદ નવી સરકારને શરૂઆતના 150 દિવસમાં બંધારણીય ફેરફારો, નવી ઉચ્ચ સભાની સ્થાપના અને સંસ્થાગત સુધારાઓ પર કામ કરવું પડશે. આંતરિક એજન્ડા ભારે છે, તેથી વિદેશ નીતિમાં તાત્કાલિક ટક્કરની સંભાવના ઓછી માનવામાં આવી રહી છે.

તારિક રહેમાનના નેતૃત્વમાં BNPની સરકાર ભારત માટે આદર્શ વિકલ્પ નથી, પરંતુ વર્તમાન પરિસ્થિતિઓમાં આ વધુ ‘વર્કેબલ’ પરિસ્થિતિ છે. જમાતના નેતૃત્વવાળા ઇસ્લામી ગઠબંધનની તુલનામાં BNPની જીત ભારત માટે રણનીતિક રાહત લઈને આવી છે. હવે બંને દેશોની સ્થિતિ નક્કી છે. જો ઢાકા વ્યવહારિકતા દાખવે અને નવી દિલ્હી સંયમ તથા સક્રિય કૂટનીતિ જાળવી રાખે તો દક્ષિણ એશિયાની રાજનીતિમાં એક સ્થિર સંતુલન શક્ય છે. પરંતુ અતીતની છાયા સંપૂર્ણપણે હટશે કે નહીં તે આવનારો સમય જ જણાવશે.  

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં