
દિલ્હી બ્લાસ્ટ બાદ હરિયાણાના ફરીદાબાદની અલ-ફલાહ યુનિવર્સિટી આતંકી હુમલાની તપાસમાં કેન્દ્રમાં છે. હવે તપાસમાં એ પણ સામે આવ્યું છે કે દિલ્હી કાર બ્લાસ્ટનો આત્મઘાતી આતંકી ઉમર નબી અલ-ફલાહ યુનિવર્સિટીમાં તાલીમ મેળવનારો પહેલો આતંકી નહોતો. 2008માં અમદાવાદ સિરિયલ બૉમ્બ બ્લાસ્ટનો આતંકી મિર્ઝા શાદાબ બેગે પણ અલ-ફલાહ યુનિવર્સિટીમાં જ અભ્યાસ કર્યો હતો. તેણે એન્જિનિયરિંગ કોલેજમાં બી.ટેકની ડિગ્રી પણ મેળવી હતી.
તે અલ-ફલાહમાં અભ્યાસ કરતો હતો તે સમયે જ તે અમદાવાદ બૉમ્બ બ્લાસ્ટની તૈયારી પણ કરી રહ્યો હતો. તે આતંકી વર્ષોથી ફરાર છે અને હાલ તે અફઘાનિસ્તાનમાં હોવાનું સામે આવ્યું છે. શાદાબ આઝમગઢનો રહેવાસી હતો અને ઇન્ડિયન મુઝાહિદ્દીનનો એક મુખ્ય સભ્ય પણ હો. તેણે 2008માં જયપુર સિરિયલ બૉમ્બ બ્લાસ્ટમાં પણ ભૂમિકા નિભાવી હતી. તેણે જ વિસ્ફોટકો એકઠા કરવા માટે કર્ણાટકના ઉડ્ડુપીની મુલાકાત લીધી હતી.
ઉડ્ડુપીમાં યાસીન ભટકલ અને રિયાઝ ભટકે તેને મોટી સંખ્યામાં ડેટોનેટર અને બેરિંગ આપ્યાં હતાં. આ ઉપરાંત તે અમદાવાદ બ્લાસ્ટના 15 દિવસ પહેલાં શહેરમાં પહોંચ્યો હતો અને આખા શહેરની રેકી પણ કરી હતી. હાલ એજન્સીઓ દિલ્હી બ્લાસ્ટ મામલે યુનિવર્સિટીની ફરી તપાસ કરી રહી છે, તેવામાં આ કેસ પણ સામે આવ્યો છે અને યુનિવર્સિટી પર વધુ સવાલો ઉઠ્યા છે.

