હોમપેજગુજરાતહિંદુઓ, સંગઠનોની સક્રિયતાના કારણે ખ્રિસ્તી ધર્માંતરણની અડફેટે ચડતાં બચી ગયું એક ગામ:...

હિંદુઓ, સંગઠનોની સક્રિયતાના કારણે ખ્રિસ્તી ધર્માંતરણની અડફેટે ચડતાં બચી ગયું એક ગામ: ઉમરપાડામાં વિરોધ બાદ ગેરકાયદે ચર્ચના બાંધકામમાંથી પીછેહઠ– ગ્રાઉન્ડ રિપોર્ટ

વહારમાં હિંદુ વસ્તી બહુમતીમાં છે. હિંદુમાંથી વટલાયેલા ખ્રિસ્તીઓની સંખ્યા નહિવત છે. તેમ છતાં ગામના પાદરે એક ખેતરમાં એક ચર્ચ બનાવવાની તૈયારીઓ શરૂ કરવામાં આવી હતી. ગામના હિંદુઓને તેની જાણ થતાં તેમણે તપાસ કરી તો જાણવા મળ્યું કે બાંધકામ માટે પંચાયતની કોઈ પરવાનગી લેવામાં આવી ન હતી કે ન ગામલોકોને જાણ કરાઈ હતી.

- Advertisement -

ગુજરાતના પૂર્વ પટ્ટા અને દક્ષિણ ગુજરાતના ડાંગ અને તાપીમાં ગેરકાયદેસર રીતે કરાવવામાં આવતા ખ્રિસ્તી ધર્માંતરણનો મુદ્દો કાયમ સળગતો રહ્યો છે. આ વિસ્તારોમાં છેલ્લાં થોડાં વર્ષોમાં ચર્ચોની સંખ્યા પણ મોટા પ્રમાણમાં વધી ગઈ છે અને તેમાંથી મોટાભાગનાં ચર્ચ ગેરકાયદેસર હોવાના આરોપો પણ લાગતા રહ્યા છે. આવો જ એક મામલો તાજેતરમાં સુરતના ઉમરપાડામાં સ્થિત વહાર ગામેથી સામે આવ્યો, જ્યાં કોઈ પણ પ્રકારની પરવાનગી લીધા વિના એક ચર્ચનું બાંધકામ કરવાની તૈયારી કરવામાં આવી રહી હતી. ગામના હિંદુઓને જાણ થતાં તેમણે ઉગ્ર વિરોધ નોંધાવ્યો અને સરકારી સ્તરે રજૂઆતો કરી. આખરે ચર્ચનું બાંધકામ મોકૂફ રાખવામાં આવ્યું છે.

વહારમાં હિંદુ વસ્તી બહુમતીમાં છે. હિંદુમાંથી વટલાયેલા ખ્રિસ્તીઓની સંખ્યા નહિવત છે. તેમ છતાં ગામના પાદરે એક ખેતરમાં એક ચર્ચ બનાવવાની તૈયારીઓ શરૂ કરવામાં આવી હતી. ગામના હિંદુઓને તેની જાણ થતાં તેમણે તપાસ કરી તો જાણવા મળ્યું કે બાંધકામ માટે પંચાયતની કોઈ પરવાનગી લેવામાં આવી ન હતી કે ન ગામલોકોને જાણ કરાઈ હતી.

ચર્ચના કારણે ધર્માંતરણ પ્રવૃત્તિઓને પ્રોત્સાહન મળવાની સંભાવનાને જોતાં ગામના હિંદુઓએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો અને ત્યારબાદ આદિવાસી વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી સક્રિય દેવ બિરસા સેનાની પણ એન્ટ્રી થઈ. દેવ બિરસા સેનાએ ગામના હિંદુ અગ્રણીઓને સાથે રાખીને ઉમરપાડા મામલતદારને એક આવેદનપત્ર પાઠવીને ચર્ચના નિર્માણ સામે રજૂઆત કરીને તાત્કાલિક રોક લગાવવાની માગ કરી હતી અને જો કાર્યવાહી કરવામાં ન આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી.

- Advertisement -

એક્શનનું રિએક્શન: ચર્ચનું બાંધકામ ન કરવા બાંહેધરી

આવેદન આપવામાં આવતાં ઉમરપાડા મામલતદારે મામલો કલેક્ટરને મોકલી આપ્યો હતો. બીજી તરફ ગામના હિંદુઓ સક્રિય થતાં ચર્ચનું બાંધકામ શરૂ કરવા માટે તૈયારી કરનાર ખ્રિસ્તી પાસ્ટરોએ નમતું મૂક્યું અને ગામના સરપંચ અને અન્ય અગ્રણીઓને મળીને ચર્ચ ન બનાવવાની બાંહેધરી આપી હતી અને આવેદનપત્ર ખેંચી લેવાની માગ કરી હતી.

