હોમપેજદેશદિલ્હીમાં પ્રદૂષણ વિરુદ્ધ પ્રદર્શનોની આડમાં નક્સલવાદીઓનું મહિમામંડન કરનારા અર્બન નક્સલો કોણ છે?– એક્સક્લુઝિવ

દિલ્હીમાં પ્રદૂષણ વિરુદ્ધ પ્રદર્શનોની આડમાં નક્સલવાદીઓનું મહિમામંડન કરનારા અર્બન નક્સલો કોણ છે?– એક્સક્લુઝિવ

વધુ તપાસ કરતાં આ સંગઠનોની અન્ય કરતૂતો બહાર આવી. ભૂતકાળમાં પણ તેમણે ભેગા મળીને રાષ્ટ્રવિરોધી ગતિવિધિઓ કરતા નક્સલીઓને ‘ફાઇટર’ તરીકે અને ‘આદિવાસીઓના હકો માટે લડનારા તરીકે’ દર્શાવવાના પૂરેપૂરા પ્રયાસો કર્યા છે.

- Advertisement -

ગત 23 નવેમ્બરે પાટનગર દિલ્હીમાં પ્રદૂષણ સામે પ્રદર્શનોની આડમાં પોલીસ સામે હિંસા થઈ. પોલીસકર્મીઓ પર ચિલી સ્પ્રે છાંટવામાં આવ્યો, ઉત્પાત મચાવવામાં આવ્યો. પછીથી પોલીસે FIR નોંધીને 15ની ધરપકડ કરી લીધી છે.

આમ તો આ પ્રદર્શન દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં રહેતા લોકો માટે ‘શુદ્ધ હવા’ સુનિશ્ચિત કરવામાં આવે એવી માગ હેઠળ કરવામાં આવતું હોવાનું કહેવામાં આવ્યું, પણ પછીથી તેણે વામપંથી એજન્ડાને અનુરૂપ વળાંક લઈ લીધા. જેના મૂળમાં છે bsCEM (ભગત સિંઘ છાત્ર એકતા મંચ) અને ધ હિમખંડ જેવાં સંગઠનો.

પ્રદૂષણના વિરોધમાં પ્રદર્શન કરવા એકઠા થયેલા આ તથાકથિત પ્રદર્શનકારીઓએ તાજેતરમાં નકસલવાદીવિરોધી ઑપરેશનમાં માર્યા ગયેલા નક્સલી કમાન્ડર હિડમાના સમર્થનમાં, તેનું મહિમામંડન કરતા નારા લગાવ્યા. પોસ્ટરો લહેરાવ્યાં અને ‘કોમરેડ હિડમા અમર રહે’ની નારાબાજી પણ કરી. માઓવાદીઓનું મહિમામંડન આ પ્રદર્શનો દરમિયાન થયું અને તેમનાં આતંકવાદી, ત્રાસવાદી સંગઠનોને ‘પીપલ્સ ગવર્નમેન્ટ’ તરીકે રજૂ કરવામાં આવ્યાં.

- Advertisement -

આ પ્રદર્શનો પાછળ જે bsCEM અને ધ હિમખંડ હતાં, તે સંગઠનો ગત 14 નવેમ્બરના રોજ એક કાર્યક્રમ આયોજિત કર્યો હતો– ‘પ્રેસ કૉન્ફરન્સ ઓન ધ મૂવમેન્ટ ફોર ક્લીન એર.’ આ કાર્યક્રમમાં પ્રશાંત ભૂષણ પણ સ્પીકર હતા, જેમાં હોસ્ટ તરીકે ‘ઑલ ઇન્ડિયા સ્ટુડન્ટ્સ એસોશિએશન ઑફ દિલ્હી યુનિવર્સિટી’ અને ‘સાઈન્ટિસ્ટ્સ ફોર સોસાયટી’ પણ સામેલ હતાં.

આ કાર્યક્રમના પોસ્ટરમાં bsCEMની રવજોતનો ઉલ્લેખ પણ જોવા મળે છે. આ એ જ વ્યક્તિ છે જેણે તાજેતરમાં દિલ્હીમાં યોજાયેલાં પ્રદર્શનોમાં હિડમા અને નક્સલવાદીઓનું મહિમામંડન કર્યું હતું.

