21મી સદીનાં વૈશ્વિક અર્થતંત્રમાં ભારત એક નિર્ણાયક શક્તિ તરીકે ઉભરી રહ્યું છે. તાજેતરમાં ભારત અને અમેરિકા વચ્ચેના વ્યાપારિક સંબંધોમાં એક નવો અધ્યાય લખાવા જઈ રહ્યો છે. જ્યારે પણ બે મહાસત્તાઓ વચ્ચે વેપાર કરાર થાય છે, ત્યારે સૌથી મોટી ચિંતા દેશના પાયાના ક્ષેત્ર એટલે કે કૃષિ અને ડેરી વિશે હોય છે. પરંતુ, મોદી સરકારે ફરી એકવાર સાબિત કર્યું છે કે વિકાસના પંથે આગળ વધતી વખતે તેઓ દેશના અન્નદાતા અને ગ્રામીણ અર્થવ્યવસ્થાની જીવાદોરી સમાન ડેરી આને કૃષિ ક્ષેત્રના હિતોનું બલિદાન ક્યારેય નહીં આપે.
નોંધનીય છે કે ભારત-અમેરિકા વચ્ચેના કરારની વાતો બાદ વિપક્ષ અને કોંગ્રેસી ઇકોસિસ્ટમ એ સાબિત કરવા કામે લાગી હતી કે આ કરારોમાં મોદી સરકારે કૃષિ અને ડેરી ક્ષેત્રોમાં સમાધાન કર્યું છે અને ખેડૂતોના હિતોને જોખમમાં મૂક્યા છે. કોંગ્રેસ આરોપ લગાવ્યો કે મોદી સરકાર ‘ભારતીય ખેડૂતોના હિતોને અમેરિકાને વેચી રહી છે’ અને આ કરાર ‘ખેડૂતો માટે ખરાબ’ છે. કોંગ્રેસે આરોપ લગાવ્યો કે કરારની વિગતો જાણ્યા વગર જ સરકારે ખેડૂતોના હિતો સાથે સમાધાન કર્યું છે.
મલ્લિકાર્જુન ખડગેએ સંસદમાં કહ્યું હતું કે, “અમેરિકન આયાત ઝીરો ટેરિફ પર આવશે, જ્યારે ભારતીય નિકાસ પર 18% ટેરિફ રહેશે. આનાથી ભારતીય ખેડૂતોને ગંભીર અસર પડશે અને કૃષિ ક્ષેત્રને નાશ કરવાની યોજના છે.” તેમણે 2021માં થયેલ ખેડૂત આંદોલન જેવી અરાજકતા સર્જવાની ચીમકી પણ આપી હતી.
આ ઉપરાંત રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે, “મોદી અમેરિકાના દબાણ હેઠળ છે અને ખેડૂતોની મહેનત અને લોહી-પરસેવાને વેચી રહ્યા છે. તેઓ ખેડૂતોને જ નહીં, દેશને વેચી રહ્યા છે.” તેમણે આને અદાણી કેસ અને અન્ય દબાણો સાથે જોડી દીધું હતું. વધુમાં કોંગ્રેસે આક્ષેપ કર્યો કે સરકારે અમેરિકન કૃષિ અને ડેરી ઉત્પાદનો પર ઝીરો ટેરિફ આપીને ભારતીય બજારને ખોલી દીધું છે, જેનાથી ખેડૂતો અને ઉદ્યોગોને નુકસાન થશે. તેમણે કરારની પારદર્શિતાનો અભાવ અને સંસદમાં ચર્ચા ન કરવાનો પણ આક્ષેપ કર્યો છે.
જોકે આ આક્ષેપોને રદિયો આપતા તાજેતરમાં કેન્દ્રીય કૃષિ મંત્રીએ સત્તાવાર રીતે જાહેર કર્યું છે કે, “ભારત-યુએસ વેપાર કરારમાં કૃષિ અને ડેરી ક્ષેત્ર સંપૂર્ણપણે સુરક્ષિત રહેશે. આ ક્ષેત્રો સાથે કોઈ સમજૂતી કરવામાં આવશે નહીં અને ખેડૂતોની ઉપજ કે બજાર પર તેની કોઈ નકારાત્મક અસર નહીં પડે.” નોંધનીય છે કે ભારત માટે કૃષિ એ માત્ર વ્યવસાય નથી, પરંતુ કરોડો લોકોની સંસ્કૃતિ અને આજીવિકા છે. ભારત વિશ્વનો સૌથી મોટો દૂધ ઉત્પાદક દેશ છે, જેમાં આશરે 8 કરોડથી વધુ પશુપાલકો સીધા સંકળાયેલા છે.