ગામમાં કોઈ પણ પ્રકારે ગેરકાયદેસર ચર્ચનું બાંધકામ નહીં થાય તેની બાંહેધરી મળ્યા બાદ ગામના અગ્રણીઓએ પછીથી આવેદનપત્ર પરત લઈ લીધું હતું.

ઑપઇન્ડિયા સાથે વાત કરતાં ગામના એક અગ્રણીએ જણાવ્યું કે, ગામમાં ખ્રિસ્તીઓની વસ્તી નહિવત હોવા છતાં એક ખેતરમાં પરવાનગી વગર ચર્ચ બનાવવામાં આવી રહ્યું હતું, જેનો અમે વિરોધ નોંધાવ્યો હતો. વિરોધ બાદ અમને બાંહેધરી આપવામાં આવી છે કે આવું કોઈ પણ નિર્માણ કરવામાં નહીં આવે. ત્યારબાદ અગાઉ જે આવેદનપત્ર આપવામાં આવ્યું છે એ પરત લઈ લેવામાં આવ્યું છે.

મામલતદાર કચેરીએ આવેદન આપવા પહોંચેલા વહાર ગામના અગ્રણીઓ

મામલતદાર આર. કે ચૌધરીએ ઑપઇન્ડિયાને જણાવ્યું કે, ગામનો મામલો હતો પરંતુ હવે પૂર્ણ થઈ ગયો છે અને ગ્રામ પંચાયતના હસ્તક્ષેપથી વિવાદનો અંત આવી ગયો છે, જેથી અમારા સ્તરેથી હાલ કોઈ કાર્યવાહી કરવાની રહેતી નથી, કલેક્ટરને અગાઉનું આવેદનપત્ર મોકલવામાં આવ્યું હતું, તેની સાથે આ અહેવાલ પણ મોકલી આપવામાં આવશે.

દેવ બિરસા સેનાના ઉમરપાડાના અધ્યક્ષ ચિરાગ વસાવાએ નિવેદનમાં કહ્યું કે, “આદિવાસી સંસ્કૃતિ, રીતિરિવાજોનું અસ્તિત્વ બચાવવા માટે અમે સમગ્ર આદિવાસી પટ્ટા પર કામ કરતા રહીએ છીએ. તાજેતરમાં વહાર ગામના લોકો તરફથી ગામમાં ગેરકાયદેસર ચર્ચ બની રહ્યું હોવાનો વિષય અમારા ધ્યાને લાવવામાં આવ્યો હતો અને ત્યાં ભવિષ્યમાં ધર્માંતરણની પ્રવૃત્તિઓ થશે તેવી સંભાવનાઓ પણ વ્યક્ત કરવામાં આવી હતી.”

ચિરાગ વસાવા, ઉમરપાડા, દેવ બિરસા સેના

તેમણે આગળ ઉમેર્યું કે, “મામલો અમારી પાસે આવતાં અમે ગામલોકોના સહયોગથી જ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું. ત્યારબાદ ગ્રામપંચાયતની બેઠકમાં બાંહેધરી આપવામાં આવી છે કે કોઈ ચર્ચનું નિર્માણ કરવામાં નહીં આવે. હવે પછી પણ જો આ પ્રકારની કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરવામાં આવશે તો દેવ બિરસા સેના ઉગ્રતાથી મુદ્દો ઉપાડશે.”

ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં અનેક કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે, જ્યાં ગામમાં પહેલાં ગેરકાયદેસર રીતે ચર્ચનું બાંધકામ કરવામાં આવે છે અને ત્યારબાદ ત્યાં ધીમેધીમે વટાળ પ્રવૃત્તિઓ શરૂ કરી દેવાય છે. તાપી અને ડાંગમાં અનેક ગામડાંમાં ડેમોગ્રાફી આ જ રીતે બદલાઈ જતી જોવા મળી છે. હવે આ દૂષણ ઉત્તર તરફ પણ આગળ વધી રહ્યું છે, પરંતુ સ્થાનિક હિંદુઓની અને સંગઠનોની સક્રિયતાના કારણે એક ગામ ધર્માંતરણની અડફેટે ચડતું હાલ પૂરતું બચી ગયું છે.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં