ભાષણને કાપકૂપ કરી પ્રસારિત કરવા મામલે ટ્રમ્પે BBC પર ઠોક્યો 10 બિલિયન ડૉલરનો માનહાનિનો દાવો

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બ્રિટિશ બ્રોડકાસ્ટર BBC સામે $10 બિલિયનથી વધુનો માનહાનિનો દાવો કર્યો છે. આ દાવો BBC દ્વારા ટ્રમ્પના 6 જાન્યુઆરી, 2021ના ભાષણના વિડીયો સાથે કાપકૂપ કરીને રજૂ કરવાના મામલા સાથે સંબંધિત છે.

15 ડિસેમ્બરે ફ્લોરિડાની અદાલતમાં 33 પાનાનો દાવો દાખલ કરવામાં આવ્યો છે. જેમાં BBC પર રાષ્ટ્રપતિ ટ્રમ્પનું ‘ખોટું, બદનક્ષીભર્યું, ભ્રામક, ઉશ્કેરણીજનક અને દૂષિત ચિત્રણ’ પ્રસારિત કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. આ સિવાય તેને 2024ની યુએસ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં દખલગીરી અને પ્રભાવિત કરવાનો સ્પષ્ટ પ્રયાસ ગણાવવામાં આવ્યો છે.

શું છે સમગ્ર મામલો?

વર્ષ 2024ની અમેરિકી ચૂંટણી પહેલાં BBCના ‘પેનોરામા’ નામક પ્રોગ્રામમાં ‘Trump: A Second Chance?’ નામની ડોક્યુમેન્ટરી પ્રસારિત કરવામાં આવી હતી. જેમાં ટ્રમ્પના 6 જાન્યુઆરી 2021ના ભાષણના બે અલગ-અલગ ભાગોને જોડીને એવી રીતે રજૂ કરવામાં આવ્યું કે જોનારને એવું લાગે કે ટ્રમ્પે તેમના સમર્થકોને કેપિટોલ હિલ પર હિંસા માટે ઉશ્કેર્યા હતા.

વાસ્તવમાં આ ક્લિપના 2 ભાગો ભાષણમાં લગભગ 54 મિનિટના અંતરે કહેવાયા હતા. આ એડિટિંગનો ખુલાસો 2025માં એક ઇન્ટરનલ મેમો લીક થયા બાદ થયો હતો. જેમાં BBCની તટસ્થતા પર સવાલ ઉઠાવવામાં આવ્યા હતા. તેના પરિણામે BBCના ડિરેક્ટર જનરલ ટિમ ડેવી અને ન્યુઝ હેડ ડેબોરા ટર્નેસએ રાજીનામું આપવું પડ્યું હતું.

નવેમ્બર 2025માં BBCની પ્રતિક્રિયા

નવેમ્બર 2025માં BBCએ આ એડિટિંગને ‘જજમેન્ટની ભૂલ’ ગણાવીને ટ્રમ્પની માફી માંગી હતી. BBCએ ડોક્યુમેન્ટરીને તેના તમામ પ્લેટફોર્મ પરથી દૂર કરી દીધી અને તેને ફરી પ્રસારિત ન કરવાનું વચન આપ્યું હતું. BBCએ વ્યક્તિગત રૂપે ટ્રમ્પને પત્ર લખીને માફી માંગી પરંતુ માનહાનિના દાવાને નકારી કાઢ્યો હતો.

BBCએ તેના જવાબમાં પાંચ મુખ્ય તર્ક આપ્યા કે, આ ડોક્યુમેન્ટરી માત્ર UKમાં iPlayer પર ઉપલબ્ધ હતી, અમેરિકામાં પ્રસારિત થઈ નહોતી, તેનો કોઈ ખરાબ ઈરાદો નહોતો અને આ પ્રસારિત થયા બાદ પણ ટ્રમ્પ જીતી ગયા એટલે તેમની છબીને નુકસાન પહોંચ્યું નથી. એવો પણ તર્ક આપ્યો કે રાજકીય ભાષણ પરની ટિપ્પણી અમેરિકી કાયદા હેઠળ સુરક્ષિત છે.

હવે 15 ડિસેમ્બર 2025ના રોજ ટ્રમ્પે ફ્લોરિડાની અદાલતમાં BBC વિરુદ્ધ માનહાનિ અને ફ્લોરિડાના ડિસેપ્ટિવ ટ્રેડ પ્રેક્ટિસ કાયદાના ઉલ્લંઘનનો દાવો દાખલ કર્યો છે. તેમણે કુલ $10 અબજ) વળતરની માંગ કરી છે. ટ્રમ્પના વકીલોનું કહેવું છે કે BBCએ જાણીજોઈને તેમના શબ્દોને વિકૃત કરીને ચૂંટણીમાં દખલ કરવાનો પ્રયાસ કર્યો હતો.