આ કરાર દ્વારા ખૂલતી નિકાસ સંભાવના પર પ્રકાશ પાડતા શિવરાજ સિંઘ ચૌહાણે કહ્યું કે ભારત પહેલેથી જ યુનાઇટેડ સ્ટેટ્સ સહિત ઘણા દેશોમાં ચોખાની નિકાસ કરે છે અને તાજેતરમાં લગભગ ₹63,000 કરોડની નિકાસ નોંધાઈ છે. તેમણે જણાવ્યું હતું કે ટેરિફમાં ઘટાડો ભારતના ચોખા, મસાલા અને કાપડ નિકાસને સીધો ફાયદો પહોંચાડશે અને કાપડ નિકાસમાં વૃદ્ધિ લાખો કપાસ ઉગાડતા ખેડૂતોને મદદ કરશે. મંત્રીએ ખાતરી આપી કે આ સોદો સ્પષ્ટપણે ભારતીય ખેડૂતોના હિતમાં છે અને વિપક્ષ દ્વારા ખોટી માહિતી ફેલાવવામાં આવી રહી હોવા છતાં નવા નિકાસ માર્ગો ખોલે છે.
સંસદમાં વેપાર કરારની વિગતો સરકાર દ્વારા સમજાવવાની વિપક્ષની માંગ વિશે પૂછવામાં આવતા મંત્રીએ પુનરોચ્ચાર કર્યો કે કરારની બધી વિગતો યોગ્ય સમયે શેર કરવામાં આવશે. તેમણે ભાર મૂક્યો કે મુખ્ય સિદ્ધાંત સ્પષ્ટ અને અપરિવર્તિત રહે છે- ભારતીય ખેડૂતોના હિતોનું સંપૂર્ણ રક્ષણ કરવામાં આવશે.
અમેરિકા લાંબા સમયથી ભારત પાસે તેના ડેરી ઉત્પાદનો માટે બજાર ખોલવાની માંગ કરી રહ્યું છે. જોકે, ભારતે સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી ધાર્મિક અને સાંસ્કૃતિક લાગણીઓ અને સ્થાનિક ખેડૂતોના હિતનો સવાલ છે, ત્યાં સુધી કોઈ છૂટછાટ મળશે નહીં. અમેરિકાના સસ્તા સોયાબીન, મકાઈ અને મરઘાં ઉછેરના ઉત્પાદનો ભારતીય બજારમાં ઠલવાય નહીં તે માટે સરકારે આયાત ડ્યુટી અને ક્વોટા સિસ્ટમમાં કોઈ બાંધછોડ ન કરવાનો નિર્ણય લીધો છે.
કરારની મુખ્ય વિગતો
ભારત અને અમેરિકા વચ્ચેનો આ વેપાર કરાર ફેબ્રુઆરી 2, 2026ના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા જાહેર કરવામાં આવ્યો હતો. આ કરાર અંતર્ગત અમેરિકા ભારતીય વસ્તુઓ પરના ટેરિફને 50%થી ઘટાડીને 18% કરશે, જે ભારતીય નિકાસકારો માટે મોટી તક છે. જોકે, આ કરાર પર હસ્તાક્ષર થયા નથી.
આ જાહેરાત બાદ કોંગ્રેસ અને ઇકોસિસ્ટમની રડારોળ શરૂ થઈ ગઈ હતી. ત્યારબાદ વાણિજ્ય મંત્રી પીયુષ ગોયલે ફેબ્રુઆરી 5, 2026ના રોજ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે આ કરારમાં ભારત અમેરિકન વસ્તુઓ પર ટેરિફ ઘટાડશે, પરંતુ તે ફોર્મલ કરાર પછી જ અમલમાં આવશે. આમાં સૌથી મહત્વની વાત એ છે કે સંવેદનશીલ ક્ષેત્રો જેવા કે કૃષિ અને ડેરીને સંપૂર્ણ રીતે બાકાત રાખવામાં આવ્યા છે.
કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે પણ 5 ફેબ્રુઆરી 2026ના રોજ પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો (PIB) દ્વારા જારી કરાયેલા નિવેદનમાં સ્પષ્ટ કહ્યું છે કે, “ભારત-યુએસ વેપાર કરારમાં કૃષિ અને ડેરી ક્ષેત્ર સાથે કોઈ સમાધાન કરવામાં આવ્યું નથી. ખેડૂતોના હિતો સંપૂર્ણપણે સુરક્ષિત છે. ભારતના મુખ્ય અનાજ (ચોખા, ઘઉં), ફળો, મુખ્ય પાક, મિલેટ્સ અને ડેરી ઉત્પાદનોને કોઈ જોખમ નથી.”
આ નિવેદનમાં ભાર મૂકવામાં આવ્યો છે કે આ કરાર ખેડૂતો માટે નવી તકો (જેમ કે રાઈસ, મસાલા, કપાસની નિકાસમાં વધારો) ઊભી કરશે, જોખમો નહીં. વાણિજ્ય મંત્રી પીયુષ ગોયલે સંસદમાં જણાવ્યું હતું કે, “ભારતે કરારમાં કૃષિ અને ડેરી ક્ષેત્રને સંપૂર્ણ રીતે સુરક્ષિત રાખ્યા છે. સંવેદનશીલ ક્ષેત્રોને રક્ષણ આપવામાં આવ્યું છે અને ખેડૂતોના હિતોને પ્રાથમિકતા આપવામાં આવી છે.” તેમણે એમ પણ કહ્યું કે ચોખા, ઘઉં, સોયાબીન, મકાઈ, ખાંડ અને ડેરી ઉત્પાદનોને કરારની બહાર રાખવામાં આવ્યા છે.
અગાઉના કરારોમાં પણ સમાન નીતિ
ભારત-ઑસ્ટ્રેલિયા ECTA (2022): આ કરારમાં ભારતે ડેરી (દૂધ અને અન્ય ડેરી ઉત્પાદનો), ઘઉં, ચોખા, બાજરી, ખાંડ, ખાદ્ય તેલો, સોયાબીન કેક, સફરજન, અખરોટ, પિસ્તા વગેરેને બાકાત લિસ્ટમાં રાખ્યાં હતાં. કોઈ ટેરિફ કન્સેશન પણ નથી આપ્યું. આ સિવાય ઑસ્ટ્રેલિયાને મર્યાદિત TRQ આપ્યા હતા (જેમ કે કપાસ, બદામ, નારંગી, લેન્ટિલ્સ, પિઅર્સ). વધુમાં ભારતીય નિકાસ માટે ઑસ્ટ્રેલિયાએ 100% ટેરિફ એલિમિનેશન આપ્યું હતું.
ભારત-ન્યૂઝીલેન્ડ FTA (2025): ડેરી (દૂધ, ક્રીમ, વ્હે, યોગર્ટ, ચીઝ વગેરે), અન્ય પશુ ઉત્પાદનો (શીપ મીટ સિવાય), શાકભાજી (પ્યાજ, ચણા, મટર, મકાઈ, બદામ), ખાંડ, કૃત્રિમ મધ, ખાદ્ય તેલો વગેરેને exclusion listમાં રાખ્યાં (29.97% ટેરિફ લાઈન્સ). મર્યાદિત TRQ આપ્યા (જેમ કે સફરજન, કિવી ફ્રુટ, માનુકા હની, મિલ્ક એલ્બ્યુમિન). ન્યૂઝીલેન્ડે ભારતીય નિકાસ પર 100% ડ્યુટી-ફ્રી ઍક્સેસ આપ્યું.
ભારત-યુકે CETA/FTA (2025): ડેરી ઉત્પાદનો, ખાદ્ય તેલો, સફરજન, ચીઝ, અનાજ અને મિલેટ્સ, કઠોળ, કેટલાક શાકભાજી, સોનું, જ્વેલરી વગેરેને સુરક્ષિત રાખ્યાં હતાં. ભારતે 89.5% ટેરિફ લાઈન્સ ખોલી, પરંતુ સંવેદનશીલ ક્ષેત્રોને બાકાત રાખ્યાં હતાં. ભારતીય કૃષિ નિકાસ પર 95% પર ઝીરો ડ્યુટી મળી.
ભારત-EU FTA (જાન્યુઆરી 2026): ડેરી, અનાજ (ખાસ કરીને ચોખા અને ઘઉં), પોલ્ટ્રી, સોયામીલ, કેટલાક ફળો અને શાકભાજીને સંપૂર્ણ રીતે બાકાત રાખવામાં આવ્યાં હતાં. EU તરફથી પણ સંવેદનશીલ ક્ષેત્રો જેવા કે બીફ, ચિકન મીટ, ચોખા, ખાંડને બાકાત રખાયાં છે. ભારતને ચા, કોફી, મસાલા, અંગૂર, ગહેરકિન્સ, ડ્રાય ઓનિયન વગેરેમાં પ્રેફરન્શિયલ ઍક્સેસ મળ્યો. ભારતે 92.1% ટેરિફલાઈન્સ પર ઑફર આપી.
ભારત-ઓમાન CEPA (2026): ડેરી, ઓઇલસીડ્સ, એડિબલ ઓઇલ્સ, હની, ફળો અને શાકભાજીને એક્સક્લુઝનમાં રખાયાં છે. આ સિવાય મુખ્ય કૃષિ ઉત્પાદનોને તાત્કાલિક ટેરિફ કન્સેશન નથી આપ્યા.
નોંધનીય છે કે ભારત-યુએસ વેપાર કરારમાં (2026) અમેરિકા ભારતીય વસ્તુઓ પર ટેરિફને 50%થી ઘટાડીને 18% કરશે, જે ભારતીય નિકાસ (ટેક્સટાઈલ, લેધર, મરીન પ્રોડક્ટ્સ) માટે મોટી તક છે. પરંતુ અમેરિકાની માંગણીઓ છતાં કૃષિ અને ડેરીને સંપૂર્ણ રીતે સુરક્ષિત રાખવામાં આવ્યા છે. આ સિવાય આમાં જીએમ (જીનેટિકલી મોડિફાઇડ) પાકો જેમ કે કોર્ન અને સોયાબીન પર પ્રતિબંધ જાળવી રાખવામાં આવ્યો છે, જેથી અમેરિકન સબસિડીવાળા ઉત્પાદનોની આયાતથી ભારતીય ખેડૂતોને નુકસાન ન થાય.
આ કરાર ખેડૂતો માટે નવી તકો ઊભી કરે છે, જેમ કે રાઈસ અને મસાલાની નિકાસમાં વધારો, પરંતુ તેમના હિતોને જોખમમાં મૂકતો નથી. આમ, મોદી સરકારે અમેરિકા જેવા મજબૂત ભાગીદાર સાથે પણ ખેડૂતોના હિતોને સર્વોપરી રાખ્યા છે, જે તેમની અડગ પ્રતિબદ્ધતાનું ઉદાહરણ છે.
આપણે અગાઉ જોયું તેમ છેલ્લા પાંચ વર્ષમાં (2021-2026) અનેક વેપાર કરારો પણ ખેડૂતોના હિતોને ધ્યાનમાં રાખીને અમલમાં મૂકવામાં આવ્યા છે. આ કરારોમાં વૈશ્વિક દબાણ અને આર્થિક લાભો છતાં ખેડૂતોના હિતો સાથે કોઈ સમાધાન કરવામાં આવ્યું નથી. આ કરારોમાં કૃષિ અને ડેરીને ‘રેડ લાઈન’ તરીકે રાખીને દેશના કરોડો ખેડૂતોની આજીવિકા અને ખાદ્ય સુરક્ષાને પ્રાથમિકતા આપવામાં આવી છે.
આવું કરીને સરકારે ન માત્ર ખેડૂતોના હિતોનું રક્ષણ કર્યું છે, પરંતુ વૈશ્વિક વેપારમાં ભારતને મજબૂત ભાગીદાર તરીકે સ્થાપિત કર્યું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ હંમેશા આને પોતાની પ્રતિબદ્ધતા તરીકે જાહેર કર્યું છે અને તેમણે કહ્યું છે કે “ખેડૂતોના હિતો માટે જરૂર પડે તો મોટી કિંમત પણ ચૂકવવા તૈયાર છું.” મોદી સરકારે 2021થી 2026 સુધીના કરારોમાં સતત આ અભિગમ અપનાવ્યો છે, જ્યાં વૈશ્વિક દબાણ છતાં ખેડૂતોના હિતો સાથે કોઈ સમાધાન કર્યું નથી.
આ તમામ કરારોમાં સરકારે ખેડૂતોને ‘અન્નદાતા’ તરીકે માન આપીને તેમના હિતોને અકબંધ રાખ્યા છે. મોદી સરકારની આ નીતિ ન માત્ર આર્થિક વિકાસને પ્રોત્સાહન આપે છે, પરંતુ ખેડૂતોના હિતોને ક્યારેય જોખમમાં મૂકતી નથી – આ એક અડગ પ્રતિબદ્ધતા છે જે દેશના ગ્રામીણ વિકાસ અને આત્મનિર્ભરતાને મજબૂત કરે છે.


