ડોનાલ્ડ ટ્રમ્પના ભાષણનો વિડીયો કાપ-કૂપ કરીને રજૂ કરનાર BBCએ માંગી માફી: વળતર ના આપવા બતાવ્યા બહાના

યુનાઇટેડ સ્ટેટ્સના (USA) રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ભાષણના ભાગોને BBCએ કાપી-કૂપીને ખોટી રીતે રજૂ કર્યા હોવાનો વિવાદ તાજેતરમાં ચર્ચાનો વિષય બન્યો છે. હવે આ વિવાદમાં બીબીસીએ ટ્રમ્પ પાસે માફી માંગી છે, પરંતુ વળતર આપવાનો ઇનકાર કર્યો છે.

નોંધનીય છે કે ડિસેમ્બર 2021માં ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકોએ કોંગ્રેસની ઈમારત પર હુમલો કર્યો હતો. આ દરમિયાન ટ્રમ્પે આપેલ ભાષણના વિડીયોમાં કાપ-કૂપ કરીને BBCએ દર્શાવ્યો હતો. આ વિડીયો BBCના જાણીતા ન્યૂઝ પ્રોગ્રામ ‘પનોરામા’ના એક એપિસોડ-‘ટ્રમ્પ: અ સેકન્ડ ચાન્સ’માં દર્શાવવામાં આવ્યો હતો.

આ એપિસોડ 2025ના અમેરિકન ચૂંતણીઓની એક અઠવાડિયા પહેલાં પ્રકાશિત થયો હતો. આ વિડીયોમાં ટ્રમ્પના ભાષણની અલગ-અલગ ક્લિપ જોડીને એવી રીતે દર્શાવવામાં આવ્યું હતું કે જોનારને એવું લાગે કે ટ્રમ્પનું આ ભાષણ જ કેપિટલ હિલના હુમલાનું કારણ હતું.

ત્યારબાદ ટ્રમ્પે BBC વિરુદ્ધ કડક પ્રતિક્રિયા આપી હતી. તેમના વકીલોએ BBCને એક પત્ર લખીને સંપૂર્ણ ખંડન, માફી અને 1 અબજ ડોલરનું (લગભગ 759 મિલિયન પાઉન્ડ) વળતર માંગ્યું હતું. ટ્રમ્પના વકીલોએ કહ્યું કે આ એડિટ અમેરિકન ડિફેમેશન (માનહાનિ) કાયદાનું ઉલ્લંઘન છે.

આ મામલો વધારે ત્યારે ખુલ્લો પડ્યો જ્યારે ડેઈલી ટેલિગ્રાફ વેબસાઈટે BBCનો ઇન્ટરનલ મેમો લીક કર્યો, જેમાં આ એડિટ સહિત અન્ય વિષયો પર BBCની એકતરફી કવરેજની ટીકા કરવામાં આવી હતી. આ મેમો ભૂતપૂર્વ બીબીસીના વિશેષજ્ઞ માઈકલ પ્રેસ્કોટે તૈયાર કર્યું હતું, જેમાં કહેવામાં આવ્યું કે BBCએ ટ્રમ્પને હિંસા માટે જવાબદાર બનાવવા માટે જાણીજોઈને ભાષણને કાપ્યું હતું.

BBCએ માફી માંગી પણ વળતરનો ઇનકાર કર્યો

આ મામલો સામે આવ્યા બાદ BBCના ન્યુઝ ડાયરેક્ટર જનરલ ટિમ દેવી અને ન્યુઝ CEO ડેબોરા ટર્નેસે રાજીનામું આપી દીધું હતું. હવે BBCએ ડોનાલ્ડ ટ્રમ્પની માફી માંગી છે. પરંતુ વળતર આપવાનો ઇનકાર કર્યો છે.

આનો જવાબ BBCએ પાંચ મુદ્દામાં આપ્યો છે. જેમાં પહેલું છે કે આ એપિસોડ અમેરિકામાં બતાવાયો નથી અને યુકે આઈપ્લેયર પર જ ઉપલબ્ધ હતો. બીજું કે ટ્રમ્પને કોઈ નુકસાન થયું નથી કારણ કે તેઓ ફરીથી ચૂંટાયા છે. ત્રીજો મુદ્દો છે કે આની પાછળ કોઈ ખોટો આશય નહોતો.

ચોથો મુદ્દો હતો કે આ ક્લિપ એક કલાકના એપિસોડમાં સંદર્ભ સાથે હતી જેમાં ટ્રમ્પના સમર્થકોના અવાજો પણ સંભળાય છે. છેલ્લે પાંચમું કારણ આપ્યું છે કે આ રાજકીય ભાષણ વિશેની ચર્ચા છે, જે કરવાની અમેરિકન કાયદો છૂટ આપે છે. BBCના અંદાજી 19-પાનાના રિપોર્ટમાં પણ આ એડિટને નુકસાનકારક નથી માનવામાં આવ્યું.