‘નિયમોની ભાષા અસ્પષ્ટ, અમે હસ્તક્ષેપ નહીં કરીએ તો સમાજ વધુ વહેંચાશે’: UGC નિયમો પર રોક લગાવતાં સુપ્રીમ કોર્ટે શું કહ્યું?

13 જાન્યુઆરી 2026ના રોજ UGCએ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં ભેદભાવ રોકવા મામલે નોટિફાય કરેલા નિયમો પર સુપ્રીમ કોર્ટે રોક લગાવી દીધી છે. સાથે કેન્દ્ર સરકારને નોટિસ પાઠવીને જવાબ માગવામાં આવ્યો છે. સરકારને એક નિષ્ણાતોની સમિતિ બનાવીને આ મામલે વિચાર કરવા માટે પણ જણાવવામાં આવ્યું છે.

સુનાવણી દરમ્યાન ચીફ જસ્ટિસ ઑફ ઇન્ડિયા સૂર્યકાંતની બેન્ચે નોંધ કરતાં કહ્યું કે પ્રથમ દૃષ્ટિએ નિયમોની ભાષા અસ્પષ્ટ જણાય છે અને એક્સપર્ટોએ એ જોવાની જરૂર છે કે તેનું ડ્રાફ્ટિંગ એ રીતે થાય જેથી દુરુપયોગ થવાની સંભાવના ન રહે. કોર્ટે એમ પણ કહ્યું કે આ તબક્કે જો ન્યાયતંત્ર હસ્તક્ષેપ ન કરે તો સમાજ વધારે વહેંચાશે અને તેનાં વિપરીત પરિણામો આવી શકે છે.

Adv Vishnu Jain: We are challenging Section 3(c) of the regulations. Caste based discrimination is defined as caste based discrimination against SC, ST, OBC..this completely excludes the members of general category.

CJI: read definition of discrimination also#UGC…— Bar and Bench (@barandbench) January 29, 2026

મામલો બુધવારે (28 જાન્યુઆરી) સુપ્રીમ કોર્ટ સમક્ષ પહોંચ્યો હતો. ત્યારબાદ CJIની બેન્ચે અરજી લિસ્ટ કરવા સૂચના આપી હતી. ગુરુવારે (29 જાન્યુઆરી) સુનાવણી હાથ ધરવામાં આવી.

અરજદારો તરફથી વકીલ વિષ્ણુશંકર જૈને નિયમો સામે વાંધો ઉઠાવતાં કહ્યું કે ખંડ 3(c)માં જાતિઆધારિત ભેદભાવમાં SC, ST, OBC વગેરેને સંરક્ષણ આપવામાં આવ્યું છે, પણ જનરલ કેટેગરીના સભ્યોને બાકાત રાખવામાં આવ્યા છે. જેની ઉપર કોર્ટે કહ્યું કે ‘ડિસ્ક્રિમિનેશન’ની વ્યાખ્યા પણ વાંચવી જોઈએ.

જવાબમાં વકીલ જૈનની દલીલ હતી કે જો એક વ્યાખ્યામાં ભેદભાવ સંબંધિત તમામ બાબતો સમાવી લેવામાં આવી હોય તો પછી અલગથી બીજી કલમ (જેમાં જનરલ કાસ્ટ બાકાત છે) ઉમેરવાનું કોઈ ઔચિત્ય નથી. કોર્ટના અગાઉના આદેશમાં પણ આવું કશું કહેવામાં આવ્યું ન હતું. તેમણે માંગ કરી કે ‘જાતિ આધારિત ભેદભાવ’ની વ્યાખ્યા કરતી કલમ પર રોક લગાવવામાં આવે.

આગળ દલીલમાં જણાવ્યું કે આ વ્યાખ્યા બંધારણના આર્ટિકલ 14થી વિપરીત છે, જ્યાં ભેદભાવની વ્યાખ્યા કરવામાં આવી છે અને એવું ધારી ન લેવાય કે ભેદભાવ માત્ર એક જ વર્ગ કે સમુદાય વિરુદ્ધ જોવા મળે છે.

Justice Bagchi: I hope we don’t go to segregated schools like US where blacks and whites went to different schools

CJI: this kind of situation can be exploited.

Adv: There are statements also by political leaders which say that general category students must pay etc.— Bar and Bench (@barandbench) January 29, 2026

દરમ્યાન જસ્ટિસ બાગચીએ ધ્યાન દોરતાં કહ્યું, “બંધારણના આર્ટિકલ 15(4) હેઠળ સરકારને ST/SC માટે વિશેષ કાયદા બનાવવાની સત્તા છે, પરંતુ અમે તમારો (વિષ્ણુ શંકર જૈનનો) મુદ્દો સમજી ગયા. સુધારાવાદી નિયમો/કાયદા બનાવવામાં આવતા હોય તો તેમાં પાછળ શું કામ જવું જોઈએ.” સાથે કહ્યું કે આશા રાખીએ કે આપણે અમેરિકા જેવી સ્થિતિમાં ન જઈએ જ્યાં શ્વેત/અશ્વેતો માટે અલગ શાળાઓ છે. CJIની ટિપ્પણી હતી કે આ પ્રકારની સ્થિતિનો ગેરલાભ મેળવવામાં આવી શકે છે.

કોર્ટે સુનાવણીમાં સ્પષ્ટ કહ્યું કે નિયમોની અમુક ભાષા અસ્પષ્ટ છે અને તેના કારણે સમસ્યાઓ સર્જાઈ છે. ડ્રાફ્ટ એ રીતે કરવો જોઈએ જેથી દુરુપયોગની સંભાવનાઓ ન રહે. જસ્ટિસ બાગચીએ પણ ધ્યાન દોર્યું કે કલમ 3(e) હોય તો પછી 3(c)નું કોઈ ઔચિત્ય રહેતું નથી.

ઉલ્લેખનીય છે કે કલમ 3(e)માં ભેદભાવની બૃહદ વ્યાખ્યા છે અને 3(e)માં માત્ર જાતિ આધારિત ભેદભાવની વ્યાખ્યા છે, જેમાં જનરલ કેટેગરીને બાકાત રાખવામાં આવી છે.

જસ્ટિસ સૂર્યકાંતે સરકારને નોટિસ પાઠવીને 19 માર્ચ સુધીમાં જવાબ માગ્યો અને કહ્યું કે ત્યાં સુધીમાં નવા નિયમો સ્થગિત કરવામાં આવે અને જૂના 2012ના નિયમોનો અમલ ચાલુ રાખવામાં આવે.