તેના વિશે વધુ જાણકારી એવી છે કે તે ગુરુ ગોવિંદ સિંઘ ઈન્દ્રપ્રસ્થ યુનિવર્સિટીમાંથી કોમ્પ્યુટર સાયન્સ ગ્રેજ્યુએટ છે અને bsCEMની સક્રિય સભ્ય છે. દિલ્હીમાં આંદોલનોમાં ભાગ લેતી રહે છે અને તાજેતરની ઘટનામાં તેની ઉપર પોલીસ પર ચિલી સ્પ્રેથી હુમલો કરવાનો આરોપ છે. જેનાથી ચાર પોલીસકર્મીઓને આંખમાં ઈજા પહોંચી હતી.

વધુ તપાસ કરતાં આ સંગઠનોની અન્ય કરતૂતો બહાર આવી. ભૂતકાળમાં પણ તેમણે ભેગા મળીને રાષ્ટ્રવિરોધી ગતિવિધિઓ કરતા નક્સલીઓને ‘ફાઇટર’ તરીકે અને ‘આદિવાસીઓના હકો માટે લડનારા તરીકે’ દર્શાવવાના પૂરેપૂરા પ્રયાસો કર્યા છે.

bsCEMએ ગત વર્ષે લોકસભા ચૂંટણી અગાઉ દિલ્હી યુનિવર્સિટીની દીવાલો પર ચીતરામણ કર્યું હતું. જેમાં લોકોને ચૂંટણીમાં ભાગ ન લેવા માટે કહેવાયું અને ત્યાં સુધી લખવામાં આવ્યું કે ‘એક હી રાસ્તા નક્સલબાડી.’ નક્સલવાડી જ નક્સલવાદના ઉદયનું કેન્દ્ર છે એ વાચક જાણે છે. આ સિવાય ‘બોયકોટ ઈલેક્શન, જોઇન ન્યૂ ડેમોક્રેસી’ જેવાં સ્લોગન પણ લખવામાં આવ્યાં હતાં. આ મામલે પછીથી ABVPની ફરિયાદ પર FIR દાખલ કરવામાં આવી હતી

દિલ્હીની ઘટનામાં કાર્યવાહી થયા બાદ bsCEMએ પોલીસ અને  ‘બ્રાહ્મણવાદી હિંદુત્વ ફાસીવાદી RSS-BJP’ પર દોષનો ટોપલો ઢોળી દીધો છે. સાથેસાથે તેમના સાથીઓને મોટી સંખ્યામાં એકઠા થવા માટે પણ આહવાન કરવામાં આવ્યું હતું.

2020નાં હિંદુવિરોધી રમખાણોની જેમ જ આ પ્રદર્શન પણ એવી રીતે આયોજિત કરવામાં આવ્યું હતું, જેથી તેને રેગ્યુલર પ્રદર્શનમાં ખપાવીને તેની આડમાં નક્સલવાદને પ્રોત્સાહન આપી શકાય. ગ્રુપે પ્રદર્શન દરમિયાન હિડમાના એન્કાઉન્ટરને ‘ફેક એનકાઉન્ટર’ પણ ગણાવી દીધું અને ભારત સરકાર પર મધ્ય ભારતના ખનિજની દૃષ્ટિએ મહત્ત્વપૂર્ણ વિસ્તારો પર ‘કબજો’ કરવાનો આરોપ લગાવી દીધો. જે નક્સલીઓએ દાયકાઓ સુધી સુરક્ષાબળો પર હુમલા કરીને સ્થાનિકો પર અત્યાચાર કર્યો તેમને ‘હીરો’ તરીકે રજૂ કરવામાં આવ્યા. બીજી તરફ ચૂંટાયેલી સરકારોને ‘વિલન’ ચીતરવાના પૂરેપૂરા પ્રયાસો કરવામાં આવ્યા.

આ જ bsCEM નક્સલવાદીઓને ‘આદિવાસીઓના હકો માટે લડનારાઓ’ ગણાવીને તેમના મૃત્યુનો આરોપ સરકાર પર લગાવી ચૂક્યું છે અને એટલું જ નહીં પણ સરકાર સામે અમુક માગો પણ મૂકવામાં આવી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે જીનિવા કન્વેન્શનનું પાલન કરતાં નક્સલવાદીઓ વિરુદ્ધનું ઑપરેશન તાત્કાલિક રોકી દેવું જોઈએ. સંગઠન કાયમ માઓવાદીઓને ‘ક્રાંતિવીર’માં ખપાવતું રહ્યું છે અને સંગઠન દ્વારા હિડમા જેવાઓની કરતૂતોને અવગણીને તેમને સામાન્ય ક્રાંતિવીર આદિવાસીઓમાં ગણાવાતા રહ્યા છે.

bsCEM અને તેના જેવાં અન્ય સંગઠનોની પોસ્ટ્સમાં કાયમ હિંસક વામપંથી વિચારધારાને સમર્થન અને નક્સલવાદીઓ માટે સહાનુભૂતિ ઉઘરાવવાના પ્રયાસ જ મળ્યા છે. ક્યારેય આ નક્સલવાદીઓની કરતૂતો, તેમણે કરેલી હિંસા, દેશે ભોગવેલાં પરિણામો કે આ નક્સલીઓના દેશ પ્રત્યેના દ્વેષ પર એક શબ્દ બોલવામાં આવ્યો નથી.

આ જ bsCEM દ્વારા ભારત સરકારને પોતાનાં જ બાળકોની હત્યા કરાવનારી ગણાવી દેવામાં આવી હતી. આ પોસ્ટ પણ નક્સલવાદીઓ માટે સહાનુભૂતિ ઉઘરાવવા માટે કરવામાં આવી હતી. પણ હકીકત એ છે કે માઓવાદીઓ ન તો ‘ચિલ્ડ્રન’ છે ન તેઓ ભારતને પોતાનો દેશ માને છે.

ઘણી પોસ્ટ દિલ્હી યુનિવર્સિટીના પૂર્વ પ્રોફેસર જી. એન સાઇબાબા પર પણ કરવામાં આવી છે, જેમને નક્સલવાદીઓ સાથેના કનેક્શન બદલ આજીવન કેદ થઈ હતી. જોકે પછીથી કોર્ટે છોડી મૂક્યા હતા. ગત વર્ષે ઑક્ટોબરમાં તેમનું મૃત્યુ થયું. એક વર્ષ પૂર્ણ થવા પર તાજેતરમાં bsCEMએ કાર્યક્રમ કર્યો હતો અને તેને જીએન સાઈબાબાની ‘શહીદી’ની યાદમાં કરવામાં આવતી બેઠક ગણાવવામાં આવી હતી.

મુંબઈમાં ટાટા ઈન્સ્ટિટ્યૂટ ઑફ સોશિયલ સાયન્સના 10 વિદ્યાર્થીઓ વિરુદ્ધ સાઈબાબાની મરણતિથિએ કેમ્પસમાં પ્રવૃત્તિઓ કરવા બદલ FIR થઈ ત્યારે પણ આ સંગઠનને વાંકું પડ્યું હતું. પરંતુ હકીકત એ હતી કે આ વિદ્યાર્થીઓએ કાર્યક્રમ માટે સંસ્થા પાસેથી પરવાનગી લીધી ન હતી અને દિલ્હી રમખાણોના આરોપીઓ ખાલિદ અને શરજીલના સમર્થનમાં નારા પણ લગાવ્યા હતા.

નક્સલવાદીઓ માટે સહાનુભૂતિ ઉઘરાવવામાંથી નવરા પડે ત્યારે આ સંગઠનના વામપંથીઓ હમાસનો પ્રોપગેન્ડા પણ ચલાવી જાણે છે અને પેલેસ્ટાઇનના સમર્થનમાં પ્રદર્શનો પણ યોજી ચૂક્યા છે.

આ વિગતો સ્વતંત્રતાનો દુરુપયોગ કરીને સરકારો ઉથલાવીને ક્રાંતિ અને વૈચારિક લડાઇની આડમાં મોટાપાયે અરાજકતા સર્જવા માટે કાયમ પ્રયાસરત રહેતાં bsCEM અને તેના જેવાં જૂથોની માનસિકતા દર્શાવતી એક ઝલક માત્ર છે. આવું જ દિલ્હીનાં પ્રદર્શનોમાં જોવા મળ્યું. એક તરફ આ લોકો પોતાનો જોખમી એજન્ડા આગળ વધારવા માટે દરેક લોકતાંત્રિક સંસ્થા પર હુમલા કરતા રહે છે અને તેમને રોકવામાં આવે ત્યારે વિક્ટિમ કાર્ડ લઈને દોડી આવે છે.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં