ઉસ્માન હાદીનાં મોત બાદ ફરી ભડકે બળ્યું બાંગ્લાદેશ: કટ્ટરપંથીઓએ ભારતીય દૂતાવાસ પર કર્યો પથ્થરમારો, મીડિયા હાઉસ પણ સળગાવાયાં

ફરી એક વખત કટ્ટરપંથીઓએ બાંગ્લાદેશને બાનમાં લીધું હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. જાણવા મળી રહ્યું છે કે કટ્ટરપંથી ઉસ્માન હાદીનાં મોત બાદ ઇસ્લામવાદીઓ રસ્તા પર ઉતરી આવ્યા છે. 18 ડિસેમ્બર, 2025ના રોજ હાદીના મૃત્યુના સમાચાર મળતા જ ઢાકામાં મોટાપાયે પ્રદર્શનો શરૂ થયા, જેમાં કટ્ટરપંથીઓએ ડેઇલી પ્રોથોમ આલો અને ડેઇલી સ્ટાર જેવા મુખ્ય સમાચારપત્રોની ઑફિસોને નુકસાન પહોંચાડ્યું અને આગ ચામી દીધી હતી.

ઉસ્માન હાદીને 12 ડિસેમ્બર, 2025ના રોજ ઢાકાના બીજોયનગર વિસ્તારમાં ‘અજાણ્યા બંદૂકધારીઓ’ દ્વારા ગોળી મારવામાં આવી હતી, તેણે 18 ડિસેમ્બરના રોજ સિંગાપુરમાં સારવાર દરમિયાન દમ તોડ્યો. તેનાં મોતથી બાંગ્લાદેશમાં હિંસા ફાટી નીકળી છે. જેમાં પત્રકારો પર હુમલો કરવામાં આવ્યો છે અને મીડિયા હાઉસની ઈમારતોને આગ ચાંપવામાં આવી છે. આ ઘટનાના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે, જેમાં ભારે પ્રમાણમાં આગ અને ધુમાડો દેખાઈ રહ્યો છે.

ધનમંડી-32માં સ્થિત શેખ મુજીબુર રહેમાનના ઘર પર પણ ફરી એકવાર તોડફોડ કરવામાં આવી અને આગ લગાવી દેવામાં આવી છે. ચિત્તાગોંગના ભૂતપૂર્વ મેયર મોહિઉદ્દીનના ઘરને પણ આગ ચાંપી દેવામાં આવી છે.

આ ઉપરાંત આ હિંસા દરમિયાન બાંગ્લાદેશમાં ભારતવિરોધી સૂત્રોચ્ચાર પણ સાંભળવા મળ્યા હતા. ઢાકામાં ભારતીય દૂતાવાસ પર પણ પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ સિવાય, રાજશાહી અને ચિત્તાગોંગમાં પણ હુમલા થયા હોવાના અહેવાલો છે.

નોંધનીય છે કે ભારતને અગાઉથી જ આ બાબતોનો અંદાજ આવી ગયો હતો તેથી જ 17 ડિસેમ્બરે બાંગ્લાદેશના હાઈકમિશનને તાત્કાલિક સમન્સ કરીને દિલ્હી બોલાવવામાં આવ્યા હતા. જ્યાં તેમને ભારતવિરોધી કટ્ટરપંથી ગતિવિધિઓ અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા અને ભારતીય દૂતાવાસો તથા અન્ય કચેરીઓ અને સ્ટાફની સુરક્ષા સુનિશ્ચિત કરવાનું કહેવામાં આવ્યું હતું.

બાંગ્લાદેશના મુખ્ય સલાહકાર મુહમ્મદ યુનુસે શુક્રવારે ઇન્કિલાબ મંચાના પ્રવક્તા હાદીના મૃત્યુને લઈને 20 ડિસેમ્બર, 2025ના રોજ રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે.