28 નવેમ્બરે 2025ના રોજ ભારત એક ઐતિહાસિક ઘટનાનું સાક્ષી બન્યું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગોવાના ઐતિહાસિક શ્રી સંસ્થાન ગોકર્ણ જીવોત્તમ મઠ ખાતે ભગવાન રામની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાનું અનાવરણ કર્યું છે. આ મૂર્તિ લગભગ 77 ફૂટ ઊંચી છે. ગોવામાં આ મૂર્તિનું સ્થાપન એ અતિ મહત્વપૂર્ણ બાબત છે. કારણ કે આજે જે ગોવામાં હિંદુઓના આરાધ્ય દેવ ભગવાન શ્રીરામની મૂર્તિનું અનાવરણ થયું છે એ જ ગોવાની ધરતી હિંદુ મંદિરોનો વિનાશ, હિંદુઓ પર અમાનવીય અત્યાચાર અને નરસંહારની સાક્ષી રહી છે.
નોંધનીય છે કે 77 ફૂટની ભગવાન રામની કાંસ્ય પ્રતિમા ગુજરાતમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવનાર પીઢ શિલ્પકાર રામ સુતારે બનાવેલી છે. ગોવાના જાહેર બાંધકામ વિભાગના મંત્રી દિગંબર કામતે જણાવ્યું હતું કે આ પ્રતિમા વિશ્વની ભગવાન રામની સૌથી ઊંચી પ્રતિમા બનશે, જે મઠના આધ્યાત્મિક અને સાંસ્કૃતિક મહત્વને વધુ વધારશે.
નોંધનીય છે કે આ કાંસ્ય પ્રતિમાના અનાવરણ બાદ PM મોદીએ જે કહ્યું તેમાં પણ હિંદુવિરોધી અત્યાચારોના પડઘા સંભાળતા હતા. અનાવરણ બાદ PM મોદીએ શ્રી સંસ્થાન ગોકર્ણ જીવોત્તમ મઠની 550 વર્ષ જૂની પરંપરાને નમન કર્યા અને કહ્યું કે એ જાણીને ખૂબ ગર્વ થાય છે કે સંસ્થાએ ઘણા તોફાનો અને પડકારોનો સામનો કર્યો છે.
નોંધનીય છે કે ગોવામાં વર્તમાનમાં થઈ રહેલ ઉજવણી એ માત્ર ધાર્મિક ઉત્સવ નથી. પરંતુ ગોવાના ઇતિહાસના એક વિરોધાભાસી પ્રકરણનું જીવંત પ્રતીક છે. આ એ જ ગોવા છે, જ્યાં 16મી અને 17મી સદીમાં પોર્ટુગીઝ વસાહત અને ખ્રિસ્તી મિશનરીઓએ, ખાસ કરીને ‘સેંટ’ ફ્રાન્સિસ ઝેવિયરના આદેશો પર હિંદુઓ પર અનેકાનેક અત્યાચારો થયા હતા. તેમનું ધર્માંતરણ કરવા માટે નરસંહાર કરવામાં આવ્યા હતા. ઝેવિયરને ખ્રિસ્તીઓ તરફથી ‘ગોવાના સંરક્ષક’ (ગ્વેન્ચો સાઇબ) તરીકે પૂજવામાં આવે છે, પરંતુ તેમના કૃત્યો આ બધાથી ખૂબ વિપરીત છે. તેમના નેતૃત્વમાં થયેલ મંદિરોનો નાશ, યાતનાઓ અને ‘ગોવા ઇન્ક્વિઝિશન’ આ બાબતની સાક્ષી પૂરે છે.
ફ્રાન્સિસ ઝેવિયરનું આગમન: હિંદુઓ પ્રત્યેની નફરત અને ધર્માંતરણના નામે કત્લેઆમ
સોસાયટી ઑફ જીસસના (જેસુઇટ્સ) સહ-સ્થાપક તરીકે ઓળખાતા ફ્રાન્સિસ ઝેવિયર 6 મે 1542ના રોજ પોર્ટુગીઝ કાફલા સાથે ગોવામાં પહોંચ્યા હતા. તેમનું મુખ્ય ધ્યેય હતું ખ્રિસ્તી પંથનો સમગ્ર એશિયામાં ફેલાવો કરવો. તેમના આ મનસૂબાનો ભોગ ગોવા બન્યું. તેમના આગમન પહેલાં જ પોર્ટુગીઝ ગવર્નર્સ મિગ્યુએલ વાઝ અને ડિએગો બોર્બાએ હિંદુઓનું ધર્માંતરણ કરાવવાનું શરૂ કરી દીધું હતું. પરંતુ ઝેવિયરના આગમનથી ધર્માંતરણ કરાવવા માટેના અત્યાચારો વ્યાપક અને હિંસાત્મક બની ગયા.
શરૂઆતમાં જ્યારે ઝેવિયર ગોવા આવ્યા ત્યારે તેમણે શાંતિપૂર્ણ રીતે પ્રચાર કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ જ્યારે તે નિષ્ફળ ગયા ત્યારે હિંસા, બળજબરી અને યાતનાઓનો સહારો લીધો. શરૂઆતમાં ઝેવિયરે ધર્માંતરણ માટે સ્થાનિક ભાષામાં ખ્રિસ્તી પંથના સિદ્ધાંતો લખાવીને શાળાઓમાં ભણાવવાનું શરૂ કર્યું અને બાળકોનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું. તેમણે ગોવામાં એક કૉલેજ ખોલી, જેમાં મૂર્તિપૂજક યુવાનોને પ્રવેશ આપવામાં આવતો અને તેમને લેટિન શીખવવામાં આવતું, ત્યારબાદ ખ્રિસ્તી શિક્ષણ આપવામાં આવતું. ‘સાન્ટા ફે’ નામની આ કૉલેજમાં 500 વિદ્યાર્થીઓ હતા અને તેને ચલાવવા માટે યુરોપમાંથી ફન્ડિંગ પૂરું પાડવામાં આવતું હતું.
શરૂઆતમાં આદિવાસી સમુદાયના બાળકોને બાપ્ટિઝમ આપીને ક્રોસ પહેરાવવામાં આવ્યા અને તેમને તેમના જ માતા-પિતા વિરુદ્ધ કરવામાં આવ્યા. પછી હિંદુ બાળકોને મંદિરમાં લઈ જતા અને તેમને દેવી-દેવતાઓને ગાળો આપવાનું કહેતા હતા, મૂર્તિઓ તોડવી, તેમના પર થૂંકવું અને તેને કચડી નાખવાનું કહેવામાં આવતું હતું. 1541માં ખ્રિસ્તી મિશનરીઓએ બધા હિંદુ મંદિરો બંધ કરવાનું ફરમાન બહાર પાડ્યું હતું.
હિંદુઓને ગણાવ્યા ‘કાફિર’
ફ્રાન્સિસ ઝેવિયર હિંદુઓને ‘મૂર્તિપૂજક’, ‘કાફિર અથવા ‘વિધર્મી’ કહેતા હતા. એક પત્રમાં તેમણે લખ્યું હતું કે જો ખ્રિસ્તી મતના કેટલાક લોકો એવા હોત જેઓ ફક્ત પોતાનાના ફાયદાનું જ ન વિચારતા હોત તો મોટી સંખ્યામાં ‘કાફિરો’ને ખ્રિસ્તી બનાવી શકાયા હોત. આ જ પત્રમાં તેમની કૉલેજનો ઉલ્લેખ કર્યો હતો અને આશા વ્યક્ત કરી હતી કે તેના વિદ્યાર્થીઓ સમગ્ર ભારતમાં ખ્રિસ્તી પંથ ફેલાવશે.
આ જ પત્રમાં ઝેવિયરનો હિંદુઓ અને ખાસ કરીને બ્રાહ્મણો પ્રત્યે અતિશય વેરભાવ છલકતો હતો. તેમને લાગતું કે હિંદુઓ ‘જુઠ્ઠા અને દગાબાજ’ હોય છે. પત્રમાં લખ્યું છે કે તેઓ દેવી-દેવતાઓની પૂજા કરે છે, અંધશ્રદ્ધાળુ ધાર્મિક વિધિઓ કરે છે અને મંદિરો અને મૂર્તિઓની જાળવણી કરે છે. તેમણે બ્રાહ્મણોનું વર્ણન કરવા માટે અપમાનજનક શબ્દોનો ઉપયોગ કર્યો હતો, તેમને ‘વિશ્વનો સૌથી વિકૃત અને દુષ્ટ સમુદાય’ ગણાવ્યો હતો.
હિંદુઓના નરસંહાર પર વ્યક્ત કર્યો આનંદ
1545માં કોચીનમાંથી તેણે એક પત્ર લખ્યો હતો જેમાં ઝેવિયરની માનસિકતા છલકાય છે. તેમાં લખ્યું હતું કે, “જ્યારે દરેક વ્યક્તિ બાપ્તિસ્મા લે છે, ત્યારે હું તેમના ખોટા દેવતાઓના બધા મંદિરોનો નાશ કરવાનો અને બધી મૂર્તિઓના ટૂકડા-ટૂકડા કરવાનો આદેશ આપું છું. હું એનું વર્ણન નથી કરી શકતો કે જે મૂર્તિઓની તે પૂજા કરતા હતા એ જ મૂર્તિઓ તેમના દ્વારા તોડવામાં આવી રહી છે, આ બધું જોઇને મને કેટલો આનંદ થઇ રહ્યો છે. હું દરેક શહેરો અને ગામડાઓમાં ખ્રિસ્તી સિદ્ધાંતોને સ્થાનિક ભાષામાં લખીને મોકલું છું અને સાથે લોકોને એ પણ સમજાવું છું કે સવાર અને સાંજની શાળાઓમાં તેને કેવી રીતે ભણાવવા જોઈએ.”
ઝેવિયરે સ્પેન અને પોર્ટુગલમાં યહૂદીઓ પર જે અત્યાચારો કર્યા હતા તેનો ઉપયોગ ગોવામાં પણ કર્યો. ઝેવિયરે રોમન સમ્રાટને એક પત્ર લખ્યો, જેમાં હિંદુઓને અશુદ્ધ જાતિ, જૂઠ્ઠા અને છેતરપિંડી કરનારા ગણાવ્યા. તેમણે કહ્યું કે તેમની મૂર્તિઓ કાળી, કદરૂપી, ભયાનક હોય છે અને તેમાંથી તેલની ગંધ આવતી હોય છે. તેણે 16 મે 1545ના રોજ પોર્ટુગલના રાજાને એક પત્ર લખ્યો હતો, જેમાં ગોવામાં ઇન્ક્વિઝિશનની માંગ કરી હતી. આ પત્રને કારણે 1560માં ગોવા ઇન્ક્વિઝિશનની શરૂઆત થઈ, જે 1774 સુધી એટલે કે 214 વર્ષ સુધી ચાલી અને 1812માં સંપૂર્ણપણે બંધ થઈ. તેનો ઉપયોગ કરીને હિંદુઓ પર ભયાનક યાતનાઓ ગુજારવામાં આવી હતી.
હિંસા યાતનાઓ અને બાળકોને જીવતા સળગાવી દેવા સુધી
ઇન્ક્વિઝિશન આવ્યા બાદ હિંદુઓ પર અત્યાચારનો સૌથી ખરાબ સમય શરૂ થયો હતો. ફ્રાન્સિસ ઝેવિયરે ગોવા પર સંપૂર્ણ કબજો જમાવી લીધો. તેણે હિંદુઓને દબાવવા માટે નીતિઓ સ્થાપિત કરી અને ઈસુની કથિત શક્તિમાં ન માનતા હોય એવા લોકો પર અત્યાચાર ગુજારવાનું શરૂ કર્યું. ઑક્ટોબર 1560 સુધીમાં સામાન્ય લોકોના જીવનથી લઈને તેમના મૃત્યુ સુધીનું તેમનું ભાગ્ય ખ્રિસ્તી પાદરીઓના હાથમાં હતું. આ સભ્યતાના આડમાં શ્રદ્ધાનો ક્રૂર અને ભયાનક કબજો હતો. લોકોને ખ્રિસ્તી ધર્મમાં રૂપાંતરિત કરવા માટે હિંદુ વિરોધી ક્રૂર કાયદા ઘડવામાં આવ્યા હતા.
આ કચેરી એવી ભયાનક હતી કે જેમણે પોતાના ઘરની ચાર દીવાલો વચ્ચે પણ પોતાનો સનાતન પાળ્યો હોય તેમને ભયંકર યાતનાઓ આપવામાં આવતી હતી. આ કચેરીમાં પૂછપરછ માટે માત્ર એક અફવા પૂરતી હતી – કે ફલાણો વ્યક્તિ ઘરમાં ગુપ્ત રીતે મૂર્તિપૂજા કરે છે કે હિબ્રૂ ભાષામાં પ્રાર્થના કરે છે. બસ એટલી જ અફવા પર મિશનરીઓ એ વ્યક્તિને ઘસડીને કચેરીમાં લાવી દેતા.
જેમને દોષી ઠેરવવામાં આવતા તેમને એવી ભયાનક સજાઓ આપવામાં આવતી કે માનવતા પણ શરમાઈ જાય. જાહેરમાં ચાબુક મારવા, નખ કાઢી નાખવા, આંખો ફોડી નાખવી આ બધું સામાન્ય હતું. કેટલાક કિસ્સાઓમાં આખા ગામને આગ ચાંપી દેવામાં આવતી અને સ્ત્રીઓ-બાળકોને ગુલામ બનાવી લેવામાં આવતા હતા. આ સિવાય મોટા ચક્કરવાળા પૈડાઓનો કે ચક્રોનો ઉપયોગ કરીને હિંદુઓને બાંધી દેવામાં આવતા અને ચક્ર ફેરવવામાં આવતું. આ ચક્ર ત્યાં સુધી ફેરવવામાં આવતું જ્યાં સુધી વ્યક્તિના લગભગ બધાં હાડકાં ચૂર-ચૂર ન થઈ જતાં. નોંધનીય છે કે 1959 સુધીમાં 350થી વધુ હિંદુ મંદિરોનો નાશ કરવામાં આવ્યો અને મૂર્તિ પૂજા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.
હિંદુઓ પર અત્યાચાર ચરમસીમાએ
ઇન્ક્વિઝિશનના સમયમાં હિંદુઓને તેમના ધર્મગ્રંથોનું વાંચન કરવા માટે જેલમાં પૂરી નાખવામાં આવતા, તેમને યાતનાઓ આપવામાં આવતી અને મૃત્યુદંડ આપવામાં આવતો હતો. એવું કહેવાય છે કે કદંબ વંશના સપ્તકોટેશ્વર મંદિરના અવશેષ એવા એક સ્તંભ પર હિંદુઓને મૃત્યુદંડ આપવામાં આવતો હતો. આ સ્તંભને ‘હાથકાટરો સ્તંભ’ (પિલર ઓફ ઇન્ક્વિઝિશન) તરીકે ઓળખવામાં આવે છે. આ જગ્યા પર જે હિંદુઓ ધર્માંતરણનો વિરોધ કે ઇનકાર કરતા તેમને બાંધીને તેમના હાડકા ન તૂટી જાય સુધી ખેંચવામાં આવતા.
આ સ્તંભ પર બાંધીને તેમને માર મારવામાં આવતો હતો. તેમના હાથ-પગ તોડવામાં આવતા હતા. એટલું જ નહીં હિંદુ માતા-પિતાના બાળકોને ઝૂંટવી લઈને તેમની આંખ સામે જ જીવતાં સળગાવી દેવામાં આવતાં. માતા-પિતાને બાંધીને બેસાડી દેવામાં આવતાં અને કહેવામાં આવતું કે, “ખ્રિસ્તી મત સ્વીકારો, નહીં તો તમારા બાળકને આંખ સામે બળતું જુઓ.”
ઇન્ક્વિઝિશનના સમયગાળામાં 4,000થી વધુ બિન-ખ્રિસ્તીઓને આવી ભયાનક સજાઓ આપવામાં આવી હતી. મુસ્લિમ આક્રમણકારોની જઝિયા કરની જેમ, પોર્ટુગીઝ મિશનરીઓએ હિંદુઓ પર ‘ઝેન્ડી કર’ (Xenddi tax) લાદ્યો હતો. કહેવાય છે કે 214 વર્ષના લાંબા કાળખંડમાં (1560-1774) કુલ 16,172 લોકોને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા અને તેમાંથી મોટા ભાગનાને રોમન કૅથોલિક સિવાયના કોઈપણ પંથને વળગી રહેવાના આરોપમાં ભયંકર યાતનાઓ આપવામાં આવી હતી.
નોંધનીય છે કે આ બધી યાતનાઓના પ્રતાપે ઇતિહાસમાં પ્રથમ વખત હિંદુઓને મોટાપાયે ભાગી જવા અને સ્થળાંતર કરવાની ફરજ પડી હતી. ફ્રાન્સિસ ઝેવિયર માત્ર ભારતમાં જ નહીં પરંતુ મલય દ્વીપકલ્પ, શ્રીલંકા, જાપાન અને ચીનમાં પણ ખ્રિસ્તી મતનો પ્રચાર કરવા ગયા હતા. ચીનના ટાપુ પર તાવથી તેમનું મૃત્યુ થયું હતું. એવું કહેવાય છે કે, તેમણે પોતાના જીવનમાં ઓછામાં ઓછા 30,000 લોકોને ખ્રિસ્તી બનાવ્યા હતા.
આજે ભારતમાં ‘સેન્ટ ફ્રાન્સિસ ઝેવિયર’ના નામ પર અનેક શૈક્ષણિક સંસ્થાઓ, સ્થળો અને આરોગ્ય કેન્દ્રો છે. ખ્રિસ્તીઓ ‘સેન્ટ’ ઝેવિયરને તેમના પ્રતિષ્ઠિત પાદરી માને છે. તેમના અપમાનને પોતાનું અપમાન સમજે છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે તેમણે ખ્રિસ્તી પંથના પ્રસાર માટે હિંદુઓ અથવા બિન-ખ્રિસ્તીઓ પર અમાનવીય અત્યાચાર કર્યો હતો.
જેનો સેન્ટ ફ્રાન્સિસ ઝેવિયર એક ભાગ હતા એવી સોસાયટી ઑફ જીસસ અથવા ‘જેસુઈટ્સ’એ લોકોને મોટાપાયે ગુલામ બનાવ્યા હતા. જેસુઈટ્સે અમેરિકામાં સ્થાનિક આદિવાસીઓને ગુલામ બનાવ્યા હતા. તેની પાસે એક સમયે 20,000થી વધુ ગુલામો હતા અને તેમને ખેતરોમાં અને અન્ય નોકરીઓમાં કામે રાખવામાં આવતા હતા.
નોંધનીય છે કે જ્યાં ફ્રાન્સિસ ઝેવિયરે હિંદુ મૂર્તિઓ તોડી, મંદિરો નાશ કર્યાં અને હજારો સનાતની આસ્તિકોને યાતના આપી, ત્યાં આજે પ્રભુ શ્રીરામની 77 ફૂટની મૂર્તિ ઊભી થઈ છે. આ અનાવરણ ગોવાના 66% હિંદુઓ માટે એક વિજય છે, જેમણે સદીઓના અત્યાચારો સહીને પણ તેમનો ધર્મ જીવંત રાખ્યો. આજની આ ક્ષણ ભારતીય સંસ્કૃતિના પુનરુદ્ધારનું પ્રતીક છે, જેમ કન્યાકુમારીના વિવેકાનંદ રોક મેમોરિયલ જેવા સ્થળો પર પણ હિંદુ વારસાને સુરક્ષિત કરાયો છે. આ ઇતિહાસ આપણને યાદ અપાવે છે કે, અત્યાચારોના અંધકાર પછી પણ પ્રકાશની કિરણ આવે છે.


